સાબરકાઠા જિલ્લામાં વ્યાજખોરો સામે પોલીસ દ્વારા કાયદાનો ગાળીયો મજબૂત રીતે કસવામાં આવશે. સાબરકાંઠા પોલીસ દ્વારા જિલ્લાના તમામ પોલીસ મથકોમાં લોકદરબાર યોજવામાં આવશે. આ દરમિયાન લોકોને અપિલ કરવામાં આવશે કે, પોતાની સાથે વ્યાજખોરો ત્રાસ ગુજારવાનો વર્તન કરતા હોય તો તેઓ સામે કાર્યવાહી કરવા ફરીયાદ કરવા સામે આવે. લોકોને પોતાના નામ ગુપ્ત રાખીને પણ વ્યાજખોરો સામેની માહિતી આપવામાં આવે એવી અપિલ SP સાબરકાંઠા દ્વારા કરવામાં આવી છે.
SP વિશાલકુમાર વાઘેલાએ વિગતો આપતા મીડિયાને કહ્યુ હતુ કે, વ્યાજખોરોના ત્રાસથી પરેશાન લોકોને ફરીયાદ કરવા માટે પોલીસ દ્વારા સામેથી અપીલ કરી રહી છે. લોકો આવા ત્રાસખોરોની કંટાળીને અન્ય વિચારો ના કરે અને પોલીસની મદદ લે એ માટે સફળ પ્રયાસ કરવામાં આવશે.
જિલ્લા પોલીસ વડા વિશાલકુમાર વાઘેલાએ Tv9ને કહ્યુ હતુ કે, છેલ્લા કેટલાક વર્ષની વ્યાજખોરોને લગતી અરજીઓનો અભ્યાસ કરવામાં આવશે. આવા લોકોની હાલમાં કોઈ ફરીયાદ છે કે કેમ તે ચકાસવામાં આવશે. વ્યાજખોરોની જૂની અરજીઓ અને ફરીયાદો સંદર્ભમાં અભ્યાસ કરીને વ્યાજખોરો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
આગળ વાત કરતા મીડિયાને કહ્યુ હતુ કે, હાલમાં જિલ્લામાં કોઈ ફરીયાદીને વ્યાજખોરોથી ત્રાસ હોય તો એ બાબતની ફરીયાદ કરવા માટે આગળ આવવુ જોઈએ. આ માટે જિલ્લા પોલીસ દ્વારા હિંમતનગરમાં મંગળવારે એ ડિવિઝન પોલીસ મથક ખાતે એક લોકદરબારનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં વ્યાજખોરોથી પિડીતો તેમની ફરીયાદ અને રજૂઆત કરી શકશે. આ ઉપરાંત ત્રાસ ગુજારતા વ્યાજખોરોની માહિતી પણ લોકો પાસેથી લોકદરબારમાં મેળવીને આગળ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
વ્યાજના ચક્કરના ત્રાસમાં નજીકના ભવિષ્યમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. વ્યાજના ચક્કરમાં થી બચવા માટે અંતિમ પગલુ ભરીને પરિવારનો આધાર છીનવાઈ જવાની ઘટના સર્જાતી હોય છે. થોડાક સમય પહેલા હિંમતનગરમાં એક વ્યાજખોરીમાં એક ટેલરે જીવ ટૂંકાવ્યો હતો. જેમાં એક વકીલ સામે ફરીયાદ નોંધાઈ હતી.
ઉપરાંત એક શિક્ષકે પણ આવાજ ચક્કરમાં જીવ વક્તાપુર પાસે ઝેરી દવા પી જઈ જીવ ટુંકાવ્યો હતો. કરોડોના વ્યાજના ચક્કરમાં વ્યાજખોરોની સામે નોટરી કરી શિક્ષકે અંતિમ પગલુ ભર્યુ હતુ. આવા અનેક કિસ્સા હિંમતનગરમાં નજીકના કેટલાક વર્ષમાં ઉદાહરણ રુપ બન્યા છે કે જેમાં તેઓ વગના આધારે વ્યાજખોરો છટકી જતા હોય છે. પરંતુ હવે પોલીસે વ્યાજખોરોની સામે આકરી કાર્યવાહી કરવા લાલ આંખ કરી છે, જેને લઈ વ્યાજખોરો માટે ફફડાટના દિવસો હાલની કાર્યવાહીને જોઈ દૂર નથી લાગી રહ્યા.
Published On - 4:54 pm, Sun, 8 January 23