ચંદ્રયાન-3ની મોટી સફળતા : ચંદ્ર પર ચંદ્રયાન-3 એ કરી અવનવી શોધ, ISRO એ જાહેર કરી આ યાદી, જાણો વિગતે
ISROનું ચંદ્રયાન-3 ચંદ્ર પર સતત તપાસમાં લાગેલું છે. પ્રજ્ઞાન રોવરની ઘણી શોધ દુનિયા માટે મહત્વની બની રહી છે, કારણ કે હવે ચંદ્ર પર ઓક્સિજન મળી ગયો છે, ઓક્સિજનની સાથે અન્ય મહત્વની ઘણી બાબતો ચંદ્રયાન-3ને મળી આવી છે. ચંદ્રયાન-3 ચંદ્ર પર હજુ 2 સપ્ટેમ્બર સુધી રહીને અવનવી શોધ કરશે. આ સ્થિતિમાં માનવજાતને તેનો શું ફાયદો થશે, સમજો...
ભારતના ચંદ્રયાન-3ને મોટી સફળતા મળી છે અને ચંદ્ર પર ગયેલા રોવર ‘પ્રજ્ઞાન’એ એક મોટી શોધ કરી છે. પ્રજ્ઞાનને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઓક્સિજન મળ્યો છે. ઈસરોએ જણાવ્યું કે પ્રજ્ઞાન હવે દક્ષિણ ધ્રુવ પર હાઈડ્રોજનની શોધમાં છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો, વિશ્વના વૈજ્ઞાનિક સમુદાયે આ ઐતિહાસિક ક્ષણની ઉજવણી કરી. પરંતુ હવે ચંદ્રયાન-3 ચંદ્ર પર સંશોધન કરી રહ્યું છે, જે માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ઉપયોગી થવાનું છે.
ઈસરોએ આપેલી માહિતી મુજબ ઓક્સિજનની સાથે પ્રજ્ઞાને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર એલ્યુમિનિયમ, કેલ્શિયમ, મેંગેનીઝ, આયર્ન, સિલિકોન, ટાઈટેનિયમ, સલ્ફરના પુરાવા મળ્યા છે. એટલે કે ભારત એવો દેશ બની ગયો છે, જેણે દુનિયાને પહેલીવાર જણાવ્યું કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઓક્સિજન હોવાના પુરાવા છે. હવે તેનો આગામી પગલું એ હશે કે ચંદ્રના આ ભાગમાં જીવનના પુરાવા મળી આવશે.
ચંદ્રયાન-3ને ચંદ્ર પર શું મળ્યું ?
ઓક્સિજન
લોખંડ
ક્રોમિયમ
ટાઇટેનિયમ
એલ્યુમિનિયમ
કેલ્શિયમ
મેંગેનીઝ
સિલિકોન
સલ્ફર
તમને જણાવી દઈએ કે ચંદ્ર પર પહોંચનારું આ ભારતનું ત્રીજું મિશન છે, ભારતના પહેલા મિશન ચંદ્રયાન-1માં ચંદ્ર પર પાણીની હાજરી જાણવા મળી હતી, આ મિશન 2008માં મોકલવામાં આવ્યું હતું. ચંદ્રયાન-2 ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ ન કરી શક્યું, પરંતુ તેના ઓર્બિટરે ઘણું કામ કર્યું. હવે ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચીને ઈતિહાસ રચી દીધો છે.
ઈસરોનું આગામી મિશન ચંદ્રના આ ભાગમાં હાઈડ્રોજનની શોધ કરવાનું છે. કારણ કે અહીં ઓક્સિજન પહેલેથી જ ઉપલબ્ધ છે, જો હાઇડ્રોજન પણ ઉપલબ્ધ થશે તો પાણીની શક્યતાઓ વધી જશે. એટલે કે જો ચંદ્ર પર ઓક્સિજન અને પાણી બંને હશે તો માનવ વસાહતો સ્થાપવાનું સપનું સાકાર થઈ શકે છે.
ઈસરોનું મહત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-3 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું, જેની સાથે ભારતે ઈતિહાસ રચ્યો હતો. ભારત ચંદ્ર પર પહોંચનાર ચોથો અને દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ દેશ બન્યો. ચંદ્રયાન-3નું પ્રજ્ઞાન રોવર અને 23 ઓગસ્ટે લેન્ડ થયેલ વિક્રમ લેન્ડર 14 દિવસ કાર્યરત રહેશે અને આ સમયમર્યાદા 2 સપ્ટેમ્બરે પૂરી થઈ રહી છે.