અમરેલી: મસ્ક્યુલર એટ્રોફીથી પીડાતી 7 મહિનાની વૃંદા માટે વરસી દાનની સરવાણી, સમાજે 17.50 કરોડની કરી સખાવત- વીડિયો
સમાજ ધારે તો શું ન કરી શકે તેનુ ઉમદા ઉદાહરણ પુરુ પાડ્યુ છે. પાટીદાર સમાજે. અમરેલીમાં મસ્ક્યુલર એટ્રોફીથી પીડાતી 7 મહિનાની દીકરી વૃંદાની મદદ માટે દાનની સરવાણી વરસી છે. અત્યંત સાધારણ પરિસ્થિતિના વૃંદાના પરિવારની મદદે સમાજ આવ્યો અને 17.50 કરોડ જેવી માતબર રકમ એકત્ર કરી આપી દીકરીને નવજીવન આપવાનુ કામ કર્યુ છે.
એવું કહેવાય છે કે વિના સહકાર નહીં ઉદ્ધાર. અમરેલીના વડિયામાં કંઈક એવું જ બન્યું છે. અહીંયા 7 માસની એક દીકરી વૃંદાને મસ્ક્યુલર એટ્રોફી નામની બીમારી હતી જેની સારવાર માટે એક બે લાખ નહીં પરંતુ 17.50 કરોડની જરૂર હતી. આર્થિક રીતે સાધારણ એવા પરિવાર માટે તો આભ ફાટ્યા જેવી સ્થિતિ હતી. આટલી મોટી રકમની વ્યવસ્થા કરવાનું તેમનું ગજૂ પણ નહોતું અને આશા પણ નહોતી. પરંતુ આ સમયે સમાજ આ પરિવારની પડખે ઉભો રહ્યો અને પછી જે થયું એ ચમત્કારથી ઓછું નહોતું.
બન્યું એવું કે નાનકડી એવી વૃંદાની સારવાર કરવા તેના પરિવારે સાડા સત્તર કરોડ ભેગા કરવા ગુજરાતની જનતા પાસે ટહેલ નાખી. આ દીકરીને જાણે આખા પાટીદાર સમાજે અને અન્ય સમાજે પણ જાણે દત્તક લીધી હોય એમ અનેકાનેક દાતાઓએ મન મૂકીને દાન આપ્યું..કેટલીક રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મળી…અરે કેટલીક શાળાના બાળકોએ પણ પોતાનાથી બનતું નાનકડું પ્રદાન કર્યું અને લોકોની સખાવત, આશિર્વાદ રંગ લાવ્યા. આખરે સાત મહિનાની વૃંદાની મુંબઈની પી ડી હિન્દુજા નેશનલ હોસ્પિટલમાં સારવાર થઈ અને પરિવારની આંખોમાં હરખના આંસુ છલકાયા.
આ પણ વાંચો: રાજકોટના વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન રામને અનોખી ભેટ, 350 ફૂટ લાંબો હાર અયોધ્યા મોકલશે
મસ્ક્યુલર એટ્રોફી. આ એજ બીમારી જેના ઇલાજ માટે લોકો પાસેથી હાથ લાંબો કરવાનો વારો આવે છે. કારણ કે આ બીમારી સામે લડવા માટે એક ઇન્જેક્શન આપવામાં આવે છે જેની કિંમત જ 16 કરોડ રુપિયા હોય છે. તમને યાદ હોય તો ધૈર્યરાજ. તેને પણ આ બીમારી હતી જે માટે સોશિયલ મીડિયા સહિત બધી જગ્યાએ સારવાર કરાવવા માટે કેમ્પેઇન શરુ કરવામાં આવ્યુ હતુ. વૃંદાની બીમારીની સારવાર પણ સમયસર થઈ જતાં તેના પરિવારમાં દિવાળી જેવો માહોલ છે.
અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો