IPL 2024: MI vs SRH: મુંબઈએ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું, સૂર્યકુમાર યાદવે 51 બોલમાં ફટકારી શાનદાર સદી
મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું. સૂર્યકુમાર યાદવે 51 બોલમાં અણનમ 102 રન ફટકારીને ટીમને જીત તરફ દોરી હતી. મુંબઈએ ટુર્નામેન્ટમાં ચોથી જીત નોંધાવી હતી. સૂર્યકુમાર યાદવે શાનદાર સિક્સર ફટકારી પોતાની સદી પૂરી કરવાની સાથે મુંબઈ ઈન્ડિયન્સને જીત અપાવી હતી.
મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને એકતરફી રીતે 7 વિકેટે હરાવ્યું હતું. મુંબઈની જીતનો હીરો સૂર્યકુમાર યાદવ હતો જેણે શાનદાર સદી ફટકારી હતી. સૂર્યકુમાર યાદવે માત્ર 51 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. સૂર્યકુમારની સદીના આધારે મુંબઈએ 12 મેચમાં ચોથી જીત નોંધાવી હતી. હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 173 રન બનાવ્યા હતા, જેના જવાબમાં મુંબઈની ટીમે માત્ર 17.2 ઓવરમાં આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. મોટી વાત એ છે કે મુંબઈની 3 વિકેટ માત્ર 31 રનમાં જ પડી ગઈ હતી, પરંતુ આ પછી સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માએ 143 રનની અણનમ ભાગીદારી કરીને ટીમને જીત અપાવી હતી.
સૂર્યકુમાર યાદવનું તોફાન
લક્ષ્યનો પીછો કરતી વખતે મુંબઈએ ઝડપી શરૂઆત કરી હતી પરંતુ બીજી જ ઓવરમાં ઈશાન કિશનની વિકેટ ગુમાવી દીધી હતી. ઈશાન માત્ર 9 રન બનાવી શક્યો હતો. આ પછી કમિન્સે રોહિત શર્માને 4 રને આઉટ કર્યો હતો. નમન ધીર ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. આ પછી સૂર્યકુમાર યાદવ ક્રિઝ પર આવ્યો અને આ ખેલાડીએ હૈદરાબાદની હસી છીનવી લીધી. આ ખેલાડીએ માર્કો જોન્સન, પેટ કમિન્સ, ટી નટરાજન જેવા બોલરોને ફટકાર્યા હતા. સૂર્યકુમારે માત્ર 30 બોલમાં અડધી સદી ફટકારી હતી અને આગામી 21 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. સૂર્યકુમાર યાદવે 6 છગ્ગા અને 12 ચોગ્ગાની મદદથી તેની IPL કારકિર્દીની બીજી સદી ફટકારી હતી.
પંડ્યા-ચાવલાએ ત્રણ વિકેટ ઝડપી
મુંબઈની જીતમાં સૂર્યકુમાર યાદવ ઉપરાંત મુંબઈના બોલરોએ પણ મોટી ભૂમિકા ભજવી હતી. ખાસ કરીને હાર્દિક પંડ્યા અને પિયુષ ચાવલાએ 3-3 વિકેટ લીધી હતી. ચાવલાએ ટ્રેવિસ હેડ અને હેનરિક ક્લાસેનની વિકેટ લીધી હતી, જે બાદ હૈદરાબાદનું મોટા સ્કોર સુધી પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. જસપ્રીત બુમરાહે પણ 4 ઓવરમાં માત્ર 23 રન આપીને એક વિકેટ લીધી હતી.
હૈદરાબાદની હાર
હૈદરાબાદ તરફથી ટ્રેવિસ હેડે સૌથી વધુ 48 રન બનાવ્યા હતા. આ સિવાય પેટ કમિન્સે 17 બોલમાં અણનમ 35 રન બનાવ્યા હતા. બોલિંગમાં ભુવનેશ્વર કુમારે 4 ઓવરમાં 22 રન આપીને એક વિકેટ લીધી હતી જેમાંથી એક ઓવર મેડન હતી. જોકે, હૈદરાબાદની ટીમ હારી ગઈ હતી. હવે આ ટીમના 11 મેચમાં 12 પોઈન્ટ છે.
આ પણ વાંચો : IPL 2024: કોલકાતા જવું હતું પણ 980 કિ.મી. KKRનું વિમાન દૂર ઉતર્યું, હવામાં મોટી ‘ગેમ’ થઈ