19 જુલાઈના મહત્વના સમાચાર : અમદાવાદ પ્લેન ક્રેશ કેસમાં AAIB દ્વારા ડેટા જાહેર ન કરવાના સુપ્રીમ કોર્ટમાં કરેલા સોગંદનામા પર ઉઠાવ્યા સવાલ, સમગ્ર માહિતી જાહેર કરવા કરી માગ
Gujarat Live Updates : આજ 19 જુલાઈના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
આજે 19 જુલાઈને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
અમદાવાદ: વસ્ત્રાલમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ
અમદાવાદ: વસ્ત્રાલમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે કેસની ગંભીરતાને લઈ પોલીસ કમિશનરે SIT ની રચના કરી છે. DCPની અધ્યક્ષતામાં SIT કેસની તપાસ કરશે. SITમાં DCP ઝોન 8, ACP S ડિવિઝન અને રામોલ PIનો સમાવેશ કરાયો છે. 10 દિવસમાં તપાસ કરી અહેવાલ તૈયાર કરવા SITને સૂચના અપાઈ છે.
-
વસ્ત્રાલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ: દર્દીને સિવિલની સ્કિન બેંકમાંથી મળી દાતાની ત્વચા
સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે વસ્ત્રાલ ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ થી લાગેલી આગમાં દાઝી ગયેલા દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ દર્દીઓમાંથી એક દર્દીનું આશરે 20% શરીર તથા બીજા દર્દીનું આશરે 40% શરીર દાઝ્યું છે. બંને દર્દીઓને સિવિલ હોસ્પિટલની સ્કિન બેન્કમાંથી દાતાની ત્વચા ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં પ્રથમ દર્દીના આશરે 15% શરીરના ભાગને તથા બીજા દર્દીના આશરે 28% શરીરના ભાગને સ્કિન દ્વારા કવર કરવામાં આવ્યો છે. આ સારવારથી દાઝેલા ભાગનું રક્ષણ થવાથી દર્દીને દુખાવામાં રાહત મળશે, ચેપ (ઇન્ફેક્શન) થવાની સંભાવના ઘટશે તેમજ ઘા ઝડપથી ભરાવામાં મદદ મળતાં દર્દીના આરોગ્યમાં વહેલો સુધારો થવાની અપેક્ષા છે.
-
-
ગેરકાયદે ધમધમતી ફટાકડા ફેક્ટરીનું ડિમોલિશન
અમદાવાદઃ ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટમાં 9 લોકોના કરુણ મોત નિપજ્યા છે. ત્યારે ગેરકાયદે ધમધમતી આ ફટાકડા ફેક્ટરીને બુલડોઝર દ્વારા જમીનદોસ્ત કરવામાં આવી છે. ફટાકડા ફેક્ટરી પર બુલડોઝર ફરી વળ્યુ છે. JCB સહિતના મશીનો સાથે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. AMC સાથે સંકલન કરી ગેરકાયદે બાંધકામ તોડી પડાયું છે. આગામી સમયમાં અન્ય ફેક્ટરીઓની પણ તપાસ કરવામાં આવશે.
-
અમદાવાદઃ મોતનું તાંડવ રચનારો મેહુલ ડોડિયા પકડાયો
અમદાવાદઃ મોતનું તાંડવ રચનારો મેહુલ ડોડિયા આખરે પોલીસ પકડમાં આવી ગયો છે. 9 લોકોના મોતનો હત્યારા મેહુલ ડોડિયાની પોલીસે ધરપકડ કરી છે. મેહુલની માતા રમીલા ડોડિયાની પણ પોલીસે ધરપકડ કરી છે. મેહુલના ભાગીદાર સાદિક સૈયદને પણ પોલીસે દબોચ્યો છે. પોલીસે ત્રણેય મુખ્ય આરોપીઓને પકડી પાડ્યા છે. મેહુલ ડોડિયાએ ગેરકાયદે ફેક્ટરી શરૂ કરી હતી. માર્ચ મહિનામાં ફેક્ટરીને પોલીસે બંધ કરાવી હતી. 15-20 દિવસ પહેલા દાહોદથી શ્રમિકો લાવી કામ શરૂ કરાવ્યું હતુ. બ્લાસ્ટમાં મેહુલની માતા આરોપી રમિલા ડોડિયાના કાનના પડદામાં પણ ઈજા પહોંચી હોવાના અહેવાલ છે.
-
આણંદ: રેલવે ટ્રેક પરથી બાળકીની શંકાસ્પદ હાલતમાં લાશ મળતા ચકચાર
આણંદના વાસદ રેલવે સ્ટેશન પરથી સાડા ચાર વર્ષની માસૂમ બાળકીનું અપહરણ થયા બાદ રેલવે ટ્રેક પરથી તેની ટ્રેન નીચે કપાયેલી હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. સીસીટીવી ફૂટેજમાં એક અજાણ્યો શખ્સ આ માસૂમ બાળકીને પોતાની સાથે લઈ જતો સ્પષ્ટપણે કેમેરામાં કેદ થયો છે, જેના આધારે આ ઘટના અપહરણ બાદ હત્યાની હોવાની આશંકા સેવાઈ રહી છે. ખળભળાટ મચાવનારી આ ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલ પોલીસે બાળકીના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને સીસીટીવી ફૂટેજના આધારે નરાધમ આરોપીને ઝડપી પાડવા માટે કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
-
-
AAIBએ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા સોગંદનામા અંગે મૃતકોના પરિજનોએ ઉઠાવ્યા સવાલ
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં AAIBએ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા સોગંદનામા અંગે મૃતકોના પરિજનોએ સવાલ ઉઠાવ્યા છે. પીડિત પરિવારોએ સવાલ કર્યો કે જો ડેટા જાહેર નથી કરવો તો શરૂઆતમાં કોકપિટનો ઓડિયો કેમ જાહેર કરાયો? હાલ પરિવારોએ સમગ્ર માહિતી જાહેર કરવા માગણી કરી છે. દુર્ઘટના સ્થળ પર સ્મારક બનાવવા પરિવારજનોની માગ છે. ટાટા, અને કેન્દ્ર સરકારને પરિજનોએ અપીલ કરી છે. AAIBએ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા સોગંદનામા જણાવ્યું હતું કે નિષ્પક્ષ તપાસ કરવા માટે આ માહિતી ગુપ્ત રાખવી જરૂરી છે. એટલે વિમાન દુર્ઘટનાના પુરાવાઓને જાહેર કરી શકાય નહીં, કોકપીટ વોઇસ રેકોર્ડિંગ સહિત સંવેદનશીલ માહિતી જાહેર કરી શકાય નહીં તેવુ AAIBએ સોગંદનામું રજૂ કર્યું હતું. જેની સામે પીડિત પરિવારોએ સવાલો ઉઠાવ્યા છે.
-
દાહોદઃ ટુ-વ્હીલર ચલાવતા બાળકોનો વીડિયો વાયરલ
દાહોદઃ ટુ-વ્હીલર ચલાવતા બાળકોનો વીડિયો વાયરલ થયો છે. જેમા વાલીએ નિયમ નેવે મૂકી બાળકના હાથમાં ટુ-વ્હીલર આપ્યું છે. વાયરલ વીડિયો સુખસર તાલુકાનો હોવાનું અનુમાન છે. રીલની ઘેલછામાં બાળકનો જીવ જોખમમાં મુક્યાનો દાવો કરાયો છે. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાલી સામે તપાસની માગ કરાઈ છે.
-
ડાંગર પકવતા ખેડૂતોની કફોડી સ્થિતિ, બદલાયેલા વાતાવરણ બગાડ્યો ખેલ
નવસારી સહિત દક્ષિણ ગુજરાતના બે મુખ્ય કૃષિ પાક એટલે ડાંગર અને શેરડી. આ બન્ને પાકના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરી પરંતુ બદલાયેલા વાતાવરણના કારણે હવે ખેડૂતોની ગણતરી ઉંધી પડી રહી છે. નવસારી, સુરત, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં અંદાજે 5 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ડાંગરની રોપણી થાય છે. ચોમાસુ અને ઉનાળુ બંને સિઝનમાં થતી આ ખેતી દક્ષિણ ગુજરાતના ખેડૂતોનો મુખ્ય આધાર છે. પરંતુ હાલમાં બદલાયેલું વાતાવરણ, મજૂરોની અછત અને વધતા ખર્ચે ખેડૂતોની યોગ્ય વળતર નથી મળતુ.
ખેડૂતોને વીઘાદીઠ 80 મણ ડાંગરનું ઉત્પાદન મળે છે. તમામ ખર્ચ કાઢતા ખેડૂતોને માત્ર વીઘાદીઠ 15થી 16 હજારનો નફો મળે છે.
-
દાહોદના ગોવિંદતળાઈ ગામે એકસાથે 5 લોકોની નીકળી અંતિમયાત્રા
અમદાવાદની ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં જીવ ગુમાવનારા દાહોદના સેંજલીના ગોવિંદાતળાઈ ગામના 5 લોકોની એકસાથે અંતિમયાત્રા નીકળતા આખું ગામ હિબકે ચડ્યું. ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં જીવ ગુમાવનાર માતા અને 4 બાળકોની અંતિમયાત્રામાં ભાવુક અને ગમગીન દ્રશ્યો જોવા મળ્યા. એક સાથે 5 સભ્યોને વિદાય આપતી વેળાએ પરિવારજનો અને ગ્રામજનો ભારે આક્રંદ કરતા જોવા મળ્યા, આ દુર્ઘટનાને પગલે ગોવિંદતળાઈ ગામમાં શોકનુ મોજુ ફરી મળ્યુ છે. દુઃખની ઘડીમાં ગ્રામજનોએ પરિવારને સાંત્વના પાઠવી હિંમત આપતા જોવા મળ્યા.
-
સુરત: પાંડેસરામાં મોબાઇલની દુકાનમાં ત્રાટક્યા ચોર
સુરત: પાંડેસરામાં મોબાઇલની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં ચોર ત્રાટક્યા હતા. અને મોબાઈલની ઉઠાંતરીને અંજામ આપ્યો. ગઠિયો નજર ચૂકવી મોબાઈલ લઈ થયો રફૂચક્કર થઈ ગોયો. ચોરીન સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે, પાંડેસરા પોલીસે ગુનો નોંધી ચોરની શોધખોળ હાથ ધરી છે
-
વડોદરા: શિનોરમાં ધોધમાર વરસાદથી પાણી પાણી
વડોદરા: શિનોરમાં ધોધમાર વરસાદથી પાણી પાણી થયો છે. શિનોર, માલસર, સુરાસામળ, દામાપુરા સહિત વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. શિનોરમાં અનેક સ્થળે પાણી ભરાયા છે. ધોધમાર વરસાદને કારણે પાણી ભરાતાં વાહનચાલકોને ભારે હાલાકી સર્જાઈ છે.
-
જામનગર: સામાન્ય બોલાચાલીમાં યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા
જામનગરમાં નજીવી બોલાચાલીમાં થયેલી મારામારીએ હત્યાનું સ્વરૂપ લઈ લીધું. ગોકુલનગરમાં સામાન્ય બોલાચાલી બાદ માથાકૂટ વકરી હતી. જેમાં એક યુવક પર પાંચ પુરુષ અને બે મહિલાઓએ હુમલો કર્યો હતો અને છરીના ઘા ઝીંકતા, યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો. જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ ઘટનામાં પોલીસે સાત આરોપીઓને ઝડપી લેવાયા છે. પોલીસ સાતેય આરોપીને લઈને ઘટના સ્થળે લઈ ગઈ હતી અને સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કર્યુ હતુ.
-
વરસાદ ખેંચાતા ધોરાજી પંથકના ખેડૂતોની વધી ચિંતા
રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ખેડૂતો માટે ચોમાસું ચિંતાનું કારણ બન્યું છે. શરૂઆતમાં ભારે વરસાદ બાદ ખેડૂતોને સારા પાકની આશા જાગી હતી, પરંતુ છેલ્લા 15 દિવસથી વરસાદ ખેંચાતા ખેતરોમાં ઉભા પાક પર સંકટના વાદળો ઘેરાયા છે. કપાસ, મગફળી, સોયાબીન અને એરંડા જેવા પાક હવે સુકાવાની અણી પર પહોંચી ગયા છે. ખેડૂતોનું કહેવું છે કે જો આગામી થોડા દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવશે.
ધોરાજી પંથકમાં ચોમાસાની શરૂઆતમાં એક જ દિવસમાં અંદાજે નવ ઇંચ વરસાદ વરસતા અનેક ખેતરોમાં ધોવાણ થયું હતું. જેના કારણે ખેડૂતોને ફરી એકવાર મોંઘા ભાવના બિયારણ, જંતુનાશક દવાઓ અને મજૂરીનો ખર્ચ કરીને વાવેતર કરવું પડ્યું હતું. પરંતુ હવે છેલ્લા પંદર દિવસથી વરસાદે વિરામ લેતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.
-
વેસુ વિસ્તારમાં પાણીનો કોઈ નિકાલ નહીં થતાં લોકોમાં આક્રોશ
સુરતના વેસુ વિસ્તારમાં આવેલી શુભમ ભાર્ગવ આવાસ પણ વરસાદી પાણીમાં ગરકાવ થયા. સમસ્યાથી ત્રાસી આવાસના લોકો દ્વારા મનપા સામે રોડ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો. લોકોનો આરોપ છે કે, છેલ્લા પાંચથી છ વર્ષની સમસ્યા છે. દર વખતે થોડા જ વરસાદમાં ઘૂંટણસમા પાણી ભરાય છે. પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે કંટાળેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા. જનતાનો એક જ સવાલ છે, કરોડો રૂપિયાના ટેક્સ વસૂલતી પાલિકા ચોમાસા પહેલાં ઊંઘતી કેમ ઝડપાય છે?
-
સુરત: વેસુમાં પાલિકાની બેદરકારી સામે ભભૂક્યો રોષ
સ્માર્ટ સિટી સુરતના વેસુ વિસ્તારમાં પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા. વેસુની મહાવીર કોલેજ નજીક સામાન્ય વરસાદમાં જ આખો વિસ્તાર બેટમાં ફેરવાયો. દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓનો લાખોનો માલ સામાન બરબાદ થયો અને ભભૂકી ઉઠ્યો વેપારીઓનો રોષ. પાલિકાની ઘોર બેદરકારી સામે હવે સ્થાનિકો અને વેપારીઓનો રોષ ફાટી નીકળ્યો છે.
-
Rajkot: રાત્રે વાડીમાં સૂતેલા નવદંપતીની નિર્દયતાથી હત્યા
રાજકોટ જિલ્લાના પાટણવાવ તાલુકામાં પ્રેમમાં નિષ્ફળતા અને પછી લોહિયાળ બદલા અંગેના મર્ડર કેસને પોલીસે ઉકેલી કાઢ્યો છે. મોટી મારડ ગામમાં 13 જુલાઈની રાત્રે વાડીમાં સૂતેલા નવદંપતીની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. જે મામલે તપાસમાં સામે આવ્યું છે કે સમગ્ર ઘટનાના મૂળમાં પ્રેમ સંબંધ અને બદલો હતો. આરોપી સુરેશ બારીયા છેલ્લા ત્રણ વર્ષથી મૃતક મહિલા સાથે પ્રેમ સંબંધમાં હતો અને બંને લગ્ન કરવા માંગતા હતા. પરંતુ પારિવારિક કારણોસર મૃતક મહિલાના અન્ય યુવક સાથે લગ્ન થતાં તેણે આરોપી સાથે સંબંધ તોડી નાખ્યો હતો. જે બાબતની અદાવત રાખીને વાડીમાં સુતેલા નવદંપતિને જોઈને આરોપી ઉશ્કેરાઈ ગયો અને બંનેની હત્યા કરી નાખી. ત્યારે હાલ પોલીસે દાહોદના રહેવાસી આરોપી સુરેશ બારીયાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
-
બનાસકાંઠા: દાંતીવાડા પાસે ટ્રક ચાલકે સર્જ્યો અકસ્માત
બનાસકાંઠા: દાંતીવાડા પાસે ટ્રક ચાલકે અકસ્માત સર્જ્યો. ટ્રક ચાલકે બાઇક ચાલકને જોરદાર ટક્કર માર્યાના દ્રશ્યો સામે આવ્યા. અકસ્માતમાં બાઇક ચાલકને શરીરે ગંભીર ઈજા પહોંચી. ઈજાગ્રસ્ત યુવકને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો. ગંભીર અકસ્માતની ઘટનાના CCTV દ્રશ્યો સામે આવ્યા. દાંતીવાડા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી.
-
ભાવનગરઃ મહુવા તાલુકામાં મેઘમહેર
ભાવનગરઃ મહુવા તાલુકામાં મેઘમહેર થઈ છે. ભગુડા, બગદાણા, મોણપરમાં વરસાદ વરસ્યો. ગળથર સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો. ભારે વરસાદ બાદ મુખ્ય માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા
-
સાપુતારામાં પ્રવાસીઓ ટ્રાફિકના ત્રાસથી પરેશાન
સાપુતારામાં ટ્રાફિકના સમસ્યાથી સ્થાનિકો પરેશાન થયા છે. કરોડોના વિકાસ છતાં પાર્કિંગની સુવિધા ખાડે ગઈ છે. જાહેર સ્થળો પર દબાણથી વાહનોની લાંબી કતારો લાગી છે. કુદરતી સૌંદર્ય માણવા આવેલા પ્રવાસીઓનો સમય બરબાદ થઈ રહ્યો છે. મોન્સૂન ફેસ્ટિવલ પહેલાં જ ટ્રાફિક વ્યવસ્થા ધ્વસ્ત થઈ છે. પ્રવાસન વિભાગના દાવાઓ સામે મેદાનમાં વાસ્તવિકતા અલગ જ સામે આવી રહી છે. કરોડો ખર્ચાયા છતાં પ્રવાસીઓને સુવિધા કેમ નહીં? એવા સવાલ ઉઠી રહ્યા છે.
-
અંબાલાલની આગાહીઃ ભારે વરસાદનું વાહન ગુજરાત તરફ આવી રહ્યું છે, 1 થી 6 ઈંચ સુધી વરસાદની સંભાવના
હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને કરી મોટી આગાહી કરી છે. ખેડૂતો વરસાદની રાહમાં છે ત્યારે હવે વરસાદનુ ભારેખમ વાહન ગુજરાત તરફ આવી રહ્યું છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા. કેટલાક ભાગોમાં 3 ઇંચ કે તેથી વધારે વરસાદ પડવાની શક્યતા. મહેસાણાના ભાગો,સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં પણ હળવા થી ભારે વરસાદ 3 થી 4 ઇંચ જેટલો પડી શકે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વડોદરા, આણંદ વગેરે ભાગોમાં પણ 3 દિવસમાં વરસાદ 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા. સિસ્ટમ મજબૂત હશે તો 5 થી 6 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા. અમદાવાદના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા. વરસાદથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો જળ તરબોળ બને. આ ઉપરાત કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ 3 ઇંચ કે તેથી વધુ વરસાદ પડી શકે. રાજકોટ,સુરેન્દ્રનગર, મોરબીના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકે.
-
ભારે પવનને કારણે સતત ત્રીજા દિવસે ગિરનાર રોપ વે બંધ
જૂનાગઢ ખાતે આવેલ રોપ વે સતત ત્રીજા દિવસે પણ ભારે પવનને કારણે બંધ રાખવા પડ્યો છે. ગિરનાર પર્વત પર સતત ત્રીજા દિવસે પવનની ગતિ તેજ રહેવા પામી છે. તેજ ગતિના પવનને લઈ ગિરનાર પર્વત પર રોપ-વે બંધ કરવાની ફરજ પડી હતી. વરસાદી માહોલના કારણે પર્વત ઉપર રોપ-વે બંધ કરાયો છે. વાતાવરણ અનુકૂળ થયા બાદ રોપ-વે પુન: શરૂ કરાશે.
-
પીવી સિંધુએ જાપાન ઓપન જીતી, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી, આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય બની
જાપાન ઓપન 2026: મહિલા સિંગલ્સ ફાઇનલમાં, પીવી સિંધુએ તેના હરીફ, જાપાનની અકાને યામાગુચીને 21-17, 21-17ના સીધા સેટમાં હરાવી હતી. જાપાન ઓપન જીતનાર પી વી સિંધુ પ્રથમ ભારતીય મહિલા ટેનિસ ખેલાડી છે.
-
અમદાવાદ-ઇન્દોર હાઇવે પર કઠલાલ નજીક અકસ્માત, બસ સ્ટેન્ડમાં સૂઈ રહેલને કચડી નાખ્યો
અમદાવાદ-ઇન્દોર હાઇવે પર અકસ્માત. કઠલાલ નજીક મોડી રાત્રે અકસ્માતમાં 2ના મોત થયા છે. કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ સ્ટેન્ડ સાથે ટક્કર થઈ હતી. બસ સ્ટેન્ડ પર ઉંઘી રહેલા અજાણ્યા ઇસમનું કચડાતા મોત થયું છે. જ્યારે કારમાં સવાર બે લોકોમાંથી એકનું મોત થયું અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે.
-
શનિવારે ફટાકડા ફેકટરીમાં થયેલ બ્લાસ્ટમાં બાદ, રવિવારે 2 એકમ સામે પોલીસ કાર્યવાહી
અમદાવાદના વસ્ત્રાલમાં ગઈકાલ શનિવારે ફટાકડા ફેકટરીમાં થયેલ બ્લાસ્ટમાં 9 ના મોત બાદ માત્ર 2 એકમો સામે કરાઈ કામગીરી કરાઈ છે. દસક્રોઈના વસ્ત્રાલ ગામના કાંતિભાઈ શ્રીમાળીના ખુલ્લા ખેતરને ભાડે લઈને ચાલતી હતી ફટાકડાની ફેક્ટરી. રામોલ ગામમાં બક્ષીના કૂવા પાસે મોહસીન ખાન પઠાણના ખુલ્લા ખેતરને ભાડે લઈને ચાલતી હતી ફટાકડાની ફેક્ટરી. બન્ને જગ્યા પર ફાયર એસ્ટેટ અને પોલીસ દ્વારા સાથે રહી ફટાકડાનો નાશ કરાયો. મંજૂરી વગર ચાલતા બન્ને એકમો સામે કોઈ ઠોસ કાર્યવાહી નહીં
-
સુરતમાં વરસેલા વરસાદથી ઉધના રેલવે નજીકનુ ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વહેલી સવારે વરસેલા વરસાદના કારણે ઉધના રેલવે નજીક ગરનાળું પાણીમાં ગરકાવ થયું. ઘૂંટણસમાં પાણીમાંથી રાહદારીઓને આવવા જવા મજબૂર થયા. એક છેડેથી બીજા છેડે જતા રાહદારીઓને ખૂબ જ મુશ્કેલી વેઢવી પડે છે. કાયમી ઉકેલ લાવવા માટેની માંગ કરવામાં આવી.
-
ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે પોલીસે મેહુલ ડોડિયાની માતા રમીલા ડોડિયાની અયકાયત તો સાદિક સૈયદની કરી ધરપકડ
અમદાવાદ મહેમુદપુરામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટનો મામલે રામોલ પોલીસે મેહુલ ડોડિયાની માતા રમીલા ડોડિયાની અયકાયત કરી છે. જ્યારે મેહુલ ડોડિયાના ભાગીદાર સાદિક સૈયદની ધરપકડ કરી છે. મેહુલ ડોડિયા દુર્ઘટના સમયે હાજર હોવાનું આવ્યુ સામે. પોલીસે ફરાર આરોપી મેહુલને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવી છે.ન્યૂ ગુજરાત ફાયર વર્કર્સ નામથી ફટાકડાની ફેક્ટરી થઈ હતી રજિસ્ટર. લાયસન્સ ન હોવાં છતાં ફેક્ટરી ચાલુ રાખવામાં આવી હોવાનો ખુલાસો. ફેક્ટરીમાં બ્લાસ્ટ થયેલા સ્થળે FSLની ટીમે વધુ તપાસ હાથ ધરી
-
કાર ભાડે લઈ જઈને પરત ના આપનારો રીઢો ગુનેગાર સુરતથી ઝડપાયો
કાર ભાડે લઈ જઈ પરત ના આપનારો રીઢો ગુનેગાર સુરતમાંથી ઝડપાયો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપી દીપુ ડોબરિયાને ઝડપી પાડ્યો છે. આરોપી ભાડે કાર લઈ તેનું GPS બંધ કરી દેતો. ત્યાર બાદ નંબર પ્લેટ પણ બદલી નાખતો હતો. પોલીસે આરોપી પાસેથી રૂપિયા 25 લાખની કિંમતની બે કાર જપ્ત કરી છે. આરોપી અગાઉ પણ અપહરણ, ધમકી અને ખંડણી જેવા ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે. વર્ષ 2025માં અમરોલીના એક વ્યક્તિ પાસેથી 11 મહિનાના કરાર પર અર્ટિગા કાર લીધી હતી. જેનું એક મહિનાનું ભાડું ચૂકવી કાર પરત કરી ન હતી અને માલિકને ધમકી આપી હતી.
-
કચ્છ રેન્જ આઈજીની ટીમે ટંકારા સજનપર નજીક ઓમ વિલામાં હાઈ-પ્રોફાઈલ જુગારના અડ્ડા પર પાડ્યા દરોડા
સજનપર નજીક ઓમ વિલાના બંગલોમાં કચ્છ રેન્જ આઇજીની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી. રૂ. 24 લાખની રોકડ, 2 લક્ઝરી કાર અને મોબાઈલ સહિત રૂપિયા 44.76 લાખના મુદામાલ સાથે નવ શખ્સ ઝડપાયા. પોલીસ પહોંચતા કેટલાક આરોપીઓએ રોકડ પાણીના ટાંકામાં ફેંક્યાની ચર્ચા, જોકે પોલીસે તમામ મુદ્દા માલ કબજે કર્યો. બંગલો માલિક દેવશંકર હિંમતલાલ સીતાણી, જુગારી રમતા ઝડપાયેલાઓમાં હાર્દિકભાઈ લાભુભાઈ માકાસણા, જયેશભાઈ કાનજીભાઈ પડસુંબીયા, ઉત્તમભાઈ દલસુખભાઈ ધુમલીયા, નરોતમભાઈ વિરજીભાઈ ફેફર, અરવિંદભાઈ મોહનભાઈ ભીમાણી, રાજેશભાઈ કરશનભાઈ ભીમાણી, ચેતનભાઈ ધીરજલાલ ચિકાણી, જીગ્નેશભાઈ ડાયાભાઈ કાચરોલા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તમામ આરોપીઓ વિરૂધ્ધ ટંકારા પોલીસ સ્ટેશન મથકમાં ગુનો નોંધાવવામાં આવ્યો.
-
તુલસીશ્યામ રેન્જમાથી સિંહનો કોહવાયલો મૃતદેહ મળી આવ્યો
ધારી ગીર પૂર્વના ખાંભા તુલસીશ્યામ રેન્જમા સિંહનો કોહવાયલો મૃતદેહ મળી આવ્યો છે. રબારીકા રાઉન્ડ નીચેના પથ્થર મારા રેવન્યુ વિસ્તારમા જાળીમાંથી મૃતદેહ મળ્યો. સ્થાનિક માલધારીએ વનવિભાગને જાણ કરી ત્યારે વન વિભાગને સિંહના મોતની જાણકારી મળી. અગાઉ દલખાણીયા રેંજમા એક સિંહબાળના મૃતદેહ મળી આવ્યો હતો. અમરેલી જિલ્લામાં છેલ્લા બે માસમાં 6 અલગ અલગ રેન્જમા સિંહોના મોત થયા. ધારી ગીર પૂર્વના જસાધાર રેન્જ અને ગીર પશ્ચિમમા 12થી વધુ સિહોના બીમારીથી મોત થયા હતા. બીમારીથી થયેલા સિહોના મોતના બે મહિના કરતા વધુ સમય થયો છતા હજુ સરકાર દ્વારા રિપોર્ટ જાહેર નથી કર્યો.
-
જૂનાગઢમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો
જૂનાગઢમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો છે. વહેલી સવારે શહેરી વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો. ઝાંઝરડા ચોકડી, કાળવા ચોક, મોતીબાગ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો
-
ગતરાડ ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ અંગે રામોલ પોલીસ મથકે, માલિકો વિરુદ્ધ આર્થિક લાભ માટે ગુનાહિત કાવતરું રચ્યું હોવાનો નોંધાયો ગુનો
વસ્ત્રાલ ગામની સીમમાં ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ સાથે લાગેલી આગમાં બળીને ભડથુ થઈ જવા અંગે રામોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ન્યૂ ગુજરાત ફાયર વર્ક્સના સંચાલકો સામે ગુનો નોંધાયો. BNS અને વિસ્ફોટક કાયદા હેઠળ કાર્યવાહી. આરોપી તરીકે મેહુલ ડોડીયા, મેહુલ ડોડીયાની માતા કે જેઓ કારખાનાના સંચાલક રમીલાબેન ડોડીયા છે તેઓ, અને કારખાનાના ભાગીદાર સાદીક સૈયદનું નામ FIRમાં નોંધાયું છે. પોલીસ તપાસમાં સામે આવનાર અન્ય તમામને પણ આરોપી બનાવવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. આરોપીઓએ વસ્ત્રાલ સર્વે નં. 629/1/2/3ની જગ્યા ભાડે રાખી કારખાનું ચલાવતા હતા. પાસ-પરમિટ વગર ગેરકાયદેસર ફટાકડા બનાવવાનું કારખાનું ચલાવતા હોવાનો FIRમાં ઉલ્લેખ. આર્થિક લાભ માટે ગુનાહિત કાવતરું રચી બેદરકારી દાખવતા હતા. બ્લાસ્ટમાં કુલ 9 લોકોના મોત અને 6 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. આરોપીઓ સામે BNS કલમ 105, 287, 288 અને 61(2) હેઠળ ગુનો નોંધાયો. વિસ્ફોટક પદાર્થ અધિનિયમ-1908ની કલમ 5(એ) અને 6 પણ લગાવામાં આવી. વિસ્ફોટક અધિનિયમ-1884ની કલમ 9(બી) હેઠળ પણ કાર્યવાહી હાથ ધરાઈ.
-
જેલમાં રહેલા સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલના પી.એ સામે આવક કરતા વધુ સંપત્તિનો નોંધયો કેસ
સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર અને જેલમાં રહેલા રાજેન્દ્ર પટેલના પી.એ જયરાજસિંહ સામે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ACB વિભાગે સુરેન્દ્રનગરના તાત્કાલિક કલેકટર રાજેન્દ્ર પટેલના પી.એ સામે આવક કરતા વધુ સંપત્તિની નોંધી ફરિયાદ. નાયબ મામલતદાર જયરાજસિંહ ઝાલા પાસે પ્રમાણસર મિલકત હોવાનું તપાસમાં ખુલ્યું છે. કુલ સંપત્તિના 53% થી વધુ મિલકત અપ્રમાણસર હોવાનું સામે આવ્યું છે. 1.34 કરોડની મિલકત હોવાનું સામે આવ્યું. સુરેન્દ્રનગર ACB વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. ED દ્વારા આગાઉ જયરાજસિંહના લખતર ખાતે આવેલ નિવાસસ્થાને પણ દરોડા પાડવામાં આવ્યા છે. EDએ નોંધાયેલ ફરિયાદમાં પણ જયરાજસિંહ સામે ગુનો દાખલ થયેલો છે. વધુ એક ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે.
-
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કુલ 57 શંકાસ્પદ કેસ નોંધાયા, 5ના મોત
ગુજરાત રાજ્યમાં વકરેલા ચાંદીપુરા વાયરસના અત્યાર સુધીમાં કુલ 57 જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા છે. આ 57 પૈકી ચાંદીપુરા વાયરસના 10 પોઝિટિવ કેસ નોંધાયા છે. 5 ચાંદીપુરા વાયરસ પોઝિટિવ હોય તેવા 5 દર્દીના મૃત્યુ થયા છે. કુલ 57 શંકાસ્પદ કેસના લેબોરેટરી તપાસમાંથી 42ના પરીક્ષણ પરિણામો પ્રાપ્ત થયા છે, જયારે 15 નમૂનાનું પરીક્ષણ પરિણામ પ્રાપ્ત થવાનું બાકી છે.
Published On - Jul 19,2026 7:11 AM
