ઈંગ્લેન્ડ સામે T20 સિરીઝ 4-1 થી જીતી ભારતે ઘરઆંગણે T20માં પોતાનો દબદબો યથાવત રાખ્યો હતો. આ ટીમમાં સામેલ કેટલાક ખેલાડીઓ લાંબા સમયથી ટીમના વિજયરથ પર સવાર છે. જેમાં એક ખેલાડી એવો છે જે ભારત માટે 'લકી ચાર્મ' સાબિત થયો છે, કારણકે તે ભારત માટે જે છેલ્લી 30 મેચ રમ્યો છે એ તમામ મેચો ભારતે જીતી છે.
ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર શિવમ દુબે T20 ફોર્મેટમાં લકી ચાર્મ બની ગયો છે. શિવમ દુબેને તાજેતરમાં ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની T20 શ્રેણીની છેલ્લી બે મેચમાં રમવાની તક મળી છે. આ બંને મેચમાં દુબેએ પોતાની શાનદાર બેટિંગ અને બોલિંગ બતાવી, જેના કારણે ટીમ ઈન્ડિયા જીતવામાં મદદ મળી. આ સાથે, શિવમ દુબેના નામે એક એવો રેકોર્ડ નોંધાઈ ગયો છે, જેની નજીક પણ કોઈ ખેલાડી નથી.
હકીકતમાં, શિવમ દુબેએ T20 ક્રિકેટમાં સતત 30 T20 આંતરરાષ્ટ્રીય મેચ જીતવાનો વિશ્વ રેકોર્ડ નોંધાવ્યો છે. એટલે કે, છેલ્લી 30 મેચો જે શિવમ દુબે ટીમ ઈન્ડિયા માટે રમ્યો છે તેમ ટીમ ઈન્ડિયાની હાર થઈ નથી. આ રીતે, શિવમ T20 ક્રિકેટમાં ભારતીય ટીમ માટે લકી ચાર્મ સાબિત થઈ રહ્યો છે.
શિવમ દુબેએ અત્યાર સુધીમાં ટીમ ઈન્ડિયા માટે કુલ 35 T20 મેચ રમી છે. તેણે 3 નવેમ્બર 2019ના રોજ બાંગ્લાદેશ સામે ડેબ્યૂ કર્યું હતું. આ મેચમાં ટીમ ઈન્ડિયાનો 7 વિકેટથી પરાજય થયો હતો. આ પછી, શિવમ દુબેની પાંચમી મેચમાં પણ ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે પરાજય થયો હતો, પરંતુ આ પછી શિવમે ટીમ ઈન્ડિયા માટે કુલ 30 T20 મેચ રમી જેમાં ભારત એક પણ મેચ હાર્યું નથી.
શિવમ દુબેએ 35 T20 મેચોમાં 140.10ના સ્ટ્રાઈક રેટથી 531 રન બનાવ્યા છે. દુબેએ બેટિંગમાં 4 અડધી સદી ફટકારી છે અને તેનો સર્વોચ્ચ સ્કોર 63 રન છે. આ ઉપરાંત શિવમ 4 ODI મેચ પણ રમી ચૂક્યો છે. બોલિંગમાં તેણે T20માં 13 અને ODI માં 1 વિકેટ લીધી છે. (All Photo Credit : PTI)
Published On - 4:54 pm, Wed, 5 February 25