મુસ્લિમ પુરૂષો એક કરતાં વધુ લગ્નની નોંધણી કરી શકશે નહીં, સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મુસ્લિમ પુરુષોને એકથી વધુ લગ્ન રજીસ્ટર કરવાનો અધિકાર નથી. બોમ્બે હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.
મુસ્લિમ પુરુષોને એક કરતાં વધુ લગ્નની નોંધણી કરવાની મંજૂરી અંગે બોમ્બે હાઈકોર્ટે આપેલા નિર્ણયને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હોવાના મીડિયા અહેવાલ સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અરજદાર બોમ્બે હાઈકોર્ટમાં જે કેસ હતો તેના પક્ષકાર નથી, તેથી તેની અરજી પર સુનાવણી કરવામાં નહીં આવે. રાષ્ટ્રવાદી શિવસેના પ્રમુખ જય ભગવાન ગોયલે આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
બોમ્બે હાઈકોર્ટે તેના એક નિર્ણયમાં કહ્યું હતું કે, મુસ્લિમ પુરુષો એક કરતાં વધુ લગ્ન રજીસ્ટર કરી શકે છે, કારણ કે તેમના અંગત કાયદા તેમને ચાર લગ્ન કરવાની મંજૂરી આપે છે.
શું હતો બોમ્બે હાઈકોર્ટનો નિર્ણય?
આ કેસમાં બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર મેરેજ બ્યુરો રેગ્યુલેશન એન્ડ મેરેજ રજીસ્ટ્રેશન એક્ટ, 1998 હેઠળ પોતાનો ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે, મુસ્લિમ વ્યક્તિને એકથી વધુ લગ્નની નોંધણી કરતા અટકાવી શકાય નહીં. હાઈકોર્ટે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેરેજ રજિસ્ટ્રારને અરજી કરનાર વ્યક્તિ અને તેની ત્રીજી પત્નીના કેસમાં ઝડપથી નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો.
બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે, કાયદામાં એવું કંઈ નથી જે કોઈ મુસ્લિમ પુરુષને તેના ત્રીજા લગ્નની નોંધણી કરતા અટકાવે. આ અધિનિયમ મુસ્લિમોના અંગત કાયદાને બાકાત રાખતો નથી.
કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે, થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને અરજદારના લગ્ન તેની બીજી પત્ની સાથે રજીસ્ટર કર્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાનું સ્ટેન્ડ રજૂ કરતી વખતે કહ્યું હતું કે લગ્નની નોંધણી વખતે તેમની પાસે તમામ જરૂરી દસ્તાવેજો નહોતા. ત્યારપછી દંપતીને બે અઠવાડિયામાં તમામ સંબંધિત દસ્તાવેજો સબમિટ કરવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ હાઈકોર્ટે કહ્યું કે એકવાર દસ્તાવેજો સબમિટ થઈ જાય પછી, મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે લગ્નનું પ્રમાણપત્ર ઈસ્યુ કરવા અથવા વ્યક્તિગત સુનાવણી પછી તેનો ઇનકાર કરવા માટે 10 દિવસનો સમય હશે.