ગુજરાતના દરિયાકાંઠેથી 232 કિલો ડ્રગ્સ સાથે ઝડપાયેલા 8 પાકિસ્તાનીને 20 વર્ષની જેલ
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે, વર્ષ 2015માં, ગુજરાતના દરિયાકાંઠેથી, રૂપિયા 7 કરોડની કિંમતના 232 કિલો હેરોઈન સાથે ઝડપેલા 8 પાકિસ્તાનીઓને વિષેશ અદાલતે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સાથોસાથ પ્રત્યેક પાકિસ્તાની નાગરિકને રૂપિયા 2-2 લાખનો દંડ પણ ફટકાર્યો છે.
મુંબઈની વિશેષ અદાલતે, બુધવારે 7 કરોડ રૂપિયાની કિંમતની 232 કિલોથી વધુ ડ્રગ્સ સાથે પકડેલ 8 પાકિસ્તાની નાગરિકોને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. 2015ના વર્ષમાં ઈન્ડિયન કોસ્ટગાર્ડે, પાકિસ્તાની બોટ સાથે આઠ પાકિસ્તાની નાગરિકોને 232 કિલો હેરોઈનના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. આ અંગેનો કેસ મુંબઈ સ્થિત વિશેષ અદાલતમાં ચાલતા, NDPS એક્ટની વિશેષ કોર્ટના ન્યાયાધીશ શશિકાંત બાંગરે, ઝડપાયેલા આઠેય પાકિસ્તાની નાગરિકોને NDPS એક્ટ હેઠળ કસુરવાર ઠરાવીને 20 વર્ષની સજા ફટકારી છે.
ડ્રગ્સ સાથે પકડેલ 8 પાકિસ્તાની નાગરિકોને અપાયેલ 20 વર્ષની કેદની સજા, નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ મહત્તમ સજા છે. આની સાથે સાથે વિશેષ અદાલતે, પકડાયેલા આઠેય પાકિસ્તાની પ્રત્યેક નાગરિકને રૂપિયા 2-2 લાખનો દંડ પણ ફટકાર્યો છે.
કેવી રીતે ઝડપાયા હતા
આ કેસની વિગતે વાત કરીએ તો, વર્ષ 2015 માં, ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે ગુજરાતની સરહદમાં આવેલ દરિયાકાંઠેથી રૂ. 6.96 કરોડની કિંમતનું 232 કિલો હેરોઈન લઈ જતી બોટમાંથી આરોપીને પકડી પાડ્યા હતા. આ કેસની નોંધાયેલી ફરિયાદ મુજબ, બોટ પર કુલ 11 ડ્રમ હતા. જેમાં 20 પ્લાસ્ટિકના પાઉચ હતા. જેમાં ઘઉંનો ભૂરા રંગનો પાવડર હોવાનું બોટમાં સવાર પાકિસ્તાની નાગરિકોએ જણાવ્યું હતું. બોટમાંથી હાથ લાગેલા દરેક પેકેટની અંદરની વસ્તુનું વૈજ્ઞાનિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં ઘઉંના લોટને બદલે હેરોઈન હોવાનું જાહેર થવા પામ્યું હતું.
પાકિસ્તાનીઓ પાસેથી બીજુ શુ મળ્યું હતું
આઠ પાકિસ્તાની નાગરિકો પાસે અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણોની સાથે ત્રણ સેટેલાઇટ ફોન અને જીપીએસ નેવિગેશન ચાર્ટ પણ મળી આવ્યા હતા. બાદમાં ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે તેમને દક્ષિણ મુંબઈમાં યલો ગેટ પોલીસને સોંપવામાં આવ્યા હતા.
બન્ને પક્ષે શુ કરાઈ હતી દલીલ
સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર સુમેશ પંજવાણીએ આરોપીઓ માટે મહત્તમ સજાની માંગ કરતા કહ્યું કે, તે અન્ય ડ્રગ હેરફેર કરનારાઓ માટે બોધપાઠ બની શકે છે. જોકે, બચાવ પક્ષના વકીલે રજૂઆત કરી હતી કે, ઝડપાયેલા પાકિસ્તાની નાગરિકો સાથે વિશેષ કોર્ટ દ્વારા નમ્ર વલણ અપનાવવામાં આવે. બંને પક્ષોને સાંભળ્યા બાદ વિશેષ કોર્ટે, આરોપી એવા પાકિસ્તાની સામે નમ્રતા દાખવવાનો ઇનકાર કર્યો હતો અને આઠ આરોપીઓને NDPS એક્ટ હેઠળ મહત્તમ સજા ફટકારી હતી.