26 ઓગસ્ટના મહત્વના સમાચાર : જંગલમાં ખેતી મુદ્દે રક્ષાબંધન બાદ સાગબારામાં અધિકારીઓ અને આંદોલનકારી ખેડૂતો સાથે યોજાશે મહત્વની બેઠક
આજે 26 ઓગસ્ટને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે 26 ઓગસ્ટને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
જંગલમાં ખેતી કરતા ખેડૂતોના મુદ્દે સરકાર સક્રિય, રક્ષાબંધન બાદ સાગબારામાં અધિકારીઓ અને આંદોલનકારી ખેડૂતો સાથે મહત્વની બેઠક
ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને રાજ્ય સરકાર વચ્ચે યોજાયેલી બેઠકમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. રાજ્ય વન મંત્રી પ્રવિણ માળી અને પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ રક્ષાબંધન બાદ સાગબારા જઈ અધિકારીઓ અને આંદોલનકારી ખેડૂતો સાથે ચર્ચા કરશે. પુરાવાના આધારે ખેડૂતોને જમીન આપવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો હોવાનું સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું. ઉપરાંત, લાંબા સમયથી પેન્ડિંગ રહેલા આશરે 80 હજાર દાવાઓના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ અને વન-પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા સાથેની બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે.
-
વરસાદને લઈને સારા સમાચાર, સપ્ટેમ્બરમાં આ તારીખોએ પડી શકે છે સાર્વત્રિક વરસાદ
બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મધ્યપ્રદેશમાં અટકી જતાં ગુજરાતમાં તેની અસર ઓછી જોવા મળશે. દાહોદ, પંચમહાલ અને બનાસકાંઠામાં સામાન્ય વરસાદની સંભાવના છે. હવામાનના જાણકાર ચિરાગ શાહના મતે 25 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં નોંધપાત્ર વરસાદની શક્યતા નથી.
આ ચોમાસામાં ગુજરાત તરફ આવતી વરસાદી સિસ્ટમો નબળી પડી રહી છે. અરબી સમુદ્ર અને ગુજરાતમાં ભેજનું પ્રમાણ સરખું ન હોવાથી સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ વરસાદની અછત જોવા મળી રહી છે. જોકે, 8, 9 અને 10 સપ્ટેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં સર્જાનાર લો પ્રેશર ગુજરાત સુધી પહોંચીને વરસાદ લાવે તેવી આશા છે.
-
-
કેશોદ તાલુકાના સોંદરડા ગામે છેતરપિંડી, 16 પ્લોટના ખોટા દસ્તાવેજો ઉભા કરી વેંચી નાખ્યાં
જુનાગઢના કેશોદ તાલુકામાં મિલકતના વેંચાણમાં છેતરપિંડીનો કિસ્સો આવ્યો સામે. સોંદરડા ગામે અંદાજીત 17 લાખની કિંમતના 16 પ્લોટના ખોટા દસ્તાવેજો ઉભા કરી વેંચી નાખ્યાં. મૂળ માલિકના વારસદારો સામે કેશોદ પોલીસે નોંધ્યો ગુનોં. આરોપીઓએ પ્લોટ માલિકો સાથે મોટો વિશ્વાસઘાત આચર્યો. મકાનો બનેલા હોવા છતાં ખાલી જગ્યા દર્શાવી પ્લોટ વેંચી નાખ્યાં. મૂળ માલિકના વારસદારોએ બોગસ દસ્તાવેજ બનાવી અન્ય વ્યક્તિઓને પ્લોટ વેચી નાખ્યાં. ભોગવટો કરી રહેલ મિલક્ત ધારકોને પોતાની મિલકતના ડબલ વેંચાણ દસ્તાવેજ થયાની જાણ થતાં પોલીસ સ્ટેશન પહોંચ્યા. ભોગ બનનાર વૃજલાલ મગનભાઈ ઘેટીયાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ. પોલીસે હર્ષાબેન રમેશભાઈ ભલાણી, સાગર રમેશભાઈ ભલાણી અને રજનીશ રમેશભાઈ ભલાણી સામે ગુનો દાખલ કર્યો. કેશોદ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ.
-
ગીર ગઢડાના નાના સમઢિયાળા ગામે ખુલ્લા કૂવામાં 2થી 3 વર્ષનો સિંહ પડ્યો
ગીર ગઢડાના નાના સમઢિયાળા ગામે ખુલ્લા કૂવામાં 2થી 3 વર્ષનો સિંહ પડી ગયો. વનવિભાગને જાણ કરાતા જસાધાર અને તુલસીશ્યામ રેન્જનો વન વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો. સ્થાનિક ગ્રામજનોની મદદથી સાવચેતીપૂર્વક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી સિંહને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો. સિંહને તપાસ અને જરૂરી સારવાર માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે.
-
જંગલની જમીન ખેડવા માટે જેમની પાસે સનદ છે તેમને પણ વન વિભાગ ખેતી કરતા રોકે છેઃ કોંગ્રેસ
નર્મદામાં જંગલ જમીન ખેડ વિવાદ વધુ વકર્યો છે. કોંગ્રેસ પ્રદેશના મહામંત્રી સંદીપ માંગરોલાએ ધરણા સ્થળે ખેડૂતોની મુલાકાત કરી હતી. તેમને કહ્યું કે આવતીકાલથી આ ખેડૂતો પોતાની જમીન ખેડશે અને જો એમને રોકવામાં આવશે તો પહેલા અમને ગોળી મારો પછી એમને રોકજો. એમને રોકવામાં આવે અને એમની પર કાર્યવાહી કરવામાં આવે તો અમારી ઉપર પણ કાર્યવાહી કરવી પડશે. જે લોકો ને સનદો આપી છે તે ખેડૂતો ને પણ ખેડાણ કરતા રોકવામાં આવે છે. કહે છે કે મુખ્યમંત્રી વિદેશ પ્રવાસથી આવશે પછી મિટિંગ થશે તો ત્યાં સુધી શુ આ ખેડૂતો ધરણા પર જ બેસી રહે ? તો બીજી બાજુ સાંસદ મનસુખ વસાવા સાથે આદિજાતિ વિભાગના મંત્રી નરેશ પટેલના નિવાસસ્થાને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં બેઠક યોજાઈ હતી. સાગબારા અને ઉમરપાડા જંગલ જમીન મુદ્દે આજે આ બેઠકમાં નિવેડો આવી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
-
-
વડોદરાના સાવલી તાલુકાના રાણીપુરા ગામે મનરેગા-નરેગા યોજનામાં 300 લોકોના નાણા ચાઉ કરાયાનો ગ્રામ્યજનોએ લગાવ્યો આક્ષેપ
વડોદરાના સાવલી તાલુકાના રાણીપુરા ગામે મનરેગા-નરેગાની કામગીરીમાં ભ્રષ્ટાચારના ગ્રામજનો એ કર્યા આક્ષેપો. 300 થી ગ્રામજનોની જાણ બહાર નાણાં ઉપડી ગયાનો આક્ષેપ. કામ કર્યા વિના મજૂરોના નામે નાણાં ઉપાડ્યાનો ગ્રામજનો નો આક્ષેપ. જોબ કાર્ડમાં નામ સાચા, પરંતુ ફોટા અન્ય વ્યક્તિઓના લગાવીને જોબ કાર્ડ ધારકોના ખાતામાંથી રૂપિયા ઉપડી ગયા. 300થી વધુ લોકોના નામે નાણાં ઉપાડવામાં આવ્યા હોવાનો આક્ષેપ. સન 2018 થી 2026 ના સમય દરમ્યાન ગોટાળો થયો. સમગ્ર મામલે રૂ.3થી 4 કરોડના કૌભાંડની શંકા વ્યક્ત કરાઈ છે. મજૂરોને બદલે મશીનથી કામગીરી કરાવાઈ હોવાના ગંભીર આક્ષેપો. રાણીપુરા ગામના તળાવનું આશરે 60 ફૂટ ખોદકામ મશીનરી થી કરીને મજૂરોના નામે નાણાં ઉપાડ્યા નો દાવો. તળાવમાંથી નીકળેલી માટી પણ વેચી દેવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
-
ભાવનગર લઠ્ઠા કાંડ કેસમાં ભચાઉથી વધુ એક આરોપી ઝડપાયો
ભાવનગર લઠ્ઠા કાંડ મામલે SMCએ વધુ એક આરોપીને ઝડપી લીધો છે. ઇશ્વરભા દેવરાજભા ગઢવી નામનો વધુ એક આરોપી ઝડપાયો. ભચાઉના આરોપીને ઝડપી ભાવનગર લવાયો છે. આરોપીના રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરાયો. લઠ્ઠાકાંડ મામલે અત્યાર સુધીમાં કુલ 28 આરોપી ઝડપાયા છે.
-
સુરત ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ- LCB સ્કોડ દ્વારા દરોડા પાડીને 683 કિલો ડુપ્લીકેટ માવો પકડ્યો
સુરત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને સુરત શહેર ઝોન-1 LCB સ્કોડ દ્વારા સરથાણા વિસ્તારમાં સિલ્વર ચોક પાસે ગોડાઉનમાં પાડવામાં આવેલ દરોડામાં, ડુપ્લીકેટ માવો ઝડપાયો છે. પોલીસે બાતમીના આધારે રેડ કરતા 683 કિલો ડુપ્લીકેટ માવો મળી આવ્યો. છેલ્લા ત્રણ વર્ષથી મીઠાઈ બનાવવામાં વપરાતો માવામાં ભેળસેળ કરતા હતા. ભાવેશ વઘાસીયા નામનો ઈસમ ડુપ્લીકેટ માવો અન્ય શહેરમાંથી લાવતો હતો. આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લઈને માવાનો નાશ કરવામાં આવ્યો. પોલીસે 1.40 લાખનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો. અન્ય સામગ્રી માવો તમામ વસ્તુઓ સીલ કરી સેમ્પલ લેવામાં આવ્યા.
-
ચાંગોદર GIDC પાસેના મોરૈયા ગામ નજીક મહાગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી વિદેશી દારુની 35,000 બોટલ પકડાઈ
અમદાવાદના ચાંગોદર GIDC મોરૈયા ગામ નજીક એસ્ટેટમાંથી દારૂનો જથ્થો ઝડપાયો. મહાગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ના શેડ નંબર 170માં આવેલ શ્યામ મેટલ કંપનીમાંથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો. વિદેશી દારૂ ની નાની મોટી 35 હજાર બોટલ કુલ 72.50 લાખના દારૂ જથ્થો કબજે કરવામાં આવ્યો. ગ્રામ્ય LCB પોલીસે ચાર આરોપી કરી ધરપકડ. બુટલેગર ઈશ્વર સિસોદિયા અને વિકાસ યાદવ દારૂ મોકલ્યો હતો. આરોપી દીપકસિંગ મહાલે, આનંદ રાજપૂત મહારાષ્ટ્રના છે અન્ય બે આરોપી ભાવનગરના સુધીર પંડ્યા અને અલ્પેશ મકવાણા છે. અમદાવાદ ગ્રામ્ય LCB વધુ તપાસ શરૂ કરી.
-
સુરતમાં રોટલીમાંથી ઈયળ, ભજીયામાંથી મકોડો નિકળ્યો, 108 સંચાલકોને SMCની નોટિસ
સુરતમાં બાળકીના મોતના બનાવ બાદ પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરભરની હોટલ-રેસ્ટોરન્ટોમાં સઘન તપાસ શરૂ કરાઈ છે. કતારગામની ‘પેપીલોન હોટલ’ની રોટલીમાંથી ઈયળ અને ભારે ગંદકી મળતા તંત્રએ હોટલ તાત્કાલિક બંધ કરાવી છે. ડુમસમાં ભજીયામાંથી મંકોડો મળ્યા બાદ કતારગામમાં ઈયળ મળતા હોટલ સંચાલકોની ગંભીર લાપરવાહી ખુલ્લી પડી. આરોગ્ય ટીમે 239 સંસ્થાઓમાં તપાસ હાથ ધરી નિયમોના ઉલ્લંઘન બદલ 108 સંચાલકોને ફટકારી નોટિસ. આરોગ્ય માટે જોખમી એવા 420કિલો અખાદ્ય ખોરાકનો સ્થળ પર જ નાશ કરી લાખો રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલાયો.
-
પૂર્વ મંજૂરી વિના જ શ્યામ ઘનશ્યામ સ્કુલને કેશવનગરમાંથી જુહાપુરામાં ટ્રાન્સફર કરાઈ, ફોજદારી ગુનો દાખલ કરવા તંત્રની કાર્યવાહી
અમદાવાદની શ્યામ-ઘનશ્યામ સ્કૂલે પૂર્વ મંજૂરી વિના જ અન્ય સ્થળે શાળા ટ્રાન્સફર કરતા વિવાદ સર્જાયો છે. કેશવનગરમાંથી જુહાપુરામાં સ્કૂલ ટ્રાન્સફર કરાઈ છે. શ્યામ ઘનશ્યામ સ્કૂલને જુહાપુરાની અહમદઆબાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસમાં કરી દેવાઈ ટ્રાન્સફર. 190 વિધાર્થીઓના શૈક્ષણિક ભાવી સાથે ચેડા કરાયા છે. 1થી 8ના 173 વિધાર્થીઓ અને ધો.9 અને 10ના 17 વિધાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવ્યા છે. તપાસ કરતા અહમદ આબાદ સ્કૂલ પાસે પણ શાળા ચલાવવા માટે મંજૂરી જ ના હોવાનું આવ્યું સામે. શાળા ચલાવવાની મંજૂરી ના હોવા છતાં બોર્ડ પર સરકાર માન્ય એપ્રુવલ હોવાનો ઉલ્લેખ કરાયો છે. શ્યામ ઘનશ્યામ સ્કૂલ અને અહમદ આબાદ સ્કૂલના સંચાલકો સામે થશે કાર્યવાહી. સમગ્ર મામલાને લઈ શિક્ષણ વિભાગ દ્વારા ફોજદારી ગુનો કરાશે દાખલ. વિધાર્થીઓને નજીકની શાળામાં શિફ્ટ કરવા પણ અપાઈ છે સૂચના.
-
રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર BRTS રૂટ પર બસચાલકે એક રાહદારીને લીધો હડફેટે
રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર BRTS રૂટ પર બસચાલકે એક રાહદારીને લીધો હડફેટે. BRTS રૂટ પર રસ્તો ઓળંગવા જતા રાહદારીને લીધો હડફેટે. રાહદારીને ઇજા પહોંચી. બનાવની જાણ થતાં લોકોના ટોળાં એકઠા થયાં. ઇજાગ્રસ્તને હોસ્પિટલ મોકલવાની કાર્યવાહી હાથ ધરાઇ. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી.
-
અમદાવાદના વાસણા પોલીસ મથકમાં આત્મહત્યાનો પ્રયાસ કરનાર માતા પુત્ર સામે પોલીસે ફરજમાં અડચણ ઊભી કરવાનો નોંધ્યો ગુનો
અમદાવાદના વાસણા પોલીસ મથકમાં આત્મદાહનો પ્રયાસ કરનાર માતા-પુત્ર સામે પોલીસે ફરજમાં અડચણ ઊભી કરવાનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. માતા પુત્રએ વાસણા પોલીસ મથકમાં પોતાના પર પેટ્રોલ છાંટીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મકાન બાંધકામ મામલે પોલીસ પ્રોટેકશન ના આપતા આત્મઘાતનુ પગલું ભર્યું હતું. વાસણા પોલીસે માતા પુત્ર સામે ફરજમાં અડચણ સર્જવાનો ગુનો નોંધ્યો છે.
-
વાવ-થરાદના દિયોદર, રાહ, થરાદ અને લાખણીના ખેડૂતોને થશે રાહત, સુજલામ સુફલામ કાચી કેનાલમાં છોડાયું પાણી
વાવ-થરાદના દિયોદર, રાહ, થરાદ અને લાખણીના ખેડૂતો રાહત થાય તેવા સમાચાર સામે આવ્યા છે. સુજલામ સુફલામ કાચી કેનાલમાં પાણી છોડવાનું શરું કરાયુ છે. ખેડૂતોની રજૂઆત બાદ આજથી કાચી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું. ચાંગા પમ્પિંગ સ્ટેશનથી ત્રણ પંપ શરૂ કરાયા છે. લાખણીના વાસણા ગામે ગઈકાલે ખેડૂતોએ ઢોલ વગાડી પાણીની માંગ કરી હતી. ચાંગાથી પમ્પિંગ કરી રામપુરા નજીક કેનાલમાં પાણી નાખવાનું શરૂ કરાયુ છે. ખેડૂતોએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને વીડિયો કોલથી કરી હતી રજૂઆત. શંકર ચૌધરીએ બીજા દિવસે પાણી શરૂ કરાવવાનું આપ્યું હતું વચન. પાણી શરૂ થતાં દિયોદર, રાહ, થરાદ અને લાખણીના ખેડૂતોને થશે લાભ
-
ગૃહ મંત્રી અમિત શાહની અમદાવાદ મુલાકાત પૂર્વે નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ યોજી બેઠક
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની અમદાવાદ મુલાકાત પહેલા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે મહત્વની બેઠક યોજી હતી. કોમનવેલ્થ 2030 અને ઓલિમ્પિકની તૈયારીઓની કરી સમીક્ષા. આવતીકાલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ અંગે કરવાના છે સમીક્ષા. આગામી પોલીસ એન્ડ ફાયર ગેમ અંગે પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જરૂરી માહિતી મેળવી હતી.
-
પવનચક્કીના કામ માટે NOC મુદ્દે બોલાચાલી બાદ જામજોધપુરના મેઘપર ગામના સરપંચ પર હુમલો !
જામનગરના જામજોધપુરના મેઘપર ગામના સરપંચ ભીખુ સિલુ પર હુમલો થયો છે. પવનચક્કીના કામ માટે NOC મુદ્દે બોલાચાલી બાદ હુમલાનો આક્ષેપ. 23 ઓગસ્ટે કોન્ટ્રાક્ટરના માણસો સાથે સરપંચની બોલાચાલી થઈ હતી. NOC આપવાનો ઇનકાર કરતા સરપંચ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત સરપંચને જામનગરની જી.જી. હોસ્પિટલ ખસેડાયા. ગામમાં ચોરી અને પાકને નુકસાનના અગાઉ પણ આક્ષેપ ઘાસના ભારા, ખેતીના ઓજારો અને કુવાની મોટરની ચોરીના આક્ષેપ કરાયો છે. અસામાજિક તત્વોના ભયથી ગ્રામજનો ફરિયાદ કરતા અચકાતા હોવાનો દાવો. ઘટનાને પગલે મેઘપર ગામના ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે. સમસ્ત ગ્રામજનો જામનગર જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચ્યા. SPને આવેદનપત્ર આપી આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ. ગામમાં શાંતિ અને સુરક્ષા જળવાય તે માટે પગલાંની માંગ.
-
ભાજપના રાજમાં ખાંડ સહિતની ખાદ્યચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચતા, પાલનપુરમાં મહિલા કોંગ્રેસે યોજ્યા ધરણા
બનાસકાંઠાના પાલનપુરમાં ગુરુનાનક ચોક ખાતે મહિલા કોંગ્રેસે ધારણા યોજ્યા હતા. ભાજપના રાજમાં ખાંડ સહિતની ખાદ્યચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચતા મહિલા કોંગ્રેસે ધરણા યોજ્યા હતા. જિલ્લા મહિલા કોંગ્રેસે ખાંડ અને અન્ય વસ્તુઓને લઈને કર્યો વિરોધ. જિલ્લા કોંગ્રેસની મહિલાઓએ ધરણા અને વિરોધ પ્રદર્શન કર્યું. વધતી જતી મોંઘવારીને લઈને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. વિરોધ પ્રદર્શન કરી રહેલી મહિલાઓની પોલીસે કરી અટકાયત
-
બનાસકાંઠા: પાલનપુરમાં ગુરુનાનક ચોકમાં મહિલા કોંગ્રેસનો વિરોધ
બનાસકાંઠાના પાલનપુરમાં ગુરુનાનક ચોક ખાતે મહિલા કોંગ્રેસ દ્વારા વધતી જતી મોંઘવારી અને ખાંડ સહિતની જીવનજરૂરી વસ્તુઓના ભાવને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસની મહિલા કાર્યકરોએ ધરણા યોજી સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. મોંઘવારીના મુદ્દે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરી રહેલી મહિલાઓને પોલીસે અટકાયત કરી હતી. ઘટનાને પગલે ગુરુનાનક ચોક ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
-
જૂનાગઢની નોબેલ આયુર્વેદિક કોલેજના લાંચ કેસમાં CBIની FIR
જૂનાગઢની નોબેલ આયુર્વેદિક કોલેજ સાથે સંકળાયેલા લાંચ કેસમાં CBIએ FIR નોંધી છે. કોલેજના ટ્રસ્ટી પ્રતીક મોરી અને પ્રોફેસર ડૉ. અભય નલાવડે સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કોલેજના શૈક્ષણિક સ્ટાફના 13 લોકો કાગળ પર જ કાર્યરત હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે ક્લીનચિટ અપાવવા માટે NCISM તપાસ સમિતિના સભ્યને રૂ.10 લાખની લાંચની ઓફર કરાઈ હોવાનો આરોપ છે. NCISM સમિતિના સભ્ય ડૉ. રૂપાલી મહાદિકે આ અંગે ફરિયાદ કરી હતી. આરોપ મુજબ વોટ્સએપ કોલ મારફતે લાંચની ઓફર કરવામાં આવી હતી અને લાંચની રકમ દિલ્હીમાં આપવાની હતી. સમગ્ર મામલે CBIએ કાર્યવાહી હાથ ધરી તપાસની જવાબદારી CBIના ઇન્સ્પેક્ટર ભૂપેન્દ્ર યાદવને સોંપી છે. લાંચનો મામલો સામે આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચ્યો છે.
-
ગુજરાતમાં આગામી 7 દિવસ સારા વરસાદની શક્યતા નહીં
ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે ચિંતાજનક આગાહી કરી છે. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં ક્યાંય સારા વરસાદની શક્યતા નથી. એક અઠવાડિયા સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે, જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં પણ હળવા વરસાદનું અનુમાન છે. ભારે વરસાદની શક્યતા નહીં હોવાથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો અને લોકોની ચિંતા વધી શકે છે.
-
વડોદરામાં સ્વાઈન ફ્લૂએ માથું ઊંચક્યું
વડોદરામાં સ્વાઈન ફ્લૂના બે પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે. તાંદલજાની 21 વર્ષીય ગર્ભવતી મહિલાનો સ્વાઈન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે ડભોઈના 25 વર્ષીય યુવકને પણ સ્વાઈન ફ્લૂ પોઝિટિવ આવ્યો છે. પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ યુવકને સારવાર માટે SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને તેને આઇસોલેશન વૉર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ અકોટાની 35 વર્ષીય મહિલામાં પણ સ્વાઈન ફ્લૂના લક્ષણો જોવા મળતા તેની તપાસ કરવામાં આવી રહી છે. બે પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દ્વારા તકેદારી વધારવામાં આવી છે.
-
ગીર-સોમનાથઃ દેશી દારૂના વેચાણનો વીડિયો વાયરલ
ગીર-સોમનાથના વેરાવળના ભીડિયા વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું હોવાનો દાવો કરતો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોના આધારે પોલીસે તપાસ હાથ ધરી મહિલા સામે ફરિયાદ દાખલ કરી છે. પોલીસે મહિલાની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી છે. વાયરલ વીડિયોમાં કરવામાં આવેલા દાવા અને દારૂના વેચાણ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
-
ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ પર ખાંડની ખરીદી મર્યાદિત
તહેવારોની મોસમમાં ખાંડના કાળાબજાર અને કૃત્રિમ અછતને રોકવા માટે રિટેલર્સ અને ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા ખાંડની ખરીદી પર મર્યાદા લાગુ કરવામાં આવી છે. ગ્રાહકો હવે એક વખતમાં ત્રણથી પાંચ કિલો સુધી જ ખાંડ ખરીદી શકશે, જ્યારે કેટલીક કંપનીઓએ આ મર્યાદા ઘટાડીને ત્રણ કિલો કરી છે. ડી-માર્ટ, બિગબાસ્કેટ, બ્લિન્કિટ અને સ્વિગી ઇન્સ્ટામાર્ટ જેવા રિટેલર્સ તથા ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા આ પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. વધુમાં વધુ ગ્રાહકો સુધી ખાંડનો જથ્થો પહોંચે અને તહેવારો દરમિયાન કોઈ એક ગ્રાહક દ્વારા મોટા પ્રમાણમાં ખરીદી ન થાય તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.
-
રાજકોટ: લોકમેળામાં નહીં જોવા મળે ‘મોતનો કૂવો’
રાજકોટમાં તહેવાર દરમિયાન યોજાનારા લોકમેળાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ વખતે લોકમેળામાં ‘મોતનો કૂવો’ તરીકે જાણીતી રાઈડ જોવા નહીં મળે. વહીવટી વિભાગે આ રાઈડ માટે મંજૂરી ન આપતા તેને મેળામાં નહીં રાખવાનો નિર્ણય લેવાયો છે. રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે 2થી 6 સપ્ટેમ્બર દરમિયાન લોકમેળાનું આયોજન કરવામાં આવશે. આ વખતે મેળાને ‘વિરાસત’ના બદલે ‘વિકાસ’ નામ આપવામાં આવ્યું છે. મેળાને લઈને રાઈડ્સના ફિટિંગ સહિતની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
-
અમદાવાદઃ બેફામ ઝડપે પોર્સ કાર ચલાવનાર સામે કાર્યવાહી
અમદાવાદ શહેરમાં ઓવરસ્પીડ અને જોખમી રીતે પોર્સ કાર ચલાવનાર 24 વર્ષીય મહોમ્મદ આકરાન સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. બેફામ ઝડપે કાર હંકારી જોખમી ડ્રાઇવિંગ કરતા પોર્સ કાર ચાલકની કાર કબજે લેવામાં આવી છે અને તેની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ કાર મહોમ્મદ આકરાનના પિતા મહોમ્મદ ઇલ્યાસ તિરમીજીના નામે નોંધાયેલી છે. કારચાલક ગાંધીનગરના લીંબડિયા ગામનો વતની હોવાનું સામે આવ્યું છે. ઓવરસ્પીડિંગ અને જોખમી ડ્રાઇવિંગ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
-
ભાવનગરઃ ST બસે સર્જેલા ગમખ્વાર અકસ્માતમાં 2 લોકોનાં મોત
ભાવનગરમાં ST બસે ગમખ્વાર અકસ્માત સર્જતા બે રાહદારીઓનાં મોત થયા છે. પ્રાથમિક માહિતી મુજબ બસ ડેપોમાંથી બહાર નીકળ્યા બાદ બ્રેક ફેલ થઈ હતી અને બસ ભરુચા ક્લબની દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતના પગલે ક્લબની દિવાલ ધરાશાયી થતાં નજીકમાંથી પસાર થઈ રહેલા બે રાહદારી કાટમાળ નીચે દબાઈ ગયા હતા, જેમાં બંનેનાં મોત નીપજ્યાં હતાં. ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
-
રાજકોટઃ ખુલ્લેઆમ દેશી દારૂ વેચાણનો વીડિયો વાયરલ
રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બેડી ચોકડી નજીકનો હોવાનું કહેવાતા આ વીડિયોમાં દેશી દારૂનું વેચાણ થતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. લઠ્ઠાકાંડ બાદ પણ જાહેરમાં દારૂનું વેચાણ થતું હોવાના આક્ષેપથી પોલીસની દારૂબંધીની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે અને દારૂબંધી માત્ર કાગળ પર હોય તેવો ઘાટ સર્જાયો હોવાની ચર્ચા છે. વાયરલ વીડિયોને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
-
ભરૂચમાં નશામાં ધૂત કારચાલકની કરતૂત
ભરૂચની ધોળીકુઈ બજારમાં મહાદેવ મંદિર નજીક નશામાં ધૂત કારચાલકે લોકો અને રોડ પરના વાહનોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. નશાબાજ કારચાલકે રોડ પર ઊભેલા તેમજ પસાર થઈ રહેલા અનેક વાહનોને પણ અડફેટે લેતા વાહનોને નુકસાન થયું હતું. પ્રાથમિક માહિતી મુજબ કારચાલક બુટલેગરનો પુત્ર હોવાનું સામે આવ્યું છે. ઇજાગ્રસ્તોની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે અને કારચાલક સામે ગુનો દાખલ કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે.
-
બ્રાઝીલમાં ઉડાણ ભર્યા બાદ પ્લેનમાં લાગી આગ
બ્રાઝીલમાં હવાઈ મથક પરથી ઉડાણ ભર્યા બાદ માત્ર 15 મિનિટમાં જ એક નાના પ્લેનમાં આગ લાગી હતી. મેઈન્ટેનન્સ માટે પ્લેને ઉડાણ ભરી હતી, પરંતુ હવામાં જ આગ લાગતા પાઈલોટે તાત્કાલિક ઈમરજન્સી સિસ્ટમ સક્રિય કરી હતી. સિસ્ટમ શરૂ થતાં પ્લેનની ઉપરનું પેરાશૂટ ખુલી ગયું હતું, જેના કારણે પ્લેન ધીમે ધીમે જમીન તરફ આવ્યું અને સુરક્ષિત રીતે લેન્ડ થયું. આ ઘટનામાં પાઈલોટનો જીવ બચી ગયો હતો, જોકે જમીન પર લેન્ડ થયા બાદ પ્લેન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું.
-
અમદાવાદમાં વરસાદે વિરામ લેતા જ રોગચાળાએ માથું ઉચક્યું
અમદાવાદમાં વરસાદે વિરામ લેતા જ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. શહેરમાં ડેન્ગ્યુના 147, સાદા મેલેરિયાના 76 અને ઝેરી મેલેરિયાના 14 કેસ નોંધાયા છે. આ ઉપરાંત વાયરલ ફીવર તેમજ શરદી-ઉધરસના કેસમાં પણ વધારો નોંધાતા લોકોની હાલાકી વધી છે. સ્વાઈન ફ્લૂના કેસમાં પણ વધારો થતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે. સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂના 9 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે, જ્યારે 18 દર્દીઓ શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના વધતા કેસને પગલે તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
-
જૂનાગઢમાં સાત સિંહોના ટોળાએ ગૌવંશનો શિકાર કર્યો
જૂનાગઢ-બીલખા હાઈવે પર સાત સિંહોના ટોળાએ ગૌવંશનો શિકાર કરતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. પ્લસવા ગામના પાટિયા પાસે સિંહોના ટોળાએ ગૌવંશનો શિકાર કરી મિજબાની માણી હતી. સ્ટેટ હાઈવે પર સિંહો આવી ચડતા વાહનચાલકો અને સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. સિંહોના ટોળાને જોવા મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમે સ્થળ પર પહોંચી સિંહોને હાઈવે પરથી દૂર ભગાડ્યા હતા. સિંહો હાઈવે પર વારંવાર આવી ચડતા હોવાની ઘટનાને પગલે વન વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
-
રમશે ગુજરાત, જીતશે ગુજરાત : ખેલ જગતમાં ગુજરાતનો દબદબો
પાર-ઉદ્યોગની સાથે હવે રમતગમતના ક્ષેત્રે પણ ગુજરાત અગ્રેસર બની રહ્યું છે. ‘ખેલ મહાકુંભ’ દ્વારા ગ્રાસરૂટ ટેલેન્ટને શોધવા અને તેને આગળ વધારવા માટે દેશનું સૌથી મોટું પ્લેટફોર્મ ઉભું કરવામાં આવ્યું છે, જ્યારે ‘શક્તિદૂત યોજના’ હેઠળ ખેલાડીઓને આધુનિક કોચિંગ, પૌષ્ટિક ડાયેટ અને આર્થિક પીઠબળ આપવામાં આવી રહ્યું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ સહિતના વિશ્વકક્ષાના સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ હાઈ પરફોર્મન્સ સેન્ટર્સ દ્વારા ખેલાડીઓને ઓલિમ્પિક સ્તરની તાલીમ અને સુવિધાઓ મળી રહી છે. જેના પરિણામે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ પર ગુજરાતના રમતવીરો પોતાની પ્રતિભાનો પરચો આપી રહ્યા છે. ખેલાડીઓના સુરક્ષિત ભવિષ્ય માટે સરકારી નોકરી અને આકર્ષક રોકડ પુરસ્કારોની જોગવાઈ પણ કરવામાં આવી છે. 36મી નેશનલ ગેમ્સના સફળ આયોજનથી ગુજરાતે વિશ્વસ્તરીય રમતોત્સવ યોજવાની ક્ષમતા સાબિત કરી છે અને હવે કોમનવેલ્થ તથા ઓલિમ્પિક્સ 2036ની ઐતિહાસિક યજમાની માટે ગુજરાત સજ્જ થઈ રહ્યું છે.
-
ગુજરાતમાં ઓગસ્ટ મહિનો કોરોધાકોર રહેતા ચિંતા વધી
ગુજરાતમાં ઓગસ્ટ મહિનો કોરોધાકોર રહેતા વરસાદની અછતને લઈને ચિંતા વધી છે. હવામાન નિષ્ણાંત ચિરાગ શાહે ઓછા વરસાદ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં કૃત્રિમ વરસાદ એકમાત્ર વિકલ્પ બની શકે છે. દ્વારકા અને કચ્છ જેવા જિલ્લાઓમાં કૃત્રિમ વરસાદની આવશ્યકતા ઉભી થઈ છે, જોકે તેના માટે વાદળ, ભેજ અને પવનની ગતિ સહિતના જરૂરી પરિબળો ઉપલબ્ધ હોવા જરૂરી છે. યોગ્ય હવામાની સિસ્ટમ અને અનુકૂળ પરિબળો મળે ત્યારે જ કૃત્રિમ વરસાદની પ્રક્રિયા શક્ય બની શકે છે.
Published On - Aug 26,2026 7:34 AM
