18 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર :અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે આવશે વરસાદ, આગામી 12 કલાક રાજ્ય માટે ભારે…હવામાન વિભાગે કહ્યુ 24 સપ્ટેમ્બર સુધી ગુજરાતને ઘમરોળશે મેઘરાજા
Gujarat Live Updates આજ 18 સપ્ટેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

આજે 18 સપ્ટેમ્બરને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
આગામી 24 તારીખ સુધી ગુજરાતને ઘમરોળશે મેઘરાજા
ગુજરાતમાં આગામી 24 સપ્ટેમ્બર સુધી મેઘરાજા મહેર વરસાવશે. હવામાન વિભાગે રાજ્યમાં 24 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રથી ઉત્તર પ્રદેશ સુધી સક્રિય સિસ્ટમના કારણે વરસાદની શક્યતા છે. ડીપ ટ્રફ સક્રિય થતાં અમદાવાદ સહિતના જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે. છોટાઉદેપુર અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે, જ્યારે અમદાવાદ, ભાવનગર, અરવલ્લી, ખેડા, ભરૂચ, મહીસાગર, પંચમહાલ અને વડોદરામાં યલો એલર્ટ અપાયું છે. ઉત્તર ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં સિસ્ટમ સક્રિય છે. રાજ્યમાં સામાન્ય કરતાં 8 ટકા વરસાદની ઘટ છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં 23 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. 7થી 11 સેન્ટિમીટર વરસાદની પણ શક્યતા છે.
-
રાજકોટ: કેવડાવાડીમાં SOGની ટીમે દરોડા પાડ્યા
રાજકોટના કેવડાવાડી વિસ્તારમાં SOGની ટીમે દરોડો પાડી 500 કિલોથી વધુ શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. દરોડા દરમિયાન ઘી ઉપરાંત વનસ્પતિ અને અન્ય પ્રકારનું ઘી પણ મળી આવ્યું હતું. ગાય અને અન્ય પશુઓના ઘીના નામે આ જથ્થો વેચાણ કરવામાં આવતો હોવાની માહિતી સામે આવી છે. કેવલ જયપ્રકાશ ચંદાણીની વોલ્ગા ઘીમાંથી શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. સમગ્ર મામલે આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવતા અધિકારીઓએ સ્થળ પર પહોંચી ઘીના નમૂના લઈ તપાસ માટે મોકલ્યા હતા. તપાસ દરમિયાન રૂપિયા બે લાખથી વધુ કિંમતનો ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
-
-
રાજકોટ: ગોંડલમાં ‘ગરાસિયા ગેંગ’ના 3 સાગરીતો ઝડપાયા
રાજકોટના ગોંડલમાં મંદિરોમાં ચોરી કરતી ‘ગરાસિયા ગેંગ’ના ત્રણ સાગરીતોને LCBએ ઝડપી પાડ્યા છે. આરોપીઓ મંદિરોને ટાર્ગેટ બનાવી ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગોંડલના મામાદેવ મંદિર તેમજ ભરૂડીના ખોડિયાર મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. આરોપીઓ પાસેથી કુલ 5.89 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં ઇકો કાર અને ચાંદીના છત્તર સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી 158 નાના-મોટા ચાંદીના છત્તર પણ કબજે કર્યા છે. આ કેસમાં હજુ બે આરોપીઓ ફરાર છે, જેને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ તેજ કરી છે.
-
AMCના ડેપ્યુટી કમિશનર દિનેશ ગુરુવની મોટી ચેતવણી
અમદાવાદીઓ થઈ જજો સાવધાન… AMCના ડેપ્યુટી કમિશનર દિનેશ ગુરુવે સાંજ સુધી અતિ ભારે વરસાદની શક્યતાને પગલે લોકોને ચેતવણી આપી છે. સાંજે 6 વાગ્યા સુધી ભારે વરસાદની શક્યતા હોવાથી બિનજરૂરી બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં લોકોને ઘરમાં જ રહેવાની સલાહ અપાઈ છે. ત્યારે સવાલ એ છે કે સ્માર્ટ સિટીમાં વરસાદી પાણીના નિકાલ માટે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે, છતાં અઢીથી ત્રણ ઈંચ વરસાદમાં શહેર પાણી-પાણી કેમ થઈ જાય છે? સવારે પડેલા 2.77 ઈંચ વરસાદે તંત્રની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે. હવે સાંજે ફરી ભારે વરસાદની શક્યતા વચ્ચે AMCનું તંત્ર કેટલું સજ્જ છે?
-
અમદાવાદમાં પાણી ભરાતા ધારાસભ્ય અમિત શાહે મનપાની ભૂલ શોધી
અમદાવાદમાં અઢીથી ત્રણ ઈંચ વરસાદમાં અનેક વિસ્તારો પાણી-પાણી થઈ ગયા હતા. શહેરમાં પાણી ભરાવાની સ્થિતિ વચ્ચે ધારાસભ્ય અમિત શાહે રિવરફ્રન્ટ ખાતે સ્થળ મુલાકાત લીધી હતી. વહેલી સવારે ધોધમાર વરસાદ શરૂ થતાં તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. તપાસ દરમિયાન સાબરમતી નદીમાં ખુલ્લા રખાયેલા ઇન્ટરસેપ્ટરમાંથી પાણી બહાર ન આવતું હોવાનું સામે આવ્યું હતું. અમિત શાહે મેયર હિતેશ બારોટ અને સિટી ઈજનેરને પણ સ્થળ પર બોલાવ્યા હતા. ધારાસભ્યની સ્થળ મુલાકાત દરમિયાન ઇન્ટરસેપ્ટરની કામગીરીને લઈને સવાલો ઉઠ્યા હતા. અગાઉ 20 ઈંચ વરસાદ દરમિયાન તેમજ સોમવારના વરસાદમાં પણ ઇન્ટરસેપ્ટરમાંથી પાણી બહાર ન આવ્યું હોવાની માહિતી સામે આવી છે.
-
-
અરવલ્લીઃ મેઘરજની વાત્રક નદીમાં આવ્યા નવા નીર
અરવલ્લીના મેઘરજમાં લાંબા વિરામ બાદ વાત્રક નદીમાં નવા નીર આવ્યા છે. ચાલુ ચોમાસાની સિઝનમાં પ્રથમવાર વાત્રક નદી બે કાંઠે વહેતી જોવા મળી છે. વાત્રક નદીના ઉપરવાસ વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાતા નદીમાં પાણીની આવક થઈ હતી. નવા નીરના કારણે નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. નદી બે કાંઠે વહેતી થતા આસપાસના વિસ્તારમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને નદી કાંઠાના વિસ્તારના ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. નદીમાં પાણીની આવકથી ખેડૂતોને સિંચાઈ સહિતની જરૂરિયાતોમાં પણ લાભ થવાની આશા છે. નવા નીરના કારણે વાત્રક નદીનું સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું છે.
-
ખેડાઃ મહેમદાવાદ તાલુકા દૂધ મંડળીની બહેનો સાથે DyCMનો સંવાદ
ખેડાના મહેમદાબાદ તાલુકામાં DyCM હર્ષ સંઘવીએ દૂધ મંડળીની બહેનો સાથે સંવાદ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ દૂધ મંડળી સાથે જોડાયેલી બહેનોનું ફૂલોની પાંખડીઓ વરસાવી સ્વાગત કર્યું હતું. તેમણે બહેનો સાથે વાતચીત કરી વિવિધ મુદ્દાઓ પર સંવાદ સાધ્યો હતો. આ દરમિયાન DyCM હર્ષ સંઘવીએ કાર્યકરો સાથે સમય વિતાવ્યો હતો. તેમણે કાર્યકરો સાથે ચા અને ભજીયાની લિજ્જત પણ માણી હતી. કાર્યક્રમના દ્રશ્યોમાં હર્ષ સંઘવી દૂધ મંડળીની બહેનો સાથે આત્મીયતાથી વાતચીત કરતા અને કાર્યકરો સાથે ચા-ભજીયાની મોજ માણતા જોવા મળ્યા હતા.
-
CM ભૂપેન્દ્ર પટેલ સાણંદમાં બાઈક ચલાવી બાઈક યાત્રાનું કર્યુ સ્વાગત
સાણંદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગરથી વારાણસી સુધીની બાઈક સેવા યાત્રાનું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીએ પોતે બાઈક ચલાવી યાત્રામાં પ્રતીકાત્મક રીતે જોડાઈ ભાગ લીધો હતો. ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત યોજાઈ રહેલી આ યાત્રા દેશના 10 રાજ્યોના 193 જિલ્લાઓ અને 1,159 ગામડાંમાંથી પસાર થશે. યાત્રા દરમિયાન આશરે 40 હજાર કિલોમીટરનું અંતર કાપવામાં આવશે. વડનગરથી વારાણસી અને વારાણસીથી વડનગર એમ બે યાત્રાનું આયોજન કરાયું છે. 10 અલગ-અલગ રૂટ પર યોજાનારી યાત્રામાં 500 બાઈક પર 1,000 જેટલા સેવા યાત્રીઓ જોડાયા છે. યાત્રા દરમિયાન વૃક્ષારોપણ, સ્વચ્છતા, નશામુક્ત ભારત, ટીબી મુક્ત ભારત અને જળસંરક્ષણ અંગે જાગૃતિ કાર્યક્રમો યોજાશે.
-
અમદાવાદ: સાબરમતીનું જળસ્તર વધતા શહેરમાં ભરાયા પાણી- કોંગ્રેસનો આક્ષેપ
અમદાવાદમાં સાબરમતી નદીનું જળસ્તર વધવાને કારણે પાણીના નિકાલમાં પણ અડચણ આવી હોવાનું સામે આવ્યું છે. ચોમાસા દરમિયાન નદીનું જળસ્તર નિયંત્રિત રાખવાના નિયમ વચ્ચે હાલ લેવલ 126 ફૂટ રાખવામાં આવ્યું છે. આ લેવલ કોની સૂચનાથી વધારાયું તેને લઈને સવાલો ઉઠ્યા છે. પાણી ભરાવા મુદ્દે ડેપ્યુટી કમિશનર પણ સ્પષ્ટ જવાબ આપી શક્યા ન હતા. બીજી તરફ, કોંગ્રેસના મનીષ દોશીએ વાસણા બેરેજના લેવલને લઈને મનપા અને અધિકારીઓ પર ગંભીર આક્ષેપ કર્યા છે. ભારે વરસાદની આગાહી છતાં લેવલ 136.50 ફૂટ કરાયાનો દાવો કર્યો છે. નર્મદા કેનાલનું પાણી સાબરમતીમાં છોડાયું હોવાનો પણ આક્ષેપ કર્યો છે.
-
અમરેલીઃ બે દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ
અમરેલી જિલ્લામાં બે દિવસના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ વરસ્યો છે. ખાંભા અને ગીર પંથકમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતા અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. ગીર પંથકના ગીદરડી, ભાણિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. ભાણિયા ગામ તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે. નદીમાં પાણીની આવક વધતા આસપાસના વિસ્તારોમાં પાણીનો પ્રવાહ તેજ બન્યો હતો. ભાણિયા ગામે આવેલો ચેકડેમ પણ છલકાઈ ગયો હતો. ચેકડેમ ઓવરફ્લો થતા પાણી વહી નીકળવાના દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદને પગલે ખેડૂતો અને સ્થાનિકોમાં રાહત જોવા મળી રહી છે.
-
સુરત: રાંદેર વિસ્તારમાં કોલેજીયન યુવતીનો આપઘાત
સુરતના રાંદેર વિસ્તારમાં કોલેજીયન યુવતીએ 13મા માળેથી ઝંપલાવી જીવન ટૂંકાવ્યાની ઘટના સામે આવી છે. યુવતી ટીવાય બીકોમમાં અભ્યાસ કરતી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પરિવારજનો અને સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જોકે તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. પરિવારના જણાવ્યા મુજબ, યુવતી છેલ્લા કેટલાક સમયથી પરીક્ષાના તણાવમાં હતી અને તેના કારણે તેણે આ પગલું ભર્યું હોવાનું અનુમાન છે. ઘટનાને પગલે રાંદેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે યુવતીના પરિવારજનોના નિવેદન સહિત અન્ય પાસાઓ અંગે તપાસ શરૂ કરી છે.
-
ગાંધીનગર: રાયસણના Blinkit સ્ટોરનું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ
ગાંધીનગરના રાયસણમાં Blinkit સ્ટોર સામે ફૂડ વિભાગે કાર્યવાહી કરી છે. TV9 ગુજરાતીના અહેવાલ બાદ ગાંધીનગર મનપાની ફૂડ સેફ્ટી શાખાએ સ્ટોરની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સ્ટોરમાં ગંદકી અને અસ્વચ્છતાની સ્થિતિ જોવા મળી હતી. દિવાલો પર કરોળિયાના જાળા તેમજ ગંદા અને અસ્વચ્છ રેક પર ખાદ્યચીજો રાખેલી મળી આવી હતી. ખાદ્યચીજોના અયોગ્ય સંગ્રહ ઉપરાંત સેનેટેશન અને હાઈજિનની સ્થિતિ પણ યોગ્ય ન હોવાનું સામે આવ્યું હતું. ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કરવામાં આવેલી તપાસમાં ક્ષતિઓ મળતા સ્ટોરને ઈમ્પ્રૂવમેન્ટ નોટિસ આપવામાં આવી છે. સાથે જ Blinkitનું ફૂડ લાયસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.
-
સુરતઃ મોરા ગામ વિસ્તારમાં કરંટ લાગતા 22 વર્ષીય યુવકનું મોત
સુરતના મોરા ગામ વિસ્તારમાં કરંટ લાગતા 22 વર્ષીય યુવકનું મોત થયું છે. યુવક AMNS કંપનીના ક્વાર્ટરમાં પરિવાર સાથે રહેતો હતો. પાણીની ટાંકીમાંથી પાણી ભરવા જતાં અચાનક કરંટ લાગ્યો હોવાની માહિતી છે. પરિવારજનોએ પાણીની ટાંકીમાં કરંટ હોવાનો આક્ષેપ કર્યો છે. અગાઉ પણ આ અંગે અનેકવાર ફરિયાદ કરવામાં આવી હોવાનો પરિવારનો દાવો છે. યુવકના પરિવારમાં પત્ની, ભાઈ અને એક નાની દીકરી છે. ઘટનાને પગલે પરિવારજનોએ મૃતદેહને તેમના ગામ સુધી પહોંચાડવાની માગણી કરી છે. સાથે જ પરિવારને યોગ્ય વળતર આપવાની પણ માગ કરી છે. સમગ્ર મામલે ઈચ્છાપોર પોલીસે તપાસ હાથ ધરી છે.
-
સુરતઃ સિંગણપોરમાં ગેરકાયદે ડાઇંગ યુનિટ્સ સામે મનપાની લાલ આંખ
સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેણાક ઘરોમાં અચાનક રંગીન પાણી આવવાની ફરિયાદ બાદ મનપા તંત્રએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પાણીની લાઇનમાં લીકેજ શોધવામાં આવ્યું હતું. વધુ તપાસમાં વરસાદી ગટરની લાઇનમાં ગેરકાયદે ડાઇંગ યુનિટ્સના જોડાણો હોવાનું સામે આવ્યું હતું. ડાઇંગમાંથી નીકળતું કેમિકલયુક્ત રંગીન પાણી પીવાના પાણીમાં ભળી રહ્યું હોવાનો ખુલાસો થયો છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા તત્વો સામે મનપાએ કડક વલણ અપનાવ્યું છે. નિયમોનું ઉલ્લંઘન કરતા 214 ગેરકાયદે ડાઇંગ યુનિટ્સને સીલ કરવા તજવીજ હાથ ધરાઈ છે. સાથે જ ગટરમાંથી તમામ ગેરકાયદે ડ્રેનેજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે.
-
સાબરકાંઠા: કરણપુર નજીક નેશનલ હાઈવે પર અકસ્માત
સાબરકાંઠાના કરણપુર નજીક નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. કાર ડીવાઈડર સાથે અથડાતા છથી સાત વખત પલટી મારી હતી. અકસ્માતમાં કારમાં સવાર બે લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. મહત્વનું છે કે, એક જ અઠવાડિયામાં આ જ સ્થળે બીજી વખત અકસ્માતની ઘટના બની છે, જેને પગલે હાઈવે પર સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા છે.
-
ડીસા: યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો
ડીસામાં એક અઠવાડિયા પહેલા મહાદેવિયા ગામનો 30 વર્ષીય યુવક ગુમ થયો હતો. પરિવારજનોએ ગુમ થયાની અરજી આપ્યા બાદ ચાર દિવસ પછી માલગઢ કુંપટ ગામની સીમમાં બનાસ નદીના પટમાંથી ગટરના ગંદા પાણી નજીક યુવકનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહની ઓળખ બાદ પોસ્ટમોર્ટમમાં શરીર પર ઈજાના નિશાન મળી આવતા હત્યાની આશંકા ઉભી થઈ હતી. ડીસા રૂરલ પોલીસે તપાસ હાથ ધરતા યુવક અજાણ્યા શખ્સો સાથે રિક્ષામાં બેસીને બનાસ નદીના પટ તરફ ગયો હોવાનું સામે આવ્યું હતું. રિક્ષા રેતીમાં ફસાતા ધક્કો મારવા બાબતે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન અપશબ્દો બોલતા મુકેશ ઉર્ફે ટપાલી ઉશ્કેરાયો અને યુવકના માથામાં બોથડ પદાર્થ મારી દીધો હતો. ત્યારબાદ મૃતદેહ ગંદા પાણીમાં ફેંકી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે CCTV અને બાતમીના આધારે મુખ્ય આરોપી મુકેશ ઉર્ફે ટપાલી રાજાજી માજીરાણા અને સહઆરોપી પ્રવીણ માજીરાણાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
-
સુરત: પત્નીના મોતના 3 દિવસ બાદ પતિએ પણ આપઘાત કર્યો
સુરતના વરાછામાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પત્નીના મોતના ત્રણ દિવસ બાદ પતિએ પણ જીવન ટૂંકાવી દીધું છે. મળતી માહિતી મુજબ, પત્નીએ તેના પ્રેમી સાથે તાપી નદી કિનારે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હતું. પત્નીના લગ્નેતર સંબંધની જાણ થતાં 40 વર્ષીય પતિ સિદ્ધાર્થ ખેરનારે ઊંડો આઘાત અનુભવ્યો હતો. પત્નીના વિયોગ અને વિશ્વાસઘાતથી વ્યથિત સિદ્ધાર્થે ઘરમાં જ જીવન ટૂંકાવ્યું હતું. એક જ પરિવાર પર ત્રણ દિવસમાં બે આઘાતજનક ઘટનાઓથી શોકનો માહોલ છવાયો છે. માતા બાદ હવે પિતાની છત્રછાયા પણ ગુમાવતા બંને સંતાનો નિરાધાર બન્યા છે. ઘટનાને પગલે પરિવારમાં કરુણ પરિસ્થિતિ સર્જાઈ છે.
-
ગીર-સોમનાથ: ગીર ગઢડામાં ધોધમાર વરસાદ
-
પંચમહાલ: 10 વર્ષ બાદ ઓવરબ્રિજ ખુલ્લો મૂકાયો
પંચમહાલના કાલોલ અને ડેરોલ ગામને જોડતો ઓવરબ્રિજ 10 વર્ષ બાદ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. સાંસદ રાજપાલસિંહ જાદવના હસ્તે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બ્રિજના અભાવે આસપાસના 25 જેટલા ગામોના લોકોને લાંબા સમયથી અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ઓવરબ્રિજ શરૂ થતાં હવે સ્થાનિકોને મોટી રાહત મળી છે. મહત્વનું છે કે, આ બ્રિજના નિર્માણ પાછળ અંદાજે 20 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. વર્ષોની રાહ બાદ બ્રિજ ખુલ્લો મુકાતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
-
સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 137.37 મીટરે પહોંચી
સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થવા પામ્યો છે. નર્મદા ડેમની હાલની જળ સપાટી 137.37 મીટર થઇ છે. નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટરની છે. ડેમમાં ઉપરવાસમાંથી 21,312 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમમાંથી 51,212 ક્યુસેક પાણી નદી અને કેનાલમાં છોડાઈ રહ્યું છે.
-
અમદાવાદના લોકોને ઉત્સવ કે ઉજવણીની કિંમત, વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી ચૂકવવી પડે, તે સ્વીકાર્ય નથીઃ કોંગ્રેસ
માત્ર ખુશામતખોરી ખાતર પ્રકૃતિ અને નદીના નિયમો સાથે ચેડાં કરવામાં આવે અને તેનું પરિણામ અમદાવાદના નાગરિકોએ ભોગવવું પડે, તે શા માટે? તેવો સવાલ કોંગ્રેસે આજે અમદાવાદમાં પડેલા વરસાદને પગલે, સમગ્ર શહેરમાં ભરાયેલા પાણીને લઈને કર્યો છે. આજે પડેલા ભારે વરસાદ બાદ અમદાવાદમાં પાણી ભરાવાની અને જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, તે માત્ર વરસાદ પૂરતી સીમિત બાબત નથી; આ સ્થિતિ પૂર વ્યવસ્થાપન અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. એક તરફ, AMCનું કહેવું છે કે ભારે વરસાદ દરમિયાન સાબરમતી નદીના પાણીની સપાટી 129 ફૂટથી વધવી ના જોઈએ તેમ છતાં, ગઈકાલે પાણીની સપાટી કેટલી હતી? નદીમાં કેટલું પાણી છોડવામાં આવ્યું હતું? અને કયા આધારે વાસણા બેરેજના દરવાજા ખોલવાનો કે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો? આ સમગ્ર ઘટનાક્રમની વિગતો જાહેર થવી જોઈએ.
-
અમદાવાદ, ભાવનગર, અરવલ્લી, ખેડા, ભરૂચ, મહીસાગર, પંચમહાલ, વડોદરામાં વરસાદને લઈને યલો અલર્ટ
વરસાદને લઈ હવામાન વિભાગે કરી આગાહી. આજે અરબસાગરથી દક્ષીણ UP સુધી ડીપ ટ્રક સક્રિય થતા અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે. હવે ડીપ ટ્રફ લેશમાર્ક થતા ભારે વરસાદની શક્યતા નહિવત છે. 24 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. છોટાઉદેપુર અને દાહોદમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ, ભાવનગર, અરવલ્લી, ખેડા, ભરૂચ, મહીસાગર, પંચમહાલ, વડોદરામાં યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન, વેસટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. ગુજરાતમાં સામાન્ય કરતા 8 ટકા વરસાદની ઘટ રહેવા પામી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 23 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં આજે યેલો અલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા રહેલી છે. હવામાન વિભાગની આગાહી મુજબ યેલો અલર્ટ મુજબ 7 cm થી 11 cm વરસાદ પડી શકે છે.
-
Ahmedabad Rain Breaking News : અમદાવાદમાં બપોરના 4થી 6 સુધી બિનજરૂરી બહાર ના નીકળવા AMCની તાકીદ
અમદાવાદ શહેરમાં બપોર બાદ ભારે વરસાદની આગાહી. બપોરના 4 થી 6 વાગ્યા સુધીમાં ભારે વરસાદની કરાઈ આગાહી. લોકોને સાંજના સમયે બિન જરૂરી ઘર બહાર ના નીકળવા અમદાવાદ મહાનગરપાલિકાએ તાકીદ કરી છે.
-
ખેડૂતોના ટ્રેકટર ભાડે લઈને છેંતરપિંડી કરનારા 2 ઝડપાયા, 6 ટ્રેકટર કબજે કર્યાં
સુખસરમાં ખેડૂતો સાથે છેતરપિંડી આચરનાર બે ભેજાબાજ ઝડપાયા છે. સુખસર પોલીસ અને દાહોદ LCBની સંયુક્ત ટીમે સફળ કાર્યવાહી કરી. માસિક 20 હજારના ભાડાની લાલચ આપી ટ્રેક્ટરો પડાવી લેતા હતા. કુલ 14 ટ્રેક્ટરોની છેતરપિંડીના કૌભાંડનો પોલીસે કર્યો પર્દાફાશ. આરોપીઓ પાસેથી રૂ. 36 લાખની કિંમતના 8 ટ્રેક્ટરો કરાયા જપ્ત. મહીસાગર જિલ્લાના પંકજ ડામોર અને તેજસ શર્માની ધરપકડ. છેતરપિંડીના કૌભાંડમાં સંડોવાયેલા મહુધાના ફરીદમીયાં કુરેશી વોન્ટેડ જાહેર. કોર્ટે બંને આરોપીઓના બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા. બાકીના 6 ટ્રેક્ટરો કબજે કરવા અને અન્ય સાગરીતોને પકડવા તપાસ તેજ કરી.
