Cheteshwar Pujara Father: ભારતીય ટીમનો હિસ્સો બનશે ચેતેશ્વર પુજારા, ડ્રોપ થયા બાદ પિતાએ બતાવ્યો મજબૂત ભરોસો
India Squad For West Indies: ભારતીય અનુભવી બેટર ચેતેશ્વર પુજારાને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટેની ટીમથી બહાર કરવામાં આવ્યો છે. જેને લઈ ચારેય તરફથી પસંદગીકારો પર સવાલો થવા લાગ્યા છે.
ભારતીય અનુભવી બેટર અને દિવાલ તરીકે ઓળખાતા ચેતેશ્વર પુજારા વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટેની ટીમમાં સામેલ નથી. પુજારાને ટીમ ઈન્ડિયાની ટેસ્ટ સ્ક્વોડથી બહાર કરી દેવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના પસંદગીકારોના આ નિર્ણય પર ભારતીય દિગ્ગજો અને ક્રિકેટ ચાહકો ભડક્યા છે. તો બીજી તરફ શાંત પુજારા પોતાના આગળના મિશન માટે પરસેવો વહાવવા માટે લાગી ચુક્યો છે. પુજારા મેદાનમાં પ્રેક્ટિશ કરીને દુલીપ ટ્રોફીમાં રમવા માટે તૈયારીઓ કરી રહ્યો છે. આ દરમિયાન તેના પિતાએ પણ પુત્ર ફરીથી ટીમ ઈન્ડિયામાં રમતો જોવા મળશે એમ કહ્યુ છે.
કોચ અને પિતા અરવિંદ પુજારાએ પુત્ર ચેતેશ્વર પર ભરોસો દેખાડ્યો છે. તેઓ કહે છે કે, તેમને એવુ કોઈ કારણ નજર આવી રહ્યુ કે તેમનો પુત્ર ટીમ ઈન્ડિયામાં પરત ફરી નહીં શકે. ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસે જઈ રહી છે. આ માટે થઈને BCCI એ ભારતીય ટીમનુ એલાન કર્યુ હતુ અને જેમાં પુજારાને બહાર કરી દીધો હતો. પુજારા હવે દુલીપ ટ્રોફીમાં વેસ્ટ ઝોન તરફથી રમનાર છે.
પિતાનો ભરોસો-વાપસી કરશે
TOI ની સાથે વાતચિતમાં ચેતેશ્વર પુજારાના પિતાએ પુત્રને લઈ ભરોસો બતાવ્યો હતો. પિતા અરવિંદ પુજારાએ કહ્યુ હતુ કે, “તે માનસિક રીતે ખૂબ જ મજબૂત છે. હું પસંદગી અંગે કંઈ કહીશ નહીં પરંતુ હું જે જોઈ રહ્યો છું તેના પરથી લાગી રહ્યું છે કે પુજારા સારી બેટિંગ કરી રહ્યો છે. જ્યારથી વેસ્ટ ઈન્ડિઝ માટે ટીમની પસંદગી થઈ ત્યારથી તેને નેટમાં પરસેવો વળવા લાગ્યો. તે હાલમાં દુલીપ ટ્રોફી અને કાઉન્ટી ચેમ્પિયનશિપમાં રમશે. પિતા અને કોચ હોવાના કારણે મને એવું વિચારવાનું કોઈ કારણ દેખાતું નથી કે તે ફરીથી ટીમ ઈન્ડિયામાં પાછો નહીં આવે.”
પુજારાએ તૈયારીઓ શરુ કરી
અનેક ચર્ચાઓ મુજબ પુજારાને પહેલાથી જ બતાવી દેવામાં આવ્યુ હતુ કે કયા કારણોસર ટીમ મેનેજમેન્ટ આ નિર્ણય લઈ રહ્યુ છે. કેટલાક રિપોર્ટ્સ મુજબ પુજારાને બહાર રાખીને ભારતીય ક્રિકેટ ટીમમાં યુવા ખેલાડીઓને મોકો આપવાનુ ટીમ મેનેજમેન્ટ ઈરાદો ધરાવે છે. આ માટે જ અનુભવી પુજારાને ટીમથી બહાર કરવામાં આવ્યો છે. જોકે પુજારાએ ટીમથી બહાર થયા બાદ પોતાની તૈયારીઓ શરુ કરી દીધી છે. તુરત જ મેદાનમાં ક્રિકેટની તૈયારીઓ કરવા લાગ્યો હતો. જેને વિડીયો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જે ખૂબ વાયરલ થયો હતો.
🏏 ❤️ pic.twitter.com/TubsOu3Fah
— Cheteshwar Pujara (@cheteshwar1) June 24, 2023
આ તૈયારી પુજારાના કમબેક માટેની માનવામાં આી રહી છે. પુજારા ડ્રોપ થયા બાદ તુરત જ મેદાનમાં ઉતરીને પ્રેક્ટિશ કરવા લાગતા તે કમબેકનો મજબૂત ઈરાદો ધરાવે છે એમ નજર આવી રહ્યુ છે. સૌથી પહેલા પુજારા દુલીપ ટ્રોફીમાં રમશે. જેની પર સૌની નજર રહેશે. દુલીપ ટ્રોફીમાં તેનુ પ્રદર્શન આપો આપ તેના માટે ચર્ચા કરવા સાથે મજબૂત દાવો રજૂ કરશે.