
દેશમાં એવા ઘણા રાજ્યો છે, જેનું વિભાજન થઈને નવા રાજ્યો અસ્તિત્વમાં આવ્યા છે. જેમ કે, ઉત્તર પ્રદેશથી અલગ પડીને ઉત્તરાખંડ બન્યું. મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢની રચના થઈ, તો બિહારમાંથી ઝારખંડની રચના કરવામાં આવી હતી, તો આંધ્રપ્રદેશથી અલગ પડીને તેલંગાણા ભારતનું 26મું રાજ્ય બન્યું હતું. ત્યારે દેશમાં વધુ એક રાજ્ય બનાવવાની માંગ ઉઠી છે. રાજસ્થાનના માનગઢમાં તાજેતરમાં આદિવાસીઓની એક મહાસભા યોજાઈ હતી. આ સભામાં રાજસ્થાન ઉપરાંત ગુજરાત, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકોએ ભાગ લીધો હતો. ભીલ પ્રદેશને લઈને આ મહાસભા યોજાઈ હતી, જેમાં આદિવાસીઓએ પોતાના માટે અલગ ભીલ પ્રદેશ બનાવવાની માંગ કરી છે. ભીલ પ્રદેશની માંગ નવી નથી, 111 વર્ષ પહેલા પણ ભીલ પ્રદેશની માંગ ઉઠી હતી અને ફરીથી આ માંગને લઈને આંદોલન શરૂ થયું છે. ભીલ એ મધ્ય ભારતની એક જાતિનું નામ છે, જે મુખ્યત્વે રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ત્રિપુરામાં ફેલાયેલી છે, આ ભીલ આદિજાતિ ભારતના સૌથી વિશાળ વિસ્તારમાં ફેલાયેલી આદિજાતિ છે. દ્રવિડિયન શબ્દ વીલ પરથી ભીલ બન્યો...