22 મેના મહત્વના સમાચાર : સાણંદથી પાટણની બસના ડ્રાયવરને ચાલુ બસે હાર્ટએટેક આવતા મોત, ડિવાઈડર સાથે બસ ટકરાવી મુસાફરોનો કર્યો બચાવ
આજે 22 મેને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

આજે 22 મેને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
LIVE NEWS & UPDATES
-
24 મે ના રોજ ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે
પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના વિરમગામ સ્ટેશન પર હાલના જૂના ફૂટ ઓવર બ્રિજ (FOB) ને તોડવા માટે લેવાયેલા બ્લોકને કારણે, આગામી 24મી મેના રોજ ગાંધીનગર કેપિટલ-વેરાવળ વચ્ચે દોડતી ટ્રેન નંબર ૧૯૧૧૯ રદ રહેશે.
-
સાણંદથી પાટણની બસના ડ્રાયવરને ચાલુ બસે હાર્ટએટેક આવતા મોત, ડિવાઈડર સાથે બસ ટકરાવી મુસાફરોનો કર્યો બચાવ
સાણંદથી કડી આવતા એસટી બસના ડ્રાઈવરને ચાલુ બસે હ્રદયરોગનો હુમલો આવતા મોત નીપજ્યું હતું. સાણંદ – પાટણ ની બસની ટ્રિપમાં નાઇટ શિફ્ટ કરતા હતા 58 વર્ષીય ડ્રાઈવર બાબુજી વિસાજી ઠાકરડા. સાણંદ – પાટણની બસ થોળ થઈને કડી તરફ આવતા રસ્તામાં મેડા આદરજ નજીક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. એકાએક છાતીમાં દુખાવો થતા બસ ડીવાઈડર સાથે ટકરાવી ઊભી રાખી દીધી હતી. તાત્કાલિક સારવાર અર્થે બાબુજીને હોસ્પિટલમાં ખસેડયા હતા પરંતુ તેમનુ મોત થયું હતું. મોત પહેલા બાબુજીએ બસમાં સવાર 15 મુસાફરોનો જીવ બચાવ્યો હતો. આગામી 31મી મેને શનિવારના રોજ ડ્રાઈવર બાબુજી નિવૃત થવાના હતા.
-
-
ભાવનગરના દેવગાણા ગામનો યુવાન છત્તીસગઢમાં નકસલી હુમલામાં શહીદ
દેવગાણા ગામના જવાન નકસલી હુમલામાં શહીદ થયો છે. છત્તીસગઢમાં નકસલી હુમલામાં જવાન શહીદ થયો છે. દેવગાણા ગામના મેહુલભાઈ સોલંકી જેઓ કોબ્રા કમાન્ડો તરીકે ફરજ બજાવતા હતા. આવતીકાલે તેમના પાર્થિવ દેહને દેવગાણા મુકામે લાવવામાં આવશે. જ્યાં સૈન્યના નીતિ નિયમ મુજબ તેમની અંતિમવિધિ કરાશે.
-
આજે સવારના 6 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધીમાં 10 તાલુકામાં વરસ્યો વરસાદ, સૌથી વધુ રાજકોટમાં અઢી ઈંચ વરસાદ
આજે 22મી મેને ગુરુવારના રોજ સવારના 6 વાગ્યાથી રાત્રીના આઠ વાગ્યા સુધીમાં, રાજકોટમાં 66, અમરેલીના કુંકાવાવ વડલામાં 48, જામનગરના જામજોધપુરમાં 25, રાજકોટના ગોંડલમાં 18, પોરબંદરના રાણાવાવમાં 17, જૂનાગઢના ભેંસાણમાં 17, રાજકોટના લોધિકામાં 13, સુરેન્દ્રનગરના વઢવાણમાં 4, સુરેન્દ્રનગરના સાયલામાં 4 મિ.મિ. વરસાદ નોંધાયો છે.
-
બનાસકાંઠાના ડીસા જીઆઇડીસીમાં ગોડાઉનમાં લાગી આગ
બનાસકાંઠાના ડીસા જીઆઇડીસીમાં ગોડાઉનમાં આગ લાગી છે. ડીસા જીઆઈડીસી વિસ્તારમાં આવેલા સાબુ અને પાવડરબનાવવાની ફેક્ટરીમાં આગ લાગી છે. ફેક્ટરીમાં આગ લાગતા તમામ માલસામાન બળીને ખાક થયો હતો. આગ લાગવાના સમાચાર મળતા જ નાયબ કલેકટર, ડીવાયએસપી, નગરપાલિકા સ્ટાફ, ફાયર વિભાગની ટીમ સહિત તમામ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો. વારંવાર આગની ઘટનાઓ બનતી હોવા છતાં, આ ફેક્ટરીમાં ફાયર સેફટીની કોઈ સુવિધા ન હતી. જો ફાયર સેફ્ટીની સુવિધા હોત તો આગ પર ઝડપથી કાબુ મેળવી શકાયો હોત.
-
-
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ભવન સાથે વરસાદ છે. જામજોધપુર આસપાસના ગામડાઓમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જામજોધપુરમાં જોરદાર પવન સાથે ભારે વરસાદ વરસ્યો છે.
-
સુરેન્દ્રનગર જિલ્લામાં વીજળીના કડાકા- વાવાઝોડા સાથે વરસ્યો વરસાદ
સુરેન્દ્રનગર જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યા બાદ કમોસમી વરસાદ ખાબક્યો છે. ભારે પવન અને વીજળીના ચમકારા સાથે સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર, દુધરેજ સહિત શહેરી વિસ્તારમાં વરસાદ વરસ્યો છે તો સાયલા પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો છે.
-
અમરેલીના વડીયા પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો કમોસમી વરસાદ, કેટલાક ગામોમાં પડયા કરા
અમરેલીના વડીયા પંથકમાં વીજળીના કડાકા સાથે વરસ્યો કમોસમી વરસાદ. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. વડીયા શહેર સાથે વડીયા ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદના વાવડ આવ્યા છે. વડીયાના રામપુર, તોરી, અનિડા ગામે કરા સાથે વરસાદ ખાબક્યો હોવાનું સામે આવ્યું છે. વડીયાના ઢૂંઢીયા પીપળીયા દેવળકી, બરવાળા, બાવળ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. ઢળતી સંધ્યાએ મીની વાવાઝોડું ફૂંકાયું હતું. ભારે પવનથી વડિયામાં વીજળી ગુલ થઈ છે.
-
સુરત, કેશોદ અને ગાંધીનગરમાં દરોડા પાડી રૂ. 1 કરોડની કિંમતનો બનાવટી કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કરાયો
રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કોસ્મેટિક્સના કુલ 14 નમૂનાનું પરીક્ષણ કરી તેમાં ભેળસેળ જણાતા, સુરત, કેશોદ અને ગાંધીનગરમાં દરોડા પાડીને ડુપ્લિકેટ કોસ્મેટિકના વેચાણમાં સંકળાયેલ ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
સુરત ખાતે કોસ્મેટિકના કોઇપણ લાયસન્સ વગર અન્ય ઉત્પાદક પેઢીના લાયસન્સનો ઉપયોગ કરી કોસ્મેટિક બનાવટ પર મનફાવે તેવા આકર્ષક, ભ્રામક અને નાગરિકોને ગેરમાર્ગે દોરતાં લેબલ લગાડી પરફોર્મન્સ ઓઇલ, સ્ટેમીના એનર્જી ઓઇલ, બુલ મસાજ ઓઇલ ફોર મેન, લીફ્ટ અપ હર્બલ મસાજ ઓઇલ જેવી પ્રોડક્ટની ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડીયા પર મોટાપાયે જાહેરાતો કરી મીશો જેવા ઓનલાઇન પ્લેટફોર્મ પર ખોટો પ્રચાર કરી ઉત્પાદન અને વેચાણનું ગેરકાયદેસર કૃત્ય ચાલતું હતું.
-
Rajasthan Board 12th Result 2025: રાજસ્થાન બોર્ડ ધો.12નું પરિણામ જાહેર, છોકરાઓની સરખામણીએ છોકરીઓએ માર્યુ મેદાન
રાજસ્થાન બોર્ડનું 12મું પરિણામ જાહેર થયું છે. વિજ્ઞાન પ્રવાહમાં કુલ 94.43 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે અને કલા પ્રવાહમાં 97.70 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. વાણિજ્ય પ્રવાહનું પરિણામ સૌથી વધુ 99.07 ટકા રહ્યું. જ્યારે, છોકરીઓએ છોકરાઓને પાછળ છોડીને શાનદાર પ્રદર્શન કર્યું છે. ત્રણેય પ્રવાહોમાં છોકરીઓના પરિણામો છોકરાઓ કરતા વધુ હતા.
-
મેટ્રો રેઈલના સ્ટીલ બ્રીજ ઉપર ચડીને તસ્કરો તાંબાનો સ્પલાઈ વાયર કેબલ કાપીને ચોરી ગયા
શહેરમાં મેટ્રો ટ્રેન વાહન વ્યવહાર ખોરવાઈ જવા અંગે સાચી વિગતો સામે આવી છે. મેટ્રોના સ્ટીલ બ્રીજ ઉપર ચડીને તસ્કરોએ તાંબાના સ્પલાઈ વાયર કેબલ કાપીને ચોરી ગયા હતા. જેના કારણે મેટ્રો ટ્રેનને ઈલેકટ્રીક પાવર સ્પલાઈ મળતો બંધ થયો હતો. ખાસ કરીને શાહપુર મેટ્રો સ્ટેશનથી જુની હાઈકોર્ટ મેટ્રો સ્ટેશન તરફ ટ્રેન વ્યવહાર ખોરવાઈ જવા પામ્યો હતો.
આ ચોરી અંગે સેક્શન એન્જિનિયર ગણેશ ઈશ્વરકુમાર પોથુરેડ્ડીએ શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, રૂપિયા 9 લાખની કિંમતના 500 મીટર કોપર કેબલ અજાણ્યા શખ્સ ચોરી ગયા છે. આ ફરિયાદના આધારે શાહપુર પોલીસે, કેબલ કાપી નાખનારા ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા.
-
રાજકોટમાં તોડબાજ પત્રકારોની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી
રાજકોટમાં શાળા સંચાલકને બ્લેકમેઇલ કરીને ખંડણી માંગવાના ગુનામાં, તોડબાજ પત્રકારોની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આશિષ ડાભી, એજાજ અને ધર્મેશ નામના શખ્સોને પોલીસે પકડી પાડ્યા છે. ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી નિધિ સ્કૂલના સંચાલકની અંગત પળોના સીસીટીવી ફુટેજ વાયરલ કરવાની વાત કરીને માંગ્યા હતા રૂપિયા. સોશિયલ રિપોર્ટસ નામના સોશિયલ મિડીયા પેજ પર વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. પોલીસે ત્રણેયને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
-
CBI એ J&Kના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક સહિત 5 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી
સીબીઆઈએ આજે જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક અને અન્ય 5 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી છે. કિરુ હાઇડ્રો પ્રોજેક્ટ સંબંધિત કથિત ભ્રષ્ટાચાર કેસમાં સીબીઆઈએ કેસ નોંધ્યો હતો.
-
અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો, 24 કલાકમાં આવ્યા નવા 4 કેસ, એક દર્દીને હોસ્પિટલમાં કરાયા દાખલ
અમદાવાદ કોરોનાના કેસમાં વધારો થયો છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં 4 નવા કેસ નોંધાયા છે. શહેરના તમામ દર્દીઓ પૈકી એક 84 વર્ષીય પુરુષ હોસ્પિટલમ દાખલ કરવામાં આવ્યા છે. તે સિવાય તમામ અન્ય દર્દીઓ હોમ આઈસિલેશનમાં રાખવામાં આવ્યા છે. મે મહિનામાં કાળઝાળ ગરમીમાં કેસમાં ઉછાળો નોંધાયો છે. 38 કેસ માત્ર મેં મહિનામાં નોંધાયા છે. AMC સંચાલિત હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. SVP, શારદાબેન અને એલ જી હોસ્પિટલમા વોર્ડ ઊભા કરવામાં આવ્યા છે. 31 એક્ટિવ કેસ અને 38 એક મહિનામા કેસ નોંધાયા છે.
-
કેબલ ચોરીને કારણે ઠપ્પ થયેલ વસ્ત્રાલથી થલતેજની મેટ્રો સેવા ફરી શરૂ થઈ
કેબલની ચોરી થવાને કારણે વસ્ત્રાલથી થલતેજ સુધી દોડતી મેટ્રો સેવા આજે સવારથી જ ઠપ્પ થઈ જવા પામી હતી. રોજબરોજ વસ્ત્રાલથી થલતેજ અને ગુજરાત હાઈકોર્ટ સુધી મુસાફરો મેટ્રોમાંં મુસાફરી કરતા હોય છે. આ તમામ મુસાફરને યોગ્ય જાણકારી આપ્યા વીના જ મેટ્રો અડધે સુધી જ દોડાવવામાં આવી હતી. ચોરાઈ ગયેલા કેબલના સ્થાને નવા કેબલ નાખવામાં આવતા, બપોરના 1.37 કલાકથી પૂર્વ-પશ્ચિમ મેટ્રો ટ્રેન સેવા પૂર્વવત થવા પામી હતી. જો કે એપીએમસીથી મોટેરા સુધી ઉત્તર- દક્ષિણ સેવાને કોઈ જ અસર થવા પામી નથી.
-
ગુજરાતમાં હાલ કોરોનાના કુલ 16 એક્ટિવ કેસ
ગુજરાતમાં હાલ કોરોનાના કુલ 16 એક્ટિવ કેસ છે. 14 કેસ અમદાવાદમાં, 1 કેસ અમદાવાદ ગ્રામ્યમાં નોંધાયો. રાજકોટમાં પણ કોરોનાનો 1 એક્ટિવ કેસ છે. હાલ કોઈ ચિંતાજનક સ્થિતિ ન હોવાનો તંત્રનો દાવો. જોવા મળેલો ઓમિક્રોન વેરિયન્ટ ભયજનક નહીં હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું. 16માંથી એક જ કેસમાં ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી. મોટાભાગના લોકો સારવાર માટે ઘરમાં જ આઈસોલેટ થયા. અમદાવાદ, રાજકોટ સિવિલ હોસ્પિટલ આઈસોલેશન વોર્ડ સાથે સજ્જ છે.
-
જે લોકો સિંદૂર લૂછવા માટે બહાર આવ્યા હતા તેઓ માટીમાં ભળી ગયા : પીએમ મોદી
બિકાનેરમાં પહેલગામ હુમલાને એક મહિનો પૂર્ણ થવા પર, પીએમ મોદીએ કહ્યું કે જે લોકો સિંદૂર લૂછવા નીકળ્યા હતા તેઓ ધૂળમાં ફેરવાઈ ગયા છે. ઘમંડ કરવા વાળા લોકો કાટમાળમાં પડ્યા છે.
-
આતંકવાદીઓનો 22 મિનિટમાં સફાયો કરી દેવામાં આવ્યો: પીએમ મોદી
બિકાનેરમાં, પીએમ મોદીએ કહ્યું કે 22 એપ્રિલે પહેલગામ પર થયેલા હુમલાના જવાબમાં, માત્ર 22 મિનિટમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે જ્યારે સિંદૂર ગનપાઉડરમાં ફેરવાય છે, ત્યારે દુનિયાએ તેનું પરિણામ જોયું છે. ત્રણેય સેનાઓએ ચક્રવ્યૂહથી પાકિસ્તાન તોડી નાખ્યું.
-
અમદાવાદ: શહેરમાં કોરોનાનો વધુ એક કેસ આવ્યો સામે
અમદાવાદ: શહેરમાં કોરોનાનો વધુ એક કેસ સામે આવ્યો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં 20 વર્ષીય યુવતી સારવાર હેઠળ છે. શ્વાસની તકલીફ હોઈ યુવતી હાલ ઓક્સિજન પર છે. યુવતીની તબિયત ચિંતાજનક ન હોવાનું ડૉક્ટરે જણાવ્યું. સોલા સિવિલ હોસ્પિટલમાં ખાસ આઈસોલેશન વોર્ડ તૈયાર કરાયો. દવા, ઓક્સિજન, ઈન્જેક્શનના જથ્થા સહિતની પૂરતી તૈયારી છે.
-
વાવાઝોડાની સંભાવનાને પગલે CMએ જિલ્લા વહીવટી તંત્રને સતર્ક રહેવા આપી સૂચના
અરબી સમુદ્રમાં લો પ્રેશરને લીધે ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી છે. સુરત, તાપી, વલસાડ, ડાંગ, અમરેલીમાં યલો એલર્ટ જાહેર કરાયુ. આગાહીને પગલે CMએ જિલ્લા વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચના આપી. 24 કલાક કંટ્રોલરૂમ કાર્યરત રાખવા મુખ્યપ્રધાને સૂચન આપ્યુ. તકેદારી સાથેના સલામતીના પગલા લેવા મુખ્યપ્રધાને દિશા-નિર્દેશ આપ્યા. સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટરના કંટ્રોલરૂમને 24 કલાક કાર્યરત રાખવા સૂચન આપ્યુ.
-
રાજકોટ: કુવાડવા રોડ પર ખાનગી બસમાં કરાઈ તોડફોડ
રાજકોટ: કુવાડવા રોડ પર ખાનગી બસમાં તોડફોડ કરાઈ. અન્ય ખાનગી ટ્રાવેલ્સના ઈસમોએ બબાલ બાદ તોડફોડ કરી. બસના સમયને લઈ માથાકૂટ બાદ બબાલ થઈ હતી. ડ્રાઈવર અને ક્લિનરને માર પણ મારવામાં આવ્યો. ડ્રાઈવરે ચાર લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી.
-
આજથી 6 દિવસ સુધી રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદની આગાહી
આજથી 6 દિવસ સુધી રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 25 મે સુધી અનેક વિસ્તારમાં તોફાની વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદના એંધાણ છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદનું અનુમાન છે. અનેક જિલ્લાઓમાં ગાજવીજ, ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. ભારે વરસાદની શક્યતાએ હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. ભરૂચ, નર્મદા, છોટાઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કરાયુ. 24 મેના રોજ રાજ્યમાં સાર્વિત્રિક વરસાદનું અનુમાન છે.
-
દિલ્લીમાં ભારે વરસાદ અને વાવાઝોડાનો કહેર
દિલ્લી-NCR સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં રાત્રે હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. રાજધાની દિલ્લીમાં ભયંકર વરસાદ અને તોફાનથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે, ત્યારે ટ્રાફિકજામની સ્થિતિ પણ સર્જાઈ છે. સફદરજંગમાં 79 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો. તો ગાઝિયાબાદમાં વાવાઝોડા બાદ ભારે વરસાદ શરૂ થઈ ગયો. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે કરા પણ પડ્યા છે.
-
દેશના 24 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ
ઉત્તર-પૂર્વ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, જ્યારે દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ અને કેરળમાં પણ તોફાનની શક્યતા છે. ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી માવઠાએ ખેડૂતોને પરેશાન કર્યા છે, અને હવે આ વાવાઝોડું તેમની ચિંતા વધારી શકે છે. બજારોમાં ખરીદી ઘટી શકે છે, અને માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
Published On - May 22,2025 7:34 AM