કઠુઆમાં જૈશ-એ-મોહમ્મદના બે કમાન્ડર ઠાર, આતંકવાદી પાસેથી એમ-4, એકે રાઈફલ સહીતના શસ્ત્રો મળ્યા
કઠુઆમાં સુરક્ષા દળોએ હાથ ધરેલ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ બંને આતંકી જૈશ-એ-મોહમ્મદના ટોપ કમાન્ડર હતા. હજુ પણ કેટલાક આતંકીઓ સંતાયા હોવાની સંભાવનાને લઈને સુરક્ષા દળોએ એન્કાઉન્ટર હજુ પણ ચાલુ રાખ્યું છે. કઠુઆના ખંડારા વિસ્તારમાં આતંકવાદીઓ વિરુદ્ધ આ ઓપરેશન ચાલી રહ્યું છે.
જમ્મુ ક્ષેત્રના કઠુઆ જિલ્લામાં સુરક્ષા દળોને આતંકવાદ સામે મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કર્યા છે. આ બંને આતંકી જૈશ-એ-મોહમ્મદના ટોપ કમાન્ડર હતા. તેમની પાસેથી એક એમ-4 અને એક એકે સિરીઝની રાઈફલ, દારૂગોળો અને ખાદ્યપદાર્થો મળી આવ્યા છે. એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે. કઠુઆના ખંડારા વિસ્તારમાં આતંકવાદીઓ વિરુદ્ધ આ ઓપરેશન ચાલી રહ્યું છે.
સુરક્ષા દળોની ટીમો જમ્મુ ક્ષેત્રમાં હાજર આતંકવાદીઓને શોધવા અને તેમને ખતમ કરવા માટે જુદા જુદા વિસ્તારોમાં સતત ઓપરેશન ચલાવી રહી છે. આ ઓપરેશન ભારતીય સેના, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમો દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે કઠુઆમાં પણ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આતંકવાદીઓની હાજરી અંગે ઈનપુટ મળ્યા હતા
આજે બુધવારે, ખંડારા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે ઈનપુટ મળ્યા પછી, સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લેવાનું શરૂ કર્યું. આ દરમિયાન આતંકીઓએ પોતાને ઘેરાયેલા જોઈને સુરક્ષાદળો ઉપર ગોળીબાર કર્યો હતો. જેનાથી સતર્ક થયેલા સૈનિકોએ પોઝીશન સંભાળી લીધી હતી. કેટલાક કલાકો સુધી ચાલેલા આ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા.
આતંકવાદીઓને મારવા એ સુરક્ષા દળો માટે મોટી સફળતા
કઠુઆ જિલ્લાના આ સંવેદનશીલ વિસ્તારમાં સુરક્ષા દળો માટે આ એક મોટી સફળતા છે. વરસાદ અને મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિ વચ્ચે સુરક્ષા દળોએ આતંકવાદીઓ સુધી પહોંચીને તેમનો ખાત્મો કર્યો હતો. સુરક્ષા દળોએ ફરી એકવાર માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં દારૂગોળો, ખાદ્યપદાર્થો અને અન્ય વસ્તુઓ સાથે એમ-4 રાઈફલ્સ જપ્ત કરી છે.
આ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના બે ટોચના કમાન્ડરોનો ખાત્મો એ સુરક્ષા દળો માટે મોટી સફળતા છે. જમ્મુ ક્ષેત્રને આતંકિત કરવા અને અશાંતિ ફેલાવવા માટે સરહદ પારથી સતત ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ માટે પાકિસ્તાન આતંકવાદીઓને મદદ કરી રહ્યું છે. જમ્મુ ક્ષેત્રમાં ઘણા આતંકવાદીઓ સક્રિય છે.
લામ સેક્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા
તાજેતરમાં જ સુરક્ષા દળોએ રાજૌરી જિલ્લાના નૌશેરા વિસ્તારના લામ સેક્ટરમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા બે આતંકીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યા હતા. આતંકવાદીઓએ 8મી સપ્ટેમ્બરની મોડી રાત્રે આ નાપાક કાવતરું ઘડ્યું હતું. આ ઓપરેશન હાથ ધર્યા બાદ આ વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
કુલગામ જિલ્લામાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા
આ પહેલા મે મહિનામાં સુરક્ષા દળોએ કાશ્મીર વિસ્તારમાં આતંકવાદ સામે મોટી સફળતા મેળવી હતી, કુલગામ જિલ્લાના રેડવાની વિસ્તારમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ એન્કાઉન્ટરમાં માર્યો ગયેલો ત્રીજો આતંકવાદી, એન્કાઉન્ટરના સ્થળને તોડી પાડવાથી બનેલા કાટમાળ નીચે છુપાયેલો હતો. તેની ઓળખ શ્રીનગરના મોમીન મીર તરીકે થઈ હતી.