રાજકોટમાં લેઉવા પાટીદારની પત્રિકા વાયરલ થતા ભાજપ લાલચોળ, કોંગ્રેસ પર લગાવ્યો આરોપ, ધાનાણીએ ફગાવ્યા આક્ષેપ – Video
રાજકોટમાં ફરી પત્રિકાવોર જામ્યુ છે. પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલતી લોલંલોલ અને યુનિવર્સિટીના રાજકારણનો પર્દાફાશ કરતી પત્રિકા વાયરલ થઈ હતી. જે બાદ ભાજપના આંતરિક વર્તુળોમાં ચાલતા અસંતોષ મુદ્દે પત્રિકા વાયરલ થઈ હતી. હવે લેઉવા પાટીદારો અંગે પત્રિકા વાયરલ કરાઈ છે. જેમા 20 વર્ષ બાદ લેઉવાના આંગણે પ્રસંગ આવ્યો હોવાની વાત કરાઈ છે.
મત મેળવવાની લ્હાયમાં કેટલીકવાર સમાજમાં વૈમનસ્ય ફેલાય તેવા પ્રયાસો થતાં હોય છે..કંઇક આવા જ પ્રયાસનો પર્દાફાશ થયો રાજકોટમાં.રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજના આંગણે 20 વર્ષ બાદ પ્રસંગ આવ્યો હોવાની પત્રિકા વાયરલ કરાઈ છે. જેમા કહેવાયુ છે કે રાત દિવસ એટલા આમંત્રણ આપજો કે 7 તારીખે માણસ ઘટવુ ન જોઈએ. આ પત્રિકા વાયરલ થતા ભાજપે કોંગ્રેસ પર નિશાન તાક્યુ અને શહેર ભાજપ પ્રમુખ ભરત બોઘરાએ આરોપ લગાવ્યો કે, “કોંગ્રેસ પાસે મુદ્દા નથી, નીતિ નથી, તેથી પરસ્પર વૈમન્સ્ય ઊભું કરે છે” સાથે જ આરોપ લગાવ્યો કે, “જ્ઞાતિ વચ્ચે, જાતિ વચ્ચે અને ધર્મ વચ્ચે કોંગ્રેસ વેર ફેલાવે છે”
પત્રિકા વાયરલ કરવા મામલે ક્રાઈમ બ્રાંચે 4 પાટીદાર યુવકોની અટકાયત કરી
રાજકોટમાં લેઉવા અને કડવા પાટીદારો વચ્ચે ઝેર ફેલાવતી પત્રિકા મામલે ક્રાઇમ બ્રાંચે કાર્યવાહી કરી અને ચાર પાટીદાર યુવકોની અટકાયત કરી. આ પત્રિકામાં લેઉવા અને કડવા પાટીદારો વચ્ચે વૈમનસ્ય સર્જાય તેવી ટિપ્પણી કરવામાં આવી હતી. પાછલા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં આ પત્રિકા વાયરલ કરવામાં આવી હતી. જે મામલે ભાજપ નેતા મહેશ પીપરીયાએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ ક્રાઇમ બ્રાંચ એક્શનમાં આવી અને પાટીદાર યુવકોની અટકાયત કરીને તપાસ શરૂ કરવામાં આવી. સાથે જ કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની તજવીજ હાથ ધરાઇ
પરેશ ધાનાણીએ પત્રિકા મામલે ભાજપના આંતરિક જૂથવાદને ગણાવ્યો જવાબદાર
વાયરલ પત્રિકા મામલે ભાજપના આરોપો બાદ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી મેદાનમાં આવ્યા. તેમણે સ્પષ્ટતા કરી કે વાયરલ પત્રિકા અને પત્રિકા વાયરલ કરનારાઓને કોંગ્રેસ સાથે કોઇ લેવા દેવા નથી. પરેશ ધાનાણીએ દાવો કર્યો કે, “ભાજપના ભડકેલા પેજ પ્રમુખો નામ ઠામ વગર પત્રિકા વાયરલ કરે છે”. તેઓએ આરોપ લગાવ્યો કે, “આ પત્રિકા ભાજપના બદઈરાદા અને આંતરિક જૂથવાદનું પરિણામ છે”. પરેશ ધાનાણીએ પોલીસ તંત્રને યોગ્ય તપાસ કરીને કડક કાર્યવાહીની વિનંતી કરી. આમ આદમી પાર્ટીએ પણ ચાર કાર્યકરોની અટકાયત મુદ્દે ભાજપ પર ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો.
આ પણ વાંચો: કોંગ્રેસના મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે જવાબદાર, સાંભળો PM મોદીનો જવાબ- Video
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો