25 માર્ચના મહત્વના સમાચાર : ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી બિન-શત્રુતાપૂર્ણ જહાજોને પસાર થવાની પરવાનગી જાહેર કરી
આજે 25 માર્ચને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
યુદ્ધવિરામની શક્યતા વચ્ચે ક્રૂડઑઈલના ભાવમાં ફરી ઘટાડો
અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધવિરામની શક્યતાઓ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી ઘટાડો નોંધાયો છે. એશિયન માર્કેટમાં શરૂઆતના કારોબારમાં જ કિંમતોમાં નરમાઈ જોવા મળી હતી, જેમાં WTI અને બ્રેન્ટ ક્રૂડના ભાવમાં અંદાજે પાંચથી છ ટકાનો ઘટાડો થયો છે. મહત્વપૂર્ણ રીતે, ક્રૂડ ઓઈલના ભાવ ફરીથી 100 ડૉલરની નીચે સરક્યા છે, જે વૈશ્વિક બજારો માટે રાહતરૂપ માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે, મધ્યપૂર્વમાં તણાવ ઓછો થવાની સંભાવનાએ સપ્લાય સંબંધિત ચિંતાઓ ઘટાડતા બજારમાં આ ઘટાડો જોવા મળ્યો છે.
-
અમદાવાદઃ કોંગ્રેસના નેતા હિંમતસિંહ પટેલના પુત્ર યુવરાજ પટેલની ધરપકડ
અમદાવાદમાં કોંગ્રેસના નેતા હિંમતસિંહ પટેલના પુત્ર યુવરાજ પટેલની દારૂ પીને અકસ્માત સર્જવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. આ મામલે યુવરાજ પટેલ સાથે શ્રીકાંત તોમરની પણ પોલીસે ધરપકડ કરી છે. બે દિવસ પહેલા વાયરલ થયેલા વીડિયોના આધારે માધુપુરા પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે 22 તારીખે રાત્રે દધીચી બ્રિજ પાસે આરોપીઓ અને TRB જવાન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, ત્યારબાદ કારચાલકે જ 112 પર ફોન કરી પોલીસને બોલાવી હતી. TRB જવાને કારને પોલીસ સ્ટેશનમાં લઈ જવા જણાવ્યું હતું અને ત્યાં બંને પક્ષે સમાધાન થઈ ગયું હતું. જોકે કારમાંથી દારૂની બોટલ મળવા છતાં તે સમયે કેસ નોંધાયો નહોતો, જેના કારણે સવાલો ઊભા થયા હતા. બાદમાં વીડિયો વાયરલ થતાં પોલીસે ફરી કાર્યવાહી કરીને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
-
-
યુદ્ધના 26મા દિવસે ઇરાનનો ઇઝરાયલ પર ઘાતક પ્રહાર
યુદ્ધના 26મા દિવસે ઇરાન અને ઇઝરાયલ વચ્ચેનો સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો છે. ઇરાને તેલ અવીવ સહિત સેન્ટ્રલ ઇઝરાયલ પર ક્લસ્ટર હેડ અને બેલેસ્ટિક મિસાઇલથી ઘાતક પ્રહાર કર્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ હુમલાઓ બાદ અનેક ઇમારતોમાં ભીષણ આગ લાગી છે, જેના કારણે ભારે નુકસાન થયું હોવાની આશંકા છે. બીજી તરફ, ઇરાકના ઇરબિલ શહેરમાં આવેલ અમેરિકન સૈનિક બેઝ પર પણ ઇરાને ડ્રોન સ્ટ્રાઇક કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તારમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધતી જઈ રહી છે.
-
ગાંધીનગરઃ UCC બિલ પર ભાજપ પ્રદેશ પ્રમુખની પ્રતિક્રિયા
ગાંધીનગરમાં UCC બિલને લઈને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો. તેમણે જણાવ્યું કે લગ્ન, વારસાઈ જેવા મુદ્દાઓ પર હવે એકસરખો કાયદો લાગુ થશે, જે દેશની એકતા માટે મહત્વપૂર્ણ પગલું છે. વિશ્વકર્માએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ માત્ર રાજકીય ફાયદા માટે UCCનો વિરોધ કરી રહી છે અને તુષ્ટિકરણની રાજનીતિમાં રાચી રહી છે. તેમણે ઉમેર્યું કે વોટબેંક આધારિત રાજનીતિનો હવે અંત આવશે અને 2022ની ચૂંટણીમાં ભાજપે કરેલો સંકલ્પ પૂર્ણ થયો છે. ઉપરાંત, બિલ પર રચનાત્મક ચર્ચા કરવાની બદલે કોંગ્રેસે વોકઆઉટ કર્યું તે પણ તેમણે નિંદનીય ગણાવ્યું.
-
સતત 26મા દિવસે મધ્યપૂર્વમાં ભીષણ યુદ્ધ
મધ્યપૂર્વમાં ચાલુ તણાવ સતત 26મા દિવસે વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ઇરાને કુવૈત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડ્રોન હુમલો કર્યો હોવાની માહિતી સામે આવી છે, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. ડ્રોન સ્ટ્રાઇક પછી એરપોર્ટ નજીક ઉભેલા ફ્યૂલ ટેન્કરમાં જોરદાર વિસ્ફોટ થયો, જેના પરિણામે ભારે નુકસાન થયું હોવાની આશંકા છે. વિસ્ફોટ બાદ આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા, જે ઘટનાની ગંભીરતા દર્શાવે છે. સમગ્ર વિસ્તારમાં સુરક્ષા દળોને તાત્કાલિક તહેનાત કરવામાં આવ્યા છે અને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
-
-
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી બિન-શત્રુતાપૂર્ણ જહાજોને પસાર થવાની પરવાનગી જાહેર કરી
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી બિન-શત્રુતાપૂર્ણ જહાજોને પસાર થવાની મંજૂરી આપી છે. ઈરાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠનને આ પરવાનગીની જાણ કરી છે, જો તેઓ ઈરાની અધિકારીઓ સાથે સંકલન કરે. ઈરાની વિદેશ મંત્રાલયે આ માહિતી શેર કરી.
આજે 25 માર્ચને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Mar 25,2026 7:26 AM