-
સુરતમાંથી દુર્લભ 18 ઇન્ડિયન સ્ટાર ટર્ટલ સાથે બે શખ્સ ઝડપાયા
સુરતમાંથી દુર્લભ 18 ઇન્ડિયન સ્ટાર ટર્ટલ સાથે બે શખ્સ ઝડપાયા. સુરત વન વિભાગ અને WCCBની સંયુક્ત કાર્યવાહીમાં ઝડપાઈ ગયા છે. ઉધના દરવાજા વિસ્તારમાં બાતમીના આધારે ઓપરેશન કર્યું હતું. સુરત એન્ટરપ્રાઇઝ દુકાનમાં છટકું ગોઠવી બે શખ્સ ઝડપાયા. ગેરકાયદે સ્ટાર ટર્ટલનું વેચાણ કરતા રંગેહાથ ઝડપાયા. દિનેશ કનકાભાઈ ઠાકોર અને શેખ મોહમદ અઝહર ઝડપાયા. આરોપીઓ પાસેથી 18 જીવંત ઇન્ડિયન સ્ટાર ટર્ટલ જપ્ત કરવામાં આવ્યા છે. કાચબા ઉપરાંત બે મોંઘા સ્માર્ટફોન પણ કબજે લેવાયા છે. કાચબાની કિંમત 25 હજારથી 1 લાખ સુધી હોવાનો અંદાજ. ડુમસ રેન્જ ફોરેસ્ટ કચેરીમાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે. ગેરકાયદે વન્યજીવ તસ્કરી નેટવર્ક અંગે વધુ તપાસ તેજ કરવામાં આવી છે.
-
પાલનપુર, ડીસા, દાંતા, અમીરગઢ, ધાનેરા, દાંતીવાડા, કાંકરેજ અને ઓગડમાં વરસ્યો વરસાદ
બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી વરસાદ વરસ્યો. પાલનપુર, ડીસા, દાંતા, અમીરગઢ, ધાનેરા, દાંતીવાડા, કાંકરેજ અને ઓગડમાં વરસ્યો વરસાદ. ડીસામાં સવા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. ડીસાના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. જલારામ મંદિર સર્કલ પાસે કિડ્સ સ્કૂલ બહાર પાણી ભરાયા. શાળાની બહાર પાણી ભરાતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા. પાણીનો નિકાલ કરવા સ્થાનિકો અને શાળા સંચાલકોની માંગ. પાલનપુરમાં 2 ઇંચ વરસાદથી જૂના બસ સ્ટેન્ડમાં પાણી ભરાયા. જૂના બસ સ્ટેન્ડના જાહેર રસ્તા પર વરસાદી પાણી ભરાયા. બસ સ્ટેન્ડના રસ્તાઓ પર પાણી ભરાતા મુસાફરો પરેશાન. પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી મુસાફરો હાલાકીમાં
-
અમદાવાદના નવા વિકસતા જગતપુર, ત્રાગડ અને ગોતા વિસ્તારોની સોસાયટી, ફ્લેટમાં ભરાયા વરસાદી પાણી
અમદાવાદ શહેરના નવા વિકસતા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા છે. અમદાવાદના જગતપુર, ત્રાગડ અને ગોતા વિસ્તારમાં આવેલ ગોદરેજ ગાર્ડન સિટીમાં ધોધમાર વરસાદથી પાણી ભરાઈ જવા પામ્યા છે. ધોધમાર વરસાદથી જગતપુર, ત્રાગડ અને ગોતાના અનેક સોસાયટી, ફ્લેટના દરવાજા સુધી પાણી ભરાયા છે. ગોદરેજ ગાર્ડન સિટીની અંદર વરસાદી પાણી ભરાઈ ગયા છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકો ભારે પરેશાન થયા છે.
-
અમદાવાદભરમાં ભરાયેલા પાણીના નિકાલ માટે વાસણા બેરેજના 14 દરવાજા ખોલાયા
અમદાવાદ શહેરભરમાં ભરાયેલા વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થઈ શકે તે માટે,સાબરમતી નદી પરના વાસણા બેરેજના 14 દરવાજા ખોલવામાં આવ્યા છે. વાસણા બેરેજમાંથી હેઠવાસમાં 17 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
-
Ahmedabad rain breaking : પશ્ચિમ અમદાવાદમાં 68 મી.મી. વરસાદ નોંધાયો, સૌથી વધુ નવરંગપુરામાં 90 મી.મી.
પશ્ચિમ અમદાવાદમાં 68 મી.મિ. વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ નવરંગપુરામાં નોંધાયો છે. ટાગોર હોલ ખાતે 70, ઉસ્માનપુરા ખાતે 61, ચાંદખેડા ખાતે 52, વાસણા ખાતે 82, રાણીપ ખાતે 64, નવરંગપુરા 90 અને મોટેરા ખાતે 55 મીલિમીટર વરસાદ નોંધાયો છે.
-
અમદાવાદમાં વરસાદને પગલે, BRTSની સેવા પ્રભાવિત, કેટલાક રૂટ પરની બસસેવા બંધ કરાઈ
અમદાવાદમાં વરસેલા ભારે વરસાદથી BRTSની બસ સેવા પ્રભાવિત થઈ છે. કેટલાક રૂટ પરની બસ સેવાઓ હાલ પુરતી બંધ રાખવાની સત્તાવાળાઓએ જાહેરાત કરી છે. આરટીઓ સર્કલથી મણીનગર, એસ પી રિંગ રોડથી એલડી એન્જિ. કોલેજ, રબારી કોલોનીથી આરટીઓ સર્કલ. સાણંદ સર્કલથી સારંગપુર દરવાજા સુધીની બીઆરટીએસ બસ ભારે વરસાદને કારણે બંધ રહેશે.
-
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 42 મી.મી. વરસાદ, સૌથી વઘુ વિરાટનગરમાં 46 મી.મી નોંધાયો
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સરેરાશ 42 મી.મી. વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વિરાટનગર ખાતે વરસાદ નોંધાયો છે. ચકુડિયા ખાતે 45, ઓઢવમાં 41, વિરાટનગરમાં 46, નિકોલમાં 40, રામોલમાં 23, કઠવાડામાં 24, વસ્ત્રાલમાં 39 મીલીમિટર વરસાદ વરસ્યો છે.
-
Sabarkantha rain breaking : ખેડબ્રહ્મા વિસ્તારમાં રાત્રી દરમિયાન બે ઈંચ વરસાદ વરસ્યો
સાબરકાંઠા જિલ્લામાં રાત્રી દરમિયાન ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ. ખેડબ્રહ્મા વિસ્તારમાં રાત્રી દરમિયાન બે ઈંચ વરસાદ વરસ્યો. પોશીનામાં એક ઈંચ વરસાદ વરસ્યો. વિજયનગર અને વડાલીમાં પોણો-પોણો ઈંચ વરસાદ. વરસ્યો. પ્રાંતિજ અને તલોદમાં અડધો-અડધો ઈંચ વરસાદ વરસ્યો. વરસાદી માહોલ જામતા ખેડૂતોને રાહત થઈ છે.
-
Aravalli Breaking : મોડાસામાં રાત્રી દરમિયાન સવા બે ઈંચ વરસાદ વરસ્યો
અરવલ્લી જિલ્લામાં રાત્રી દરમિયાન ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. મોડાસામાં રાત્રી દરમિયાન સવા બે ઈંચ વરસાદ વરસ્યો. શામળાજીમાં દોઠ ઇંચ વરસાદ વરસ્યો. ભિલોડામાં સવા ઈંચ વરસાદ નોંધાયો. બાયડમાં એક ઇંચ કરતા વધુ વરસાદ. ધનસુરામાં પોણા ઇંચ જેટલો વરસાદ વરસ્યો. મેઘરજ વિસ્તારમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો. વરસાદી માહોલ ફરી જામતા ખેડૂતોમાં ખુશી છવાઈ. ગ્રામ્ય વિસ્તારમાં નદી-નાળામાં નવા નીર આવતા આનંદ.
-
દહેગામમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ, રાત્રે 2 થી સવારના 8 સુધીમાં 4 ઈંચ વરસાદ
દહેગામમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ. હવામાન વિભાગની આગાહી વચ્ચે દહેગામ તાલુકા અને શહેરમાં ધોધમાર વરસાદ. દહેગામ અને આસપાસના ગામોમાં મોડી રાતથી સવાર સુધી ચાર ઈંચ વરસાદ. રાત્રે બે થી સવારના આઠ વાગ્યા સુધી ચાર ઈંચ વરસાદ. ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. દહેગામ વૈભવ કોમ્પ્લેક્સ અને એમજી અમીન કોમ્પ્લેક્સમાં પાણી ભરાયા. મોડાસા રોડ અને નેહરુ ચોકડી પર પણ પાણી ભરાયા. વરસાદથી ખેડૂતોમાં રાહતની આશા બંધાઈ. પાકને વરસાદથી ફાયદો થવાની આશા. દહેગામમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી વાતાવરણમાં ઠંડક પ્રસરી.
-
અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો તોફાની વરસાદ
અમદાવાદ શહેરમાં આજે સવારે ભારે વરસાદ વરસ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદની સાથે કેટલાક વિસ્તારમાં ઝડપી પવન પણ ફૂંકાયો હતો.
-
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 150 તાલુકામાં વરસ્યો વરસાદ, સૌથી વધુ માળિયામાં નોંધાયો
ગુજરાતમાં ગુરુવાર સવારના 6 વાગ્યાથી શુક્રવાર સવારના 6 વાગ્યા સુધીના 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ મોરબી જિલ્લાના માળિયામાં 131 મી.મી. વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદને પગલે, રાજ્યમાં વર્તમાન ચોમાસાનો 85.79 ટકા વરસાદ નોંધાયો છે.
-
અમદાવાદના વાડજમાં ભાઈએ જ ભાઈની કરી હત્યા
અમદાવાદના વાડજમાં ભાઈએ જ ભાઈની હત્યા કરી. ગાંધીનગર સોસાયટી નજીક ભીમસિંહની ચાલીનો બનાવ. ગઈકાલ બપોરે 2:30થી 3 વાગ્યા દરમિયાન હત્યા થઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. નરેશભાઈ રતિભાઈ ચૌહાણ, ઘરના રૂમમાંથી લોહીલુહાણ હાલતમાં મૃત મળી આવ્યા હતા. નોકરી પરથી ઘરે પરત ફરેલી બહેને મૃતદેહ જોતા જ 108 અને પોલીસને જાણ કરી હતી. પોલીસ પહોંચે તે પહેલાં સગો ભાઈ રાજુ રતિભાઈ ચૌહાણ ફરાર થવાની કોશિષ કરતો હતો. વાડજ પોલીસે રાજુ રતિભાઈ ચૌહાણને રાઉન્ડઅપ કરી લીધો. ઘરકંકાસના કારણે હત્યા થઈ હોવાની પોલીસની પ્રાથમિક તપાસમાં આશંકા. નરેશભાઈ વારંવાર ઘરે પૈસાની માંગણી કરી ઝઘડો કરતા હોવાની માહિતી. દારૂ પીને ઘરે આવીને ત્રાસ આપતા હોવાની અગાઉ પણ બહેને પોલીસને જાણ કરી હતી. વાડજ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડની કરી. સમગ્ર મામલે વાડજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
-
પેટાચૂંટણી પહેલાં ચૂંટણી પંચનો TMCના નામ અને ચૂંટણી ચિહ્ન પર રોકનો આદેશ
ચૂંટણી પંચે TMCના નામ અને ચૂંટણી ચિહ્ન અંગેના વિવાદને લઈને એક વચગાળાનો આદેશ જાહેર કર્યો છે. હાલ પૂરતું, બંને જૂથમાંથી કોઈ પણ જૂથ TMCના મૂળ નામ અથવા ‘ટ્વિન ફ્લાવર્સ’ (બે ફૂલના) ચિહ્નનો ઉપયોગ કરી શકશે નહીં.
-
ભારે પવન, વરસાદ અને ઉછળતા મોજાં વચ્ચે ઉના નજીક દરિયામાં વલસાડની ફિશિંગ બોટ ડૂબી
ગીર સોમનાથના ઉના નજીક દરિયામાં વલસાડની ફિશિંગ બોટ ડૂબી ગઈ. ભાથોડા વિસ્તારમાં પથ્થર સાથે અથડાતા માઘવી નામની ફિશિંગ બોટ ડૂબી. ભારે પવન, વરસાદ અને ઉછળતા મોજાં વચ્ચે દરિયામાં સર્જાયો અકસ્માત. બોટ ડૂબતાં આસપાસ ફિશિંગ કરતી અન્ય બોટો મદદે દોડી આવી. બોટ ડૂબવા લાગતા 12 માછીમારોએ દરિયામાં લગાવ્યો કૂદકો. તમામ માછીમારોને અન્ય બોટમાં સલામત રીતે લાવવામાં આવ્યાં. ઘટનાને લઈ મરીન પોલીસ અને ફિશરીઝ વિભાગે તપાસ હાથ ધરી.
-
પ્રાચી અને આલીદરા ગામની સોમનાથ એકેડેમી નામની શાળાની માન્યતા રદ
પ્રાચી અને આલીદરા ગામની સોમનાથ એકેડેમી નામની શાળાને શિક્ષણ વિભાગ દ્વારા રદ કરવામાં આવી છે. શાળાના બિલ્ડિંગ મંજૂરી વગર ફેરવવા મામલે શાળાને રદ કરવા કવાયત કરાઈ. શાળાના પ્રમુખ કરશન સોલંકીનું નિવેદન સામે આવ્યું. કરશન સોલંકીએ કોઈનુ નામ લીધા વિના કહ્યું કે, આરોગ્ય અને શિક્ષણને બક્ષવામાં આવે અમુક લોકો લાંબા સમયથી અન્ય લોકો પાસે અરજી કરવી રહ્યા હોવાનો આરોપ.
Published On - Sep 18,2026 7:14 AM