રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની T20 સિરીઝની ત્રીજી મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા આ સિરીઝમાં હાલમાં 2-0થી આગળ છે. શ્રેણીની ત્રીજી મેચ માટે, ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ 11માં મોટો ફેરફાર કર્યો છે. ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમીની ભારતીય ટીમના પ્લેઈંગ 11માં વાપસી થઈ છે.
ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમીની ભારતીય ટીમના પ્લેઈંગ 11માં વાપસી સાથે ભારતીય ચાહકોની 14 મહિનાની રાહનો અંત આવ્યો છે. મોહમ્મદ શમીએ આ પહેલા 2023 ODI વર્લ્ડ કપ દરમિયાન ટીમ ઈન્ડિયા માટે તેની છેલ્લી મેચ રમી હતી.
મોહમ્મદ શમી ODI વર્લ્ડ કપ 2023 દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારથી તે ટીમ ઈન્ડિયાની બહાર હતો. આ પછી ફેબ્રુઆરી 2024માં તેણે પગની ઘૂંટીની સર્જરી કરાવવી પડી. ત્યારબાદ તેણે ડોમેસ્ટિક ક્રિકેટ રમીને પોતાની ફિટનેસ ટેસ્ટ કરી અને ટીમ ઈન્ડિયામાં વાપસી કરી. હવે તે પ્લેઈંગ 11માં પણ પરત ફર્યો છે.
શમી લાંબા સમય બાદ ભારતીય ટીમ માટે T20 મેચ રમવા આવ્યો છે. 2022 T20 વર્લ્ડ કપ પછી આ પ્રથમ વખત છે જ્યારે તે ભારત માટે T20 મેચ રમી રહ્યો છે. મોહમ્મદ શમીએ આ મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે માત્ર 23 T20 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન, તેણે 8.94ની ઈકોનોમીથી રન આપ્યા છે અને માત્ર 24 વિકેટ લીધી છે.
T20માં શમીની વાપસીથી તેની ફિટનેસ કેવી છે તે જાણી શકાશે. મોહમ્મદ શમીને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં મોહમ્મદ શમી માટે તેનું ફોર્મ પાછું મેળવવા માટે આ શ્રેણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. શમી છેલ્લા કેટલાક સમયથી ડોમેસ્ટિક ક્રિકેટ રમી રહ્યો હતો. પરંતુ આ દરમિયાન તેના ઘૂંટણમાં થોડો સોજો આવી ગયો હતો, જેના કારણે તેની ટીમ ઈન્ડિયામાં વાપસીમાં પણ વિલંબ થયો હતો. (All Photo Credit : PTI / ESPN)