વડોદરામાં હરણી હોનારત બાદ મનપાએ 6 અધિકારીઓને નોટિસ ફટકારી છે.તો આ મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ફરી એક વખત શાસકો સામે જ મોરચો માંડ્યો છે. ભાજપના કોર્પોરેટર આશિષ જોશીએ મનપાની કામગીરી અને દાનત સામે સવાલો ઉઠાવતા જણાવ્યું કે પાલિકાએ અધિકારીઓને નોટિસ આપી ફક્ત દેખાડા કર્યા છે.
વડોદરાના હરણી બોટ દુર્ઘટના કેસને લઇને કોર્પોરેશન એક્શનમાં આવ્યું છે. બેદરકારી દાખવવા બદલ 6 અધિકારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનરની આંતરિક તપાસ બાદ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાથે જ ફ્યુચરિસ્ટિક વિભાગના કાર્યપાલક ઈજનેર સહિત 6 ઈજનેરોને નોટિસ ફટકારવામાં આવી છે. 7 દિવસમાં જવાબ આપવાનો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
વડોદરા કોર્પોરેશને બેદરકારી દાખવવા બદલ કાર્યપાલક ઈજનેર રાજેશ ચૌહાણ, પરેશ પટેલ (કાર્યપાલક ઇજનેર), જીજ્ઞેશ શાહ(નાયબ ઇજનેર), મુકેશ અજમેરી (નાયબ ઇજનેર), મિતેષ માળી, જીગર સયારિયાને નોટિસ આપી છે.
બીજી તરફ ભાજપના કોર્પોરેટર આશિષ જોશીએ આક્ષેપ કર્યા કે પાલિકાએ અધિકારીઓને નોટિસ આપી ફક્ત દેખાડા કર્યા છે. દુર્ઘટના બાદ 26 દિવસ સુધી અધિકારી સામે કાર્યવાહી ન કરી મનપાએ ગંભીર બેદરકારી દાખવી છે. અધિકારીઓને જે-તે દિવસે જ સસ્પેન્ડ કરવાના હતા, પરંતુ મનપાએ અધિકારીઓને પુરાવાનો નાશ કરવાનો સમય આપ્યો. મનપા દુર્ઘટના માટે જવાબદાર અધિકારીઓને છાવરતી હોવાનો આક્ષેપ તેમણે કર્યો.
વડોદરાના હરણી બોટ દૂર્ઘટનાનો તપાસ રિપોર્ટ સરકારને સોંપી દેવામાં આવ્યો છે. વિસ્તૃત રિપોર્ટ સરકારને સોંપાયાની માહિતી અપાઈ છે. વડોદરા કલેક્ટરને તપાસ રિપોર્ટ સોંપવા મુખ્યપ્રધાન દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા. હવે ટૂંક સમયમાં સરકાર રિપોર્ટ અંગે સત્તાવાર જાહેરાત કરી શકે છે.
સરકારે 10 દિવસમાં રિપોર્ટ તૈયાર કરવા કલેક્ટરને આદેશ આપ્યો હતો.જો કે વડોદરા કલેક્ટરે ઘટનાના 19 દિવસે ઝીણવટથી તપાસ કરીને રિપોર્ટ તૈયાર કર્યો હતો.હવે વડોદરા જિલ્લા કલેકટરે તૈયાર કરેલા રિપોર્ટ બાદ બોટકાંડ પાછળના અસલી ચહેરાનો પર્દાફાશ થઇ શકે છે. વડોદરામાં હરણી બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકના મોત થયા હતા. જેમાં વધુ બે આરોપીઓ પોલીસ સકંજામાં આવી ગયા છે.આરોપી દીપેન શાહ અને ધર્મીલ શાહની ધરપકડ કરવામાં આવી છે. જેઓ કોટિયા પ્રોજેકટમાં ભાગીદાર હતા.