પ્રોટેમ સ્પીકર એટલે શું ? જાણો કેવી રીતે થાય છે પસંદગી અને શું હોય છે તેમની કામગીરી
લોકસભાના પ્રોટેમ સ્પીકરની નિમણૂકને લઈને વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસે દ્વારા આ પદ માટે સિનિયોરિટીની અવગણના કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે આ લેખમાં જાણીશું કે પ્રોટેમ સ્પીકર એટલે શું ? તેમની કામગીરી શું હોય છે અને તેમની નિમણૂક કોણ કરે છે.
18મી લોકસભાના પ્રોટેમ સ્પીકર તરીકે કટકના ભારતીય જનતા પાર્ટીના સાંસદ ભર્તૃહરિ મહતાબને નિયુક્ત કરવામાં આવ્યા છે. ભર્તૃહરિ મહતાબ કટકથી સાત વખત લોકસભા ચૂંટણી જીત્યા છે. જો કે, લોકસભાના પ્રોટેમ સ્પીકરની નિમણૂકને લઈને વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસે દ્વારા આ પદ માટે સિનિયોરિટીની અવગણના કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે આ લેખમાં જાણીશું કે પ્રોટેમ સ્પીકર એટલે શું ? તેમની કામગીરી શું હોય છે અને તેમની નિમણૂક કોણ કરે છે.
પ્રોટેમ સ્પીકર એટલે શું ?
પ્રોટેમ એ લેટિન શબ્દ પ્રો ટેમ્પોરનું ટૂંકું સ્વરૂપ છે. જેનો અર્થ થાય છે ‘થોડા સમય માટે’. નવા લોકસભા અધ્યક્ષની નિમણૂક ન થાય ત્યાં સુધી પ્રોટેમ સ્પીકરની નિમણૂક કરવામાં આવે છે. લોકસભાના પ્રિસાઇડિંગ ઓફિસર હોવાને કારણે સ્પીકર લોકસભાની કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
બહુમતીના આધારે સ્પીકરની પસંદગી કરવામાં આવે છે, જો કે, જ્યાં સુધી સ્પીકરની પસંદગી ના કરવામાં આવે ત્યાં સુધી પ્રોટેમ સ્પીકરને લોકસભાની મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવવા માટે ચૂંટવામાં આવે છે. તેથી જ તો પ્રોટેમ સ્પીકરને ટેમ્પરરી સ્પીકર તરીકે પણ ઓળખવામાં આવે છે. બંધારણમાં પ્રોટેમ સ્પીકરના પદનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ સંસદીય બાબતોના મંત્રાલયના મેન્યુઅલમાં પ્રોટેમ સ્પીકરની નિમણૂક અને શપથનો ઉલ્લેખ કરાયો છે.
પ્રોટેમ સ્પીકરની કેવી રીતે થાય છે પસંદગી ?
નવી લોકસભાની રચના પછી લોકસભાના અધ્યક્ષની પસંદગી પહેલા પ્રોટેમ સ્પીકરની નિમણૂક કરવામાં આવે છે. સંસદીય પરંપરા અનુસાર પ્રોટેમ સ્પીકરની નિમણૂકમાં સૌથી વરિષ્ઠ લોકસભા સભ્યને પ્રાધાન્ય આપવામાં આવે છે. વરિષ્ઠ સાંસદ શાસક પક્ષ અથવા વિપક્ષમાંથી હોઈ શકે છે. પરંતુ તેમાં અપવાદો હોઈ શકે છે.
નવી સરકાર બનતાની સાથે જ સરકારનો લેજિસ્લેટિવ ડિપાર્ટમેન્ટ લોકસભાના વરિષ્ઠ સાંસદોની યાદી તૈયાર કરે છે. આ યાદી સંસદીય બાબતોના મંત્રી અથવા વડાપ્રધાનને મોકલવામાં આવે છે. વડાપ્રધાનની મંજૂરી બાદ સંસદીય કાર્ય મંત્રી પ્રોટેમ સ્પીકર અને અન્ય ત્રણ સાંસદોના નામ અંગે રાષ્ટ્રપતિને માહિતગાર કરે છે. ત્યાંથી મંજૂરી મળ્યા બાદ નામોની જાહેરાત કરવામાં આવે છે.
