Patan ખાતે નિર્માણાધિન વીર મેઘમાયા મંદિર સ્મારકના સીએમ ભૂપેન્દ્ર પટેલે દર્શન કર્યા
ગુજરાતના ઈતિહાસમાં અજર અમર થયેલા સામાજિક સમરસતાના પ્રતિક મહાન શહીદ વીર મેઘમાયાના ભવ્ય બલિદાનને ઉજાગર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં આ ડ્રીમ પ્રોજેક્ટ અન્વયે આ ભવ્ય મંદિર અને અદ્યતન સ્મારક નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(Cm Bhupendra Patel)પાટણ(Patan)જિલ્લાની મુલાકાત દરમ્યાન નિર્માણાધિન વીર મેઘમાયા સ્મારકના(Vir Meghmaya Smarak) પણ દર્શન કર્યા હતા. ગુજરાતની ઐતિહાસિક પુરાતન રાજધાની પાટણની પ્રજા, પશુ, પંખી અને પ્રકૃતિના જતન માટે પોતાના પ્રાણની આહૂતિ આપનાર મહાન શહીદ વીર મેઘમાયા મંદિર સ્મારકની આ મુલાકાત થી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કૃતજ્ઞતા અનુભવી હતી. ગુજરાતના ઈતિહાસમાં અજર અમર થયેલા સામાજિક સમરસતાના પ્રતિક મહાન શહીદ વીર મેઘમાયાના ભવ્ય બલિદાનને ઉજાગર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં આ ડ્રીમ પ્રોજેક્ટ અન્વયે આ ભવ્ય મંદિર અને અદ્યતન સ્મારક નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.
પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂ. 11 કરોડના ખર્ચથી સ્મારકનું નિર્માણ
ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂ. 11 કરોડના માતબર ખર્ચથી આ સ્મારકનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે તેની પ્રગતિની પણ મુખ્યમંત્રીએ જાણકારી મેળવી હતી. વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર પાટણ દ્વારા મુખ્યમંત્રીની સાકરતુલા કરવામાં આવી હતી. આ પ્રસંગે વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર પાટણના ચેરમેન અને અમદાવાદ પશ્ચિમના સાંસદ ર્ડા. કિરીટભાઇ સોલંકીએ મેઘમાયાના બલિદાનને યાદ કરી સ્મારકના વિકાસ માટે રાજ્ય સરકારના ઉદાર યોગદાનની સરાહના કરી હતી.
આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારતા વિભાગના મંત્રી પ્રદીપભાઈ પરમાર, ભાજપા પ્રદેશ મહામંત્રી રજનીકાંતભાઇ પટેલ, અગ્રણીઓ સર્વ બળવંતસિંહ રાજપૂત, નંદાજી ઠાકોર, દશરથજી ઠાકોર સહિત પદાધિકારીઓ, કલેક્ટર સુપ્રિતસિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા.
વીર મેઘમાયાના બલિદાનનો સંક્ષિપ્ત ઇતિહાસ
લગભગ ૧૦૦૦ વર્ષ પહેલાં ગુજરાતની રાજધાની પાટણ હતી અને પ્રતાપી રાજા સિધ્ધરાજ જયસિંહ સોલંકીનું શાસન છેક માળવા ફેલાયેલ હતુ. લગાતાર કેટલાક વર્ષો સુધી દુષ્કાળ પડવાથી લોકો પાણી વિના ટળવળતા હતા અને પાણી માટે ત્રાહિમામ પોકારી ચૂક્યા હતા. પ્રજાવત્સલ રાજા સિધ્ધરાજે પાટણ ખાતે “સહસ્ર લીંગ સરોવર ’ નું નિર્માણ શરૂ કર્યું. રાજા શિવભક્ત હોવાથી તળાવને કિનારે 1008 શિવાલય શિવલીંગના સ્થાપના સાથે બનાવ્યા હતા. કમ – નસીબે સહસ્ત્રલીંગ સરોવર કામ પૂર્ણ થયા પછી તેમાં પાણી ભરાયુ નહોતું.
પંડિતો પાસે પૂછતાં જાણવા મળ્યુ કે , રાજા પર “સતી જસમા ઓડણ” નો શ્રાપ હોવાથી પાણી ભરાયું નથી. તેના નિરાકરણ માટે પંડિતોએ સૂચવ્યુ કે સરોવરમાં બત્રીસ લક્ષણો પુરૂષ બલિદાન આપે તો જ પાણી ભરાશે. બત્રીસ લક્ષણા પુરૂષની શોધ કરતાં જાણવા મળ્યું કે, ધોળકા ખાતે “રનોડા’’ ગામમાં વણકર પરિવારમાં જન્મેલ યુવાન “વીર મેઘમાયા’’ હતો. વીર મેઘમાયાએ પ્રજાની યાતના દૂર કરવા પોતાના પ્રાણોની બલિદાન આપવાની સહર્ષ તૈયારી દાખવી. રાજાએ પુરા રાજકીય સમ્માન સાથે વીર મેઘમાયાને પાટણ આમંત્રિત કર્યા.
તે સમયે અસ્પૃશ્યતાની બદી એની ચરમ સીમાં પર હતી ત્યારે વીર મેઘમાયાએ રાજા સમક્ષ પોતાના સમાજને ન્યાય આપવા (1 ) ગળામાં મટકી (2 ) પાછળઝાડુ (3 ) તુલસીની પૂજા પર રોક (4 ) પવિત્ર વૃક્ષ પીપળની પૂજા પર રોક તથા (૫) ગામની બહાર રહેવાની કુરૂઢી દૂર કરવા માંગણી મૂકી સામાજીક ન્યાય માટેની 1000 વર્ષ પહેલાંની આ માગનો ઇતિહાસમાં જોટો જડે તેમ નથી. વીર મેઘમાયાએ સહસ્ત્રલીંગ તળાવમાં શહાદત આપી અને આ પાણી દરેક સમાજ, જાતિ તેમજ સંપ્રદાયના લોકો માટે ઉપલબ્ધ કરાવ્યું હતુ. સાચે જ વીર મેઘમાયાએ ફક્ત દલિતો માટે જ નહી પરંતુ સમગ્ર સમાજ માટે બલિદાન આપ્યું છે તેમના બલિદાનને ઉજાગર કરવા પાટણ ખાતે વીર મેઘમાયા સ્મારકનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : સુરત : સ્ટેશનરી અને સ્કુલ યુનિફોર્મ લેવા દુકાનોમાં વાલીઓની ભીડ, બે વર્ષ બાદ શરૂ થઇ રહી છે શાળા-કોલેજો
આ પણ વાંચો : Surat: જિલ્લા સંકલન બેઠકમાં લોક સમસ્યા ઉકેલવામાં ધારાસભ્યોને કોઈ રસ ન હોય તેવા દૃશ્યો સામે આવ્યા