અમદાવાદની એક સ્કૂલના ટ્રસ્ટી ડિજિટલ અરેસ્ટનો શિકાર બન્યા હોવાની ઘટના સામે આવી છે. સાયબર ગઠિયાઓ દ્વારા સ્કૂલના ટ્રસ્ટીને બે કલાક સુધી ડિજિટલ અરેસ્ટ રાખ્યા હતા. જોકે સમગ્ર પ્રક્રિયા દરમિયાન સ્કૂલના ટ્રસ્ટીને પોતે ડિજિટલ અરેસ્ટ થયા હોવાનો ખ્યાલ આવી જતા તેમણે પોતાની સુજબુજથી સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો અને સ્થાનિક પોલીસે પણ તાત્કાલિક ટ્રસ્ટી પાસે પહોંચી તેમને સાયબર ગઠિયાઓની જાળમાંથી મુક્ત કરાવ્યા.
આધુનિક યુગમાં સાયબર ફ્રોડની ઘટનાઓ વધી રહી છે. સાયબર ગઠિયાઓ અલગ અલગ બહાના થતી લોકો સાથે છેતરપિંડી કરી ડરાવી ધમકાવી રૂપિયા પડાવતા હોય છે. હાલમાં જ સાયબર ગઠિયાઓ દ્વારા લોકોને ડિજિટલ અરેસ્ટના નામે ડરાવી તેમની પાસેથી રૂપિયા પડાવતા હોવાના કિસ્સાઓ વધી રહ્યા છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. અમદાવાદનાં ખોડા ગામની સ્વસ્તિક હાઈસ્કૂલના ટ્રસ્ટી મુકેશભાઇની થોડા દિવસ પહેલા ઇન્ટરનેશનલ નંબર પરથી એક ફોન આવ્યો હતો. જેમાં તેમની ઓળખાણ ટ્રાયના કર્મચારી તરીકેની આપી હતી અને મુકેશભાઈના મોબાઈલ નંબર ઉપરથી બ્લેકમેલિંગ અને ફાઇનાન્સિયલ ફ્રોડ થયું છે તેવું જણાવવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ટ્રાયના કર્મચારીએ એક મોબાઈલ નંબર આપ્યો હતો. જે મુકેશભાઈનાં નામે રજીસ્ટર થયેલો છે તેમ પણ જણાવ્યું હતું અને જો તે મોબાઈલ નંબર મુકેશભાઈ ઉપયોગ કરતા ન હોય તો બે કલાકની અંદર ક્લિયરન્સ સર્ટિફિકેટ મોકલી આપવા પણ જણાવ્યું હતું. જો આવું નહીં કરે તો તેમનો આધારકાર્ડ તેમજ મોબાઈલ નંબર કાયમી માટે રદ થઈ જશે તેવું જણાવ્યું હતું.
મુકેશભાઈ દ્વારા આવા કોઈ નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો ન હોવાનું કહેતા ટ્રાયના કર્મચારીએ કોઈ પોલીસ અધિકારીને તેમનો ફોન ડાયવર્ટ કર્યો હતો. જેમાં વીડિયોકોલ થકી પોલીસ અધિકારીએ મુકેશભાઈને જણાવ્યું હતું કે મુંબઈની કેનેરા બેન્કમાં તેમના આધારકાર્ડથી ખાતું ખોલાવેલું છે અને તેમાંથી મની લોન્ડરિંગનો કેસ થયેલો છે, તેની ખરાઈ કરવા તેમણે બે કલાકમાં મુંબઈ પોલીસ સ્ટેશન પહોંચવું પડશે, પરંતુ મુકેશભાઈ ગુજરાત રહેતા હોવાનું જણાવતા અધિકારીએ તેમને ઓનલાઈન નિવેદન લખાવવા માટે કહ્યું હતું.
મુકેશભાઈને પોલીસ અધિકારી દ્વારા સુપ્રીમ કોર્ટના ઓર્ડર પણ બતાવવામાં આવ્યા હતા. જોકે સુપ્રીમ કોર્ટના ઓર્ડર જોતા મુકેશભાઈને શંકા ગઈ હતી, તેમજ બે કલાકની વાતચીત દરમિયાન મુકેશભાઈને વધુ શંકા જતા તેણે વોશરૂમ જવાનું બહાનું કાઢી તેમના કર્મચારીને એક ચિઠ્ઠીમાં સ્થાનિક પોલીસનો સંપર્ક કરી બોલાવવા માટે જણાવ્યું હતું. જેથી તાત્કાલિક સાણંદ જીઆઇડીસીની પોલીસ ટીમ મુકેશભાઈ પાસે પહોંચતા સમગ્ર ઘટના સામે આવી હતી અને અસલી પોલીસ દ્વારા મુકેશભાઈને ડિજિટલ અરેસ્ટમાંથી મુક્ત કરાવ્યા હતા.
મહત્વનું છે કે અમદાવાદ ગ્રામ્ય પોલીસ તેમજ સાણંદ ડિવિઝન દ્વારા સાયબર ફ્રોડથી બચવા માટે લોકોને જાગૃત કરવા માટે અલગ અલગ કેમ્પ કરવામાં આવતા હોય છે. તેમજ અલગ અલગ સ્કૂલોમાં પણ વિદ્યાર્થીઓમાં સાયબર ફ્રોડ તેમજ ટ્રાફિક અંગે જાગૃતિ આવે તેના માટે અવરનેસ કેમ્પ કરવામાં આવતા હોય છે, ત્યારે ડિજિટલ અરેસ્ટ નો ભોગ બનેલા ટ્રસ્ટીની સ્વસ્તિક હાઈસ્કૂલમાં પણ પોલીસ દ્વારા અગાઉ ત્રણથી ચાર વખત કેમ્પ યોજવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને પણ સાયબર ફ્રોડ અને અલગ અલગ ગુનાઓથી વંચિત કરવામાં આવ્યા હતા. જેથી સ્વસ્તિક હાઈસ્કૂલના ટ્રસ્ટીને સાયબર ગઠિયાઓ દ્વારા ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા ત્યારે તેને પોલીસ દ્વારા અપાયેલી સૂચનાઓ યાદ આવી હતી અને પોતે ડિજિટલ અરેસ્ટ થયા હોવાનું જણાયું હતું.