પૃથ્વીના પેટાળમાં છુપાયેલો છે મહાસાગર ! વૈજ્ઞાનિકોને પૃથ્વીની સપાટીથી 700 કિમી નીચે મળ્યો પાણીનો વિશાળ ભંડાર
પૃથ્વીના લગભગ 71 ટકા ભાગ પર પાણી છે. જેમાં મહાસાગરો, નદીઓ, તળાવોના પાણીનો સમાવેશ થાય છે. હવે વૈજ્ઞાનિકોએ તાજેતરમાં પૃથ્વીની નીચે પાણીના નવા સ્ત્રોતની શોધ કરી છે. હકીકતમાં, વૈજ્ઞાનિકોએ પૃથ્વીના પોપડાની નીચે વિશાળ મહાસાગર શોધી કાઢ્યો છે. ત્યારે આ લેખમાં તેના વિશે વિસ્તારથી જાણીશું.
આજના આધુનિક યુગમાં ઘણી એવી વૈજ્ઞાનિક શોધો થઈ છે, જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. એક વિશાળ બ્લેક હોલની શોધથી લઈને દક્ષિણ કોરિયન ફ્યુઝન રિએક્ટરમાં અત્યાર સુધીના સૌથી વધુ તાપમાન સુધી આ બધું આપણને આશ્ચર્યજનક લાગે છે. ત્યારે હવે એક નવી શોધ થઈ છે, જેના વિશે આપણે વિચારી પણ નથી શકતા. પૃથ્વીના પોપડાની નીચે છુપાયેલો એક વિશાળ મહાસાગર મળી આવ્યો છે.
પૃથ્વીના લગભગ 71 ટકા ભાગ પર પાણી છે. જેમાં મહાસાગરો, નદીઓ, તળાવોના પાણીનો સમાવેશ થાય છે. હવે વૈજ્ઞાનિકોએ તાજેતરમાં પૃથ્વીની નીચે પાણીના નવા સ્ત્રોતની શોધ કરી છે. હકીકતમાં, વૈજ્ઞાનિકોએ પૃથ્વીની સપાટીથી 700 કિલોમીટર નીચે એક વિશાળ મહાસાગરને શોધી કાઢ્યો છે.
આ મહાસાગરમાં પૃથ્વી પરના તમામ મહાસાગરોના કુલ પાણી કરતાં ત્રણ ગણું વધુ પાણી હોવાનું મનાય છે. પૃથ્વી પર પાણી ક્યાંથી આવ્યું તેની શોધ કરતી વખતે અમેરિકાના વૈજ્ઞાનિકોને આ મહાસાગર વિશે જાણકારી મળી છે. પૃથ્વીના પોપડાની નીચે વિશાળ મહાસાગરના અવશેષો મળી આવ્યા હોવાનો વિષય અત્યંત રસપ્રદ છે. ત્યારે આ લેખમાં તેના વિશે વિસ્તારથી જાણીશું.
ઇલિનોઇસમાં નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો પૃથ્વીના પાણીની ઉત્પત્તિ શોધવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ આ શોધે વૈજ્ઞાનિકોને એક અણધારી શોધ તરફ ધકેલી દીધા અને તેમને પૃથ્વીની સપાટીથી 700 કિલોમીટર નીચે એક વિશાળ સમુદ્ર મળ્યો. આ મહાસાગર પૃથ્વીની સપાટીથી 700 કિલોમીટર નીચે રિંગવુડાઇટ નામના ખડકમાં છુપાયેલો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ખડક સ્પોન્જ જેવો છે, જે પાણીને શોષતો રહે છે.
આ ભૂગર્ભ મહાસાગરના અસ્તિત્વને શોધવા માટે સમગ્ર અમેરિકામાં 2000 સિસ્મોમીટરનું વિશાળ નેટવર્ક ગોઠવવામાં આવ્યું. 500થી વધુ ભૂકંપોમાંથી સિસ્મિક તરંગોનું વિશ્લેષણ કરવામાં આવ્યું. ત્યાર બાદ આ મહાસાગરની શોધ કરવામાં આવી છે. હકીકતમાં, જ્યારે પૃથ્વીની નીચે ઉછળતા તરંગો ભેજવાળી ખડકમાંથી પસાર થાય છે, ત્યારે તેમની ગતિ ધીમી પડી જાય છે. સિસ્મોમીટર દ્વારા આ મોજાઓનો અભ્યાસ કર્યા બાદ સમુદ્રની શોધ કરવામાં આવી હતી.
પૃથ્વી પર પાણી ક્યાંથી આવ્યું ?
વર્ષ 2014ના વૈજ્ઞાનિક પેપર ‘ડિહાઇડ્રેશન મેલ્ટિંગ એટ ધ ટોપ ઓફ ધ લોઅર મેન્ટલ’માં સૌપ્રથમ આ શોધના તારણો વિગતવાર રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં રિંગવુડાઇટના ગુણધર્મો પણ સમજાવવામાં આવ્યા છે. જો કે, હવે આ સંશોધન વાયરલ થઈ રહ્યું છે. આ મહાસાગરના અસ્તિત્વના અનુમાન બાદ પૃથ્વી પર પાણીની ઉત્પત્તિને લઈને એક નવો સિદ્ધાંત સામે આવ્યો છે.
હકીકતમાં, ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ધૂમકેતુ પૃથ્વી સાથે ટકરાયા બાદ તેની અસરને કારણે પૃથ્વી પર પાણી ઉત્પન્ન થયું હતું. જો કે, હવે નવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પૃથ્વીની સપાટીની નીચે રહેલા સમુદ્રો સમય જતાં પૃથ્વીની બહાર નીકળ્યા હોઈ શકે છે. વૈજ્ઞાનિકોના મતે આ મહાસાગરો પૃથ્વીની નીચે રહે એજ સારું છે, કારણ કે જો તે બહાર આવશે તો પૃથ્વી પર માત્ર પાણી જ હશે. જમીન પર ખાલી પહાડોના ઊંચા શિખરો જ બચશે.
પૃથ્વીની આંતરિક રચના
સૂર્યમંડળમાં સજીવસૃષ્ટિ ધરાવતો એક માત્ર ગ્રહ પૃથ્વી છે. પૃથ્વીના ઉપરના ભાગ એટલે કે બહારની સપાટીને આપણે પૃથ્વીના પોપડા તરીકે ઓળખીએ છીએ. પૃથ્વીનું કેંદ્ર લગભગ 6370 KM જેટલું ઊંડું છે. પૃથ્વીના પેટાળમાં ઘણા રહસ્યો અને સંભાવનાઓ છુપાયેલી છે. મનુષ્ય હજુ સુધી છેક પૃથ્વીના તળિયે પહોંચીને તેના રહસ્યો છતા કરી શક્યો નથી. આ જ રીતે પૃથ્વીનું પેટાળ પણ ખૂબ ગરમ છે.
પૃથ્વીના પેટાળ વિશે સિમિત નોલેજ હોવાને કારણે પૃથ્વીનું પેટાળ કેવું હશે તેના વિશે કોઈ ચોક્કસ અનુમાન પણ ન લગાવી શકાય. પૃથ્વીની 6370 KM ઊંડાઈમાંથી માણસ હજુ માત્ર 12 KM સુધી જ પહોંચ્યો છે, જેના પરથી અંદાજ લગાવી શકાય કે પૃથ્વીના પેટાળની વિશે જે માહિતી છે તે માત્ર બાદ અનુમાનો પર જ આધારિત છે.
પૃથ્વીના પેટાળ વિશે વાત કરીએ તો પૃથ્વીની સપાટીથી તેના પેટાળ સુધી વિવિધ ભાગો આવેલા છે, જેને પૃથ્વીની આંતરિક રચના તરીકે પણ ઓળખવામાં આવે છે. વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા વિવિધ સંશોધનો અને અનુમાન લગાવ્યા બાદ પૃથ્વીની સપાટીથી તેના પેટાળ સુધીના ત્રણ ભાગ પાડવામાં આવ્યા છે. જેમાં પોપડો (Crust) મેન્ટલ (Mantle) અને ભૂગર્ભ (Core)નો સમાવેશ થાય છે. ત્યારે આ ત્રણેય ભાગોને વિસ્તારથી સમજીએ.
પોપડો (Crust)
પૃથ્વીનું સૌથી ઉપરનું પડ એટલે કે પોપડો જેને મૃદાવરણ તરીકે ઓળખવામાં આવે છે. આ આવરણમાં માટીના ખડકો આવેલા છે, તેથી ભૂકવચ તરીકે પણ ઓળખાય છે. પૃથ્વીના આ ભાગની સરેરાશ જાડાઈની વાત કરીએ તો 33 કિમી છે. પરંતુ વિવિધ જગ્યાએ આ ભાગની જાડાઈ બદલાતી રહે છે, જેમ કે જમીન, મહાસાગર અને પર્વત હોય ત્યાં જાડાઈમાં ફેરફાર આવે છે. જેમ કે મહાસાગરોમાં જાડાઈ લગભગ 5 KM છે, તો હિમાલયની પર્વતમાળામાં જાડાઈ લગભગ 70 KM છે.
મેન્ટલ (Mantle)
પોપડાની નીચે આવેલું પડ જે વિવિધ મિશ્ર ખનીજોથી બનેલું છે. તેથી આ આવરણને મિશ્રાવરણ એટલે કે મેન્ટલ (Mantle) તરીકે ઓળખવામાં આવે છે. મેન્ટલ એ ખૂબ જ ગરમ આવરણ છે. આ આવરણની જાડાઈની વાત કરીએ તો તે 2900 કિમી છે. મેન્ટલના શરૂઆતના પડને ‘એસ્થેનોસ્ફિયર’ તરીકે ઓળખવામાં આવે છે. એસ્થેનોસ્ફિયરની જાડાઈ 700 KM જેટલી છે. આ આવરણમાં બેસાલ્ટ ખડકો વધુ પ્રમાણમાં આવેલા છે.
ભૂગર્ભ (Core)
મેન્ટલ બાદ પૃથ્વીના કેન્દ્ર સુધીનો જે ભાગ છે તેને ભૂગર્ભ તરીકે ઓળખવામાં આવે છે. ભૂગર્ભનો વિસ્તાર લગભગ 2900 કિમીની ઊંડાઈથી લઈ પૃથ્વીના કેન્દ્ર 6370 કિમી સુધી છે. આ આવરણમાં લોખંડ અને નિકલ જેવા ખનીજ દ્રવ્યો મુખ્ય છે. આ આવરણના બીજા બે પેટા વિભાગ પણ છે. જેને આંતરિક ભૂગર્ભ અને બાહ્ય ભૂગર્ભ તરીકે ઓળખવામાં આવે છે.
આંતરિક ભૂગર્ભ ઘન સ્વરૂપમાં હોય છે, જ્યારે બાહ્ય ભૂગર્ભ પ્રવાહી સ્વરૂપે હોય છે. ઘણીવાર આ જ બાહ્ય ભૂગર્ભમાંથી પ્રવાહી સ્વરૂપે લાવા બહાર આવતો હોય છે, જેને આપણે જ્વાળામુખી તરીકે ઓળખીએ છીએ. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ, ચૂંબકીય બળ અને પૃથ્વીની સ્થિરતા આ ભૂગર્ભને જ આભારી છે.
આ પણ વાંચો ગુજરાતની એ રાણી જેની બહાદુરી જોઈને મોહમ્મદ ઘોરીને યુદ્ધભૂમિ છોડીને ભાગવું પડ્યું હતું