હાર્દિક પંડ્યાને ભારતીય ક્રિકેટ માં મહત્વનો ખેલાડી માનવામાં આવે છે. વ્હાઈટ બોલ ફોર્મેટમાં તે ભારતીય ટીમનો મહત્વનો હિસ્સો છે. હાર્દિક પંડ્યા વનડે ક્રિકેટ અને T20 ફોર્મેટમાં ધમાકેદાર રમત રમતો જોવા મળતો હોય છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ તે જબરદસ્ત પ્રદર્શન કરવા સાથે IPL માં પણ તે ગુજરાત ટાઈટન્સનુ સુકાન સંભાળતા શાનદાર રમત દર્શાવતો હોય છે. ટીમ ઈન્ડિયા માટે પણ તે મર્યાદિત ઓવર અને ખાસ કરીને T20 ફોર્મેટમાં સુકાન સંભાળી સફળતા અપાવી ચુક્યો છે. જોકે સવાલ એ થાય છે કે, હાર્દિક પંડ્યા હવે રેડ બોલ ક્રિકેટમાં રમતો ક્યારે જોવા મળશે. પરંતુ આ સવાલો વચ્ચે રવિ શાસ્ત્રીએ જે કહ્યુ છે, એના પરથી તે વ્હાઈટ જર્સીમાં જોવા મળવો હવે મુશ્કેલ લાગી રહ્યુ છે.
ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હવે માત્ર વ્હાઈટ બોલ સાથે જ જોવા મળી શકે છે, વ્હાઈટ જર્સી સાથે જોવા કદાચ નહીં મળે. આ સંભાવના કહો કે, વાસ્તવિકતા અંગેની જાણકારી ટીમ ઈન્ડિયાના પૂર્વ હેડ કોચ રવિ શાસ્રીએ આપી છે. શાસ્ત્રીના શબ્દોથી હવે એમ માનવામાં આવી રહ્યુ છે કે, હાર્દિક પંડ્યા હવે ટેસ્ટ ક્રિકેટ રમતો જોવા નહીં મળી શકે.
દિગ્ગજ પૂર્વ ક્રિકેટર અને ટીમ ઈન્ડિયાના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ હાર્દિક પંડ્યાને લઈ મહત્વની વાત બતાવી છે. શાસ્ત્રી હાર્દિક પંડ્યાની રમત અને તેની ફિટનેસને લઈ સંપૂર્ણ રીતે જાણકાર છે. હાર્દિક પંડ્યાની સારી અને સમસ્યા બંને બાજુઓને રવિ શાસ્ત્રી બરાબર જાણે છે. આવી સ્થિતીમાં પૂર્વ હેડ કોચ જ્યારે હાર્દિક વિશે જાણકારી આપે અને તેના વિશે આગાહી કરે તો, એ વાતમાં પૂરો દમ છે એ સ્વિકાર કરવો રહ્યો.
રવિ શાસ્ત્રીએ કહ્યુ હતુ કે, આગામી વનડે વિશ્વકપમાં હાર્દિક પંડ્યાને ફિટનેસનો સાથ મળે છે તો, તેણે વ્હાઈટ બોલ ક્રિકેટમાં કેપ્ટનશિપ સંભાળી લેવી જોઈએ. જ્યારે રહી વાત ટેસ્ટ ક્રિકેટની તો એક વાત ક્લીયર કરી દઉ કે, તેનુ શરીર એના લાયક નથી રહ્યુ કે, તે ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં રમી શકે.
ટેસ્ટ ક્રિકેટ મેચ છેલ્લે 2018માં હાર્દિક પંડ્યા રમતો જોવા મળ્યો હતો. ત્યાર બાદથી હાર્દિક પંડ્યા વ્હાઈટ જર્સીમાં ક્યારેય જોવા મળ્યો નથી. હવે રવિ શાસ્ત્રીની વાતને સ્વિકારમાં આવે તો, હાર્દિક પંડ્યા ફરીથી હવે ટેસ્ટ ક્રિકેટ રમતો જોવા મળશે નહીં. આમ પાંચ વર્ષથી ટેસ્ટ ક્રિકેટથી દૂર હવે ફરીથી પંડ્યા ટેસ્ટ ક્રિકેટમાં નજર નહીં આવે.
વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટેની સ્ક્વોડ જાહેર થઈ છે, તેમાં મર્યાદીત ઓવરના ફોર્મેટમાં જ હાર્દિક પંડ્યાનો સમાવેશ થયો છે. એટલે કે ટેસ્ટ ક્રિકેટ ટીમમાં હાર્દિક પંડ્યાનો સમાવેશ ભારતીય બોર્ડે કર્યો નથી. આમ હાર્દિક પંડ્યા વનડે મેચ રમશે, પરંતુ ટેસ્ટ મેચમાં નહીં રમે. હાર્દિક પંડ્યાએ 2017માં ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતુ અને માત્ર 11 ટેસ્ટ મેચ જ તે રમી શક્યો છે. હાર્દિક પંડ્યાએ ટેસ્ટ ક્રિકેટમાં 17 વિકેટ ઝડપી છે અને 532 રન નોંધાવ્યા છે.
Published On - 9:36 pm, Sun, 25 June 23