કેએલ રાહુલ ઈંગ્લેન્ડ સામેની T20 અને ODI શ્રેણીમાંથી બહાર, છતાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં પસંદગી નક્કી
19 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે T20 અને વનડે શ્રેણી રમવાની છે. ખાસ કરીને ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારીઓ માટે વનડે સિરીઝને મહત્વની માનવામાં આવે છે પરંતુ રાહુલને તેમાંથી આરામ આપવામાં આવી રહ્યો છે. છતાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેની પસંદગી કરવામાં આવશે તેવા સમાચાર સામે આવ્યા છે.
1 / 5
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માટે આગામી દિવસોમાં ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવશે. આ ટૂર્નામેન્ટ પહેલા ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે T20 અને ODI શ્રેણી પણ રમવાની છે, જે ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારીઓ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ બંને શ્રેણી અને ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં કોને સ્થાન મળશે અને કોને નહીં તે અંગે ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચા વચ્ચે સ્ટાર વિકેટકીપર કેએલ રાહુલને લઈને એક મોટા સમાચાર આવ્યા છે.
2 / 5
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ ઈંગ્લેન્ડ સામેની આ આઠ મેચો માટે રાહુલને આરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે આમ છતાં પસંદગી સમિતિએ રાહુલને ખાતરી આપી છે કે તેને ચેમ્પિયન્સ ટ્રોફી માટે પસંદ કરાયેલી ટીમમાં ચોક્કસ સ્થાન મળશે. આનો અર્થ એ થયો કે રાહુલ ન તો T20 સિરીઝમાં રમશે કે ન તો ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીની 3 મેચ રમશે, તેમ છતાં તેને ટૂર્નામેન્ટ માટે 15 ખેલાડીઓની ટીમમાં સામેલ કરવામાં આવશે.
3 / 5
આવી સ્થિતિમાં, જો પસંદગી સમિતિએ ખાતરી આપી છે કે તેને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ચોક્કસપણે પસંદ કરવામાં આવશે, તો વધુ સારું એ હોત કે રાહુલ વનડે શ્રેણી રમીને પોતાને તૈયાર કરે. જો તેને આટલી મોટી ટૂર્નામેન્ટમાં કોઈપણ તૈયારી વિના સીધો મેદાનમાં ઉતારવામાં આવે છે અને નિષ્ફળતા મળે તો માત્ર વિકેટકીપર-બેટ્સમેન પર જ નહીં, પરંતુ પસંદગી સમિતિ પર પણ સવાલો ઉભા થશે.
4 / 5
જો કે, એવી પણ સંભાવના છે કે રાહુલે પોતે BCCI પાસે બ્રેક માંગ્યો હશે, કારણ કે તેની પત્ની આથિયા શેટ્ટી ટૂંક સમયમાં બાળકને જન્મ આપવા જઈ રહી છે. રાહુલ અને અથિયા પહેલીવાર માતા-પિતા બનવા જઈ રહ્યા છે, તેથી શક્ય છે કે રાહુલ આ ખાસ પ્રસંગે પરિવાર સાથે રહેવા માંગે છે અને તેથી તેને આરામ આપવામાં આવ્યો છે.
5 / 5
એક કારણ એ પણ હોઈ શકે છે કે પસંદગી સમિતિએ પહેલા જ રાહુલને મુખ્ય વિકેટકીપર તરીકે પસંદ કરી લીધો છે, કારણ કે તેણે 2023 વર્લ્ડ કપમાં આ ભૂમિકા સારી રીતે ભજવી હતી. આવી સ્થિતિમાં તેની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયા સંજુ સેમસન અને રિષભ પંતમાંથી કોઈ એકને તક આપીને બેકઅપ વિકેટકીપર અંગે નિર્ણય લેવા માંગે છે. (All Photo Credit : PTI)