રાષ્ટ્રપતિ પાસેથી મંજૂરી મેળવ્યા પછી મંત્રાલય નિયુક્ત પ્રોટેમ સ્પીકર અને અન્ય સાંસદોની પેનલને નિમણૂક વિશે જાણ કરે છે. ત્યાર બાદ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ પ્રોટેમ સ્પીકરને શપથ લેવડાવે છે. જ્યારે સાંસદોની પેનલને પ્રોટેમ સ્પીકર દ્વારા શપથ લેવડાવવામાં આવે છે. ત્યાર બાદ પ્રોટેમ સ્પીકર અન્ય તમામ લોકસભા સાંસદોને શપથ લેવડાવે છે. લોકસભાની કાર્યવાહી શરૂ થાય તે પહેલા જ સાંસદોને શપથ લેવડાવવામાં આવે છે. તમામ સભ્યોના શપથ લીધા પછી લોકસભાના અધ્યક્ષની પસંદગી કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે દેશમાં આઝાદી બાદથી જ લોકસભાના અધ્યક્ષોની પસંદગી સર્વસંમતિથી કરવામાં આવે છે.
પ્રોટેમ સ્પીકરની કામગીરી
સંસદીય બાબતોના મંત્રાલયના નિયમો પ્રમાણે, નવી લોકસભા માટે જ્યાં સુધી સ્પીકરની નિમણૂક ના કરવામાં આવે ત્યાં સુધી રાષ્ટ્રપતિ દ્વારા સ્પીકરની જવાબદારીઓ નિભાવવા માટે ગૃહના સભ્યને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કરવામાં આવે છે. પ્રોટેમ સ્પીકરની પ્રાથમિક જવાબદારી નવી લોકસભાના સભ્યોને પદના શપથ લેવડાવવાની હોય છે. નિયમો અનુસાર સાંસદોને શપથ લેવડાવવા માટે રાષ્ટ્રપતિ ત્રણ અન્ય લોકસભા સાંસદોની પણ નિમણૂક કરે છે. આ ઉપરાંત પ્રોટેમ સ્પીકરની દેખરેખ હેઠળ લોકસભાના અધ્યક્ષની ચૂંટણી થાય છે. લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા પણ પ્રોટેમ સ્પીકર કરે છે.
કોણ છે ભર્તૃહરિ મહતાબ ?
ભર્તૃહરિ મહતાબ ઓડિશાના ભદ્રકમાં 8 સપ્ટેમ્બર 1957ના રોજ જન્મેલા ઓડિશાના પ્રથમ મુખ્ય પ્રધાન ડૉ. એચ. મહતાબના પુત્ર છે. મહતાબ નવીન પટનાયકની આગેવાની હેઠળની પાર્ટી બીજુ જનતા દળના સ્થાપક સભ્ય છે અને એક સમયે નવીન પટનાયકની ખૂબ નજીક હતા. મહતાબ બીજેડીની ટિકિટ પર છ વખત લોકસભા પહોંચ્યા છે. જો કે, તાજેતરની લોકસભા ચૂંટણી પહેલા ભર્તૃહરિ મહતાબ બીજેડી છોડીને ભાજપમાં જોડાયા હતા અને હવે તેઓ ભાજપની ટિકિટ પર ચૂંટણી જીતીને લોકસભામાં પહોંચ્યા છે.
