27 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : ઉજ્જૈનમાં મહાકાલેશ્વરમાં દુર્ઘટના, મંદિરની દિવાલ ધરાશાયી, 2 ભક્તોના મોત
આજે 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
ગુજરાતમાં ફરી વરસાદી માહોલ છવાયો છે, 135 તાલુકામાં મેઘ મહેર થઇ છે, સૌથી વધુ ઘોઘામાં 4 ઇંચથી જળબંબાકારની સ્થિતિ છે, તો ભાવનગરમાં સવા 3 ઇંચ વરસાદ પડ્યો છે. લેબનોનમાં યુદ્ધ રોકવા ઇઝરાયલના પીએમ નેતન્યાહુએ ઇનકાર કર્યો છે. તો હિઝબુલ્લાહે પલટવાર કરતા રફાલના ઠેકાણા પર રોકેટ છોડ્યા છે. ઉધમપુરની રેલીમાં અમિત શાહે મોટી જાહેરાત કરતા કહ્યું કે ભાજપની સરકાર બની તો કિસાન સન્માન નિધિની રકમ 6 હજારથી વધારીને 10 હજાર કરાશે. માનહાની કેસમાં સંજય રાઉતને 15 દિવસની જેલ થઇ છે. કોર્ટે સજા સાથે રૂપિયા 25 હજારનો દંડ ફટકાર્યો છે. ભાજપ નેતાની પત્નીએ આ માનહાનીનો કેસ કર્યો હતો. વકફ સુધારણા બિલ અંગે રચાયેલી સંયુક્ત સંસદિય સમિતિ આજે અમદાવાદમાં છે. રાજ્ય સરકાર અને અન્ય સંબંધિત પક્ષકારો હાજર રહેશે.
LIVE NEWS & UPDATES
-
ઉજ્જૈનમાં મહાકાલેશ્વરમાં દુર્ઘટના, મંદિરની દિવાલ ધરાશાયી, 2 ભક્તોના મોત
મધ્ય પ્રદેશના ઉજ્જૈન સ્થિત મહાકાલ મંદિરમાં શુક્રવારે સાંજે ભારે વરસાદ વચ્ચે દુર્ઘટના થઈ હતી. મંદિરની એક દીવાલ ધરાશાયી થઈ હતી. દિવાલ ધરાશાયી થવાને કારણે કેટલાક લોકો કાટમાળ નીચે દટાયા હતા. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે.
-
આજે સવારના 6થી રાત્રીના 8 વાગ્યા સુધીમાં 189 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં આજે શુક્રવારને 27મી સપ્ટેમ્બરના રોજ સવારના છ વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધીના 14 કલાકમાં 189 તાલુકામાં એક મિલીમીટરથી લઈને સવા ચાર ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સુરતના ઉમરપાડામાં સાંજના 6 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. નર્મદા જિલ્લાના સાગબારામાં ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજકોટના ધોરાજી અને જૂનાગઢમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. આજે દિવસ દરમિયાન અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, વલસાડ, ખેડા, બનાસકાંઠા, બોટાદ, નર્મદા, સુરત, અમરેલી, તાપી, છોટા ઉદેપુર, ભરૂચ, પોરબંદર, ભાવનગર, ડાંગ, દાહોદ, નવસારી, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી જિલ્લામાં વરસાદ નોંધાયો છે.
-
-
મહેસાણાની વિસનગર કોર્ટે પોક્સોના આરોપીને 20 વર્ષની સજા ફટકારતા, આરોપી કોર્ટમાંથી થયો ફરાર
મહેસાણાની વિસનગર કોર્ટે પોક્સોના આરોપીને 20 વર્ષની સજા ફટકારતા, આરોપી કોર્ટમાંથી ફરાર થઈ ગયો છે. પોક્સોના આરોપી દલપતજી જવાનજી ઠાકોરને ઊઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોક્સો હેઠળના ગુનામાં વિસનગર કોર્ટે 20 વર્ષની સજા ફટકારી હતી. આરોપી કોર્ટના બાથરુમની બારી તોડીને ફરાર થઈ ગયો હતો. પોલીસે ફરાર થયેલા આરોપી વિરુદ્ધ કેસ નોંધીને શોધખોળ હાથ ધરી છે.
-
ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેરથી 113 ડેમ 100 ટકા ભરાયા
ગુજરાતમાં મેઘરાજાની સાર્વત્રિક મહેરના પરિણામે રાજ્યના વધુ એટલે કે 113 ડેમ સંપૂર્ણ એટલે કે, 100 ટકા, અને 66 ડેમમાં 70 થી 100 ટકા વચ્ચે ભરાયા હતા. જ્યારે 14 ડેમ 50 ટકાથી 70 ટકા, 08 ડેમ 25 થી 50 ટકા વચ્ચે તેમજ 05 ડેમમાં 25 ટકાથી ઓછું પાણીનો સંગ્રહ થયું છે. આ ઉપરાંત 158 ડેમને હાઈ એલર્ટ, 12 ડેમ એલર્ટ, અને 09 ડેમને ચેતવણીસ્તરે ભરાયેલ છે.
-
ગુજરાતમાં પોલીસ દળમાં 14,820, સીવીલીયન સ્ટાફની 245 જગ્યાઓ પર સીઘી ભરતી કરાશે
વર્તમાનમાં ચાલી રહેલી રાજ્ય પોલીસ દળ, વર્ગ-3ના વિવિધ સંવર્ગોની કુલ- 12472 જગ્યાઓની સીધી ભરતીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ, આ સીધી ભરતીની કાર્યવાહી કરાશે. આગામી વર્ષ-2025માં ગૃહ વિભાગ દ્વારા રાજ્ય પોલીસ દળ, વર્ગ-3ના વિવિધ સંવર્ગોની કુલ-14820 જગ્યાઓ ઉપર સીધી ભરતી કરવામાં આવશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્તમાનમાં ચાલી રહેલી રાજ્ય પોલીસ દળ, વર્ગ-3ના વિવિધ સંવર્ગોની કુલ-12472 જગ્યાઓની સીધી ભરતીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ગૃહ વિભાગ વર્ષ-2025માં રાજ્ય પોલીસ દળ, વર્ગ-3ના વિવિધ સંવર્ગોની આ જગ્યાઓ ઉપર સીધી ભરતી કરશે.
-
-
ડબલ લાઇનના કામને કારણે સાબરમતી-જોધપુર-સાબરમતી એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર મહેસાણા-પાલનપુર સેક્શનમાં ભાંદુ મોટી દાઉ-ઊંઝા- કામલી સ્ટેશનો વચ્ચે ડબલ લાઇનના કામને કારણે સાબરમતી-જોધપુર-સાબરમતી એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:-
- 29 સપ્ટેમ્બરથી 08 ઓક્ટોબર 2024 સુધી, ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધુપર એક્સપ્રેસ સાબરમતી અને આબુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 28 સપ્ટેમ્બરથી 07 ઓક્ટોબર 2024 સુધી, ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ આબુ રોડ અને સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
-
આધાર કાર્ડ, પાન કાર્ડનો ડેટા દર્શાવતી 3 વેબસાઇટને સરકારે બ્લોક કરી
સરકારે નાગરિકોના આધાર કાર્ડ અને પાન કાર્ડ ડેટા દર્શાવતી ત્રણ વેબસાઇટને બ્લોક કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વેબસાઇટ્સ તેમની વેબસાઇટ્સ પર સ્ટાર હેલ્થનો લીક થયેલો ડેટા બતાવી રહી હતી. આધાર ઓથોરિટીએ ડેટા બતાવવા માટે વેબસાઈટ પર એફઆઈઆર પણ નોંધી છે.
-
વિશ્વામિત્રી નદીમાં જતા પાણીને નડતરરુપ ગેરકાયદે તમામ ઈમારતો તોડોઃ શક્તિસિંહ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહીલે, વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં જતા પાણી માટે નડતરરૂપ તમામ ગેરકાયદે ઈમારતોને તોડવા માટે તંત્રને જણાવ્યું છે. શક્તિસિંહે કહ્યું છે કે, મોડા-મોડા જાગ્યા પછી માત્ર સિલેક્ટેડ થોડી જગ્યાઓમાં ડિમોલીશન કરીને સરકાર કે કોર્પોરેશન સંતોષ ન માને. આખો અગોરા મોલ ગેરકાયદેસર છે તેવું વડોદરાના નગરજનો અને નિષ્ણાતો માને છે ત્યારે માત્ર ક્લબ હાઉસને જ તોડીને રાજી થવા જેવું નથી. વડોદરા શહેરના પાણીના નિકાલ માટે જે ગ્રીન ઝોન હતો તેને ભ્રષ્ટાચારથી ઝોન ચેન્જ કરીને કોંક્રીટના મોટા બિલ્ડીંગો ઉભા કરી દેવામાં આવ્યા છે તે કોઈ સંજોગોમાં વ્યાજબી નથી. આજે ડીમોલીશન થઈ રહ્યું છે તેનો અર્થ સ્પષ્ટ છે કે તંત્રએ સ્વીકાર્યું છે કે વડોદરા શહેરના પાણીના જવાના રસ્તે ગેરકાયદેસર બાંધકામ થયા હતા તો પછી આ બાંધકામો અગાઉ શા માટે તોડવામાં ન આવ્યા
-
આજે સવારના 6થી સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 149 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં આજે શુક્રવારને 27મી સપ્ટેમ્બરના રોજ સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીના 12 કલાકમાં 149 તાલુકામાં એક મિલીમીટરથી લઈને ચાર ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. નર્મદા જિલ્લાના સાગબારામાં ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. રાજકોટના ધોરાજીમાં સાડા ત્રણ ઈંચ તો જૂનાગઢમાં સવા ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આજે દિવસ દરમિયાન અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, વલસાડ, ખેડા, બનાસકાંઠા, બોટાદ, નર્મદા, સુરત, અમરેલી, તાપી, છોટા ઉદેપુર, ભરૂચ, પોરબંદર, ભાવનગર, ડાંગ, દાહોદ, નવસારી, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી જિલ્લામાં વરસાદ નોંધાયો છે.
-
રાહુલ ગાંધીનાં અનામત નાબૂદી નિવેદનના વિરોધમાં ભાજપે યોજ્યા ધરણા, CM ભૂપેન્દ્ર પટેલ જોડાયા ધરણામાં
વિદેશમાં રાહુલ ગાંધીનાં અનામત નાબૂદી નિવેદન સામે ભાજપ આક્રમક જોવા મળ્યું, CM ભૂપેન્દ્ર પટેલ જોડાયા ધરણામાં રાહુલ ગાંધીના નિવેદન સામે આજે રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું છે. CM ભૂપેન્દ્ર પટેલ પણ, અમદાવાદ ખાતે ભાજપ દ્વારા આયોજીત વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. ગાંધીઆશ્રમની સામે આવેલ બત્રીસી હોલથી RTO સુધી પદયાત્રા કરીને ભૂપેન્દ્ર પટેલ ધરણા સ્થળે પહોંચ્યા હતા. RTO ખાતે ધરણાં કાર્યક્રમમાં હાજરી આપી હતી CM ભૂપેન્દ્ર પટેલે.
-
ગિરનાર જંગલ અને પર્વત પર 6 ઇંચ જેટલો વરસાદ
જૂનાગઢના ગિરનાર જંગલ અને પર્વત પર 6 ઇંચ જેટલો ભારે વરસાદ વરસ્યો છે. ગિરનાર જંગલમાં વરસાદનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. દામોદર કુંડમાં ઘોડાપૂર જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. છેલ્લા કલાકથી વરસાદ અવિરત પડી રહ્યો છે.
-
રાજકોટ એરપોર્ટને સ્વ. કેશુભાઈ પટેલનુ નામ આપવાની માંગને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીનું સમર્થન
રાજકોટના એરપોર્ટને ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલનુ નામ આપવા, ભરત કેશુભાઈ પટેલે કરેલ પ્રસ્તાવને, રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને અનુમોદન આપ્યું છે. પરિમલ નથવાણીએ રાજકોટના હિરાસર એરપોર્ટનુ નામકરણ કેશુભાઇ પટેલના નામે કરવાની માંગને સમર્થન આપ્યું છે. આગામી 29 ઓકટોબરે કેશુભાઇ પટેલની પુણ્યતિથિ છે.
-
સુરત મનપા દ્વારા કતારગામ સ્થિત 700 મિલકતધારકોને ફટકારાઈ નોટિસ
સુરત મનપા દ્વારા કતારગામ સ્થિત 700 મિલકત ધારકોને નોટીસ ફટકારાતા લોકોમાં મનપા વિરુદ્ધ રોષની લાગણી ફેલાઈ છે.મનપાએ જેમને નોટીસ પાઠવી છે તેવા મિલકતદારોનો મોરચો કલેક્ટર કચેરી ખાતે પહોચ્યો છે. કતારગામ જૂના પોલીસ મથકથી લઈ સિંગણપોર સુધીના મિલકતધારકોને નોટિસ આપવામાં આવી છે.
-
નવસારીના વાંસદાના મોટી વાલઝર ગામે બાળકી પર દીપડાનો હુમલો
નવસારીના વાંસદાના મોટી વાલઝર ગામે બાળકી પર દીપડાએ હુમલો કર્યો છે. બાળકીને ગળાના ભાગે 22 થી વધુ ટાંકા આવ્યા છે. બાળકીને વધુ સારવાર માટે સુરત હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. વન વિભાગ દ્વારા હુમલાખોર દીપડાને પકડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. દીપડાના હુમલાને પગલે આજુબાજુના ગામોમાં ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો છે.
-
ખેડા: નડિયાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
ખેડા: નડિયાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. માત્ર 30 મિનિટમાં 1 ઈંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પાણી-પાણી થયા છે. અનેક માર્ગ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ધોધમાર વરસાદથી નવરાત્રિના આયોજકો ચિંતામાં મુકાયા છે.
-
હવામાન વિભાગની રાજ્યમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. આગામી 48 કલાક અતિભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદામાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. દમણ અને દાદરા નગર હવેલીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, ભાવનગર, અમરેલીમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયુ છે. અમદાવાદમાં પણ મધ્યમ વરસાદ પડી શકે છે.
-
સુરત: ઉપરવાસમાં ભારે વરસાદથી મીંઢોળા નદી પ્રભાવિત
સુરત: ઉપરવાસમાં ભારે વરસાદથી મીંઢોળા નદી પ્રભાવિત થઇ છે. ડોસવાડા ડેમમાંથી પાણીની આવક થતા નદીમાં પૂરની સ્થિતિ છે. બારડોલીના રામજી મંદિરથી હાઈવેને જોડતો પુલ પાણીમાં ગરકાવ થયો છે. પુલ પર નદીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. નજીકના વિસ્તારમાં આવેલા 150થી વધુ ઘર પાણીમાં ગરકાવ થયા છે. પાણી ભરાવવાને કારણે સ્થાનિકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે.
-
વકફ સંશોધન બિલ માટે રચાયેલી JPC બેઠકમાં બબાલ
અમદાવાદ: વકફ સંશોધન બિલ માટે રચાયેલી JPC આજે ગુજરાતમાં છે. વક્ફ બોર્ડ સુધારા વિધેયક પર બેઠક મળી જેમાં ચર્ચા કરવામાં આવી. જો કે JPC બેઠકમાં બબાલ થઇ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઓવૈસી વચ્ચે બોલાચાલી થઇ. વકફ બોર્ડના નિયમો અને કાયદાને લઈ બોલાચાલી થઇ. અસદ્દુદીન ઔવેસી અને હર્ષ સંઘવી આમને સામને આવી ગયા.
-
વડોદરા: વિશ્વામિત્રી નદીના દબાણો મુદ્દે નોટિસનું અલ્ટિમેટમ પૂર્ણ
વડોદરા: વિશ્વામિત્રી નદીના દબાણો મુદ્દે નોટિસનું અલ્ટિમેટમ પૂર્ણ થયુ છે. અગોરા મોલનું ક્લબ હાઉસ તોડવા દબાણ શાખાની ટીમ પહોંચી છે. 4 JCBની મદદથી ક્લબ હાઉસ તોડવાની કામગીરી થઇ રહી છે. દબાણ શાખાના અધિકારીઓ અને પોલીસની ટીમ ત્યાં હાજર છે. શહેરના 13 દબાણ અંગે પાલિકાએ નોટિસ આપી હતી. નોટિસ બાદ ખુલાસાના જવાબો મુદ્દે પણ નિર્ણય લેવાશે.
-
રાજકોટ: જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ
રાજકોટ: જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. વીજળીના કડાકા સાથે કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જસદણ, આટકોટ, જીવાપર, ગરણી, વીરનગર, પાંચવડામાં વરસાદ છે. જસાપર, મોટા દડવા, શિવરાજપુર, વડોદ, નવાગામમાં ભારે વરસાદ છે. આંબરડી ,ગોડલાધાર, માધવીપુરમાં પણ ધોધમાર વરસાદની સ્થિતિ છે. જસદણમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે કપાસના પાકને ભારે નુકસાનની ભીતિ છે.
-
અમદાવાદ: શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ
અમદાવાદ: શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયુ છે. શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ જામ્યો છે. આંબાવાડી, વસ્ત્રાપુર, સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. શ્યામલ, જોધપુર વિસ્તારમાં ભારે વરસાદ છે.
-
ભાવનગરઃ રેસ્ક્યૂ કામગીરીમાં વિઘ્ન
ભાવનગરઃ રેસ્ક્યૂ કામગીરીમાં વિઘ્ન આવ્યુ. બસમાંથી રેસ્ક્યૂ કરાયેલા મુસાફરો ફરી ફસાયા. 27 મુસાફરોને બસમાંથી ટ્રકમાં બેસાડી રેસ્ક્યૂ કરાયા હતા. મુસાફરોને રેસ્ક્યૂ માટે ગયેલો ટ્રક પાણીના વહેણમાં ફસાયો. દક્ષિણ ભારતના મુસાફરોની બસ ફસાઈ હતી. કોળિયાક નજીક માલેશ્રી નદીના પ્રવાહમાં બસ ફસાઈ હતી. ટ્રકને બહાર કાઢવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે.
-
અમદાવાદઃ કાર્યક્રમો ટૂંકા રાખવા CMએ કરી ટકોર
અમદાવાદઃ ખાનગી કાર્યક્રમમાં CMએ ટકોર કરી. સતત 2 કલાક સુધી કાર્યક્રમ ચાલ્યા બાદ CMએ ટકોર કરી. લોકો પાસે સમય ન હોવાથી કાર્યક્રમો ટૂંકા રાખવા CMએ સલાહ આપી છે.
-
વકફ સંશોધન બિલ માટે રચાયેલી JPC આજે ગુજરાતમાં
વકફ સંશોધન બિલ માટે રચાયેલી જોઇન્ટ પાર્લિયામેન્ટ્રી કમિટી આજે ગુજરાતની મુલાકાતે આવશે. કમિટીના અધ્યક્ષ જગદંબિકા પાલ અને અસદુસીન ઓવૈસી સહિતના ૩૧ સભ્યો અમદાવાદ સિંધુભવન રોડ સ્થિત તાજ સ્કાયલાઈનમાં બેઠક કરશે. અંદાજે સવારે 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી આ બેઠક ચાલશે. સંયુક્ત સંસદીય કમિટી ગુજરાત વકફ બોર્ડના સભ્યો તેમજ રાજકીય પાર્ટીના સભ્યો અને ધારાશાસ્ત્રીઓને મળશે.
Published On - Sep 27,2024 7:26 AM