kutch : મુન્દ્રા ડ્રગ્સ કેસમાં NIAની પુરક ચાર્જશીટમાં ખુલાસો, આતંકીઓને બળ પૂરૂ પાડવાનો હતો ખેલ, મુખ્ય આરોપી હરપ્રીતસિંહ સહિત 22 આરોપી અને નકલી કંપનીઓ સાણસામાં લેવાઈ
14 માર્ચ 2022ના રોજ એનઆઈએએ આ કેસમાં 16 આરોપી સામે ચાર્જશીટ દાખલ કરી હતી. ત્યારબાદ 29 ઓગસ્ટ 2022ના રોજ 9 આરોપી સામે પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી.
મુન્દ્રા પોર્ટ પર 13 સપ્ટેમ્બર 2021માં હેરોઈનના 2988.210 કિલોગ્રામ જથ્થો પકડાયેલો હતો. આ કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા સોમવારે બીજી પૂરક ચાર્જશીટ ફાઇલ કરવામા આવી હતી. ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે, હેરોઇનનો આ જથ્થો અફઘાનિસ્તાનથી વાયા ઈરાનના અબ્બાસ બંદર થઈ ગુજરાતમાં ઘૂસાડાયો હતો. શરૂઆતમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ની ગાંધીધામ ટીમે આ મામલે કેસ નોંધ્યા બાદ 6 ઓક્ટોબર 2021ના રોજ એનઆઈએએ ફરી કેસ દાખલ કરવામા આવ્યો હતો.
આ પણ વાંચો : Kutch : શ્રમિકોના નામે કરોડોનું GST કૌભાંડ, 40 લાખની રોકડ સાથે બે ની ધરપકડ
14 માર્ચ 2022ના રોજ એનઆઈએએ આ કેસમાં 16 આરોપી સામે ચાર્જશીટ દાખલ કરી હતી. ત્યારબાદ 29 ઓગસ્ટ 2022ના રોજ 9 આરોપી સામે પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. એનઆઈએએ સોમવારે અમદાવાદમાં એક સ્પેશિયલ કોર્ટમાં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર સ્થિત ઓપરેટિવ મોહમ્મદ ઇકબાલ અવાન, દુબઈના વિત્યેશ કોસર ઉર્ફે રાજુ દુબઈ અને દિલ્હીના હરપ્રીતસિંહ સહિત 22 આરોપી અને કંપનીઓ વિરુદ્ધ બીજી પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી.
દિલ્લી નાઈટ ક્લબ માલિક હતો મુખ્ય ડિલર
એનઆઈએએ જણાવ્યું કે દિલ્હીની નાઇટ ક્લબનો માલિક અને આ ઘટનાનો મુખ્ય આરોપી હરપ્રીત સિંહ ઉર્ફે કબીર તલવાર ભારતમાં હેરોઇનની તસ્કરી માટે કોમર્શિયલ ટ્રેડ રૂટનો ઉપયોગ કરવા માટે દુબઈ ગયો હતો. કબીર તલવાર દિલ્હીમાં ક્લબ્સ, રિટેલ શોરૂમ અને ઇમ્પોર્ટ ફર્મ્સ જેવા ઘણા વેપાર-ધંધા કરે છે. તેણે આ તમામ કંપનીઓ તેના કર્મચારીઓ, સંબંધીઓ અને મિત્રોના નામે ખોલી છે, જેનું સંચાલન તે કરે છે.
આ કંપનીઓનો ઉપયોગ તે નશીલા પદાર્થો, પ્રતિબંધિત વસ્તુઓની હેરાફેરી કરવા માટે કરે છે. તેની આવી ડઝનો કંપનીઓની ઓળખ કરી તપાસ કરવામાં આવી છે, જેમાંની એક મેસર્સ મેગન્ટ ઇન્ડિયા છે, જેનું નામ ચાર્જશીટમાં છે. આ કંપની દ્વારા તે અફઘાનિસ્તાનથી સેમી પ્રોસેસ્ડ ટેલ્ક સ્ટોન ભારત આયાત કરવાની આડમાં હેરોઇન ઘૂસાડતો હતો.
દિલ્હીના વેરહાઉસમાં થતુ હતુ સંગ્રહ
મુન્દ્રા અને કોલકાતા બંદર પર આવતા હેરોઈનના કન્સાઈનમેન્ટને દિલ્હીના વિવિધ વેરહાઉસમાં તેના સંગ્રહ કરવા માટે વિદેશસ્થિત નાર્કો માફિયા દ્વારા એક નેટવર્ક ચાલે છે. જેમા હેરોઈનના વેચાણથી મળેલું ભંડોળ ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓને આગળ વધારવા માટે પૂરું પાડવામાં આવતું હતું.
નકલી કંપનીઓ નામે કરવામા આવતી હતી હેરાફેરી
આરોપીઓ દ્વારા અફઘાનિસ્તાનથી ભારતમાં આંતરરાષ્ટ્રીય વેપાર માર્ગો પર આરોપીઓ હેરોઈનના ગેરકાયદે કન્સાઇન્મેન્ટની દાણચોરી કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ પ્રકારની દાણચોરીના જોડાણોની તપાસ કરતી વખતે ડ્રગ ભરેલા કન્સાઇનમેન્ટની આયાત અને હેરાફેરીમા સામેલ ઓપરેટિવ્સનું નેટવર્ક બહાર આવ્યું છે. જેમાં એવું પણ બહાર આવ્યું છે કે ભારતમાં ઊભી કરાયેલી અનેક શેલ ઈમ્પોર્ટ પ્રોપ્રાઈટરશિપ કંપનીઓ દ્વારા કન્સાઈનમેન્ટ્સની આયાત કરવામાં આવી હતી.