Breaking News : સાવધાન! RTO E-Challanના નામે APK ફાઈલ મોકલી મોબાઈલ હેક કરી રહ્યા છે સાયબર ઠગ, જુઓ Video
ટ્રાફિક ઈ-મેમોના નામે હવે સાયબર ઠગોએ છેતરપિંડીનું નેટવર્ક શરૂ કર્યું છે.જેમાં WhatsApp કે SMS પર RTO Challan.apk જેવી ફાઈલ મોકલીને ફાઈલ ડાઉનલોડ કરતાં જ મોબાઈલ પર ઠગોનો કબજો થઈ જાય છે અને બેંક ખાતું પણ ખાલી કરી દે છે.આ પ્રકારે અનેક લોકો સાથે છેતરપીંડી કરવામાં આવી છે. આખરે કેવી રીતે કામ કરે છે આ APK ફ્રોડ ગેંગઅને કેવી રીતે બચી શકાય આ ગેંગથી ચાલો વિસ્તારથી જાણીએ.
ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારાઓને ઈ-મેમો તો આવે છે. પરંતુ હવે એ જ ઈ-મેમોને હથિયાર બનાવી સાયબર ઠગો લોકોને નિશાન બનાવી રહ્યા છે.ખાસ કરીને WhatsApp કે SMS પર RTO Challan.apk અથવા Traffic Memo.apk નામની ફાઈલ મોકલી દંડ ભરવાનો મેસેજ કરવામાં આવે છે. આ મેસેજમાં લખવામાં આવે છે કે તમારા વાહન પર ટ્રાફિકનો મોટો દંડ બાકી છે અને તાત્કાલિક ઇ મેંમો જોઈને પેમેન્ટ કરો. આ મેસેજ જોઈને ઉતાવળમાં ઘણા લોકો APK ફાઈલ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી દે છે અને ત્યાર બાદ સાયબર છેતરપિંડી શરૂ થાય છે.
આ રીતે ઠગો મેળવે છે મોબાઈલનો કંટ્રોલ
એકવાર ફાઈલ ઇન્સ્ટોલ થતાં જ ઠગો મોબાઈલનો કંટ્રોલ મેળવી લે છે. SMS, OTP, બેંકિંગ માહિતી અને અન્ય મહત્વની વિગતો તેમના હાથમાં પહોંચી જાય છે. અને આ OTP અને બેંકિંગ વિગતો મળતા જ સાયબર ગુનેગારો બેંક ખાતામાંથી રૂપિયા ઉપાડી લે છે. આ પ્રકારે અનેક લોકો લાખો રૂપિયાની છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. સૌથી ચિંતાજનક વાત એ છે કે ,ટ્રાફિક પોલીસ કે RTO ક્યારેય પણ WhatsApp પર APK ફાઈલ મોકલતું નથી. જેથી ટ્રાફિક પોલીસે સાયબર ફ્રોડ ટોળકીથી સાવચેત રહેવા અપીલ કરી છે.
ઇ મેમો ના નામે ઠગાઈ
ઇ મેમો ના નામે ઠગાઈના કિસ્સાઓ વધતા ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે.ટ્રાફિક પોલીસે વાહન ચાલકને સત્તાવાર ઈ-ચલાનની લિંક દ્વારા સુરક્ષિત QR કોડ અથવા અધિકૃત પોર્ટલ મારફતે પેમેન્ટ કરવાની અપીલ કરી છે.સરકારના નવા નિયમ મુજબ હવે ઈ-ચલાન ભરવાની સમયમર્યાદા 90 દિવસમાંથી ઘટાડીને 45 દિવસ કરવામાં આવી છે.જે લોકો ઓનલાઈન પેમેન્ટ કરી શકતા નથી તેઓ જૂની પોલીસ કમિશનર કચેરી અથવા ભદ્ર કોર્ટના પાંચમા માળે આવેલા ટ્રાફિક પેમેન્ટ સેન્ટર ખાતે જઈ કેશમાં દંડ ભરી શકે છે.આ ઉપરાંત ઓનલાઈન પેમેન્ટ અંગે મદદ માટે નજીકના ટ્રાફિક પોલીસ જંક્શન, ટ્રાફિક પોલીસ ચોકી અથવા ટ્રાફિક પોલીસ સ્ટેશનનો સંપર્ક પણ કરી શકાય છે.
જો કોઈ અજાણી લિંક કે APK ડાઉનલોડ કર્યા બાદ છેતરપિંડીનો ભોગ બન્યા હોવ તો તાત્કાલિક 1930 પર કોલ કરો અને National Cyber Crime Reporting Portal પર ફરિયાદ કરવાની અપીલ કરી છે.
ટ્રાફિક નિયમોનો ભંગ કરશો તો દંડ ભરવો પડશે, પરંતુ ઠગોના જાળમાં ફસાયા તો બેન્ક ખાતું ખાકી થઈ જશે.જેથી ટ્રાફિક ઈ મેમોના નામે આવતી કોઈપણ APK ફાઈલ કે શંકાસ્પદ લિંકથી સાવધાન રહેવા અને અધિકૃત માધ્યમનો ઉપયોગ કરવાની ટ્રાફિક પોલીસે સલાહ આપી છે.
