ગુજરાતના ત્રણ જિલ્લામાં આવતીકાલ 3 જાન્યુઆરીથી ત્રણ દિવસ સુધી દરિયાઈ પક્ષીઓની ગણતરી હાથ ધરાશે. આ પક્ષી ગણતરી જ્યા હાથ ધરાવાની છે તે દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબી એમ ત્રણ જિલ્લામાં આવેલ મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચુરીમાં ઓખાથી લઈને નવલખી સુધી અંદાજીત 170 કિ.મી. સુધીના લાંબો દરિયાકાંઠો અને નાના મોટા 42 ટાપુઓનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં આવેલું મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચુરી ભારતનો સૌ પ્રથમ જાહેર કરવામાં આવેલ દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાન છે. રાજ્યના દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબી એમ ત્રણ જિલ્લામાં વિસ્તરેલ મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચુરીમાં ઓખાથી નવલખી સુધી અંદાજીત 170 કિ.મી. લાંબા દરિયાકાંઠા અને 42 ટાપુઓનો સમાવેશ થાય છે. 4
કચ્છના અખાતમાં આવેલા આ પ્રોટેક્ટેડ એરીયાને અહીં જોવા મળતી દરિયાઇ જીવસૃષ્ટિ અને ચેર -મેન્ગ્રુવના સંવર્ધન અને સંરક્ષણના મુખ્ય ઉદ્દેશ્યથી જાહેર કરવામાં આવ્યો છે. આ ભારતમાં એકમાત્ર સ્થળ છે જ્યાં ઓટના સમય દરમિયાન પગપાળા પ્રવાસ કરીને દરિયાઇ જીવસૃષ્ટિનું અવલોકન કરી શકાય છે. જ્યારે અન્ય સ્થાનો ઉપર સ્કુબા ડાઇવીંગ કરવી અનિવાર્ય બની જાય છે.
મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચુરીમાં આલ્ગી, દરિયાઇ શેવાળ, વાદળી, સખત અને નરમ પરવાળા, ડોલ્ફીન, કાચબા, ડુગોંગ, પોરપોઇઝ, વિવિધ જાતિના કરચલાં, પફરફીશ, સ્ટારફીશ, બ્રિટલ સ્ટાર, ઓક્ટોપસની સાથે ચેરની વિવિધ પ્રજાતિઓનો પણ સમાવેશ થાય છે.
આ વિસ્તાર ભૌગોલિક દ્રષ્ટિએ સેન્ટ્રલ એશિયન ફ્લાયવેનો ભાગ હોવાથી આ વિસ્તારનું પક્ષી વૈવિધ્ય પણ ખૂબ જ સમૃદ્ધ છે. સેન્ટ્રલ એશિયન ફ્લાયવે (મધ્ય એશિયાઇ ઉડ્ડયનમાર્ગ) એ યુરોપ -એશિયામાં આર્કટીક અને હિન્દ મહાસાગર પર ફેલાયેલો છે.
ખાસ કરીને ઉત્તરે સાઇબેરીયાના બ્રિડીંગ ગ્રાઉન્ડસ-પક્ષીઓ પ્રજનન માટે ઉપયોગમાં લેતા વિસ્તારથી લઇને દક્ષિણ-પશ્ચિમી એશિયા, માલદિવ્સ અને બ્રિટીશ ઇન્ડીયન ઓશન ટેરેટરીમાં આવેલા નોન બ્રિડીંગ-વિન્ટર ગ્રાઉન્ડસ એટલે કે, શિયાળો પસાર કરવા માટેના વિસ્તારોનો સમાવેશ થાય છે. યાયાવર પક્ષીઓ ખાસ કરીને વોટર બર્ડસ-પાણીના પક્ષીઓ તેઓના વાર્ષિક પ્રવાસ દરમિયાન આ ફ્લાય વે મારફતે અનેક દેશો પરથી પસાર થઇને તેમનો પ્રવાસ પૂર્ણ કરે છે.
સ્થાનિક અને વિદેશી પક્ષીઓ માટે ગુજરાતનો જામનગર જિલ્લો રાષ્ટ્રીયકક્ષાએ ખૂબ અનેરુ મહત્વ ધરાવે છે. દર વર્ષે લાખોની સંખ્યામાં પક્ષીઓ આ સમૃદ્ધ વિસ્તારોમાં વિહરતા જોવા મળે છે. આ વિસ્તારમાં આવેલા જળપ્લાવિત વિસ્તારો, લાંબી દરિયાઈ પટ્ટી, ડુંગરાળ અને ઘાસના વિસ્તારો, જળાશયો અને સોલ્ટ પાન પક્ષીઓને રેહઠાણ-ખોરાક માટેની આદર્શ પરિસ્થિતિ પુરી પાડતા હોવાથી તેમના માટે આ વિસ્તાર સ્વર્ગ સમાન છે.
દરિયાઈ પક્ષી ગણતરીના કાર્યક્રમનું આયોજન વન વિભાગ અને બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત-BCSGના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવશે.