31 ઓક્ટોબરના મહત્વના સમાચાર : ભવ્ય એક્તા પરેડ બાદ પીએમ મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા કહ્યુ દેશની વિવિધતા અને એક્તા જ સૌથી મોટી તાકાત, 2047 સુધીમાં દેશને વિકસીત ભારત બનાવવાનુ લક્ષ્ય
આજે 31 ઓક્ટોબરને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે 31 ઓક્ટોબરને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
અમદાવાદ: 25.64 કરોડના ડ્રગ્સ મામલે તપાસમાં મોટા ખુલાસા
અમદાવાદમાં 25.64 કરોડ રૂપિયાના ડ્રગ્સ કેસની તપાસમાં મોટા ખુલાસા થયા છે. તપાસમાં સામે આવ્યું છે કે અમૃતસર, ફિરોઝાબાદ અને શ્રીગંગાનગર બોર્ડર પરથી ડ્રગ્સનો સપ્લાય કરવામાં આવતો હતો. ડ્રોન મારફતે સરહદથી ત્રણ કિલોમીટર અંદર સુધી ડ્રગ્સની ડિલિવરી પહોંચાડવામાં આવતી હતી. જ્યારે ડ્રગ્સના નાણાં હવાલા મારફતે અન્ય દેશોમાં મોકલાતા હતા. તપાસમાં મુખ્ય ડ્રગ્સ સપ્લાયર કફિલ અગાઉ ત્રણ વખત ગુજરાત આવ્યો હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં ડ્રગ્સનું નેટવર્ક ઊભું કરવા તે અન્ય સપ્લાયરો સાથે આવ્યો હતો. આર્થિક વ્યવહારોની તપાસમાં UP, MP અને રાજસ્થાનના વધુ ત્રણ સપ્લાયરોના નામ સામે આવ્યાં છે. ઝડપાયેલા ડીલરોને પ્રતિ કિલો એક લાખ રૂપિયાનો નફો મળતો હતો. બીજી તરફ ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સ સપ્લાયરોની મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી તિફલેના દિલ્હીના બે મકાન અને બે કાર જપ્ત કરવાની પ્રક્રિયા પણ શરૂ કરાઈ છે.
-
નર્મદા: ‘વંદે માતરમ્’ ગીતમાં ફેરફાર કરીને કોંગ્રેસે ખોટું કર્યુંઃ સુમિત્રો ચટ્ટોપાધ્યાય
વંદે માતરમ્ ગીતને લઈને ફરી એકવાર વિવાદ શરૂ થયો છે. આ વખતે ગીતના રચયિતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના પરિવારજનોએ કોંગ્રેસ પર આક્ષેપ કર્યા છે. નર્મદાના એકતાનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ‘આનંદમઠ’નું ભવ્ય નાટ્યમંચન યોજાયું હતું. આ દરમિયાન બંકિમચંદ્રના પરિવારજનો સુમિત્રો ચટ્ટોપાધ્યાયે જણાવ્યું કે વંદે માતરમ્ ગીતના મૂળ સ્વરૂપમાં ફેરફાર કરીને કોંગ્રેસે ભૂલ કરી હતી. તેમણે આક્ષેપ કર્યો કે બંકિમચંદ્રના ઇતિહાસ અને યોગદાનને ભૂલાવી દેવાના પ્રયાસો થયા છે. સાથે જ તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી આજે વંદે માતરમ્ ગીતનું સંપૂર્ણ સ્વરૂપ રજૂ કરી રહ્યા છે તે ગૌરવની વાત છે. બંકિમચંદ્રનું યોગદાન નવી પેઢી સુધી પહોંચાડવાના પ્રયાસોની પણ તેમણે પ્રશંસા કરી હતી. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ બંકિમચંદ્રના પરિવારજનો સાથે આત્મીય મુલાકાત પણ કરી હતી.
-
-
અમદાવાદ: વિરમગામમાં રેલવે તંત્રની ઘોર બેદરકારીનો વીડિયો વાયરલ
અમદાવાદના વિરમગામમાં રેલવે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. અહીં ટ્રેન પસાર થતી હોવા છતાં રેલવે ફાટક બંધ કરવામાં આવ્યું નહોતું. ફાટક ખુલ્લું હોવા છતાં ટ્રેન પસાર થતાં ત્યાંથી પસાર થતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જોકે, ટ્રેન આવતી જોઈને સતર્કતા દાખવતાં વાહનચાલકોએ સમયસર પોતાનાં વાહનો રોકી દીધાં હતાં. જેના કારણે સંભવિત દુર્ઘટના ટળી હતી. રેલવે ફાટક બંધ ન થયું અને ટ્રેન પસાર થઈ ગઈ હોવાની સમગ્ર ઘટના કોઈએ મોબાઈલમાં કેદ કરી લીધી હતી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જો આ દરમિયાન કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદારી કોની હોત તેવા સવાલો પણ ઊઠી રહ્યા છે.
-
ગીર સોમનાથ: તાલાલા તાલુકામાં કમોસમી વરસાદ
ગીર સોમનાથના તાલાલા તાલુકામાં કમોસમી વરસાદે તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે. તાલુકાનાં અનેક ગામોમાં મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. માધુપુર, જાંબુર અને જસાધાર સહિતનાં ગામોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. માત્ર અડધા કલાકમાં અંદાજે એક ઇંચ જેટલો વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. ભારે પવન અને વરસાદને પગલે લોકોમાં દોડધામ મચી હતી. અચાનક આવેલા માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. તૈયાર થઈ રહેલા ખેતીપાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
-
સુરતઃ દિવાળીના તહેવારને લઈને પોલીસ એલર્ટ
સુરતમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ એલર્ટ થઈ છે. SOG દ્વારા સિક્યોરિટી એજન્સીના સંચાલકો સાથે બેઠક યોજી તહેવારો દરમિયાન સુરક્ષા વ્યવસ્થા મજબૂત રાખવા વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે. સિક્યોરિટી સ્ટાફને અજાણ્યા લોકો અને સેલ્સમેનની ફરજિયાત એન્ટ્રી નોંધવા તેમજ પરવાનગી વગર બહારનાં વાહનોના પ્રવેશ પર રોક લગાવવા નિર્દેશ અપાયા છે. આ ઉપરાંત ફાયર અને ઇમરજન્સી એક્ઝિટ બ્લોક ન થાય તે રીતે વાહનોનું મોનિટરિંગ કરવા સૂચના અપાઈ છે. દિવાળીમાં અનેક લોકો મકાન બંધ કરીને વતન જતા હોવાથી તસ્કરો સક્રિય ન થાય અને બંધ મકાનોને નિશાન ન બનાવે તે માટે પણ સિક્યોરિટી સ્ટાફને સજાગ રહેવા જણાવાયું છે.
-
-
ગીર સોમનાથ: આંબડાશ ગામમાં કમોસમી વરસાદ
ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જિલ્લાના આંબડાશ ગામમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. તોફાની પવનના કારણે નાળિયેરીના પાકને નુકસાન પહોંચ્યું હોવાની ભીતિ છે. બીજી તરફ વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોની મુશ્કેલી વધી છે. ખાસ કરીને નાળિયેરીના પાકને નુકસાન થતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ ખેડૂતો પાકની જાળવણી માટે પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ કમોસમી વરસાદ અને ભારે પવને ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.
-
“એક ભારત શ્રેષ્ઠ ભારત અને વિકસીત ભારત એ દરેકનું લક્ષ્ય હોવુ જોઈએ”
એક ભારત, શ્રેષ્ઠ ભારત નો મંત્ર અને વિકસીત ભારતનું લક્ષ્ય હવે એ ભારતના અટલ સંકલ્પ બની ગયા છે. અમે પરિશ્રમની પરાકાષ્ઠા કરીશુ અને ઝંઝાવાતો સામે લડશુ પરંતુ અમારી દૃષ્ટિ એક જ લક્ષ્ય પર રહેશે 2047 સુધીમાં સશક્ત વિકસીત ભારતનું નિર્માણ એ આપણા દરેક શ્વાસમાં અને દરેક ધડકન સાથે ધડકવુ જોઈએ.
-
વિરોધ પક્ષ તેનુ કર્તવ્ય ભૂલી અવરોધપક્ષ બની ગયો- PM મોદી
અમે દેશ પર ઊર્જા સંકટ નથી આવવા દીધુ. જ્યારે દેશ બાહરી સમસ્યાઓનું સમાધાન શોધી રહ્યો હતો ત્યારે દેશની કેટલીક તાકતો જુઠ અને અફવા ફેલાવી દેશની એક્તાને તોડવાનો પ્રયાસ કરી રહી હતી. બાબા સાહેબ આંબેડકર, જેવી મહાન વિભૂતિએ બંધારણના નિર્માણ સમયે સત્તા પક્ષ અને વિપક્ષ ની વ્યવસ્થા આપી, વિરોધપક્ષનું કામ સરકારની નીતિઓનો વિરોધ કરવાનું હોય છે પરંતુ તે પોતાનું કર્તવ્ય ત્યાગી વિરોધ પક્ષ અવરોધ ઉભો કરી રહ્યા છે. તેઓએ વિરોધને નહીં અવરોધને જ પોતાની રાજનીતિ બનાવી લીધી છે. આ લોકો બંધારણની મર્યાદાને તાર તાર કરવામાં લાગેલા છે. આ તાકતો સતત મા ભારતીના સંતાનોને અંદરોઅંદર લડાવવાના ષડયંત્રો રચી રહ્યા છે. એક દશકની હતાશા અને નિરાશાના કારણે હવે તેઓ ખુલ્લા પડી ગયા છે. કોણ વિદેશમાં કોને ગુપ્ત રીતે મળી રહ્યા છે, ભારત વિરોધી તાકતો કોને સમર્થન આપી રહી છે? કોણ ભારત વિરોધી ભાષા બોલી રહ્યા છે તેમને ઓળખવા પડશે. સોશિયલ મીડિયા દ્વારા જૂઠ, અફવા ફેલાવી ભારતની છબી ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે ભારતે તેમને ઓળખી તેમને ખુલ્લા પાડવા પડશે, ભારતે નક્સને તો નાબૂદ કરી દીધો પરંતુ દિમાગી નક્સલનો ખતરો હજુ ટળ્યો નથી.
-
અમે દેશને વિકસીત ભારત બનાવીને રહેશુ- PM મોદી
આજે એવી જ એક રાષ્ટ્રીય સિદ્ધિની ચર્ચા હું કરવા માગુ છુ. ભારતમાં ગરીબી હટાવવાની ચર્ચા આઝાદી બાદથી ચાલી આવી છે. ગરીબી હટાવવાના નામે મત માગવામાં આવ્યા પરંતુ દેશમાંં ગરીબીની સ્થિતિ શું રહી તેનાથી સહુ વાકેફ છે. જેમણે ગરીબી હટાવવાના નારા આપ્યા તેઓ ખુદ અમીર થઈ ગયા. હજુ થોડા દિવસ પહેલા જ વર્લ્ડ બેંકની એક રિપોર્ટ આવી છે. જે બતાવે છે કે 2024 પહેલા 10-12 વર્ષોમાં 50 કરોડ ભારતીયોએ ગરીબીને પરાસ્ત કરી છે. 100માંથી 27 લોકો ભીષણ ગરીબીની જપેટમાં હતા આજે આ સંખ્યા ઘટીને 100 માંથી માત્ર 3 એ આવી ગઈ છે. સમગ્ર દુનિયા માની રહી છે કે આ બહુ મોટી સિદ્ધિ છે. છેલ્લા 12 વર્ષથી દેશ ગરીબ કલ્યાણ, ગરીબોને સશક્ત કરવાને પ્રાથમિક્તા આપી રહ્યો છે. દેશને લીકેજફ્રી વ્યવસ્થા મળી. ડીબીટીના માધ્યમથી ગરીબોની ખિસ્સા સુધી પૈસા પહોંચ્યા. કરોડો પાકા ઘર, કરોડો ટોયલેટ્સ, ધુમાડા મુક્ત રસોડાએ ગરીબોનું જીવન આસાન બનાવ્યુ. 2014 પહેલા દેશમાં 25 કરોડ લોકો પાસે પણ સામાજિક સુરક્ષા કવચ ન હતુ. આજે દેશના 100 કરોડો લોકોને સામાજિક સુરક્ષા કવચથી જોડવામા આવ્યા છે. આજે સમગ્ર દેશ સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે ત્યારે તેમના આત્મા જરૂર આશીર્વાદ આપતી હશે. આવા જ પ્રયાસોથી અમે દેશમાંથી ગરીબી દૂર કરીને રહીશુ. દેશને વિકસીત ભારત બનાવીને રહેશુ. દેશની એક્તા, દેશની સ્થિરતા અને સફળતાની ગેરંટી છે. આજનો સમય છેલ્લા કેટલાય દાયકાઓનો સૌથી કઠિન સમય છે. મોટા મોટા દેશોની અર્થવ્યવસ્થાઓ ડામાડોળ થઈ છે. એવા સમયે ભારતવાસીઓની એક્તા બહુ મોટી તાકાત છે. કારણ કે એ જ એક્તા તમામ તોફોનામાંથી બહાર લાવશે.
-
“સરદારની 150મી જન્મજયંતિએ અમે નક્સલવાદને સમાપ્ત કરવાના શપથ લીધા હતા”
જ્યાં સુધી દેશ નક્સલવાદ, માઓવાદના આતંકથી સંપૂર્ણરીતે મુક્ત ન થઈ જાય ત્યાં સુધી અમે શાંતિથી બેસીશું નહીં અને તેના બરાબર એક વર્ષ પછી આજે આપણે સહુ અહીં ઉપસ્થિત છીએ, દેશનો સંકલ્પ પુરો થયો છે. નક્સલવાદની કમર તોડવામાં આવી છે. દેશના 126 જિલ્લા નક્સલવાદથી પ્રભાવિત હતા. માર્ચ 2026 પછી એકપણ એવો જિલ્લો નથી રહ્યો જે નક્સલથી પ્રભાવિત હોય. દાયકાઓ નક્સલની હિંસાથી આ જિલ્લાઓ પીડિત હતા. આ વર્ષે નક્સલ પીડિત પરિવારો અહીં અતિથિ બનીને સામેલ થયા છે.