અત્યાર સુધી ત્રણ પ્રોટેમ સ્પીકર જ લોકસભાના સ્પીકર બન્યા છે
ભારતમાં ત્રણ વખત એવું બન્યું કે પ્રોટેમ સ્પીકરની ખુરશી પર બેઠેલા વ્યક્તિને લોકસભાના સ્પીકર બનાવવામાં આવ્યા. જેમાં ગણેશ વાસુદેવ માવળંકર, સરદાર હુકુમસિંહ અને સોમનાથ ચેટર્જીનું નામ સામેલ છે. ત્યારે આ વખતે લોકસભાના સ્પીકર પદ માટે વિપક્ષે પણ ઉમેદવારી નોંધાવી છે, તેથી આ વખતે પ્રોટેમ સ્પીકર જ લોકસભાના સ્પીકર બનશે એવું લાગી રહ્યું નથી.
ગણેશ વાસુદેવ માવળંકર
1952માં દેશમાં પ્રથમ લોકસભા ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ પાર્ટી પૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવી હતી. સાંસદોને શપથ લેવડાવવા માટે પ્રોટેમ સ્પીકર ચૂંટાયા હતા. તે સમયે આ જવાબદારી જી.વી.માવળંકરને આપવામાં આવી હતી. જ્યારે સ્પીકરની ચૂંટણીની વાત આવી ત્યારે કોંગ્રેસે માવળંકર ના નામનો જ પ્રસ્તાવ મૂક્યો હતો. એ જ રીતે માવળંકર ને સૌપ્રથમ લોકસભા અધ્યક્ષની ખુરશી મળી. માવળંકર અમદાવાદ લોકસભા બેઠક પરથી સાંસદ હતા. તેઓ લગભગ 1956 સુધી આ પદ પર રહ્યા હતા.
સરદાર હુકુમસિંહ
જીવી માવળંકર પછી ફરી એકવાર એવું બન્યું કે પ્રોટેમ સ્પીકરને લોકસભા સ્પીકરની ખુરશી મળી. વર્ષ 1956માં જીવી માવળંકર ના અવસાન બાદ હુકુમસિંહને પ્રોટેમ સ્પીકર બનાવીને ગૃહ ચલાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 1957માં લોકસભાની ચૂંટણી થઈ અને હુકુમસિંહને ડેપ્યુટી સ્પીકર બનાવવામાં આવ્યા. 1962માં કોંગ્રેસે લોકસભા સ્પીકર માટે હુકુમસિંહના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેઓ લગભગ 1967 સુધી આ પદ પર રહ્યા હતા. આ પદ છોડ્યા બાદ તેઓ સક્રિય રાજકારણથી દૂર રહ્યા હતા.
સોમનાથ ચેટર્જી
2004માં સોનિયા ગાંધીના નેતૃત્વમાં યુપીએએ એનડીએને સખત ટક્કર આપી હતી. તે વખતે યુપીએમાં સીપીએમ બીજી સૌથી મોટી પાર્ટી હતી. જો કે, તેમણે સરકારમાં જોડાવાનો ઇનકાર કર્યો હતો. તેથી કોંગ્રેસે સીપીએમને સ્પીકર પદની ઓફર કરી હતી. સ્પીકર ચૂંટણી પહેલા જ્યારે પ્રોટેમ સ્પીકર નિયુક્ત કરવાના હતા. ત્યારે લોકસભા સચિવાલયે સોમનાથ ચેટર્જીના નામની જાહેરાત કરી. તમામ સાંસદોને શપથ લેવડાવ્યા બાદ જ્યારે કોંગ્રેસે સ્પીકર પદ માટે સોમનાથ ચેટર્જીના નામનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે કોંગ્રેસની સાથે સાથે તમામ પાર્ટીઓએ તેમના નામને સમર્થન આપ્યું હતું. ત્યાર બાદ ચેટરજીની સ્પીકર તરીકે પસંદગી કરવામાં આવી હતી. લોકસભાના સ્પીકર બન્યા ત્યારે સોમનાથ ચેટર્જી પશ્ચિમ બંગાળના બોલપુરથી સાંસદ હતા.
આ પણ વાંચો Success Story : અમેરિકાના મોટેલ ઉદ્યોગમાં ગુજરાતીઓ કેવી રીતે થયા સફળ ? જાણો ક્યાંથી થઈ શરૂઆત