21 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : આવકવેરામાં 12 લાખની મુક્તિ-જીએસટી રિફોર્મથી એક વર્ષમાં 2.5 લાખ કરોડની બચત થશેઃ પીએમ મોદી
આજે 21 સપ્ટેમ્બરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 21 સપ્ટેમ્બરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
આવકવેરામાં 12 લાખની મુક્તિ-જીએસટી રિફોર્મથી એક વર્ષમાં 2.5 લાખ કરોડની બચત થશેઃ પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું. કે, 12 લાખની આવક ધરાવનારાઓને આ વર્ષે આવકવેરામાંથી મુક્તિ આપી છે. નીયો મિડલ ક્લાસના લોકોને તેમના સ્વપ્ન સાકાર કરવાની આસાન તક મળશે. હરવુ ફરવુ સસ્તુ થશે. હોટલના રૂમ પર જીએસટી ઘટાડયો છે. દુકાનદાર પણ જીએસટી રિફોર્મને લઈને ઉત્સાહમાં છે. જીએસટીના ધટેલા દર સાથેના બોર્ડ લગાવ્યા છે. આવકવેરાની મુકિત મર્યાદા 12 લાખની કરવાની સાથે જીએસટી રિફોર્મ જેવા છેલ્લા એક વર્ષમાં જે નિર્ણય લેવાયા છે તેનાથી 2,5 લાખ કરોડથી બચત થશે. આથી જ બચતોત્સવ કહેવામાં આવી રહ્યું છે.
-
12 ટકા જીએસટીવાળી વસ્તુઓ ટેક્સ ફ્રી અથવા તો 5 ટકા ટેક્સ સ્લેબમાં આવરી લેવાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવરાત્રીના આગલા દિવસે સાંજે પાંચ વાગે દેશને સંબોધતા કહ્યું કે, આઝાદ ભારતનુ સૌથી મોટુ ટેક્સ રિફોર્મ છે. સમય બદલાય છે દેશની જરૂરીયાત પણ બદલાય છે. દેશનુ વર્તમાન અને ભવિષ્યને જોતા આ નવા દર લાગુ થઈ રહ્યાં છે. હવે માત્ર 5 અને 18 ટકા જ રહેશે. રોજબરોજના વપરાશની વસ્તુ સસ્તી થશે. હવે ટેક્સ ફ્રિ અથવા તો પાંચ ટકા જ રહેશે. જે ચીજવસ્તુ પહેલા 12 ટકા ટેક્સ લાગતો હતો તેમાંથી 99 ટકા વસ્તુઓને પાંચ ટકામાં આવરી લેવાયા છે.
-
-
જીએસટી રિફોર્મ વેપારીઓના કારોબારને આસાન બનાવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જીએસટી રિફોર્મ ભારતના કારોબારને આસાન બનાવશે. દરેક રાજ્યને વિકાસની દોડમાં બરાબરનો સાથી બનાવશે. 2017માં જીએસટી રિફોર્મ માટે પગ માડ્યા ત્યારે નવા ઈતિહાસ રચવાની તૈયારી કરી હતી. દેશના વેપારીઓ અલગ અલગ ટેક્સની જાળમાં લપેટાયેલ હતો.
-
આવતીકાલથી જીએસટી બચતોઉત્સવ શરૂ થશે- પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, દેશવાસીઓને સંબોધતા કહ્યું કે, આવતીકાલના સૂર્યોદય સાથે જીએસટી રિફોર્મ લાગુ થશે. જીએસટી બચતોઉત્સવ શરૂ થશે.
-
વડોદરાના શિનોર-ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
વડોદરાના શિનોરમાં વરસાદ વરસ્યો હતો. ગાજવીજ અને ભારે પવનના સુસવાટા સાથે વરસાદ વરસ્યો. વિઝિબિલિટી ઓછી થઈ જવાથી વાહનચાલકોને હેડ લાઈટ ચાલુ કરી વાહન ચલાવવાનો વારો આવ્યો હતો. ભરબપોરે બન્યો સાંજ જેવો માહોલ. શિનોર, સાધલી, અવાખલ, ઉતરાજ, કુકસ, તેરસા, ટીમ્બરવા સહિત ગામમા વરસાદ વરસ્યો છે.
