જો તમારું પોસ્ટ ઓફિસમાં (Post Office Fraud) બચત ખાતું છે અથવા તમે પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં રોકાણ કરો છો, તો આ સમાચાર તમારા માટે વાંચવા જરૂરી છે. કારણ કે તમે સાયબર છેતરપિંડીનો (Cyber Crime) શિકાર બની શકો છો. સાયબર ઠગ એવા લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે જેમનું પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ છે અથવા જેઓ નાની બચત યોજનાઓમાં પોતાની બચતના નાણાનું રોકાણ કરે છે. લોકો પાસે અંગત માહિતી મેળવી ખાતામાંથી રૂપિયા ઉપાડી રહ્યા છે.
સાયબર ઠગ્સ મોટાભાગે વરિષ્ઠ નાગરિકો અથવા મહિલાઓને ટાર્ગેટ કરે છે. સ્કેમર્સ લોકોને ફોન કરે છે અને પોતાને પોસ્ટ ઓફિસના કર્મચારી તરીકે ઓળખ આપે છે. ત્યારબાદ તેઓ ખાતાધારકોને કહે છે કે, આધાર કાર્ડ અને પાન કાર્ડની વિગતો અપડેટ ન થવાને કારણે તેમના ખાતા બંધ કરી દેવામાં આવશે. સાયબર ઠગ ફોન કોલ દરમિયાન તેમની પાસેથી અંગત માહિતી મેળવે છે અને અંતમાં માહિતી અપડેટ કરવા માટે OTP આવે તે શેર કરવાનું કહે છે.
લોકો જ્યારે OTP સાયબર ઠગને આપે છે અને તેઓ તેમના એકાઉન્ટમાંથી રૂપિયાની ચોરી કરે છે. લોકોએ આવા કોલ કે મેસેજને અવગણવા જોઈએ. આ પ્રકારના ફ્રોડના કેસને લઈને પોસ્ટ ઓફિસ દ્વારા લોકોને જાગૃત રહેવા માટે કહેવામાં આવ્યું છે. લોકોએ તેમની જન્મ તારીખ, એકાઉન્ટ નંબર, મોબાઇલ નંબર કે OTP જેવી કોઈપણ વ્યક્તિગત માહિતી કોઈ સાથે શેર કરવી નહીં.
મોબાઈલ પર SMS અને ઈમેલ પર આવતી કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરશો નહીં. તમારા બેંક ખાતા સાથે સંબંધિત અંગત માહિતી કોઈપણ વ્યક્તિ સાથે શેર કરશો નહીં. કોઈપણ શંકાસ્પદ કોલ્સ, મેસેજ અથવા મેઈલનો જવાબ આપશો નહીં અને તેને બ્લોક કરવો. છેતરપિંડી કરનારાઓ તમને લોટરી જીતવાની તેમજ રોકાણ પર મોટા નફાની લાલચ આપીને તમારી પાસેથી રૂપિયાની માગ કરી શકે છે. તેથી, લાલચમાં કોઈ અજાણ્યા વ્યક્તિને નાણા મોકલવા નહીં.
જો છેતરપિંડી થાય તો તમે 1930 પર કોલ કરો. કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 1:14 pm, Tue, 26 September 23