બાંગ્લાદેશમાં ફરી ‘હસીના’ સરકાર, સતત પાંચમી વખત બનશે વડાપ્રધાન
શેખ હસીના બાંગ્લાદેશમાં 2009થી સત્તા પર છે. વડાપ્રધાન તરીકે આ તેમનો અત્યાર સુધીનો પાંચમો કાર્યકાળ હશે. આ વખતની ચૂંટણીમાં 40 ટકા જેટલું મતદાન થયું હતું,તો 2018ની સામાન્ય ચૂંટણીમાં 80 ટકાથી વધુ મતદાન થયું હતું.

બાંગ્લાદેશમાં ચૂંટણીઓના પરિણામ જાહેર થઇ ચુક્યા છે. બાંગ્લાદેશની 12મી નેશનલ એસેમ્બલી માટે રવિવારે ચૂંટણી યોજાઈ હતી, ત્યારે હવે સતત ચોથી વખત અવામી લીગની સરકાર બનવા જઈ રહી છે અને શેખ હસીના 5મી વખત બાંગ્લાદેશના વડાપ્રધાન પદે બિરાજમાન થશે.
શેખ હસીનાએ 2,49,965 મત મેળવ્યા
વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટીએ બાંગ્લાદેશમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં 300 સભ્યોની સંસદમાં 223 બેઠકો જીતી છે.મુખ્ય વિપક્ષી પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી અને તેના સહયોગીઓના બહિષ્કાર વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં અવામી લીગે બહુમતી મેળવી છે. શેખ હસીનાએ ફરી ગોપાલગંજ-3 સંસદીય બેઠક પર વિજય મેળવ્યો છે. તેમને 2,49,965 મત મળ્યા.
શેખ હસીનાના નજીકના હરીફ નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)ના ઉમેદવાર શેખ અબુલ કલામને 460 વોટ મેળવ્યા હતા. આ જ કેન્દ્ર પર અન્ય ઉમેદવાર મહાબુર મોલ્લા 425 મત મેળવીને ત્રીજા ક્રમે રહ્યા હતા. તેઓ જેકરની પાર્ટીના ઉમેદવાર છે. ગોપાલગંજ-3 બેઠક પર 2,90,300 મતદારો છે. તેમાંથી 1,48,691 પુરૂષો અને 1,41,608 મહિલાઓ છે.
છ વખતનો રેકોર્ડ તૂટ્યો
ઢાકા વહીવટી વિભાગ હેઠળના ગોપાલગંજ જિલ્લાની ગોપાલગંજ-3 બેઠક માટેશેખ હસીનાએ ઉમેદવારી નોંધાવી હતી. ગોપાલગંજ હસીનાનું જન્મસ્થળ છે. હસીના 1991થી અહીંથી ચૂંટણી લડે છે. તે દરેક વખતે જીત પણ મેળવતા રહ્યા છે. જોકે આ વખતે જે મત મેળવ્યા છે, તેણે છેલ્લા છ વખતનો રેકોર્ડ તોડ્યો છે.
શેખ હસીના બાંગ્લાદેશમાં 2009થી સત્તા પર છે. વડાપ્રધાન તરીકે આ તેમનો અત્યાર સુધીનો પાંચમો કાર્યકાળ હશે. આ વખતની ચૂંટણીમાં 40 ટકા જેટલું મતદાન થયું હતું,તો 2018ની સામાન્ય ચૂંટણીમાં 80 ટકાથી વધુ મતદાન થયું હતું.
299 બેઠકો પર મતદાન થયું
બાંગ્લાદેશમાં રવિવારે સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન યોજાયુ હતુ. કુલ 300 બેઠક પર મતદાન યોજાવાનું હતું, પરંતુ એક ઉમેદવારનું મોત થતા નૌગાંવ-2 કેન્દ્રનું મતદાન રદ કરવામાં આવ્યું હતું. આ કારણોસર રવિવારે 299 કેન્દ્રો પર મતદાન થયું હતું.
BNP સહિતના વિપક્ષોએ બહિષ્કાર કર્યો હતો
મુખ્ય વિપક્ષી પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) એ આ ચૂંટણીનો બહિષ્કાર કર્યો અને તેને ‘નકલી’ ગણાવી. BNPએ 2014ની ચૂંટણીનો પણ બહિષ્કાર કર્યો હતો પરંતુ 2018માં ચૂંટણી લડી હતી. આ સાથે 15 અન્ય રાજકીય પક્ષોએ પણ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. બાંગ્લાદેશની 12મી રાષ્ટ્રીય સંસદની ચૂંટણીમાં 28 રાજકીય પક્ષોએ ભાગ લીધો હતો. કુલ ઉમેદવારોની સંખ્યા 1969 છે. મતદારોની કુલ સંખ્યા 11 કરોડ 96 લાખ 89 હજાર 289 લોકો છે.
બાંગ્લાદેશમાં ચૂંટણી પહેલા હિંસાની અનેક ઘટનાઓ બની. સાથે જ BNP, જમાત-એ-ઈસ્લામી, ડાબેરી ગઠબંધન જેવા વિપક્ષી શિબિરોએ હસીના સરકારની દેખરેખ હેઠળ યોજાનારી કોઈપણ ચૂંટણીમાં ભાગ ન લેવાની જાહેરાત કરી હતી. તેઓએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો અને 48 કલાકની હડતાળ પર ઉતર્યા.
આ કારણોસર જ ચૂંટણી દરમિયાન મતદાનની ટકાવારી ઘણી ઓછી રહી હોવાનું માનવામાં આવે છે. તેમણે ‘નિષ્પક્ષ’ કાર્યવાહક સરકારના સંચાલન હેઠળ સામાન્ય ચૂંટણીઓ કરાવવાની માગણી કરી હતી, પરંતુ શાસક પક્ષ અવામી લીગ દ્વારા તે માંગને ફગાવી દેવામાં આવી હતી.
વિશ્વભરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો