પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં કેમ નથી આવ્યા એકપણ મોટા નેતા? શું એક્લા પડી ગયા છે રૂપાલા? -Video
રાજકોટના કાર્યક્રમમાં પરશોત્તમ રૂપાલાનું એક નિવેદન અને ભડકી ગઈ વિવાદની ચિન્ગારી. આ ચિન્ગારીએ હવે આગનું સ્વરૂપ લઈ લીધુ છે અને ભાજપના કોઈ મોટા નેતાઓ કે ભાજપના ક્ષત્રિય સમાજના નેતાઓ તેમા પોતાના હાથ દઝાડવા ન માગતા હોય તેવુ લાગી રહ્યુ છે.
રૂપાલા છેલ્લા 10 દિવસથી એકલા ઝઝુમી રહ્યા છે. કોઈ મોટા નેતાએ આજ સુધી તેમના સમર્થનમાં આવ્યા નથી. ત્યારે હવે ખરેખર ગણગણાટ એવો થવા લાગ્યો છે કે ભાજપ રૂપાલાને બચાવવા માગે છે કે કેમ!
ટિકિટને લઈને પહેલેથી જ ભાજપમાં આંતરિક અસંતોષની જ્વાળા ભભુકી રહી હતી તેમા રૂપાલાના નિવેદનના વિવાદે આગમાં કેરોસીન નાખવાનું કામ કર્યુ છે અને એક નિવેદને અનેક વિવાદ સર્જી દીધા છે. શરૂઆતમાં પાર્ટીમાંથી કોઈને અંદાજ પણ નહીં હોય કે આ વિવાદ આટલો ઉગ્ર બનશે. જો કે સોશિયલ મીડિયાના આ યુગમાં વીડિયો વાયરલ થયા બાદ ધીરે ધીરે વિવાદે મોટુ સ્વરૂપ લઈ લીધુ છે અને રૂપાલા ચારેતરફથી બસ ઘેરાતા જ જઈ રહ્યા છે.
હાલ આઈબીના ઈનપુટને આધારે તેમની સુરક્ષા પણ વધારી દેવાઈ છે. રૂપાલા રાજકોટમાં ખુલીને પ્રચાર પણ કરી શક્તા નથી. રાજ્યના અનેક શહેરો અને જિલ્લામાં રૂપાલા સામે આક્રોશ ભભુકી રહી છે. જુનાગઢમાં રાજપૂત કરણી સેનાએ કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવ્યું હતું. સુરેન્દ્રનગરમાં પણ ક્ષત્રિય સમાજે રૂપાલાના નિવેદનને વખોડ્યું. અમદાવાદમાં પણ ક્ષત્રિય સમાજ મેદાને આવી ગયો છે અને પોસ્ટર લગાવાયા છે કે તેમને ભાજપથી વાંધો નથી પરંતુ રૂપાલાથી અસંતોષ છે. સાબરકાંઠામાં પણ રેલીની મંજૂરી ન મળતા 7 આગેવાનો કલેક્ટરને આવેદન આપવા પહોંચ્યા હતા. આ તરફ સુરતમાં ક્ષત્રિય સમાજ સાથે રાજપૂત કરણી સેના અને મહાકાલ સેના જોડાઇ હતી અને આખા સમાજે એક જ માગ કરી છે કે રૂપાલાની ઉમેદવારી રદ કરો નહીં ઉગ્ર આંદોલન થશે.
જોકે વધતા વિરોધ વચ્ચે રૂપાલાએ આજે પત્રકાર પરિષદ કરી અને કહ્યુ કે તેઓએ પહેલા પણ માફી માંગી અને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ માફીની હૈયાધારણા આપેલી છે. બાકી ટિકિટ કેન્સલ કરવાની વાત સમાજ અને પાર્ટી વચ્ચેની છે તે વિષય પર તેઓ કંઈ કહેવા તૈયાર નથી
અહિં આખા મામલે ક્ષત્રિયો મેદાને છે અને રૂપાલા સતત માફી માગી રહ્યા છે. આ તમામની વચ્ચે એક વાત જે ઉડીને આંખે વળગે તેવી એ છે કે ભાજપના કોઈ નેતા રૂપાલાની પડખે આવી નથી રહ્યા કે તેઓની સાથે ઉભા રહીને મામલો પતાવવાનો પ્રયત્ન નથી કરી રહ્યા. જેટલા મોટો નેતાઓ રાજકોટ કે પ્રદેશના છે તેઓ તમામ જાણે કે વિવાદને વધતો જોઈ રહ્યા છે. આજે બનાસકાંઠામાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સભા કરીને નીચે ઉતરતા પત્રકારોએ પુછ્યુ કે રૂપાલા વિશે કંઈતો કહો, તો પાટીલ ત્યાંથી ચાલતા થયા અને કંઈ જ બોલ્યા નહી.
એક વાત ચોક્કસ છે કે આ વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો અને પાર્ટી માટે આ વિવાદ સૌથી મોટો પડકાર બની ગયો છે. બીજી તરફ ક્ષત્રિયો છે કે જે ભાજપના માત્ર રાજકોટ જ નહી પરંતુ અલગ અલગ 8 બેઠકો પર નુકસાનનો હુંકાર ભરી રહ્યા છે. આ સ્થિતિમાં સવાલ એ છે કે રૂપાલાનું શું થશે ? આમ તો ઉમેદવારી રદ્દ કરવાના મૂડમાં ભાજપ નથી તો પછી સવાલ એ પણ છે કે શું પાર્ટીને આવનારી લોકસભામાં મોટો ઝટકો લાગશે ? જોવું રહ્યુ કે આવનારા દિવસોમાં વિવાદ ક્યાં જઈને અટકે છે ?
આ પણ વાંચો: સુરેન્દ્રનગર: રૂપાલાના નિવેદન પર થયેલા વિવાદ પર વઢવાણના યુવરાજે આપી આ પ્રતિક્રિયા- જુઓ VIDEO