Breaking News: T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ગિલ-હાર્દિકનું કમબેક, રિંકુ સિંહ બહાર
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ અને ODI બાદ T20 શ્રેણી શરુ થશે. 9 ડિસેમ્બરથી T20 શ્રેણીની શરૂઆત થશે, જેમાં કુલ 5 મેચ રમાશે. BCCI એ પાંચ મેચની T20 શ્રેણી માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. જેમાં ગિલ-હાર્દિકનું કમબેક થયું છે, જ્યારે રિંકુ સિંહને ટીમમાં સ્થાન નથી મળ્યું.

દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. રાયપુરમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ODI દરમિયાન, BCCI એ પાંચ મેચની T20 શ્રેણી માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી. સૌથી મોટા સમાચાર એ છે કે ઈજાગ્રસ્ત શુભમન ગિલ અને હાર્દિક પંડ્યાનું ટીમમાં કમબેક થયું છે.
T20 શ્રેણી માટે ટીમ જાહેર
T20 શ્રેણી માટે શુભમન ગિલને વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે, પરંતુ શ્રેણીમાં તેની ભાગીદારી તેની ફિટનેસ પર નિર્ભર રહેશે. જોકે, આ શ્રેણી માટે ટીમમાંથી બહાર કરાયેલા રિંકુ સિંહ અંગે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગિલ-હાર્દિકનું કમબેક
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 3 ડિસેમ્બર, બુધવારના રોજ રાયપુરમાં T20 શ્રેણી માટે ટીમની પસંદગી કરી. પસંદગી સમિતિએ પાંચ મેચની શ્રેણી માટે ખેલાડીઓની પસંદગી અંગે ચર્ચા કરવા માટે બેઠક કરી હતી. પ્રશ્ન એ હતો કે પસંદગીકારો શુભમન ગિલની પસંદગી કરશે કે નહીં.
NEWS #TeamIndia‘s squad for the 5⃣-match T20I series against South Africa announced.
Details ▶️ https://t.co/3Bscuq6Gri #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/0bHLCcbwTD
— BCCI (@BCCI) December 3, 2025
રિંકુ-રેડ્ડી બહાર
અજિત અગરકરના નેતૃત્વ હેઠળની પસંદગી સમિતિએ આ શ્રેણી માટે ઓસ્ટ્રેલિયામાં T20I શ્રેણી રમનાર ટીમને પણ જાળવી રાખી છે. એકમાત્ર મોટો ફેરફાર બેટ્સમેન રિંકુ સિંહને પડતો મૂકવામાં આવ્યો છે. રિંકુને ઓસ્ટ્રેલિયામાં T20I શ્રેણીમાં ફક્ત એક જ મેચ રમવાની તક મળી હતી, તે પહેલા એશિયા કપમાં પણ ફક્ત એક જ મેચ રમ્યો હતો. રિંકુ ઉપરાંત, નીતિશ કુમાર રેડ્ડી પણ આ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે.
પ્રથમ ટેસ્ટમાં ગિલને ઈજા થઈ
શુભમન ગિલને દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ દરમિયાન ગરદનની ઇજા થઈ હતી, જેના કારણે તે ટેસ્ટ શ્રેણી અને પછી ODI શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. ત્યારથી તે રિકવરી અને રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યો છે.
T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયા
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા, સંજુ સેમસન, જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, વોશિંગ્ટન સુંદર.
આ પણ વાંચો: Ruturaj Gaikwad : રાયપુરમાં ઋતુરાજે કર્યો કમાલ, માત્ર આટલા બોલમાં પહેલી ODI સદી ફટકારી
