19 જૂનના મહત્વના સમાચાર : વિસાવદરમાં 56.89 % કડીમાં 57.90 % અંદાજીત મતદાન
આજે 19 જૂનને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 19 જૂનને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
વિસાવદરમાં 56.89 % કડીમાં 57.90 % અંદાજીત મતદાન
ગુજરાત વિધાનસભાની વિસાવદર અને કડી બેઠકની આજે યોજાયેલી પેટાચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પર અંદાજીત 56.89 % મતદાન નોંધાયું હતું. જ્યારે મહેસાણા જિલ્લાની કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં 57.90 % મતદાન થયું હતું. જો કે, મતદાન ટકાવારીના વલણો અંદાજિત છે. મતદાનની આખરી ટકાવારી આજે મોડી રાત્રે અથવા તો આવતીકાલ શુક્રવારના સવારે જાહેર થઈ શકશે.
-
વરસાદે ખેડૂતોના ખેતરો ધોઈ નાખ્યાં, સરકાર નુકસાની ચુકવે, ભાજપના ધારાસભ્યે ભૂપેન્દ્ર પટેલ સરકારને લખ્યો પત્ર
ભાજપના ધારાસભ્યે, પોતાના મતક્ષેત્રના મતદારોનો પક્ષ લઈને, ખેડૂતોને થયેલા નુકસાનનુ વળતર ચૂકવવા માટે સરકાર સમક્ષ માંગ કરી છે. સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી રાઘવજી પટેલને એક પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે, સાવરકુંડલા, લીલીયા સહિત તાલુકાઓમાં બે દિવસ પડેલા ભારે વરસાદથી ખેતરોની જમીનનું ધોવાણ થયેલ છે. આ ધોવાણથી ખેડૂતોને થયેલા નુકસાનીનું વળતર ચૂકવવા માંગ કરી છે. અસરગ્રસ્ત ખેડૂતોને વળતર આપવાની કરી માંગ. ભારે વરસાદના કારણે મોટાભાગની જમીનનું થયું છે ધોવાણ. તાત્કાલિક સરવે કરી યોગ્યતા મુજબ વળતર આપવા રજૂઆત કરી છે.
-
-
સવારના 6થી સાંજના 6 સુધીમાં 92 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વલસાડમાં 6.81 ઈંચ, સૌરાષ્ટ્રમાં વરસાદે રાખી રજા !
ગુજરાતમાં આજે સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીના 12 કલાકમાં કુલ 92 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વઘુ વરસાદ દક્ષિણ ગુજરાતના વલસાડમાં પોણા સાત ઈંચથી વધુ નોંધાયો છે. વલસાડ જિલ્લાના 5 તાલુકામાંચાર ઈંચથી લઈને પોણા સાત ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. નવસારીના ખેરગામમાં પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. આજે આ 12 કલાક દરમિયાન દક્ષિણ, મધ્ય-પૂર્વ ગુજરાતમાં વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર સિવાય સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં નોંધપાત્ર વરરસાદ વરસ્યો નથી.
-
એર ઈન્ડિયાનું વિમાન તુટી પડ્યાના એક સપ્તાહમાં, મૃતક પૈકી 215ના DNA મેચ થયા
અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન તુટી પડ્યાના એક સપ્તાહમાં, મૃતક પૈકી 215ના DNA મેચ થયા છે. જેમાથી 198 મૃતદેહ, તેમના પરિવારજનને સોંપવામાં આવ્યા છે. દુર્ધટનાના એક સપ્તાહ બાદ હજુ પણ 9 લોકો અન્ય મૃતદેહની રાહ જોવે છે. 9 નોન પેસેન્જર છે. સારવાર હેઠળ 6 દર્દી છે, જેમાથી 1 ને આજે રજા આપવામાં આવશે. અન્ય 5 દર્દીની સ્થિતિ સ્થિર છે.
-
કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં 4 વાગ્યા સુધીમાં 50 ટકા મતદાન
મહેસાણા જિલ્લાની કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં સાંજે 4 વાગ્યા સુધીમાં 50 ટકા મતદાન થવા પામ્યું છે. સામાન્ય ચૂંટણીની સરખામણીએ પેટાચૂંટણીમાં મતદાનની ટકાવારી પ્રમાણમા ઓછી રહેતી હોય છે. આમ છતા આ બેઠક પર નોંધાયેલ 40 ટકા મતદાન એકંદરે સારુ કહેવાય તેમ રાજકીય ક્ષેત્રના લોકોનુ માનવું છે.
-
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મભૂમિ વડનગરમાં ઉજવાશે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
11મા આંતરરાષ્ટ્રીય યોગદિવસની રાજ્ય કક્ષાની ઉજવણી, આગામી 21મી જૂન 2025, શનિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મભૂમિ વડનગરમાં કરાશે. “યોગ ફોર વન અર્થ-વન હેલ્થ”ની થીમ સાથે ઉજવાનારા આ 11મા આંતરરાષ્ટ્રીય યોગદિવસ સાથે સમગ્ર ગુજરાતમાં આ ઉજવણીમાં “સ્વસ્થ ગુજરાત- મેદસ્વીતા મુક્ત ગુજરાત”નો ધ્યેય પણ રાખવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં આ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના સમગ્ર રાજ્યવ્યાપી આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
-
અમદાવાદ એરપોર્ટની આસપાસના વિસ્તારનો સરવે કરીને કેન્દ્રને મોકલાશે
અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને કેન્દ્ર સરકારે અમદાવાદ એરપોર્ટને લઈને એક એડવાઈઝરી બહાર પાડી છે. જેને લઈને અમદાવાદમાં આગામી દિવસોમાં એરપોર્ટની આસપાસના વિસ્તારમાં સરવે કરાશે. અમદાવાદ જિલ્લા કલેકટરે જણાવ્યાનુસાર, મનપા, ટ્રાફિક પોલીસ, સહિતના વિભાગો એક સાથે મળી કરશે કાર્ય. સિવિલ એવિએશન અને મનપાની ટીમ સરવે કરશે. નડતર રૂપ બિલ્ડિંગ, વૃક્ષો, ટાવર સહિતની બાબતોનો તૈયાર કરાશે અહેવાલ અને તે કેન્દ્ર સરકારે 60 દિવસની મર્યાદામાં કાર્ય કરવા એડવાઇઝરી જાહેર કરી છે તેના ભાગરૂપે સોંપવામાં આવશે.
-
મહારાષ્ટ્રમાં મૂશળધાર વરસાદથી જળબંબાકાર
મહારાષ્ટ્રમાં મૂશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે. નાસિકમાં ધોધમાર વરસાદથી ગોદાવરી નદી ગાંડીતૂર બની છે. નદી કાંઠે આવેલા અનેક મંદિર પાણીમાં ગરકાવ થયા. સતત ભારે વરસાદ વરસતા ડેમ, નદીઓના જળસ્તરમાં વધારો થયો છે.
-
ભાવનગર: ધોધમાર વરસાદ બાદ વણસી સ્થિતિ
ભાવનગર: ધોધમાર વરસાદ બાદ સ્થિતિ વણસી છે. સરકારી અનાજના ગોડાઉન ફરતે પાણી ભરાયા છે. ચોમાસાની શરૂઆતમાં જ ભાલ પંથકનો ખારો પાટ દરિયામાં ફેરવાયો છે. વરસાદી પાણી શહેરના સીટી ગોડાઉનની નજીક પહોંચ્યા. કુંભારવાડા નારી રોડ પર સરકારી અનાજનું ગોડાઉન આવેલું છે. પાણીનું લેવલ વધ્યું તો ગોડાઉનમાં પાણી ઘૂસી જવાની શક્યતા છે.
-
સુરત: BRTS બસમાં પાણી ટપકવાનો વીડિયો વાયરલ
સુરત: BRTS બસમાં પાણી ટપકવાનો વીડિયો વાયરલ થયો છે. બસની અંદર પાણી ટપકતા મુસાફરો છત્રી લઈને બેસવા મજબૂર બન્યો છે. સરથાણાથી કોસાડ જતી BRTS બસનો વીડિયો વાયરલ થયો છે. મુસાફરો છત્રી લઈને બસમાં મુસાફરી કરતા નજરે પડ્યાં. ચાલુ બસની અંદર પણ મુસાફરો પલળી રહ્યાં છે.
-
નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે SDRFની ટીમ કરાઈ તૈનાત
નવસારી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદને પગલે SDRFની ટીમ તૈનાત કરાઈ છે. જિલ્લાની ત્રણ નદીઓમાં નવા નીરની આવક થઇ રહી છે. પૂર જેવા આપાત સમયે ફસાયેલા લોકો માટે ટીમ તૈનાત કરાઇ. પાણીનો ભરાવ થાય તો સુરક્ષિત સ્થળ પર જવા લોકોને અપીલ કરવામાં આવી. ઉંચી જગ્યા પર જતા રહેવા અપીલ કરવામાં આવી. આગામી સમયને લઇ ટીમ દ્વારા પૂરતી તૈયારીઓ કરાઇ.
-
રથયાત્રા પહેલા ગુજરાત પોલીસને મોટી સફળતા
રથયાત્રા પહેલા ગુજરાત પોલીસને મોટી સફળતા મળી છે. રાજ્યમાંથી 200થી વધુ ગેરકાયદે બાંગ્લાદેશીઓ ઝડપાયા છે. છેલ્લા એક અઠવાડિયામાં ગેરકાયદે બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે. કાયદાકીય કાર્યવાહી બાદ તમામને ડિપોર્ટ કરાશે.
-
વલસાડ: ધરમપુરની તાન નદીમાં ઘોડાપુરની સ્થિતિ
વલસાડ: ધરમપુરની તાન નદીમાં ઘોડાપુરની સ્થિતિ છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં નવા નીર આવ્યા છે. બામતી ગામના લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળ્યા છે. બામતી અને કરંજવેરી ગામને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ નદી કિનારે ન જવા સ્થાનિકોને સૂચના અપાઈ છે.
-
ગિરનારના સંતોએ પણ મતદાનની નિભાવી ફરજ
જૂનાગઢ: વિસાવદરમાં પેટાચૂંટણી માટે ગિરનારના સંતોએ પણ મતદાનની ફરજ નિભાવી. ગિરનારના કમંડળ કુંડના મહંત મહેશગિરી બાપુએ મતદાન કર્યું. મહેશગિરી બાપુ દિલ્લી ભાજપના પૂર્વ સાંસદ રહી ચુક્યા છે. લોકોને પણ મતદાન કરવા મહેશગિરી બાપુએ અપીલ કરી.
-
વિસાવદરમાં 11 વાગ્યા સુધી 28.15 ટકા મતદાન
જૂનાગઢઃ વિધાનસભાની વિસાવદર બેઠક પર પેટાચૂંટણી છે. વહેલી સવારથી મતદાતાઓમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળ્યો. વિસાવદરમાં 11 વાગ્યા સુધી 28.15 ટકા મતદાન થયુ છે. વિસાવદરમાં ભાજપ, AAP અને કોંગ્રેસ વચ્ચે ટક્કર છે. ભાજપના કિરીટ પટેલ અને AAPના ગોપાલ ઈટાલિયા વચ્ચે મુકાબલો છે. કોંગ્રેસ તરફથી નીતિન રાણપરીયા ચૂંટણી મેદાનમાં છે. ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે વતન આણંદપુરમાં મતદાન કર્યું. પૂર્વ MLA ભૂપત ભાયાણીએ ભેસાણ ખાતે મતદાન કર્યું. કુલ 294 મતદાન મથક પર મતદાન થઈ રહ્યું છે.
-
મહેસાણાઃ કડી બેઠક પર સવારે 11 વાગ્યા સુધી 28.85 ટકા મતદાન
મહેસાણાઃ કડી બેઠક પર પેટાચૂંટણીનું મતદાન ચાલી રહ્યુ છે. કડી બેઠક પર સવારે 11 વાગ્યા સુધી 28.85 ટકા મતદાન થયુ છે. કુલ 294 મતદાન મથકો પર મતદાન થઈ રહ્યું છે. ભાજપના રાજેન્દ્ર ચાવડા અને કોંગ્રેસના રમેશ ચાવડા વચ્ચે સીધી ટક્કર છે. 8 ઉમેદવારનું ભાવિ EVMમાં કેદ થશે. 106 સંવેદનશીલ મથકો પર વિશેષ સુરક્ષા ગોઠવાઇ છે. દિવ્યાંગ મતદારો માટે વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે.
-
નવસારીઃ ભારે વરસાદને કારણે નદીઓમાં પાણીની ભારે આવક
નવસારીઃ ભારે વરસાદને કારણે નદીઓમાં પાણીની ભારે આવક થઇ રહી છે. પુર્ણા નદીની સપાટીમાં વધારો થયો છે. સુપોલ ગામને જોડતો પુલ પાણીમાં ગરકાવ થયો છે. પાંચ ગામોના લોકોની અવરજવર બંધ છે. વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ નહીં આવતા લોકો પરેશાન થયા છે.
-
ભરૂચઃ વાલિયા પંથકમાં જળબંબાકારની સ્થિતિ
ભરૂચઃ વાલિયા પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. 4 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા પાણી ભરાયા છે. અંકલેશ્વરથી વાલિયાને જોડતા સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા. નાળાની કામગીરીના પગલે અપાયેલા ડાયવર્ઝન પર પણ પાણી ફરી વળ્યા. ધસમસતા પાણી વચ્ચેથી પસાર થતા ઈકો કાર ફસાઈ હતી. કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો છે. સ્ટેટ હાઇવે પર વાહનવ્યવહાર બંધ થયો છે.
-
આજે પણ રાજ્યમાં અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
આજે પણ રાજ્યમાં અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ પર છે. આગામી ત્રણ કલાકમાં 12 જિલ્લાઓમાં રેડ એલર્ટ છે. સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર અને દાહોદમાં રેડ એલર્ટ, ભાવનગર, આણંદ, ભરૂચમાં પણ રેડ એલર્ટ, સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગમાં પણ રેડ એલર્ટ અપાયુ છે.
-
અમદાવાદઃ ભારે વરસાદથી રસ્તાઓ પાણી-પાણી
અમદાવાદઃ ભારે વરસાદથી રસ્તાઓ પાણી-પાણી થયા છે. નારોલ-વિશાલા રોડ પર પાણી વહેતા થયા છે. મુકેશ ઈન્ડ્રસ્ટ્રીઝ પાસે મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ થયો. રસ્તાઓ પર ઘૂંટણ સમા પાણી ભરાયા. પાણી ભરાતા અનેક વાહનો બંધ થયા.
-
સરખેજ-ગાંધીનગર હાઇવે ઉપર પાણી ફરી વળતા વાહનચાલકો પરેશાન
અમદાવાદ: ધોધમાર વરસાદ બાદ અનેક રસ્તાઓ જળમગ્ન થયા છે. સરખેજ-ગાંધીનગર હાઇવે ઉપર પાણી ફરી વળતા હાલાકી થઇ રહી છે. સર્વિસ રોડ પર અનેક જગ્યાઓ પર પાણી ભરાયા છે. રસ્તાઓ જળબંબાકાર થતાં વાહનચાલકો હેરાન-પરેશાન થયા છે. હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સામે આવ્યા છે. દર વર્ષે સમસ્યા છતાં મનપા દ્વારા કોઈ વ્યવસ્થા કેમ નહીં તે સવાલ છે.
-
વરસાદી વાતાવરણ વચ્ચે પણ વહેલી સવારથી મતદારોની કતારો
વિસાવદર અને કડી વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન થઇ રહ્યુ છે. વરસાદી વાતાવરણ વચ્ચે પણ વહેલી સવારથી મતદારોની કતારો જોવા મળી. બન્ને બેઠકના કુલ 5.50 લાખથી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. વિસાવદરમાં ભાજપ, AAP અને કોંગ્રેસ વચ્ચે ટક્કર થશે, કડીમાં 8 ઉમેદવારનું ભાવિ EVMમાં કેદ થશે.
-
અમદાવાદ: ગાજવીજ અને પવન સાથે તૂટ્યો ધોધમાર વરસાદ
અમદાવાદ: અડધી રાત્રે શહેરમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી. ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો. સૌથી વધુ રામોલમાં 3.8 ઈંચ વરસાદ ખાબક્યો છે. નિકોલમાં નોંધાયો 3.7 ઈંચ વરસાદ, વિરાટનગર અને ઉસ્માનપુરામાં 3.36 ઈંચ, કઠવાડામાં 3.46 ઈંચ, ઓઢવમાં 3.28 ઈંચ વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. મીઠાખળી અને અખબારનગર અંડરપાસ બંધ કરાયા.
-
અમદાવાદઃ ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો પાણી-પાણી
અમદાવાદઃ ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો પાણી-પાણી થયા છે. બોપલના સ્ટર્લિંગ સિટીમાં એકથી બે ફૂટ સુધી પાણી ભરાયા.ભારે વરસાદથી રેલવેના પરીક્ષાર્થીઓ હેરાન થયા. સ્ટર્લિંગ સિટીમાં આવેલી શાળામાં પરીક્ષા કેન્દ્ર છે. પરીક્ષા કેન્દ્ર પહોંચવામાં ઉમેદવારને હાલાકી થઇ રહી છે.
-
આજે વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી
આજે વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી છે. બંને વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ થઇ ગયુ છે. કડી બેઠક પર કુલ મતદારોની સંખ્યા 2,89,746 છે. તો વિસાવદર બેઠક પર કુલ મતદારોની સંખ્યા 2,61,052 છે.
Published On - Jun 19,2025 7:38 AM