-
એક્તા પરેડના સમાપનમાં વડાપ્રધાન મોદીનું ઉદ્દબોધન
સરદાર પટેલની 151મી જન્મજયંતિ નિમીત્તે આયોજિત એક્તા નગરમાં આયોજિત રાષ્ટ્રીય એક્તા પરેડ બાદ વડાપ્રધાન મોદીએ આમંત્રિત મહેમાનોને સંબોધ્યા હતા. આ તકે તેમણે સરદારના કાર્યોને યાદ કરી તેમને શબ્દાંજલિ આપી. સરદાર પટેલ દેશી રજવાડાને એકત્રિત એટલે કરી શક્યા કારણ કે તેઓ જાણતા હતા કે ભારતની વિવિધતા તેની બાધા નથી. પરંતુ વિવિધતા જ એક્તાની તાકાત છે. સરદાર પટેલે ફરી એકવાર અખંડ ભારતનો પાયો નાખ્યો. તેમણે દેશની ભૂગોળને જ નથી જોડી તેમણે દેશને ભાવનાત્મક એક્તાના સૂત્રો સાથે બાંધ્યો. તેમણે ગુજરાતના સોમનાથ મંદિરનો પણ જિર્ણોદ્ધાર કર્યો. આ વર્ષે એ નેક કામને પણ 75 વર્ષ પૂર્ણ થયા છે. આ જ આત્મગૌરવે આપણને સોમનાથ સ્વાભિમાન પર્વની પ્રેરણા આપી. દેશ તેને એટલા જ ઉત્સવથી ઉજવી રહ્યો છે.
-
અમદાવાદઃ સરદાર પટેલની જન્મજયંતિ પર વિશ્વ ઉમિયાધામની જાહેરાત
અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે વિશ્વ ઉમિયાધામ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. વિશ્વ ઉમિયાધામ મંદિર પરિસરમાં શૈક્ષણિક સંકુલ અને આધુનિક હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે. 2 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તેવી સુવિધા સાથે શૈક્ષણિક સંકુલ તૈયાર કરાશે. જ્યારે પરિસરમાં 500 બેડની હોસ્પિટલ પણ બનાવવામાં આવશે. વિશ્વ ઉમિયાધામના પ્રમુખે જણાવ્યું કે સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે મળેલી બેઠકમાં આ બંને પ્રોજેક્ટના નિર્માણ અંગે નિર્ણય લેવાયો છે. વધુમાં તેમણે જણાવ્યું કે હોસ્પિટલના નિર્માણ માટે એક NRI દાતાએ 700 કરોડ રૂપિયાનું દાન આપવાની તૈયારી દર્શાવી છે.
-
જામનગર જિલ્લામાં કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતિત
જામનગર જિલ્લામાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જ્યારે લાલપુર તાલુકાના ભણગોર ગામમાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ કમોસમી વરસાદ ખાબક્યો હતો. અચાનક આવેલા વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ ખેતરોમાં તૈયાર થઈ રહેલા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને કમોસમી વરસાદને કારણે ખેતીપાકની ગુણવત્તા અને ઉત્પાદન પર અસર થવાની આશંકા છે. માવઠાને પગલે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળવાની ચિંતા સતાવી રહી છે.
-
જામકંડોરણા પંથકમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ
રાજકોટના જામકંડોરણા પંથકમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો છે. તાલુકાના ઉજળા અને બાલાપર ગામમાં માવઠું થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદને કારણે ખેતીના પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને મગફળી, મરચી અને કપાસ જેવા પાકને નુકસાન થવાની શક્યતા છે. એક તરફ ખેડૂતો પાકની લણણી અને ઉપજની તૈયારી કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ સતત બીજા દિવસે વરસેલા માવઠાએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવવાની આશંકા ઊભી કરી છે. પાકમાં નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતિત બન્યા છે.
-
વિવિધ જિલ્લાઓની ઝાંખીઓથી જગમગ્યુ એક્તાનગર
નર્મદામાં કેવડિયા કોલોની ખાતે ચાલી રહેલી એક્તા પરેડમાં રજૂ કરવામાં આવતી ઝાંખીઓ દ્વારા આજે એક્તાનગર જગમગી ઉઠ્યુ છે. દિવાળી પહેલા જ અહીં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સહકારથી સમૃદ્ધિ નામની ઝાંખી દ્વારા ગુજરાતના સમૃદ્ધ ડેરી ઉદ્યોગને પ્રદર્શિત કરવામાં આવી છે. વડોદરા જિલ્લામાંથી વંદે શક્તિનામની ઝાંખી તૈયાર કરવામાં આવી છે. જેમા મહિલાઓના યોગદાનને દર્શાવવામાં આવ્યુ છે. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના સહકારિતામાં ખાસ ફાળો રહ્યો છે. જેમા ડેરી ઉદ્યોગ હોય કે મત્સ્યપાલન હોય તેની સમૃદ્ધિ બતાવવામાં આવી છે. ગુજરાતનું સુરત શહેર હિરા માટે જગવિખ્યાત છે. સુરત જિલ્લા દ્વારા તેના હિરા ઉદ્યોગની ઝાંખી રજૂ કરવામાં આવી છે.
-
વર્ષ 2030 સુધીમાં દેશને નશામુક્ત કરવાનો કેન્દ્રીય ગૃહમંત્રીનું લક્ષ્ય
સરદાર પટેલની 151મી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ વર્ષ 2030 સુધીમાં દેશમાંથી નશાને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે. કેવડિયામાં ચાલી રહેલી એક્તા પરેડ દરમિયાન 15 ઝાંખીઓ રજૂ કરવામાં આવી છે. જેમા વંદેમાતરમના 150 વર્ષ પૂર્ણ થવાની થીમ પર શુભ્રજ્યોત્સના ઝાંખી બનાવવામાં આવી છે. જેમા અલગ અલગ રાજ્યોની થીમ પર બનાવવામાં આવી છે. જેમા ગુજરાતના ડેરી ઉદ્યોગની ઝાંખીને પણ સામેલ કરવામાં આવી છે. વંદેમાતરમની થીમ પર આ તમામ 15 ઝાંખીઓ રજૂ કરવામાં આવી છે. જેમા કલા અને સંસ્કૃતિનું મંચન કરવામાં આવ્યુ છે. ગુજરાતના અલગ અલગ જિલ્લાની થીમ પર આ ઝાંખીઓને તૈયાર કરવામાં આવી છે. જેમા ડેરી ઉદ્યોગ, કચ્છની હસ્તકલા ઉદ્યોગની ઝાંખીઓ પણ સામેલ છે.
-
નક્સલમુક્ત ભારત બાદ નશામુક્તિનું લક્ષ્ય
ફોરવર્ડ ઓપરેટિંગ બેઝ દ્વારા લોકલ ફોર વોકલની પણ કામગીરી કરવામાં આવી રહી છે. જંગલમાં રહેતા લોકો દ્વારા તૈયાર કરવામાં આવેલી પ્રોડક્ટને વેચવા માટે મોકલવામાં આવે છે. નક્સલીઓએ 20 હજારથી વધુ સ્થાનિકોને મોતને ઘાટ ઉતાર્યા, અનેક જવાનોએ તેમનુ રક્ત વહાવ્યુ છે. હજારો જવાનોએ બલિદાન આપ્યા છે. નક્સલ પ્રભાવિત રાજ્યોના લોકો મુખ્યધારામાં ન આવે તે માટે તેમને હંમેશા નક્સલીઓ દ્વારા ડરાવીને રાખવામાં આવતા હતા. પરંતુ ભારતે સિક્યોરિટી ફોર્સ દ્વારા એક નક્કર પ્લાન તૈયાર કર્યો. જેમા અલગ અલગ ફોર્સ દ્વારા મોટી ભૂમિકા ભજવવામાં આવી.
-
નક્સલવાદ નાબૂદ થયા બાદ લોકોને મળ્યુ સૂકુન
નક્સલીઓએ 1200 કિલોમીટરનો રેડ કોરિડોર બનાવ્યો હતો. જેમા જનતા અદાલત ભરવામાં આવતી હતી. તેનો ખાત્મો બિલકુલ આસાન ન હતો. અનેક વર્ષોની મહેનત બાદ તેના ફળ મળ્યા છે, જેમા અનેક જવાનોએ બલિદાન આપ્યા છે અનેક લોકોના લોહી વહ્યા છે. નક્સલવાદની નાબૂદી પહેલા પણ થઈ શક્તી હતી પરંતુ એ પ્રકારના દૃઢ નિશ્ચયની ક્યાંકને ક્યાંક કમી રહી હતી. કેન્દ્ર સરકાર દ્વારા જે સમય મર્યાદા ન્કી કરવામાં આવી હતી તેના આધારે સેનાની ટૂકડીએ પરસ્પર સહયોગ સાથે કામ કર્યુ. જેમા સૌથી મોટી સફળતા હિડમા જેવા ખૂંખાર નક્સલીને ઢેર કરવામાં તેમને મળી.
-
નક્સલની થીમ પર નાટ્ય મંચનને NSDના કલાકારો દ્વારા તૈયાર કરાવવામાં આવ્યુ
જે લોકોએ નક્સલવાદની સમસ્યાને સહન કરી છે એ તમામ રાજ્યોના યુવાનોને અહીં લાવવામાં આવ્યા છે. તેમના દ્વારા જ નક્સલની થીમ પર નાટ્ય મંચન કરવામાં આવી રહ્યુ છે. જેને NSD ના કલાકારો દ્વારા તૈયાર કરાવવામાં આવ્યુ છે. આ નાટ્યમંચનના કલાકારો એ જ યુવાનો છે જેમણે નક્સલવાદની પીડાને સહી છે. એન્ટી નક્સલ ઓપરેશનમાં દેશના અનેક રાજ્યોના જવાનોએ યોગદાન આપ્યુ છે. ITBP, BSF, કોબ્રા મિલિટરી ફોર્સ, સહિતની સેનાની ટૂકડીઓએ નક્સલવાદને ખતમ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. નક્સલવાદ મુક્તિ માટે અને સાથોસાથ ત્યાં વિકાસના કાર્યો, તેમજ બસ્તર સહિતના વિસ્તારોમાં પર્યટનને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે. હવે ત્યા વિકાસની બહાર આવી છે. ફોરવર્ડ ઓપરેટિંગ બેઝ હજુ પણ નક્સલગ્રસ્ત વિસ્તારોમાં ઉપલબ્ધ છે જેના દ્વારા હવે યુવાનોના સ્કિલ ડેવલપમેન્ટનું કામગીરી કરવામાં આવી રહી છે.
-
નક્સલવાદની સમાપ્તિ બાદ નક્સલપ્રભાવિત યુવાઓએ નક્સલના દર્દને ઝાંખી દ્વારા દર્શાવ્યુ
અલગ અલગ રાજ્યોમાંથી 25 હજારથી વધુ લોકો આ પરેડમાં સામેલ થવા માટે પહોંચ્યા છે. આ પરેડમાં જે કમાન્ડો પરેડ કરી રહ્યા છે તેમની નક્સલમુક્ત ભારતમાં મોટી ભૂમિકા રહી છે. ડેર ડેવિલ્સ ટીમને નશા મુક્ત ભારત માટે બોલાવવામાં આવી છે. જે દેશના અલગ અલગ વિસ્તારોમાં જઈને દેશમાંથી નશાને કેવી રીતે નાબૂદ કરવો તેના માટે જાગૃતિ માટેના કાર્યક્રમો કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં આ ટીમ દ્વારા 14 હજાર કિમીની યાત્રા કરવામાં આવી છે. અલગ અલગ રાજ્યોની ફોર્સિસ આ પરેડમાં સામેલ છે. લગભગ 2000 થી વધુ NSDના કલાકારોએ નક્સલમુક્ત ભારતની થીમ પર ઝાંખી રજૂ કરી છે. આ એક પ્રકારનો નક્સલમુક્ત ભારતની ઉજવણી છે. જે હાલ કેવડિયામાં મનાવવામાં આવી રહી છે. દેશના 136 જિલ્લામાં ફેલાયેલા નક્સલને સંપૂર્ણપણે નાબૂદ કરી દેવામાં આવ્યો છે તે કોઈ નાની ઉપલબ્ધિ નથી.
-
પહેલીવાર સાંજના પરેડનું આયોજન કરાયુ
નક્સલ મુક્ત ભારતની થીમ પર આયોજિત આ પરેડમાં સેનાની તમામ ટૂકડીઓ સામેલ છે. એક્તા પ્રકાશ પર્વ અને લાઈટિંગનો પણ સમન્વય જોવા મળી રહ્યો છે. નર્મદા મૂર્તિથી SRP કોલોની સુધી પરેડ આયોજિત કરાઈ છે. આ પરેડમાં અલગ અલગ સંસ્કૃતિની ઝાંખીઓ પણ જોવા મળી રહી છે.
-
સરદાર પટેલને સલામ, દેશને સલામ, દેશના નમન
આ પરેડમાં આ વખતે વડાપ્રધાન મોદી ખાસ મહેમાન બન્યા છે. પેરામિલિટ્રી ફોર્સ સહિત રાજ્યોની પોલીસ પણ આ પરેડમાં સામેલ થઈ છે. આંધ્ર પ્રદેશની પોલીસ પણ આ પરેડમાં જોવા મળી રહી છે. નક્સલગ્રસ્ત વિસ્તારોમાં ફોરવર્ડ ઓપરેટિંગ બેઝ બનાવવામાં આવ્યા હતા તેને સ્કિલ ડેવલપમેન્ટ બેઝમાં તબ્દિલ કરવામાં આવ્યા છે. ત ઝાંખી દ્વારા દર્શાવવામાં આવ્યા છે. એન્ટી નક્સલ ઓપરેશન દરમિયાન આ પરેડમાં સામેલ તમામ ટૂકડીઓ તેની સાક્ષી રહી છે. આ પરેડમાં અલગ-અલગ રાજ્યોની ઝાંખીઓ પણ જોવા મળી રહી છે.
-
પરેડમાં નક્સલથી પ્રભાવિત યુવાનોને પણ સામેલ કરાયા
સરદાર પટેલની જયંતીને રાષ્ટ્રીય એક્તા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આ પરેડ દ્વારા એક ભારત, શ્રેષ્ઠ ભારતનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. પરેડમાં સૌપ્રથમ CRPF જવાનોનો જથ્થો આગળ વધ્યો છે. પરેડમાં કોબરા કમાન્ડોની ટૂકડીઓ પણ સામેલ છે. આ ઉપરાંત NSG અને BSF ની ટૂકડીઓ પણ સામેલ છે. આ પરેડમાં આ યુવાનોને પણ સામેલ કરવામાં આવ્યા છે જેઓ કોઈને કોઈ રીતે નક્સલથી પ્રભાવિત રહ્યા છે. દેશના 126 જિલ્લાઓમાં નક્સલવાદ થી પ્રભાવિત યુવાનોને અહીં લાવવામાં આવ્યા છે અને તેઓ પણ પરેડનો હિસ્સો બન્યા છે. આ વખતે પહેલીવાર સાંજના આ પરેડનું આયોજન કરવામાં આવ્યુ છે. દેશના રાજ્યોમાં આ દિવસે સવારે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવે છે, જેને ધ્યાને લઈને પહેલીવાર સાંજના પરેડ આયોજિત કરવામાં આવી છે.
-
વડાપ્રધાન મોદીએ લેવડાવ્યા એક્તાના શપથ
એક ભારત, શ્રેષ્ઠ ભારતની થીમ પર દેશના સુરક્ષાકર્મીઓ પરેડ દ્વારા અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ વખતેની પરેડમાં નક્સલમુક્ત ભારતની થીમ પર પરેડ આયોજિત કરાઈ છે. આ તકે PM મોદીએ એક્તાના શપથ લેવડાવ્યા હતા.
આ વર્ષની એકતા પરેડમાં નક્સલવાદ વિરોધી કામગીરીમાં યોગદાન આપનાર 45 ડોગ સ્ક્વોડને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે… સુરક્ષા દળો સાથે કામગીરી કરતા આ તાલીમબદ્ધ શ્વાન આંતરિક સુરક્ષામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમની સૂંઘવાની ક્ષમતા, તાલીમ અને શિસ્ત સુરક્ષા વ્યવસ્થામાં કેવી રીતે ઉપયોગી બને છે તે પણ આ ઉપસ્થિતિ દ્વારા ઉજાગર થશે. પરેડમાં વિવિધ રાજ્યોની પોલીસ અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF)ના કુલ 19 કન્ટિન્જન્ટ માર્ચપાસ્ટમાં ભાગ લઇ રહી છે.
-
કેવડિયામાં એક્તા પરેડની ઉજવણી થઈ શરૂ
સરદાર પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં યોજાઇ રહેલી એકતા પરેડમાં દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા દળોના શૌર્યની ઝલક જોવા મળી રહી છે. આ વખતે ‘નક્સલમુક્ત ભારત’ની થીમ પર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થઇ રહી છે… જેના થકી ‘વિવિધતામાં એકતા’ના સંદેશ પર વિશેષ ભાર મૂકવામાં આવશે.
-
નવેમ્બરમાં પણ માવઠાની શક્યતા, અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ હજુ ટળ્યું ન હોવાનું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે. તેમના જણાવ્યા અનુસાર નવેમ્બર મહિનામાં પણ માવઠાની સ્થિતિ સર્જાઈ શકે છે. ખાસ કરીને 2 અને 3 નવેમ્બરની આસપાસ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત કચ્છના કેટલાક ભાગોમાં પણ કમોસમી વરસાદ થઈ શકે છે. નવેમ્બર મહિનાની શરૂઆતમાં જ વરસાદની સંભાવનાને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે. માવઠું થાય તો ખેતરમાં ઊભા પાક અને લણણીની તૈયારી કરી રહેલા ખેડૂતોને નુકસાનની ભીતિ સતાવી શકે છે. જોકે, વરસાદની તીવ્રતા અને અસર કયા વિસ્તારોમાં કેટલી રહેશે તે અંગે આગામી હવામાન સ્થિતિ પર નજર રાખવી જરૂરી છે.
-
ધારાસભ્ય પ્રકાશ વરમોરાનો મહત્વનો નિર્ણય, પગાર અને પેન્શનનો ત્યાગ કર્યો
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ મહત્વનો નિર્ણય લેતાં ધારાસભ્ય તરીકે મળતા પગાર અને ભવિષ્યમાં મળવાપાત્ર પેન્શન સહિતના સરકારી લાભોનો ત્યાગ કરવાની રજૂઆત કરી છે. આ અંગે તેમણે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પત્ર લખીને પોતાની ઇચ્છા લેખિતમાં જણાવી છે. પ્રકાશ વરમોરાએ રજૂઆતમાં જણાવ્યું છે કે તેઓ આર્થિક રીતે સક્ષમ હોવાથી ધારાસભ્ય તરીકે મળતો સરકારી પગાર કે અન્ય આર્થિક લાભો લેવા ઇચ્છતા નથી. તેથી ધારાસભ્ય તરીકે મળતા પગારની સાથે ભવિષ્યમાં મળવાપાત્ર પેન્શનનો પણ લાભ ન લેવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય અંગે તેમણે વિધાનસભા અધ્યક્ષને જરૂરી કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરી છે.
-
દિવાળી પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો, સિંગતેલ રૂ. 3,030 અને કપાસિયા તેલ રૂ. 2,625ને પાર
દિવાળીના તહેવાર પહેલા જ ખાદ્યતેલના ભાવમાં વધારો થતાં સામાન્ય ગ્રાહકોના બજેટ પર અસર પડી શકે છે. સિંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બે રૂ. 15 અને કપાસિયા તેલના ભાવમાં રૂ. 20નો વધારો નોંધાયો છે. ભાવવધારા બાદ સિંગતેલનો 15 કિલોના ડબ્બાનો ભાવ રૂ. 2,970થી વધીને રૂ. 3,030 થયો છે, જ્યારે કપાસિયા તેલનો ડબ્બો રૂ. 2,575થી વધીને રૂ. 2,625એ પહોંચ્યો છે. બજારના જાણકારોના જણાવ્યા અનુસાર ભેજવાળી મગફળીના કારણે ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. જોકે, દિવાળી બાદ નવી મગફળી બજારમાં આવવાની શરૂઆત થતાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ તહેવારોની ખરીદી વચ્ચે તેલના ભાવમાં થયેલા વધારાથી ગૃહિણીઓના બજેટ પર વધારાનો બોજ પડી શકે છે.
-
સુરત: બોગસ તબીબના સન્માનનો વિવાદ વકર્યો, આરોગ્ય મંત્રીની હાજરીમાં કરાયું હતું સન્માન
સુરતમાં બોગસ તબીબના સન્માનને લઈને વિવાદ વકર્યો છે. ‘વંદે આયુષ’ કાર્યક્રમમાં રાજ્યના આરોગ્ય મંત્રી દ્વારા એક તબીબનું સન્માન કરવામાં આવ્યું હતું, જોકે હવે આ તબીબ બોગસ હોવાનો અને તેની ડિગ્રી પણ બનાવટી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ ખુલાસા બાદ તબીબી આલમમાં ચર્ચા અને રોષ જોવા મળી રહ્યો છે. તબીબો દ્વારા બોગસ તબીબ સામે શિક્ષાત્મક પગલાં ભરવાની માગ કરવામાં આવી છે. જાહેર કાર્યક્રમમાં સન્માનિત કરાયેલી વ્યક્તિની લાયકાત સામે સવાલો ઊઠતાં સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની પણ માગ ઉઠી છે.
-
સુરત ઉધનામાં બાંધકામ સાઇટ પર અચાનક લિફ્ટ તૂટી પડી
સુરતના ઉધના વિસ્તારમાં આવેલી વિરાજપ રેસિડન્સીની નવી બાંધકામ સાઇટ પર અચાનક લિફ્ટ તૂટી પડવાની ઘટના સામે આવી છે. લિફ્ટ તૂટી પડતાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો, જ્યારે નજીકમાં પાર્ક કરેલા ટુ-વ્હીલરને પણ નુકસાન પહોંચ્યું હતું. અચાનક બનેલી આ ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં 112 પોલીસની ટીમનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. બીજી તરફ, ઘટનાને પગલે કેટલાક લોકોએ હોબાળો મચાવ્યો હતો અને બાંધકામ સાઇટ પર સુરક્ષાનાં પગલાં અંગે સવાલો ઉઠાવ્યા હતા. સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી લિફ્ટ દુર્ઘટના માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.
-
નર્મદા: PM મોદીની ઉપસ્થિતિમાં સાંજે યોજાશે ભવ્ય એકતા પરેડ, 10 હજાર સુરક્ષાકર્મીઓ બનશે આકર્ષણનું કેન્દ્ર
નર્મદાના કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સાંજે ભવ્ય એકતા પરેડનું આયોજન કરવામાં આવશે. આ પરેડમાં અંદાજે 10 હજાર સુરક્ષા કર્મચારીઓ ભાગ લેશે, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બનશે. આ વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી ‘નક્સલમુક્ત ભારત’ની થીમ પર કરવામાં આવી રહી છે. પરેડમાં ડાબેરી ઉગ્રવાદ સામેની લડાઈમાં સુરક્ષા દળોએ મેળવેલી સિદ્ધિઓ અને તેમના યોગદાનને વિશેષ રીતે રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા દળોના શૌર્યની ઝલક પણ પરેડમાં જોવા મળશે. દેશની સુરક્ષા માટે સમર્પિત જવાનોના સાહસ અને બલિદાનને આ કાર્યક્રમ દ્વારા બિરદાવવામાં આવશે.
-
વડોદરા: CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી
વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ‘રન ફોર યુનિટી’ને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ દોડમાં સેંકડો યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ યુવાનો સાથે ‘રન ફોર યુનિટી’માં ભાગ લીધો હતો. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને ભાઈચારાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
-
વડોદરા: ડભોઈમાં Dy CM હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં એકતા દિવસની ઉજવણી
વડોદરાના ડભોઈમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હર્ષ સંઘવીએ ‘રન ફોર યુનિટી’માં ભાગ લીધો હતો અને ઉપસ્થિત લોકોને રાષ્ટ્રીય એકતાના સંકલ્પ લેવડાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે દેશના રજવાડાઓને એકત્ર કરીને ભારતને એક રાખવાનું ઐતિહાસિક કાર્ય કર્યું હતું. સરદાર પટેલના આદર્શોને આગળ વધારવાની જરૂરિયાત પર ભાર મૂકતાં તેમણે સૌને સંકલ્પ કરાવ્યો હતો કે, આવનારી પેઢી એકતાની ભાવના સાથે દેશના વિકાસની દોડમાં સહભાગી બને.
-
આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ, રાષ્ટ્રપતિ મુર્મુ અને ગૃહમંત્રી શાહે શ્રદ્ધાંજલિ આપી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી.
#WATCH | Delhi: Union Home Minister Amit Shah pays floral tributes at the statue of Sardar Vallabhbhai Patel on his 151st birth anniversary. https://t.co/UQbwZECVQm
— ANI (@ANI) October 31, 2026
Published On - Oct 31,2026 7:55 AM
