અડધું મિશન પણ પૂરું નતું થયું, પાકિસ્તાન ઘૂટણીએ પડી ગયું હતું, પૂર્વ CDS અનિલ ચૌહાણે જણાવી સિઝફાયરની ઈન્સાઈડ સ્ટોરી
જનરલ અનિલ ચૌહાણે ખુલાસો કર્યો છે કે 'ઓપરેશન સિંદૂર' દરમિયાન ભારતે પાકિસ્તાનના યુદ્ધવિરામ પ્રસ્તાવને તરત સ્વીકાર્યો નહોતો. ભારતીય સેનાએ પોતાના લશ્કરી લક્ષ્યો પૂરા કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

પૂર્વ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધવિરામને લઈને મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર, પાકિસ્તાને યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે ભારતીય સેનાએ તેના લશ્કરી લક્ષ્યોનો માત્ર એક ભાગ જ હાંસલ કર્યો હતો. આ કારણસર ભારતે તરત જ યુદ્ધવિરામ સ્વીકાર્યો નહોતો.
‘ધ પ્રિન્ટ’ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં જનરલ ચૌહાણે જણાવ્યું કે 10 મે, 2025ની સવારે પાકિસ્તાને ડીજીએમઓ (DGMO) હોટલાઇન મારફતે ભારતનો સંપર્ક કરીને યુદ્ધવિરામની ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે, ભારતે તાત્કાલિક સંમતિ આપવાને બદલે પોતાની લશ્કરી કાર્યવાહી અને વ્યૂહાત્મક લક્ષ્યોને પૂર્ણ કરવા પર ભાર મૂક્યો.
ધમકીઓ બાદ પાકિસ્તાને જ યુદ્ધવિરામની વાત કરી
જનરલ ચૌહાણે જણાવ્યું કે 9 મેના રોજ પાકિસ્તાન તરફથી સંદેશો મળ્યા હતા કે તે આગામી 48 કલાકમાં ભારત સામે કડક કાર્યવાહી કરશે. પરંતુ થોડા જ કલાકોમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ અને પાકિસ્તાને જ વાતચીત શરૂ કરીને યુદ્ધવિરામની ઇચ્છા વ્યક્ત કરી.
તેમણે કહ્યું, “તે સમયે અમારી લશ્કરી યોજનાનો અડધો ભાગ પણ પૂર્ણ થયો નહોતો. ભારતની પ્રાથમિકતા પોતાના તમામ વ્યૂહાત્મક ઉદ્દેશ્યો હાંસલ કરવાની હતી. જો જરૂર પડતી તો પાકિસ્તાનની અનેક મહત્વપૂર્ણ લશ્કરી સ્થાપનાઓને નિશાન બનાવવાની તૈયારી પણ કરવામાં આવી હતી.”
વાયુસેનાના હુમલા બાદ બદલાઈ પાકિસ્તાનની રણનીતિ
જનરલ અનિલ ચૌહાણના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં પાકિસ્તાનને લાગતું હતું કે તેના હુમલાઓથી ભારતને મોટું નુકસાન થયું છે. પરંતુ 9 અને 10 મેની રાત્રે ભારતીય વાયુસેનાએ કરેલા ચોક્કસ અને અસરકારક હુમલાઓ બાદ પાકિસ્તાનને વાસ્તવિક પરિસ્થિતિનો અંદાજ આવ્યો. ત્યારબાદ તેણે સંઘર્ષને વધુ વધારવાને બદલે યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂકવાનો નિર્ણય કર્યો.
ભારતીય સેના પાસે હતી સંપૂર્ણ માહિતી
જનરલ ચૌહાણે ભારપૂર્વક જણાવ્યું કે સમગ્ર અભિયાન દરમિયાન ભારતીય સેના પાસે યુદ્ધભૂમિની સંપૂર્ણ અને ચોક્કસ માહિતી ઉપલબ્ધ હતી. ભારત પોતાની તેમજ પાકિસ્તાનની લશ્કરી ગતિવિધિઓ પર સતત નજર રાખી રહ્યું હતું. આ જ કારણસર કમાન્ડરો ઝડપથી અને અસરકારક નિર્ણયો લઈ શક્યા, જેના કારણે સમગ્ર અભિયાન દરમિયાન ભારત વ્યૂહાત્મક રીતે મજબૂત સ્થિતિમાં રહ્યું.
જનરલ ચૌહાણના આ નિવેદનથી ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન લેવાયેલા લશ્કરી અને વ્યૂહાત્મક નિર્ણયો અંગે નવી માહિતી સામે આવી છે, જે ભારતે યુદ્ધવિરામ સ્વીકારતા પહેલાં પોતાના લશ્કરી ઉદ્દેશ્યોને કેટલું મહત્વ આપ્યું હતું તે દર્શાવે છે.
ચોમાસાનો નવો રાઉન્ડ, ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા
