દેશના અનેક રાજ્યોમાં મેઘતાંડવે સર્જી છે મહામુશ્કેલી. ઉત્તર પ્રદેશથી લઇને દક્ષિણમાં કર્ણાટક અને તેલંગાણા સુધી, તો પૂર્વમાં આસામથી લઇને મધ્ય પ્રદેશ સુધી એમ દરેક રાજ્યોમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. જેના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા અવિરત વરસાદને કારણે ઉત્તર પ્રદેશ અને આસામની નદીઓમાં ભયાનક પૂર આવ્યું છે. બીજી તરફ ઉત્તરાખંડ અને કર્ણાટક સહિતના રાજ્યોમાં ભૂસ્ખલનને કારણે અનેક રસ્તાઓ બંધ થઇ ગયા. તેલંગાણામાં ભદ્રાચલમમાં પૂરમાં ફસાયેલા લોકોનું હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યૂ કરવામાં આવ્યું. તો મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ મેઘરાજા મુશળધાર વરસી રહ્યા છે.
ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં લગભગ એક અઠવાડિયાથી પૂરની સ્થિતિ યથાવત છે. પૂરની સૌથી વધુ અસર ગોરખપુરમાં છે. અહીં રાપ્તી નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. અત્યાર સુધીમાં 55થી વધુ ગામો પાણીમાં ડૂબી ગયાં છે. NDRF, SDRF અને PACની ટીમો 100 બોટ સાથે રાહત કાર્યમાં લાગેલી છે. બીજી તરફ ગંગા નદી પણ બે કાંઠે વહી રહી છે. વારાણસીમાં ગંગાના 30 ઘાટ ડૂબી ચૂક્યા છે. વિખ્યાત દશાશ્વમેઘ ઘાટમાં ગંગા આરતી સ્થળ સુધી પાણી પહોંચી ગયું છે. અસ્સી ઘાટમાં જૂના આરતી સ્થળની જગ્યા બદલી નાખવામાં આવી છે.
બીજી તરફ ઉત્તરાખંડમાં પણ વરસાદને કારણે ઠેર ઠેર ભૂસ્ખલનની ઘટનાઓ બની. રુદ્રપ્રયાગના નારકોટામાં બની રહેલો રાજ્યનો પહેલો સિગ્નેચર બ્રિજ ફરીથી ધરાશાયી થયો.આ નિર્માણાધીન બ્રિજનો એક ભાગ સંપૂર્ણપણે ધરાશાયી થયો. આ પહેલા 20 જુલાઈ, 2022ના રોજ પણ સિગ્નેચર બ્રિજ ધરાશાયી થયો હતો. ચારધામ યાત્રા માટે આ બ્રિજ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે… આ બ્રિજ 65 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. આ પુલની કુલ લંબાઈ 110 મીટર અને ઉંચાઈ લગભગ 40 મીટર છે. એવુ કહેવામાં આવી રહ્યું છે કે, આ પુલના જે ભાગમાં દુર્ઘટના થઈ હતી, ત્યા થોડા સમય પહેલા જ તેનું એલાઈમેન્ટ બદલવામાં આવ્યુ હતું.
તેલંગાણા પણ ભારે વરસાદને કારણે વિકટ સ્થિતિ સર્જાઇ. તેલંગાણાના ભદ્રાદ્રી કોત્તગુડમ જિલ્લામાં અચાનક આવેલા પૂરમાં 50થી વધુ લોકો ફસાઇ ગયા. જેને બચાવવા માટે બે હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. અહીં પેદ્દાવાગુ બંધ છલકાતા અચાનક પાણી છોડવું પડ્યું. જેના કારણે નદી કાંઠે ખેતરમાં કામ કરતા લોકો પાણીમાં ફસાઇ ગયા. જીવ બચાવવા લોકો વૃક્ષો અને ટેકરી પર ચઢી ગયા. ઘટનાની જાણ થતાં જ NDRF અને SDRFની ટીમ દ્વારા ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. પૂરના પાણીમાં ફસાયેલા લોકો માટે રેસ્ક્યૂ ટીમના જવાનો દેવદૂત બનીને આવ્યા.
કર્ણાટકમાં પણ વરસાદને કારણે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ. કર્ણાટકના ઉત્તર કન્નડા અને મેંગાલુરૂમાં અતિ ભારે વરસાદ વરસ્યો. ખાસ કરીને ઉત્તર કન્નાડા વિસ્તારમાં અનરાધાર વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઇ. હવામાન વિભાગે કર્ણાટક અને કેરળ સહિતના રાજ્યોમાં અતિ ભારે વરસાદને લઇને એલર્ટ જાહેર કર્યું છે.
બીજી તરફ મધ્ય પ્રદેશમાં પણ મેઘ મહેર જોવા મળી. મધ્ય પ્રદેશના મોરેનામાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. અહીં ભારે વરસાદને કારણે કેટલાક લોકો પાણીમાં ફસાઇ ગયા. જેમને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. ભોપાલ અને રાયસેન સહિતના વિસ્તારો પણ જળમગ્ન બન્યા. મધ્યપ્રદેશમાં અત્યાર સુધીમાં સરેરાશ 11.1 ઇંચ વરસાદ થયો છે, જે ચોમાસાના કુલ ક્વોટા વરસાદના 30 ટકા છે.
છેલ્લા ઘણા દિવસોથી ભયાનક પૂરનો સામનો કરી રહેલા આસામમાં પૂરની સ્થિતિમાં સુધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં આસામની લગભગ 2.72 લાખ વસ્તી પૂરથી પ્રભાવિત છે. ગુરુવારે પૂર પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા વધીને 13 થઈ ગઈ છે. હજુ પણ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયેલા જોવા મળી રહ્યા છે.
તમિલનાડુમાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. તમિલનાડુના નીલગીરીમાં ભૂસ્ખલનની ઘટના બની. જેના કારણે તોતિંગ વૃક્ષો ધરાશાયી થઇ ગયા. ભૂસ્ખલનને કારણે વૃક્ષો પડવાથી રસ્તો બંધ થઇ ગયો. હવામાન વિભાગ દ્વારા તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે, કોસ્ટલ આંધ્રપ્રદેશ અને યાનમમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો