Bhavnagar Breaking News : ડુંગળીના ભાવ પ્રતિમણ ₹862 સુધી પહોંચતા ખેડૂતો ખુશ, સરકાર સામે મૂકી આ મોટી માગ! જુઓ Video
ભાવનગર માર્કેટયાર્ડમાં નવી ડુંગળીની આવક શરૂ થતાં ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. સારી ગુણવત્તાની ડુંગળીનો ભાવ પ્રતિમણ ₹862 સુધી પહોંચ્યો છે. ઓછા વરસાદને કારણે ઉત્પાદન ઘટવાની ભીતિ વચ્ચે ખેડૂતો સરકાર પાસે આયાત પર નિયંત્રણ અને નિકાસને પ્રોત્સાહન આપવાની માંગ કરી રહ્યા છે.
ગુજરાતમાં ડુંગળીના ઉત્પાદનમાં ભાવનગર જિલ્લો અગ્રેસર છે. અહીંના ખેડૂતો કપાસ અને મગફળીની સરખામણીએ ડુંગળીનું વધુ વાવેતર કરે છે. ફળદ્રુપ જમીન અને સારી ગુણવત્તાને કારણે ડુંગળી ખેડૂતો માટે મુખ્ય રોકડિયો પાક બની છે. હાલ ભાવનગર, મહુવા અને તળાજા માર્કેટયાર્ડમાં નવી ડુંગળીની આવક શરૂ થઈ છે.
ગત વર્ષે મોટા પ્રમાણમાં આવક થતાં ડુંગળીના ભાવ ઘટીને પ્રતિમણ માત્ર ₹50 સુધી પહોંચી ગયા હતા. જોકે આ વર્ષે સ્થિતિ અલગ છે. સારી ગુણવત્તાની ડુંગળીના ભાવ પ્રતિમણ ₹862 સુધી પહોંચતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ભાવનગર માર્કેટયાર્ડમાં એક જ દિવસમાં 8 હજારથી વધુ બોરી ડુંગળીની આવક નોંધાઈ હતી.
ઓછા વરસાદને કારણે આસપાસના વિસ્તારોમાં ડુંગળીનું વાવેતર ઘટ્યું
આ વર્ષે ઓછા વરસાદને કારણે આસપાસના વિસ્તારોમાં ડુંગળીનું વાવેતર ઘટ્યું છે. મહારાષ્ટ્રમાં પણ ઓછા વરસાદની અસરથી ડુંગળીની આવક અને આયાત પ્રમાણમાં ઓછી છે. પરિણામે સ્થાનિક બજારમાં ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે.
ખેડૂતોની માંગ છે કે સરકાર અન્ય રાજ્યોમાંથી ડુંગળીની આયાત પર નિયંત્રણ રાખે અને નિકાસને પ્રોત્સાહન આપે. જો હાલની સ્થિતિ જળવાઈ રહે તો ખેડૂતોને આર્થિક ફાયદો થઈ શકે છે. જોકે ડુંગળીના ભાવમાં ક્યારે ઘટાડો થાય તે કહેવું મુશ્કેલ છે. બીજી તરફ શિયાળુ ડુંગળીનું વાવેતર પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે.