ઈન્ડિયન સ્પેસ એન્ડ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) આ વર્ષે ઓગસ્ટમાં ચંદ્રયાન-3 (Chandrayaan-3) લોન્ચ કરવા જઈ રહ્યું છે. બે વર્ષ પહેલાં, ચંદ્ર મિશન દરમિયાન, ISROનું અવકાશયાન ચંદ્રની સપાટી સાથે અથડાયું હતું અને આ રીતે મિશન નિષ્ફળ ગયું હતું. વાસ્તવમાં, અવકાશ વિભાગે ચંદ્ર મિશનમાં (Moon Mission) વિલંબ સંબંધિત પ્રશ્નોના જવાબમાં લોકસભામાં સમયરેખા જાહેર કરી હતી. અવકાશ વિભાગે એક લેખિત જવાબમાં કહ્યું કે ચંદ્રયાન-2 મિશનમાંથી શીખેલા પાઠ અને વૈશ્વિક નિષ્ણાંતોના સૂચનોના આધારે ચંદ્રયાન-3 પર કામ ચાલી રહ્યું છે.
વિભાગે વધુમાં કહ્યું કે તેણે જરૂરી પરીક્ષણો પૂર્ણ કરી લીધા છે અને તેનું પ્રક્ષેપણ ઓગસ્ટ 2022માં થવાનું છે. મિશનમાં સતત વિલંબ થવાના કારણો અંગેના પ્રશ્નોના જવાબમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે કોવિડ-19 રોગચાળાને કારણે ઘણા ચાલુ મિશન પ્રભાવિત થયા છે. લોકસભામાં એક લેખિત જવાબમાં, કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, અવકાશ ક્ષેત્રના સુધારા અને નવા રજૂ કરાયેલ માંગ-સંચાલિત મોડલના બેકગ્રાઉન્ડમાં પ્રોજેક્ટ્સની પ્રાથમિકતા નક્કી કરવામાં આવી છે. ચંદ્રયાન-3 મિશન 2021માં લોન્ચ થવાનું હતું, પરંતુ રોગચાળાને કારણે તેમાં વિલંબ થયો છે.
ચંદ્રયાન-3 મિશનને ઓક્ટોબર 2008માં શરૂ કરાયેલા પ્રથમ ચંદ્રયાન મિશનથી ઘણી મદદ મળી છે. પ્રથમ ચંદ્રયાન મિશન દ્વારા ચંદ્રની સપાટી પર પાણીના પુરાવા મળ્યા હતા. ચંદ્રયાન-2 ચંદ્ર પર ક્રેશ થયા બાદ ત્રીજું મૂન મિશન થવા જઈ રહ્યું છે. ચંદ્રયાન-2 મિશન હેઠળ લેન્ડર અને રોવર ક્રેશ થયા. પરંતુ તેની ભ્રમણકક્ષા હજી પણ ચંદ્રની સપાટી ઉપર આગળ વધી રહી છે. ISRO ચંદ્રયાન-3 સાથે આ ઓર્બિટરનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહ્યું છે.
કેન્દ્રીય મંત્રી ડો. જિતેન્દ્ર સિંહે પોતાના લેખિત જવાબમાં જણાવ્યું કે અંતરિક્ષ વિભાગે 2022માં 19 મિશન લોન્ચ કરવાની યોજના બનાવી છે. આ વર્ષે ISRO 08 લોન્ચ વ્હીકલ મિશન, 07 અવકાશયાન મિશન અને 04 ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેટર મિશન હાથ ધરશે.
મંત્રીએ જણાવ્યું હતું કે, અવકાશ ક્ષેત્રમાં સુધારા સાથે, અવકાશ વિભાગ માંગ આધારિત મોડલના આધારે ઉપગ્રહોની ભાવિ જરૂરિયાતોની સમીક્ષા કરી રહ્યું છે. મંત્રાલયો અને સંભવિત ગ્રાહકો સાથે વાતચીત ચાલી રહી છે. 2022નું પ્રથમ લોન્ચ વેલેન્ટાઈન ડે વીકમાં થવાની શક્યતા છે. આ અંતર્ગત એક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ લોન્ચ કરવામાં આવશે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –