Breaking News : NEET રી-એગ્ઝામના વધતા સ્ટ્રેસથી ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વિદ્યાર્થીઓએ ટૂંકાવ્યું જીવન
NEET પરીક્ષાના અનિયમિતતાના આક્ષેપો વિવાદ બાદ અગાઉની પરીક્ષા રદ કરવામાં આવી હતી અને ફરી પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમાં વિદ્યાર્થીઓ પર સતત સ્ટ્રેસ વધતો હતો. વધતા સ્ટ્રેસને કારણે ઘણા વિદ્યાર્થીઓએ તેમનું જીવન ટુકાવ્યું છે.

21 જૂને હજારો મેડિકલ ઉમેદવારો NEET-UG પુનઃપરીક્ષા આપવાના છે અને તેના થોડા દિવસો પહેલા જ ગુજરાત, તમિલનાડુ, દિલ્હી, ઉત્તરાખંડ અને મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓએ જીવન ટુકાવ્યું છે. પરિવારોના જણાવ્યા અનુસાર, મેડિકલ પ્રવેશ પરીક્ષાના ભારે દબાણને કારણે આ વિદ્યાર્થીઓ માનસિક તણાવમાં આવી ગયા હતા. જેના કારણે વિદ્યાર્થીઓએ જીવન ટુકાવ્યું છે.
અમદાવાદમાં વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું
અમદાવાદમાં NEET પરીક્ષાની તૈયારી કરી રહેલા 17 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટુકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. ન્યૂ રાણીપ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીએ પોતાના રહેણાંક ફ્લેટના છઠ્ઠા માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું છે. ઘટના NEET પરીક્ષાના માત્ર ત્રણ દિવસ પહેલાં બની છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
કોયમ્બતુરની વિદ્યાર્થીનીએ સંબંધીઓને મોકલ્યો ભાવુક સંદેશ
કોયમ્બતુરની 19 વર્ષની NEET ઉમેદવારે બુધવારે (17 જૂને) જીવન ટુકાવ્યું હતું. વિદ્યાર્થીની NEET માટે કોચિંગ લઈ રહી હતી અને મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે ગંભીરતાથી તૈયારી કરી રહી હતી. પરિવારજનોના જણાવ્યા મુજબ, પરીક્ષા રદ થવી અને ફરી પરીક્ષા જાહેર થવાથી તે ખૂબ જ દુઃખી હતી. જીવન ટુકાવા પહેલા તેણે પોતાના સંબંધીઓને ભાવુક વોટ્સએપ સંદેશ મોકલ્યો હતો.
દિલ્હીમાં NEET ઉમેદવાર વિદ્યાર્થીની મૃત હાલતમાં મળી
દિલ્હીના પાલમ વિસ્તારમાં રહેતી 19 વર્ષની NEET ઉમેદવાર ઘરમાં મૃત હાલતમાં મળી આવી. અહેવાલો મુજબ, વિદ્યાર્થીનીએ 3 મેના રોજ NEET પરીક્ષા આપી હતી અને પરીક્ષા રદ થયા બાદ તે ભારે સ્ટ્રેસમાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, તેના પિતા 13 જૂને સાસરિયા ગયા હતા અને ઘટના સમયે વિદ્યાર્થીની ઘરમાં એકલી હતી. સ્થળ પરથી મળેલી સુસાઇડ નોટમાં તેણે માતા-પિતાની માફી માંગી હતી અને તેમની અપેક્ષાઓ પૂરી ન કરી શકવાની વ્યથા પણ વ્યક્ત કરી હતી.
દેહરાદૂનની વિદ્યાર્થીનીએ માતા-પિતા માટે છોડી નોટ
દેહરાદૂનમાં 23 વર્ષની NEET ઉમેદવાર વિદ્યાર્થીનીએ પણ પોતાનું જીવન ટુકાવ્યું હોવાનો સામે આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીની અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી હતી. તેણે ધોરણ 12માં 96.7 ટકા ગુણ મેળવ્યા હતા. કોલેજમાં વિદ્યાર્થીની ટોપર રહી હતી. ફરી પરીક્ષાની જાહેરાત બાદ તે સ્ટ્રેસમાં આવી હતી.
રાજસ્થાનમાં ત્રીજી NEET કોશિશ પહેલા વિદ્યાર્થીએ ટુકાવ્યું જીવન
રાજસ્થાનના સીકર જિલ્લામાં 22 વર્ષીય ઉમેદવાર NEET પરીક્ષાની ત્રીજી કોશિશ માટે તૈયારી કરી રહ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, તે ઝુંઝનુ જિલ્લાના નવલગઢનો રહેવાસી હતો. તેના પિતા મુંબઈમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. વિદ્યાર્થી પોતાની માતા, બહેન અને ભાઈ સાથે સીકરમાં રહીને પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો.
NEET-UG પુનઃપરીક્ષાના દબાણને કારણે મહારાષ્ટ્રમાં વિદ્યાર્થીનીએ ટુકાવ્યું જીવન
NEET-UG પેપર લીક વિવાદ અને પુનઃપરીક્ષાના દબાણને કારણે ભારે તણાવ વચ્ચે 20 મે 2026ના રોજ મહારાષ્ટ્રના નાગપુરમાં પણ 18 વર્ષીય NEET પરીક્ષા આપતી વિદ્યાર્થીનીએ જીવન ટુકાવ્યું છે.
NTAએ વિદ્યાર્થીઓને આપી ખાતરી
આ દરમિયાન, NTA ના ડિરેક્ટરે વિદ્યાર્થીઓને ખાતરી આપી છે કે NEET પુનઃ પરીક્ષા સંપૂર્ણ રીતે સુરક્ષિત યોજાશે. વિદ્યાર્થીઓ અને વાલીઓને સોશિયલ મીડિયા પર પ્રશ્નપત્ર લીક કરવાના ખોટા દાવા કરનાર ઠગોથી સાવચેત રહેવાની અપીલ કરી છે.
