ગુજરાતમાં શાળામાં બાળકીઓ સાથે છેડતી, શારીરિક શોષણના કિસ્સાઓ દિનપ્રતિદિન વધી રહ્યા છે. હજુ થોડા દિવસ પહેલા દાહોદની પ્રાથમિક શાળાના હવસખોર આચાર્યે દુષ્કર્મના પ્રયાસમાં 6 વર્ષની માસૂમ બાળકીની હત્યા કરી નાખી હતી. આ ઘટનાને એક સપ્તાહ પણ નથી વિત્યુ ત્યા સુરતના માંડવીમાં આશ્રમશાળાની વિદ્યાર્થિનીઓ સાથે આચાર્યે અડપલા કર્યા હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે.
ધોરણ 7 અને ધોરણ 8ની વિદ્યાર્થિનીઓ સાથે નવસારી કબીલપોરનો યોગેશ પટેલ નામનો આચાર્ય અડપલા કરી છેડતી કરતો હતો. આ આચાર્ય આ આશ્રમશાળામાં છેલ્લા 24 વર્ષથી ફરજ બજાવે છે ત્યારે એ આચાર્યએ આ તેના લાંબા કાર્યકાળ દરમિયાન કેટલી વિદ્યાર્થિનીઓ સાથે આ પ્રકારની હરકતો કરી તે પણ મોટો સવાલ છે હાલ આચાર્યની ધરપકડ કરી લેવાઈ છે અને તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
સુરતના માંડવી તાલુકાના નરેણ ગામમાં આવેલી આશ્રમશાળામાં ફરજ બજાવતા 52 વર્ષના પ્રિન્સીપાલે અહીં રહેતી ધોરણ 7 અને 8માં અભ્યાસ કરતી 15 થી 20 વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલા કરી છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આદિજાતિ આશ્રમશાળામાં અધિકારીએ પ્રાથમિક તપાસ કર્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે લંપટ આચાર્ય વિરૂદ્ધ પોક્સો અને એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ ફરિયાદ નોંધી છે.
આશ્રમશાળામાં લંપટ આચાર્ય યોગેશ નાથુભાઈ પટેલ વર્ષ 2003 થી શિક્ષક તરીકે જોડાયો હતો અને વર્ષ 2013 થી આચાર્ય તરીકે ફરજ બજાવે છે. આ લંપટ આચાર્ય રૂમમાં કામ કરવા બોલાવતો અને પછી 14 થી 15 વર્ષની વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલા કરતો હતો. જે અંગે વિદ્યાર્થિનીઓએ શરૂઆતમાં આશ્રમશાળાના ગૃહમાતાને જાણ કરી હતી. જે બાદ ધોરણ 8માં અભ્યાસ કરતી 15 વર્ષની વિદ્યાર્થિનીને દવાના બહાને શારીરિક છેડતી કરતા વિદ્યાર્થીનીએ તેના માતાપિતાને અને ગૃહમાતાને જાણ કરી હતી.
પ્રિન્સીપાલ દ્વારા વિદ્યાર્થિનીઓની છેડતી કરવા અંગે આદિજાતિ અધિકારીને પણ જાણ કરવામાં આવી હતી. જેમણે આચાર્યની છેડતીનો ભોગ બનનાર ચાર થી પાંચ વિદ્યાર્થિનીઓની પૂછપરછ બાદ માંડવી પોલીસ સ્ટેશનમાં આચાર્ય સામે ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે આજ આશ્રમશાળામાં 23 વર્ષ પહેલા પણ પ્રિન્સીપાલ વિરુદ્ધ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ કરવાની ફરિયાદ નોંધાઈ ચુકી છે. ત્યારે વિદ્યાર્થિનીઓની છેડતી બાભતે ફરી આશ્રમશાળા વિવાદમાં આવી છે.
Published On - 4:14 pm, Mon, 7 October 24