Ride Accident : વડોદરાના મેળામાં ચાલુ રાઇડમાંથી નીચે પટકાયા બાળકો, મેળો કરાવાયો બંધ, બે લોકોની અટકાયત, જુઓ ઘટનાનો Video
મેળામાં રાઇડ દુર્ઘટના : વડોદરાના માંજલપુરમાં યોજાયેલા આનંદ મેળામાં એક રાઇડમાંથી બાળકી પડી ગઈ હતી. રાઇડનો દરવાજો ખુલી જતાં આ ઘટના બની હતી. સમયસર રાઇડ રોકાતા મોટી દુર્ઘટના ટળી. પોલીસે બે લોકોની અટકાયત કરી છે અને મેળો બંધ કરાવાયો છે. રાઇડની સુરક્ષામાં બેદરકારીને કારણે આ ઘટના બની હોવાની શંકા છે.
ગુજરાતમાં ફરી એક વાર મેળામાં મોટી દુર્ઘટના થતા બચી ગઇ છે. ગુજરાતમાં વારંવાર વિવિધ મેળામાં રાઇડ્સમાં દુર્ઘટનાઓ થતી હોવાનું સામે આવે છે, ત્યારે ફરી એક વખત વડોદરાના મેળામાં આવી ઘટના બની છે.માંજલપુરમાં યોજાયેલા આનંદમેળામાં ચાલુ રાઇડમાં કેટલાક બાળકો નીચે પટકાઇ હોવાની ઘટના બની છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.આ મામલામાં બે લોકોની અટકાયત પણ કરવામાં આવી છે.
શું ઘટના બની હતી ?
વડોદરાના માંજલપુરના આનંદ મેળામાં મોટી દર્ઘટના ટળી હતી. મેળો બરાબરનો જામ્યો હતો અને નાની હેલિકોપ્ટર રાઈડમાં બાળકો આનંદ માણતા હતા. એવા સમયમાં અચાનક રાઈડમાં બેઠેલા કેટલાક બાળકોની કેબિનનો લોક ખુલી જાય છે. ચાલુ હેલિકોપ્ટર રાઇડનો દરવાજો ખુલી જતા 2થી 3 બાળકો નીચે પટકાયા હતા. જેમાં એક બાળકી ઇજાગ્રસ્ત થઇ હતી. આ ઘટનાની જાણ થતાં એડિશનલ પોલીસ કમિશનર લીના પટેલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સ્થળ પર પહોંચીને આ મામલે તપાસ શરૂ કરી હતી. આ ઉપરાંત ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. આ રાઈડમાં 12 જેટલા બાળકો સવાર હતા. સદનસીબે મોટી દુર્ઘટના થતા ટળી ગઈ હતી.
રાઇડ્સમાં બેદરકારી માટે કોણ જવાબદાર ?
રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ હજુ તો માંડ સરકાર દ્વારા વિવિધ જગ્યાએ રાઇડ્સને મંજૂરી આપવામાં આવી હતી. ત્યારે વડોદરામાં ફરી એક રાઇડ દુર્ઘટના બની છે. જો કે આ ઘટનામાં રાઇ્ડસમાંથી બાળકો નીચે પડતા તેને સામાન્ય ઈજાઓ પહોંચી છે. મોટી દુર્ઘટના તો ટળી ગઈ છે. પણ મેળાના આયોજન સામે સવાલો તો ઊભા થાય જ છે. નવી ગાઇડલાઈન મુજબ આનંદ મેળામાં 14 જેટલા વિભાગોની મંજૂરી જરૂરી છે. તો સવાલ એ પણ થાય છે કે શું મંજૂરી વગર મેળો ચાલતો હતો.
એક બાળકના વાલી અને પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, હું સ્થળ પર હાજર હતો ત્યારે મશીનમાં કઈક ખરાબી થતાં અચાનક રાઇડની સ્પીડ વધી ગઇ અને તેને રોકવું અશક્ય હતું. સ્પીડ એકાએક વધતા ચાલુ રાઇડમાં દરવાજા ખુલી ગયા હતા અને બે બાળકો બહાર લટકી પડ્યા હતા. લોકોએ બાળકોને બચાવવા બુમાબુમ કરી મૂકી હતી અને ઓપરેટર ત્યાંથી ભાગી ગયો હતો. આ દરમિયાન એક ભાઇ જે ફાયર બ્રિગેડમાં કામ કરે છે એ પણ પોતાની દિકરીને લઇને ત્યાં આવ્યા હતા. એ ભાઇએ રોષ ઠાલવતા રાઇડ થોડી ધીમી પડી હતી અને કેટલાક લોકોએ હાથથી રાઇડ રોકવા માટે પ્રયાસો કર્યા હતા. જેમાં એક ભાઇના હાથમાં પણ વાગ્યું હતુ. આ ઘટનામાં 4 બાળકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.
પોલીસે બે લોકોની કરી અટકાયત
વડોદરામાં આનંદ મેળામાં દુર્ઘટના મામલે હાલ તો માંજલપુર પોલીસે બે શખ્સની અટકાયત કરી છે. રાઇડની સુરક્ષા મુદ્દે માર્ગ અને મકાન વિભાગની જવાબદારી હોય છે. ત્યારે રાઈડ ઓપરેટર અને અન્ય કર્મચારીની અટકાયત કરવામાં આવી છે. તપાસ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.
ઘટનાના પગલે આનંદમેળો કરાવાયો બંધ
વડોદરામાં રાઈડ દુર્ઘટના બાદ હાલ તો મેળા પર બ્રેક લગાવવામાં આવી છે. પોલીસે આનંદ મેળો બંધ કરાવ્યો છે. માંજલપુરના મેળામાં મોટી દુર્ઘટના થતા અટકી છે.