Breaking News : દબાણ સામે પીએમ મોદી ક્યારેય નહીં ઝૂકે, ટ્રમ્પ ટેરિફ મુદ્દે મોદીના આકરા વલણના વખાણ કરતા પુતિન
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ટ્રમ્પના ટેરિફ યુદ્ધ અને ભારત અને ચીન પર અમેરિકાના દબાણની કડક નિંદા કરી છે. તેમણે ચેતવણી ઉચ્ચારી હતી કે, આવા પગલાં વૈશ્વિક સ્તરે મોંધવારીમાં વધારો કરશે અને આર્થિક ખરાબ પરિણામો લાવશે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને, ગઈકાલ ગુરુવારે ભારત અને ચીન પર મોસ્કો સાથે ઊર્જા સંબંધો તોડવા માટે દબાણ કરવાના અમેરિકાના પ્રયાસોની આકરી ટીકા કરી હતી. પુતિને ચેતવણી પણ ઉચ્ચારી હતી કે આવા પગલાંથી ખરાબ આર્થિક પરિણામો આવી શકે છે. ટ્રમ્પ લાંબા સમયથી ચીન અને ભારત પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, અને હવે પુતિને તેમને યોગ્ય જવાબ આપ્યો છે.
પુતિને કહ્યું કે, રશિયાના વેપાર ભાગીદારો પર વધુ ટેરિફ લાદવાથી વૈશ્વિક ભાવમાં વધારો થશે અને યુએસ ફેડરલ રિઝર્વને વ્યાજ દર ઊંચા રાખવા દબાણ કરવામાં આવશે. ટ્રમ્પ વહીવટીતંત્રે ઓગસ્ટમાં ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લાદ્યો, જેનાથી ભારતીય નિકાસ પરનો કુલ ટેક્સ 50 ટકા થઈ ગયો. રશિયન નિષ્ણાતોના એક મંચ પર બોલતા, પુતિને કહ્યું, “ભારત અને ચીન પોતાને અપમાનિત થવા દેશે નહીં.”
પીએમ મોદી નહીં નમે – પુતિન
ભારતને રશિયાનું ઈંધણ આયાત કરવાનું બંધ કરવા માટે અમેરિકા દ્વારા થઈ રહેલા દબાણ પર બોલતા, વ્લાદિમીર પુતિને કહ્યું, “જો ભારત અમારા ઈંધણ- ઉર્જા પુરવઠાનો ઇનકાર કરશે, તો તેને ચોક્કસપણે નુકસાન થશે… અલબત્ત, ભારત જેવા દેશના લોકો, રાજકીય નેતૃત્વ દ્વારા લેવામાં આવેલા નિર્ણયો પર નજીકથી નજર રાખશે અને કોઈનું પણ અપમાન થવા દેશે નહીં.”
પુતિને વધુમાં કહ્યું કે, હુ નરેન્દ્ર મોદીની સારી રીતે જાણુ છુ. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ક્યારેય કોઈ પણ દબાણ સામે નમતુ જોખતા નથી. તેઓ દબાણવશ અમેરિકાના દર્શાવ્યા મુજબનુ પગલું નહીં ભરે.
અમેરિકાનુ બેવડા વલણ
પુતિને મોસ્કો સાથે અમેરિકાના યુરેનિયમ સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો, કહ્યું કે વોશિંગ્ટન રશિયા પાસેથી સમૃદ્ધ યુરેનિયમ ખરીદે છે, પરંતુ અન્ય દેશોને રશિયન ઉર્જા ઉત્પાદનો ખરીદવાનું બંધ કરવાનું આહ્વાન કરે છે.
રશિયન તેલ ખરીદી પર ભારત પર અમેરિકાના હુમલાઓ વચ્ચે આ ટિપ્પણી આવી છે, પુતિને પીએમ મોદીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેઓ અમેરિકા સામે ક્યારેય ઝૂકશે નહીં.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અંગેના તમામ નાના મોટા સમચાર જાણવા માટે તમે અહીં ક્લિક કરો.