Breaking News: IPL 2026 ફાઈનલમાં વરસાદ પડે અને મેચ રદ થાય, તો RCB-GT માંથી કોણ બનશે ચેમ્પિયન? જાણો IPLનો ખાસ નિયમ
IPL 2026ની ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઈટન્સ આમને-સામને ટકરાવાના છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આ મેચ પર કરોડો ક્રિકેટપ્રેમીઓની નજર છે. જોકે મેચના દિવસે અમદાવાદમાં વરસાદની શક્યતા છે. જો વરસાદ મેચમાં વિક્ષેપ ઊભો કરે અથવા ફાઈનલ રદ થાય તો ચેમ્પિયન કોણ બનશે? ચાલો IPLના નિયમોથી સમજીએ.

IPL 2026ની ફાઈનલ 31 મેના રોજ અમદાવાદમાં રમાશે. લીગ સ્ટેજ અને પ્લેઓફમાં શાનદાર પ્રદર્શન કરનારી RCB અને ગુજરાત ટાઈટન્સ હવે ટ્રોફી માટે જંગ લડશે. RCB એ ક્વોલિફાયર-1 જીતીને સીધો ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો, જ્યારે ગુજરાતે ક્વોલિફાયર-2 માં જીત મેળવીને ફાઈનલની ટિકિટ મેળવી હતી. પણ જો આ મેચમાં વરસાદ પડે અને મેચ રદ થાય તો કોણ વિજેત જાહેર થશે?
વરસાદ પડે તો શું છે IPLના નિયમો
જો ફાઈનલ દરમિયાન વરસાદ પડે તો મેચ પૂર્ણ કરવાના તમામ પ્રયાસ કરવામાં આવશે. જરૂર પડે તો ઓવરોમાં ઘટાડો કરવામાં આવશે અને રમત માટે વધારાનો સમય પણ આપવામાં આવશે. IPLના નિયમો અનુસાર પરિણામ મેળવવા માટે બંને ટીમોએ ઓછામાં ઓછી પાંચ-પાંચ ઓવરની ઈનિંગ રમવી જરૂરી છે.
ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે
વરસાદ સતત ચાલુ રહે અને 31 મેના રોજ મેચ પૂર્ણ ન થઈ શકે તો ફાઈનલને રિઝર્વ ડે પર ખસેડવામાં આવશે. IPL એ ફાઈનલ માટે 1 જૂનનો રિઝર્વ ડે રાખ્યો છે, જેથી ચેમ્પિયનનો નિર્ણય મેદાન પર થઈ શકે.
રિઝર્વ ડે પર પણ મેચ ના રમાય તો શું?
જો રિઝર્વ ડે પર પણ વરસાદને કારણે મેચ શરૂ ન થઈ શકે અથવા પૂર્ણ ન થઈ શકે, તો ફાઈનલ રદ જાહેર કરવામાં આવશે. આવી સ્થિતિમાં કોઈ સુપર ઓવર કે અન્ય વિકલ્પ અપનાવવામાં આવશે નહીં અને ટૂર્નામેન્ટના નિયમો મુજબ વિજેતા નક્કી કરવામાં આવશે.
મેચ રદ થઈ તો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ચેમ્પિયન
ફાઈનલ રદ થવાની સ્થિતિમાં પોઈન્ટ ટેબલમાં ઉપર રહેલી ટીમને ચેમ્પિયન જાહેર કરવામાં આવશે. IPL 2026 ના લીગ સ્ટેજમાં RCB પ્રથમ સ્થાને રહી હતી, જ્યારે ગુજરાત ટાઈટન્સ બીજા સ્થાને રહી હતી. તેથી જો વરસાદના કારણે બંને દિવસની રમત શક્ય નાં બને અને મેચ રદ જાહેર કરવામાં આવે તો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને IPL 2026 ચેમ્પિયન જાહેર કરવામાં આવશે.