-
-
કંડલા પોર્ટમાં ક્રેનના ટાયર નીચે કચડાઈ જતા એકનું મોત
કંડલા પોર્ટમાં ક્રેનના ટાયર નીચે કચડાઈ જતા એકનું મોત થયું છે. ખાનગી કંપનીમાં કામ કરી રહેલા ભીખારામ નામના વ્યક્તિનું મોત થયું છે. પોર્ટ પર બેદરકારીના કારણે શ્રમિકનો ભોગ લેવાયો હોવાનું અન્યો ચર્ચી રહ્યાં હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
-
કડીમાંથી અમૂલ અને સાગર બ્રાન્ડનું શંકાસ્પદ ઘી ઝડપાયું
અમૂલ અને સાગર બ્રાન્ડનું શંકાસ્પદ ઘી ઝડપાયું છે. કડીના નાની કડીની આશીર્વાદ સોસાયટીમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે. તહેવારો પહેલા કડીમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાતા તરેહ તરેહની વાતો થઈ રહી છે. ઘી ના અલગ અલગ બ્રાન્ડના પાઉચ નંગ 880 તથા 3 નંગ ડબ્બા ઝડપાયા છે. કુલ 440 લીટર અને 45 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. ઘીની કુલ કિંમત 3,11,600 નો મુદ્દામાલ સીઝ કર્યો છે. મહેસાણા SOG એ બાતમી આધારે રેડ કરી હતી. રણછોડ પટેલ નામના શખ્સની SOG એ અટકાયત કરી છે. શંકાસ્પદ ઘીના સેમ્પલ લેવા મહેસાણા SOG દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને FSL વિભાગને જાણ કરવામાં આવી છે.
-
પૂર્વ અમદાવાદના નરોડા, બાપુનગર, કૃષ્ણનગર, સૈજપુર સહિતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ
નવરાત્રી પૂર્વે અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસે છે. આજે અમદાવાદ પૂર્વના નરોડા, બાપુનગર, કૃષ્ણનગર, સૈજપુર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે મધ્ય ગુજરાતમાં વરસાદની કરી હતી આગાહી. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને ઉત્તર ગુજરાત સિવાયના રાજ્યના વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે.
-
સુરેન્દ્રનગર જિલ્લામાં 850 સ્થળોએ યોજાશે ગરબી, નવરાત્રી મહોત્સવ
સુરેન્દ્રનગર જિલ્લામાં 850 સ્થળોએ યોજાશે ગરબી, નવરાત્રી મહોત્સવ. સુરેન્દ્રનગર જિલ્લામાં પાર્ટી પ્લોટમાં થતા ગરબા માટે ખાસ સુચનાઓ આપવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 850 સ્થળોએ યોજાશે ગરબીઓ. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તકેદારીના ભાગ સ્વરૂપે યોજના તૈયાર કરી. માતાજીની આરાધનાના ગીતો જ ગરબામાં વગાડવા સૂચના. આવારા તત્વોને ગરબા સ્થળોએ નો-એન્ટ્રી. 1200 થી વધુ કર્મીઓ ગરબામાં બંદોબસ્તમાં જોડાશે.CCTV આરોગ્ય અને ફાયર સેફટીના સાધની સિક્યુરીટીની વ્યવસ્થા રાખવા પણ આદેશ. નવરાત્રીના પર્વને લઈ તંત્ર બન્યું વ્યસ્ત. શાંતિપૂર્વક માહોલ વચ્ચે ગરબાઓ યોજાઈ તે માટેના તંત્રના પ્રયાસ.
-
શંખલપુરમાંથી ઇનામી ડ્રોના નામે ઠગાઈ કરતા છ ઈસમોને બહુચરાજી પોલીસે ઝડપ્યા
મહેસાણાના શંખલપુરમાં ઇનામી ડ્રોના નામે ઠગાઈ કરતા છ ઈસમો ઝડપાયા. બહુચરાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરતા હતા ઠગાઈ. ઈનામની ડ્રો કૂપનથી લોભામણી જાહેરાતો કરતા હતા. લોકો સાથે છેતરપિંડી કરતા ઈસમોને બહુચરાજી પોલીસે પકડી પાડ્યા છે. શંખલપુર ગામમાં “હર હર મહાદેવ એન્ટરપ્રાઈઝ” નામની કૂપન આપતા હતા. ધમાકા ઓફર વાળી ઇનામની ડ્રો સ્ક્રેચ કૂપન લઈને આવેલ છ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીઓ લોકોને લોભામણી લાલચ આપીને અને સ્ક્રેચ કરવાના બહાને તેમની સાથે ઠગાઈ કરતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી એક બલેનો ગાડી, રૂ. 7,700/- રોકડા અને 60 નંગ ઈનામી ડ્રો કૂપન જપ્ત કરી છે.
પકડાયેલ આરોપીઓમાં, ધવલસિંહ રમેશસિંહ માધુસિંહ ઝાલા, જયદીપસિંહ જયંતીજી હલુજી દરબાર, વિજયજી કનુજી ભવાનસંગ ઠાકોર, ચેતનજી શંકરજી જીતાજી ઠાકોર, મેહુલભાઈ જસવંતભાઈ કાળીદાસ નાયક, મહેન્દ્રકુમાર લાલુસિંહ દરબારનો સમાવેશ થાય છે.
-
નવરાત્રીમાં ખેલૈયાઓ માટે વરસાદ વિલન બનીને રંગમાં પાડી શકે છે ભંગ, સાત દિવસ આ જિલ્લાઓ થશે તરબોળ
નવરાત્રીમાં ખેલૈયાઓ માટે વરસાદ વિલન બનીને રંગમાં પાડી શકે છે ભંગ. આગામી સાત દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાક ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે નવસારી , સુરત , ભરૂચ , તાપી , નર્મદામાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે આવતીકાલે નવસારી સુરત ,દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં છુટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. આગામી બે દિવસ વીજળીના કડાકા સાથે 30 થી 40 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવાની શક્યતા છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
-
ચિલોડામાં MLA અલ્પેશ ઠાકોર, MP હસમુખ પટેલ ગુમ થયાના લાગ્યા પોસ્ટરો
અમદાવાદમાં પ્રાથમિક સુવિધા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈ નાના ચિલોડામાં દેખાવો યોજવામાં આવ્યા હતા. નાના ચિલોડાના સ્થાનિકોએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે વિરોધ નોંધાવ્યો છે. ચૂંટાયેલ પ્રતિનિધિઓ ગુમ થયા હોવાના પોસ્ટર સાથે દેખાવો કરાયા છે. ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, સાંસદ હસમુખ પટેલ ગુમ થયા હોવાના પોસ્ટર લાગ્યા છે. ચૂંટણીમાં વાયદાઓ બાદ કામ ના થતા લોકોનો આક્રોશ છે. અમારા વિસ્તારમાં આવી વિકાસ કુપોષિત થયો હોવાનો આક્ષેપ કરાયો છે. ચૂંટણી સમયે દેખાયેલ પ્રતિનિધિઓ ત્યારબાદ દેખાયા નથી તેમ પણ સ્થાનિકોએ જણાવ્યુ હતું. અમદાવાદના અન્ય વિસ્તારોની સરખામણીએ અમારા ચિલોડા વિસ્તાર સાથે અન્યાય થયો હોવાનું કહેવામાં આવ્યું છે. વિસ્તાર અમદાવાદ મનપાના સરદારનગર વોર્ડમાં આવે છે.
-
નવરાત્રિના આગલા દિવસે જ ખેડા જિલ્લામાં મેઘરાજાની તોફાની એન્ટ્રી
નવરાત્રિના આગલા દિવસે જ ખેડા જિલ્લામાં મેઘરાજાની તોફાની એન્ટ્રી થઈ છે. નડિયાદ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. અચાનક આવેલા વરસાદથી ગરબા આયોજકો ચિંતામાં મુકાયા છે. જોકે, આ વરસાદને લીધે ધરતીપુત્રોમાં ખુશીની લહેર પ્રવર્તી રહી છે. વરસાદને કારણે ખાસ કરીને ડાંગરના પાકને મોટો ફાયદો થશે. વરસાદને લીધે લોકોને ગરમીથી મળી રાહત, વાતાવરણમાં પ્રસરી ઠંડક પ્રસરી જવા પામી છે.
-
સુરતમાં તપેલા ડાઈગના કારણે લાલ પાણી હવે બ્લ્યુ પાણી થઈ ગયું
સુરતના અનેક વિસ્તારમાં કલર વાળું પાણી મોટી સમસ્યા બન્યું છે. ઉધના,પાંડેસરા અને લીંબાયત વિસ્તારમાં કલર વાળું પાણી માથાનો દુખાવો છે. ઉધના બાદ લીંબાયતમાં ગોવિંદ નગર તપેલા ડાંઈગની બેદરકારી સામે આવી છે. પાલિકાના અધિકારીઓ દ્વારા નોટિસ અને સીલ મારવાની કાર્યવાહી બાદ પણ પણ તપેલા ડાઇગ ધમધમી રહ્યા છે. ગેરકાયદેસર રીતે ચાલતા તપેલા ડાઇગ પર એક વખત કાર્યવાહી કર્યા બાદ બીજી વખત પકડાશે તો તેની પ્રોપર્ટી સીઝ કરવાની વાતો કરવામાં આવી હતી. પરંતુ સમસ્યા યથાવત રહેવા પામી છે અને કોઈની મિલકત સીઝ પણ થઈ નથી.
-
અમરેલીમાં ટાવરચોકમાં દુકાનદારોએ લગાવ્યા સ્ટીકર, અમને ગર્વ છે અમારે ત્યાં તમામ ઉત્પાદનો સ્વદેશી છે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમરેલીના ટાવર ચોકમાં પહોંચ્યા હતા. અહીં ભુપેન્દ્ર પટેલ નિખાલસતાથી અમરેલીના વેપારીઓને મળ્યા હતા. દુકાનદારો સાથે તેમના વેપાર ધંધા વિશે વાત કરી હતી. ટાવરચોકમાં રોડ પર બેસી ચપ્પલ વેચતા નાના વેપારી સાથે પણ વાત કરી હતી. અમરેલીના ટાવર ચોક વેપારી મંડળના લોકો સાથે વાતો કરી છે. ટાવરચોકની કેટલીક દુકાન પર પ્રતિકાત્મક રીતે સ્ટીકર લગાવ્યા. ‘ અમને ગર્વ છે કે અમારે ત્યાં વેચાતા તમામ ઉત્પાદનો સ્વદેશી છે’ લખાણ વાળા સ્ટીકર લગાવ્યા.
-
નવરાત્રીમાં ચોટીલા ચામુંડા માતાના દર્શન-આરતીના સમયમાં ફેરફાર
સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજી ડુંગર પર તા 22મી થી શરૂ થતાં નવલા નોરતાં દરમિયાન આરતી તેમજ દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા આરતી તેમજ દર્શનમાં નવરાત્રી દરમિયાન ફેરફાર કરવામાં આવ્યાનો નિર્ણય. આસોમાસના તા 22 મી એ પ્રથમ નોરતા તેમજ તા 30 મીના રોજ આઠમ લઈને ચામુંડા માતાજી ડુંગરના દ્વારા વહેલી સવારે 3.30 દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે. પ્રથમ તેમજ આઠમાં નોરતાને લઈને વહેલી સવારે 4 વાગ્યાના સમય ઊતરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ચોટીલા ચામુંડા માતાજી ડુંગર પર ચડવા માટે યાત્રિકોને 635 જેટલા પગથિયા ચડીને માતાજીના દર્શન કરવા માટે નો લહાવો લેવો પડશે.
-
હવામાન વિભાગનું નાઉકાસ્ટ, 4 વાગ્યા સુધી આ જિલ્લામાં પડશે ભારે વરસાદ
રાજ્યમાં સાંજે 4 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ કરવામાં આવ્યું છે. ગાજવીજ સાથે 41થી 61 કિમીની ઝડપે ફૂંકાશે પવન. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની વકી
-
બનાસકાઠા પોલીસ ઠેર ઠેર દરોડા પાડતી રહી, પરંતુ લકી ડ્રો યુટ્યુબ મારફતે ઓનલાઈન યોજાયો, આખરે નોધાઈ ફરિયાદ
બનાસકાંઠામાં લકી ડ્રોના માસ્ટર માઇન્ડ અશોક માળી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. લાખણીના જસરામાં ગઈકાલે લકી ડ્રોનું આયોજન કરાયું હતું. લકી ડ્રો આયોજનની જગ્યા બદલી લાખણી ખાતે રખાયું હતું આયોજન. લકી ડ્રો યોજાય તે પહેલા પોલીસે બંધ રખાયું હતું તેથી આયોજન લાખણીમાં કરવામાં આવ્યું. પોલીસને અંધારામાં રાખી માસ્ટર અશોક માળીએ મોડી રાત્રે યુટ્યુબ પર ઓનલાઇન કર્યું આયોજન. રાત ભર પોલીસે અશોક માળીનું લોકેશન શોધવા દોડધામ કરી તેમ છતાં લકી ડ્રો ચાલુ રહ્યો હતો. લકી ડ્રો ચાલુ રહેતા આગથળાના પીઆઈ બન્યા ફરિયાદી. અશોક માળી વિરુદ્ધ ફરિયાદ નોધી છે. અશોક માળી વિરુદ્ધ અગાઉ પણ ત્રણ ફરિયાદો લોભામણી લાલચના લકી ડ્રો કરવા મામલે નોંધાઈ ચુકી છે.
-
કચ્છના ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો
કચ્છના ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 3.1 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 12 કિમી દૂર નોંધાયું છે. ધોળાવીરામાં પણ અનુભવાયો હતો 2.6 ની તીવ્રતાનો આંચકો. સવારે 6.41 વાગ્યે અનુભવાયો હતો આંચકો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 24 કિમી દૂર નોંધાયું હતું.
-
નવસારી શહેરમાં વરસ્યો ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા
નવસારી શહેરમાં જામ્યો વરસાદી માહોલ. નવસારી શહેરમાં આવેલ આશાબાગ સોસાયટી પાસે મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને હાલાકી. ભારે પવન સાથે વરસી રહ્યો છે ધોધમાર વરસાદ.
-
આ વર્ષે કચ્છના ધોરડોમાં સફેદ રણ મોડું જોવા મળશે, હાલમાં છે દરિયા જેવી સ્થિતિ, દિવાળીએ નહીં જોવા મળે સફેદ રણ !
કચ્છનુ જગ પ્રસિદ્ધ સફેદ રણ વિસ્તાર દરિયો બન્યો છે. ધોરડો વોચ ટાવર પાસે સફેદ રણ દરિયામાં ફેરવાયું છે. આ વર્ષે પડેલા સારા અને નોંધપાત્ર વરસાદને કારણે ધોરડોમાં જ્યા સફેદ રણ જોવા લોકો ઉમટતા હોય છે તે વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળે છે. સામાન્ય રીતે દર વર્ષે ઓક્ટોબરથી માર્ચ મહિનામાં ધોરડો ખાતે સફેદ રણ નિહાળવા માટે લોકો ઉમટતા હોય છે. હાલમાં આ જગ્યાએ દરિયાની જેમ પાણી લહેરાતા, મીઠુ બનતા દોઢથી બે મહિનાનો સમય નીકળશે તેમ સ્થાનિકોનું કહેવું છે. દિવાળીના વેેકેશનમાં સફેદ રણ સહિતના વિસ્તારોમાં ફરવા આવનારા પ્રવાસ શોખિનો નિરાશ થાય તેવી સ્થિતિ છે.
-
શેરથા ગામના નરસિંહ મંદિર ટ્રસ્ટની 400 કરોડની જમીન, ગાંધીનગરના પૂર્વ મામલતદારે મળતીયાઓ સાથે મળીને વેચી મારી હોવાનો આક્ષેપ
ગાંધીનગર જિલ્લાના શેરથામાં નરસિંહ મંદિર ટ્રસ્ટની કરોડો રૂપિયાની જમીન વેચવાના વિરોધમાં ગ્રામજનોએ હલ્લાબોલ કાર્યક્રમ યોજ્યો હતો. ગાંધીનગરના તત્કાલીન મામલતદાર સહિત અન્ય મળતીયાઓ એ ખોટા ગણોતિયા ઊભા કરી 400 કરોડની જમીન બરોબર વેચી નાખી હોવાનો આક્ષેપ ગ્રામ્યજનોએ કર્યો છે. મંદિર ટ્રસ્ટની જમીન વેચાણના વિરોધમાં ગ્રામજનો એ આજે રેલી અને જનસભા સાથે તપાસની માગ કરી છે. 400 કરોડ રૂપિયાની જમીન બારોબાર કોણે અને કોને વેચી હોવાની તપાસ થાય તે જરૂરી છે. શેરથા ગામ ના જૂના સર્વે નબર 716 (બ્લોક નંબર 1227 પૈકી રિ સર્વે નબર 638 અને 707) કુલ 1.49929 ચોરસ મીટર 1951 થી 52 માં જમીન નરસિંહ ભગવાન મંદિર ટ્રસ્ટ પાસે હતી. 1951 52 થી 1961 62ના 7 /12 માં નકલ માં 2009 2010 અને 2011 માં તલાટીએ રેકોર્ડ માં ચેડા કર્યા હોવાનું સૂચવે છે.
-
હવામાન વિભાગે બપોરના 1 વાગ્યા સુધીમાં 5 જિલ્લામાં વરસાદની કરી આગાહી
હવામાન વિભાગે બપોરના 1 વાગ્યા સુધીમાં 5 જિલ્લામાં વરસાદની કરી આગાહી. હવામાન વિભાગે નાવકાસ્ટ જાહેર કર્યું છે. બપોરના 1 વાગ્યા સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસવાની આગાહી કરી છે. રાજ્યના 5 જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની વરસવાની આગાહી કરી છે. સુરત, તાપી, ભરૂચ, નવસારી, નર્મદામાં ગાજવીજ સાથે વરસાદ પડવાની ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે યલ્લો એલર્ટ જાહેર કરાયું છે.
-
હવે મહેસાણાના ખેરાલુના ચાચરિયા ગામમાં સામે આવ્યું મનરેગા કૌભાંડ
મહેસાણાના ખેરાલુના ચાચરિયા ગામમાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે. મનરેગામાં 15 લાખ રૂપિયાનું કૌભાંડ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બોગસ જોબ કાર્ડ બનાવી માટીકામ માત્ર કાગળ પર દર્શાવાયું હતું. લોકપાલની તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો. માટીકામ થયા વિના લાખો રૂપિયા ચાઉં કરી જવાયા છે. બોગસ જોબ કાર્ડ બનાવી શ્રમિકોના બેંક એકાઉન્ટ ખોલાવી દીધા હતા. એટીએમ કાર્ડ અને પિન નંબર મેળવી કોન્ટ્રાક્ટર દ્વારા પૈસા ઉપાડવામાં આવ્યા હતા. સરકારી ચોપડે 50 શ્રમિકોના નામ દર્શાવાયા હતા. માત્ર છ શ્રમિકો જ જવાબ આપવા આવ્યા હતા. લોકપાલ ગિરીશ શર્માએ રૂબરૂ સ્થળ તપાસ કરી હતી. રાજ્ય કક્ષાએથી વિશેષ તપાસ સમિતિ બનાવી કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. સમગ્ર ખેરાલુ તાલુકામાં થયેલા મનરેગાના તમામ કામોની તપાસ થાય તો પાંચથી સાત કરોડનું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા.
-
PM મોદી આજે સાંજે પ વાગે દેશને કરશે સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રવિવારે સાંજે પાંચ વાગે દેશને સંબોધન કરશે.
-
લો બોલો, પોલીસ સ્ટેશનમાંથી આઈ 10 કાર ચોરાઈ, પોલીસ બેડામાં ખળભળાટ
પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાંથી કારની ચોરી થવા પામી છે. પોલીસ સ્ટેશનમાંથી બુટલેગર કાર ચોરી ગયો હતો. કમલાબાગ પોલીસેના હેડ કોન્સ્ટેબલે 36 બોટલ દારૂ સાથે કાર કબજે કરી હતી. કારમાં દારુ લઈ આવતા દીપક ભગવાન પંડ્યા પોલીસને જોઈ નાસી ગયો હતો. પોલીસે શંકાસ્પદ કારને કબજે લઈ પ્રોહિબિશનના ગુન્હામાં કાર કબજે લીધો હતી. પોલીસે બુટલેગર દીપક ભગવાન પંડ્યા સામે પ્રોહિબિશન સહિતની કલમો હેઠળ કાર આઈ 10 કબજે લીધી હતી. પોલીસે આઈ 10કાર નબર G J 25 BA 0640 મુદ્દામાલ તરીકે કબજે કરી હતી અને કમલાબાગ પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં રાખી હતી.
ગત મોડીરાત્રે કમલાબાગ પોલીસના હેડ કોન્સ્ટેબલ સુખાભાઈ જાંબુચાએ પોલીસ સ્ટેશનમાંથી કાર ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવતા જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. કમલાબાગ પોલીસ સ્ટેશન શહેરની વચ્ચે આવેલ છે સતત લોકોની અવરજવર રહે છે cctv કેમેરા છતાં બુટલેગર પોલીસ સ્ટેશનમાંથી કાર ઉઠાવી ગયો. પોલીસે હેડ કોન્સ્ટેબલ સુખાભાઈ જાબુંચા એ આરોપી દીપક ભગવાન પંડ્યા સામે પ્રથમ ફરિયાદ ઈગ્લિશ દારૂ ની અને બીજી ફરિયાદ કાર ચોરીની કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
-
ચિખોદરા ગામના પ્લાસ્ટિક સ્ક્રેપના ગોડાઉનમાં આગ
ગોધરાના વડોદરા હાઈવે પર આવેલા પ્લાસ્ટિક સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગી હતી. વડોદરા રોડ પર આવેલા ચિખોદરા ગામમાં આવેલ પ્લાસ્ટિક સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગી હતી. રાત્રે 2 વાગ્યાના સમયે ભીષણ આગ લાગી હતી. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાને લઈને ગોધરા અને હાલોલ ફાયર બ્રિગેડ દ્વારા 4 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે. આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી.
-
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 104 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 104 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ નર્મદાના નાંદોદમાં 4.69 ઈંચ વરસાદ પડ્યો છે. છોટાઉદેપુરના બોડેલીમાં 3.94 ઈંચ વરસાદ નોંધાયો છે. પંચમહાલના હાલોલમાં 3.70 ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યના 11 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. 20 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
-
જામનગર : 13 વર્ષીય સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની જેલની સજા
જામનગરમાં 13 વર્ષીય સગીરા પર દુષ્કર્મના કેસમાં ટંકારાના આરોપીને 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. સોશિયલ મીડિયાથી પરિચયમાં આવીને બાળકીને પ્રેમજાળમાં ફસાવી હતી. સરકારી યોજનામાંથી ભોગ બનનાર બાળાને 6 લાખનું વળતર ચુકવવા કોર્ટે આદેશ કર્યો છે. મોરબી જિલ્લાના સંજય ઉર્ફે શિવમ પરમાર નામના યુવક સામે ઓક્ટોબર-2023માં ફરિયાદ નોંધાઇ હતી. પોક્સો, અપહરણ તેમજ દુષ્કૃત્યની કલમો હેઠળ પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી.
-
વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં એક દિવસમાં 23 બાળકનો જન્મ
સુરતની એક ખાનગી હોસ્પિટલમાં એક જ દિવસમાં 23 બાળકોનો જન્મ થતા સમગ્ર હોસ્પિટલનું વાતાવરણ બાળકોના કિલકારીથી ગુંજી ઉઠી છે. 23 જન્મેલા બાળકોમાં 14 દીકરી અને 9 દીકરાનો સમાવેશ થાય છે.
-
રાજકોટ: ગોંડલના રીબડાના અમિત ખૂંટ આત્મહત્યાનો કેસમાં અનિરૂદ્ધસિંહ જાડેજાના 2 દિવસના રિમાન્ડ થયા મંજૂર
ગોંડલના રીબડાના અમિત ખૂંટ આત્મહત્યાનો કેસમાં આરોપી અનિરૂદ્ધસિંહ જાડેજાના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. તાલુકા પોલીસ અનિરૂદ્ધસિંહ જાડેજાની પૂછપરછ કરશે. જૂનાગઢ જેલમાંથી કબજો લીધા બાદ ગોંડલ કોર્ટમાં રજૂ કરાયા હતા. અનિરૂદ્ધસિંહ જાડેજાની બે દિવસ પૂછપરછ કરાશે.
-
ખેલૈયાઓની ચિંતામાં વધારો ! ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી ઝાપટાં પડે તેવી આગાહી કરી છે. જેના કારણે નવરાત્રીમાં વરસાદનું વિઘ્ન આવી શકે છે. મધ્ય ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની પડે તેવા એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે. ખાસ કરીને સુરત અને ભરૂચમાં વરસાદની આગાહી કરી છે.અમદાવાદમાં 24 સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા રહેલી છે.નવરાત્રીના પહેલા દિવસે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતાના કારણે ખેલૈયાઓ પર ચિંતાના વાદળ છવાઈ શકે છે.
-
દ્વારકાની નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં અચનાક 50થી વધુ વિદ્યાર્થીની તબિયત લથડી
દ્વારકાના ખંભાળિયામાં આવેલી નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આયોજન કરવામાં આવેલા યુવા મહોત્સવમાં અચાનક અફરાતફરીનો માહોલ સર્જાયો. જેમા અચાનક 50થી વધુ વિદ્યાર્થીની તબિયત લથડી છે. જો કે હજુ તબિયત ખરાબ થવાનું કારણ અકબંધ છે.
Published On - Sep 21,2025 7:20 AM