Andaman and Nicobar Island: પંચાયતની ચૂંટણી પહેલા કોંગ્રેસે આ પાર્ટી સાથે કર્યું ગઠબંધન, 6 માર્ચ યોજાશે મતદાન
અંદમાન અને નિકોબાર ટાપુઓની તમામ ગ્રામ પંચાયતો, પંચાયત સમિતિઓ, જિલ્લા પરિષદ અને પોર્ટ બ્લેર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી 6 માર્ચે યોજાશે.
Andaman and Nicobar Island: અંદમાનમાં પંચાયત નગરપાલિકાની ચૂંટણીઓ (Panchayat Election) યોજાવા જઈ રહી છે. કોંગ્રેસે આ ચૂંટણી માટે તેલુગુ દેશમ પાર્ટી (TDP) સાથે ગઠબંધન કર્યું છે. અંદમાન અને નિકોબાર પ્રદેશ કોંગ્રેસ સમિતિ (ANTCC)ના પ્રમુખ રંગલાલ હલદર અને તેલુગુ દેશમ પાર્ટીના સ્થાનિક એકમના પ્રમુખ માણિક્ય રાવ યાદવે બુધવારે ગાંધી ભવન ખાતે બેઠક યોજી હતી. જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બેઠકમાં એ વાત પર સહમતિ બની છે કે TDP પોર્ટ બ્લેર મ્યુનિસિપલ કાઉન્સિલ (PBMC)ના વોર્ડ નંબર 2, 5 અને 16માંથી ચૂંટણી લડશે. હલ્દરે કહ્યુ કે, વિકાસના હિતમાં અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં લોકશાહી શાસન માટે કોંગ્રેસ અને ટીડીપીએ ગઠબંધન કર્યું છે. વધુમાં તેમણે જણાવ્યુ કે, અમે જીત માટે પ્રયત્ન કરીશુ અને મને ખાતરી છે કે આ ગઠબંધન કોંગ્રેસને PBMC અને પંચાયત ચૂંટણી જીતવામાં મદદ કરશે.
આ બે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાશે નહીં
તમને જણાવી દઈએ કે, અંદમાન અને નિકોબાર ટાપુઓની તમામ ગ્રામ પંચાયતો, પંચાયત સમિતિઓ, જિલ્લા પરિષદ અને પોર્ટ બ્લેર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી 6 માર્ચે યોજાશે. કેન્દ્રશાસિત પ્રદેશના ચૂંટણી કમિશનર નરેન્દ્ર કુમારે આ જાહેરાત કરી હતી. શુક્રવારે અંદમાન અને નિકોબાર ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, નેતાજી નગર અને હટ બેની ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાશે નહીં.
બાકીની તમામ ગ્રામ પંચાયતો (નેતાજી નગર અને હટ બે સિવાય), પંચાયત સમિતિઓ, જિલ્લા પરિષદ- દક્ષિણ આંદામાન, જિલ્લા પરિષદ- ઉત્તર અને મધ્ય આંદામાન અને પોર્ટ બ્લેયર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટેનું જાહેરનામું 4 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે.
નામાંકન કરવાની છેલ્લી તારીખ 11 ફેબ્રુઆરી
ઉલ્લેખનીય છે કે, ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 11 ફેબ્રુઆરી છે.જ્યારે ઉમેદવારી પત્રોની ચકાસણી 12 ફેબ્રુઆરીએ થશે અને નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ 14 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે. 6 માર્ચે મતદાન થશે અને 8મી માર્ચે મતગણતરી થશે. પંચે આ અંગે જણાવ્યુ કે આચારસંહિતા તાત્કાલિક અસરથી લાગુ થઈ ગઈ છે. ઉપરાંત આયોગે કોવિડ-19 માર્ગદર્શિકાઓ અને સામાજિક અંતરના ધોરણોનું સંપૂર્ણ પાલન સુનિશ્ચિત કરવા માટે મતદાનનો સમયગાળો બે કલાક લંબાવવાનો પણ નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો : નવી યોજનાઓની જાહેરાતથી દેશની જનતાને ફાયદો થશે, ખેડૂતોની આવક બમણી થશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી