IND vs AFG : પ્લેઇંગ 11માં વિરાટની જગ્યા માટે 3 દાવેદાર, એક બોલરનું ડેબ્યુ લગભગ નક્કી !
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝનો પહેલો સામનો આજે 13જૂનના રોજ ધર્મશાળાના HPCA સ્ટેડિયમ ખાતે રમાશે. આ સમયગાળા દરમિયાન ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11માં ઘણા મોટા ફેરફારો જોવા મળી શકે છે.

આજથી (13 જૂન) ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝ રમાશે. આજની પહેલી મેચ ધર્મશાળાના HPCA સ્ટેડિયમ ખાતે રમાશે. બંને દેશો વચ્ચેની આ પહેલી વનડે સિરીઝ છે. જે 2027 વનડે વર્લ્ડ કપની તૈયારીઓના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. શુભમન ગિલની કપ્તાની હેઠળ રમતી ભારતીય ટીમ માટે આ મુકાબલો પડકારજનક સાબિત થઈ શકે છે. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાને કારણે ટીમમાંથી બહાર છે. પરિણામે પહેલી ODI માટે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11માં ઘણા મોટા ફેરફારો જોવા મળશે.
વિરાટ કોહલીની જગ્યા કોણ લેશે?
ભારતીય ચાહકો માટે રાહતની વાત છે કે અનુભવી બેટ્સમેન રોહિત શર્મા તેની હેમસ્ટ્રિંગ ઈજામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો છે અને ફિટનેસ ટેસ્ટ પાસ કરી ચૂક્યો છે. તે ટીમમાં જોડાઈ ગયો છે અને કેપ્ટન શુભમન ગિલ સાથે ઇનિંગની શરૂઆત કરે તેવી અપેક્ષા છે. જોકે વિરાટ કોહલીની ગેરહાજરીમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે નંબર 3 પર કોણ બેટિંગ કરશે? કોહલીની જગ્યાએ આવેલા યશસ્વી જયસ્વાલ અને લાંબા વિરામ પછી પરત ફરતા ઇશાન કિશન વચ્ચે નંબર 3 પોઝિશન માટે સ્પર્ધા છે. જોકે કેએલ રાહુલ પણ આ પોઝિશન માટે એક વિકલ્પ હોઈ શકે છે.
ટીમ ઇન્ડિયાના બોલિંગ કોચ મોર્ને મોર્કેલે પણ પ્રેસ કોન્ફરન્સમાં આ પોઝિશન અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. મોર્ને મોર્કેલે કહ્યું કે, “ઈશાન હોય, કેએલ રાહુલ હોય કે જયસ્વાલ, અમે આ સિરીઝમાં નંબર 3 પર અલગ અલગ ખેલાડીઓને અજમાવીશું અને જોઈશું કે તે કેવી રીતે રમે છે.” આ ઉપરાંત, શ્રેયસ અય્યર નંબર 4 પર બેટિંગ કરશે. દરમિયાન વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલ નંબર 5 પર જવાબદારી સંભાળી શકે છે.
India’s bowling coach Morne Morkel said – “Ishan Kishan, KL Rahul or Jaiswal, We will try different players at No.3 in this ODI series against Afghanistan and see how it goes. Gives us an opportunity to try few things”. (Sahil Malhotra). pic.twitter.com/lrNeIDzW2z
— Mufaddal Shailu (@Shailu_15Jul) June 13, 2026
હાર્દિક પંડ્યાની જગ્યાએ નીતીશ કુમાર રેડ્ડીને તક
હાર્દિક પંડ્યાની ઈજાને કારણે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનાર યુવા ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીને સુવર્ણ તક મળી શકે છે. ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર નંબર 7 પર તેની જગ્યાએ આવી શકે છે. કુલદીપ યાદવ સ્પિનર તરીકે પ્લેઇંગ ઇલેવનનો ભાગ બની શકે છે. જ્યારે ઝડપી બોલિંગની જવાબદારી અર્શદીપ સિંહ અને પ્રસિદ્ધ કૃષ્ણા સંભાળે તેવી શક્યતા છે. ત્રીજા ફાસ્ટ બોલર તરીકે IPL સ્ટાર પ્રિન્સ યાદવ અથવા ગુરનૂર સિંહ બ્રારમાંથી કોઈ એકને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કરવાની તક મળી શકે છે.
ભારતની સંભવિત પ્લેઇંગ 11
રોહિત શર્મા, શુભમન ગિલ (કપ્તાન), ઈશાન કિશન, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતીશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, પ્રિન્સ યાદવ / ગુરનૂર સિંહ બ્રાર.
