કચ્છના માલધારીઓ પર સંકટના વાદળ, વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો
Kutch News કચ્છમાં ઘાસચારા માટે જાણીતા બન્નીના નાની દદ્ધર સહિત અનેક ગામોમાં વરસાદના અભાવે અછત જેવી સ્થિતિ છે. દૂધ ઉત્પાદનમાં 50 ટકા ઘટાડો થતાં પશુપાલકોની આવક પર ભારે અસર થવા પામી છે.

કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસું ખેચાતા માલધારીઓની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે. છેલ્લા એક મહિનાથી વરસાદ ન પડતાં ગૌચરની જમીનોમાં ઘાસ સંપૂર્ણપણે સુકાઈ ગયો છે, જ્યારે અનેક વિસ્તારોમાં પાણીની તંગી પણ વર્તાવા લાગી છે. બન્ની વિસ્તારના નાની દદ્ધર અને આસપાસના ગામોમાં અછત જેવી સ્થિતિ સર્જાતા પશુપાલન પર નિર્ભર પરિવારો માટે પોતાના અબોલ પશુધનનું જતન કરવું મોટો પડકાર બની ગયો છે.
સ્થાનિક પશુપાલક હાજી હાસમ નોડેએ જણાવ્યું હતું કે વરસાદના અભાવે પશુઓ માટે કુદરતી ઘાસચારો મળતો નથી, જેના કારણે બજારમાંથી પશુ આહાર ખરીદવાની ફરજ પડી રહી છે. પરંતુ પશુ આહારના ભાવમાં થયેલા ભારે વધારાએ માલધારીઓની ચિંતા અનેકગણી વધારી દીધી છે.
તેમણે જણાવ્યું કે અગાઉ 6થી 8 રૂપિયા પ્રતિ કિલો મળતુ ઘાસ હવે 20થી 22 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યો છે. એટલું જ નહીં, ખોળ અને ભૂસાના ભાવમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે. અગાઉ 1,200થી 1,300 રૂપિયામાં મળતી ભૂસાની ગુણી હવે 1,500થી 1,600 રૂપિયા સુધી પહોંચી ગઈ છે, જ્યારે પશુઓના મુખ્ય આહાર ગણાતા ખોળના ભાવ 2,200થી 2,300 રૂપિયા સુધી પહોંચી જતા પશુપાલકોની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી રહી છે.
વરસાદના અભાવ અને સતત ગરમીના કારણે પશુઓના સ્વાસ્થ્ય પર પણ અસર જોવા મળી રહી છે. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન પશુઓ પાસેથી 100 ટકા ક્ષમતા મુજબ દૂધ ઉત્પાદન મળતું હોય છે, પરંતુ હાલ ઘાસચારાની અછત અને પ્રતિકૂળ હવામાનને કારણે દૂધ ઉત્પાદન ઘટીને લગભગ 50 ટકા પર આવી ગયું છે.
દૂધ ઉત્પાદનમાં આવેલા ઘટાડાને કારણે માલધારીઓની આવકમાં મોટો ફટકો પડ્યો છે. એક તરફ પશુઓને પૂરતો આહાર આપવાનો ખર્ચ સતત વધી રહ્યો છે, તો બીજી તરફ આવકમાં ઘટાડો થતાં પરિવારો માટે રોજિંદું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે.
સ્થાનિક માલધારીઓએ સરકાર સમક્ષ પશુ આહાર પર સહાય, ઘાસચારો ઉપલબ્ધ કરાવવા અને પાણીની વ્યવસ્થા કરવા સહિત તાત્કાલિક રાહત પગલાં લેવાની માંગ કરી છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો કચ્છના પશુપાલકો માટે સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
