પાકિસ્તાન: ભારત પર આતંકી હુમલાઓ કરનાર હાફિઝ સઈદનો પુત્ર પાકિસ્તાનમાં લડશે ચૂંટણી, નોંધાવી ઉમેદવારી
આતંકી હાફિઝ સઈદના પુત્ર તલ્હા સઈદ લશકર-એ-તૈયબામાં આતંકીઓની ભરતી કરાવવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે. તે સિવાય તલ્હા પર આતંકી સંગઠન માટે ફંડ એકત્ર કરવાની પણ જવાબદારી છે.
પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીની જાહેરાત વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટીવી9ને મળેલી એક્સક્લુઝિવ જાણકારી મુજબ આતંકી હાફિજ સઈદનો પુત્ર તલ્હા સઈદ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની સામે ચૂંટણી લડશે. હાફિઝ સઈદના પુત્ર તલ્હા સઈદે લાહોરની સીટ નંબર NA-122થી નામાંકન પત્ર ભરી દીધુ છે.
પાકિસ્તાનમાં આગામી 8 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે. તેના માટે નામાંકન પ્રક્રિયા શુક્રવાર સુધી હતી પણ ઉમેદવારોની માંગ પર પાકિસ્તાન ચૂંટણી પંચે તેને બે દિવસ માટે વધારી દીધી હતી. નામાંકન પ્રક્રિયાના છેલ્લા દિવસે જ આતંકી હાફિઝ સઈદના પુત્ર તલ્હા સઈદે નામાંકન પત્ર દાખલ કર્યુ છે. તલ્હા સઈદે જે સીટથી નામાંકન દાખલ કર્યુ છે, તે સીટ પરથી પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પણ દાવો કર્યો છે.
લશ્કર-એ-તૈયબામાં આતંકીઓની ભરતી કરે છે તલ્હા
આતંકી હાફિઝ સઈદના પુત્ર તલ્હા સઈદ લશકર-એ-તૈયબામાં આતંકીઓની ભરતી કરાવવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે. તે સિવાય તલ્હા પર આતંકી સંગઠન માટે ફંડ એકત્ર કરવાની પણ જવાબદારી છે. થોડા દિવસ પહેલા જ ભારત અને અમેરિકાએ તલ્હીને આતંકી લિસ્ટમાં નાખવાનો પ્રયત્ન કર્યો હતો પણ સંયૂક્ત રાષ્ટ્રમાં ચીનના વીટો પાવરનો ઉપયોગ કરીને ભારતના આ પ્રયત્ન પર પાણી ફેરવી દેવામાં આવ્યું હતું.
હાફિઝ સઈદનો પુત્ર ભારત વિરૂદ્ધ ઝેર ઓકે છે. તેની પર ભારત અને અફઘાનિસ્તાનમાં આતંકી ષડયંત્રોને અંઝામ આપવાનો આરોપ સતત લાગે છે. ભારતે જ્યારે સંયૂક્ત રાષ્ટ્રમાં તલ્હા સઈદને આતંકી લિસ્ટમાં નાખવાનો પ્રસ્તાવ આપ્યો હતો. ત્યારે તલ્હા પર આ આરોપ લગાવવામાં આવ્યા હતા કે તે જમ્મૂ કાશ્મીર પર સતત વિવાદિત નિવેદન આપે છે. ભારતે 2007માં વાયરલ વીડિયોનો હવાલો પણ આપ્યો હતો, જેમાં તલ્હા કહેતો નજરે આવી રહ્યો હતો કે કાશ્મીરમાં કોઈ પણ સ્થિતિમાં જિહાદ થઈને રહેશે.
5 વખત બ્લેક લિસ્ટ કરાવવાનો પ્રયત્ન કરી ચૂક્યુ છે ભારત
આતંકી હાફિઝ સઈદના પુત્ર તલ્હા સઈદને આતંકી લિસ્ટમાં નાખવા માટે ભારતે અત્યાર સુધી 5 વખત પ્રયત્ન કરી ચૂક્યુ છે. ખાસ વાત એ છે કે ભારતની સાથે અમેરિકા પોતે આ પ્રયત્ન કરી રહ્યું છે. જો કે દર વખતે પાકિસ્તાનના આતંકીઓને બ્લેક લિસ્ટ કરાવવાના પ્રયત્નમાં ચીન પાણી ફેરવી દે છે. જણાવી દઈએ કે હાફિઝ સઈદે ભારતમાં ઘણા હુમલા કરાવ્યા છે. હાલમાં તે જેલમાં બંધ છે.