Radha Ashtami : રાધા રાણીને શ્રીકૃષ્ણથી 100 વર્ષના વિયોગનો શ્રાપ કોણે અને શા માટે આપ્યો હતો ? જાણો પૌરાણિક કથા
હિન્દુ ધર્મમાં દેવી અને દેવતાઓને મળેલા અનેક શ્રાપનો ઉલ્લેખ જોવા મળે છે. આવો જ એક શ્રાપ રાધા રાણી સાથે પણ જોડાયેલો છે. ધાર્મિક માન્યતા અનુસાર, રાધા રાણીને શ્રીકૃષ્ણથી 100 વર્ષના વિયોગનો શ્રાપ મળ્યો હતો.

દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ રાધા અષ્ટમી મનાવવામાં આવે છે. આ વર્ષે રાધા અષ્ટમી 19 સપ્ટેમ્બર, 2026ના રોજ મનાવવામાં આવશે. રાધા અષ્ટમીનો તહેવાર શ્રી રાધા રાણીના પ્રાગટ્ય ઉત્સવ તરીકે ઉજવાય છે. જે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના બરાબર 15 દિવસ પછી આવે છે.
આ પ્રસંગે જાણીએ રાધા રાણી સાથે જોડાયેલી એક શ્રાપની કથા. પૌરાણિક કથા અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણના પ્રિય મિત્રએ રાધા રાણીને શ્રાપ આપ્યો હતો, જેના કારણે તેમને 100 વર્ષ સુધી ભગવાન શ્રીકૃષ્ણથી અલગ રહેવું પડ્યું હતું.
રાધા અષ્ટમી 2026
આ વર્ષે રાધા અષ્ટમી શનિવાર, 19 સપ્ટેમ્બર 2026ના રોજ મનાવવામાં આવશે. સૂર્યોદય સમયે 19 સપ્ટેમ્બરે અષ્ટમી તિથિ હોવાથી આ દિવસે જ રાધા અષ્ટમીનું ઉપવાસ રાખવામાં આવશે.
રાધા અષ્ટમીનું મહત્વ
ધાર્મિક માન્યતાઓ અનુસાર, રાધા અષ્ટમીના દિવસે ઉપવાસ અને પૂજા કરવાથી જીવનમાં સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિ વધે છે. સાથે જ વૈવાહિક જીવનમાં પ્રેમ જળવાઈ રહે છે.
માનવામાં આવે છે કે રાધા અષ્ટમીના દિવસે ઉપવાસ રાખીને વિધિપૂર્વક પૂજા કરવાથી અગાઉના પાપ નષ્ટ થાય છે અને જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે. જેમ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ રાત્રિના સમયે થયો હતો, તેમ રાધા રાણીનો જન્મ બપોરના સમયે થયું હોવાનું માનવામાં આવે છે. તેથી આ દિવસે મધ્યાહ્ન કાળમાં રાધા રાણીની પૂજા કરવી વિશેષ ફળદાયી માનવામાં આવે છે.
પૂજા દરમિયાન રાધા-કૃષ્ણને ચંદન, ફૂલ, ફળ તેમજ માખણ અને મિસરી, ખીર અથવા સાત્વિક મીઠાઈનો ભોગ ધરાવવામાં આવે છે.
રાધા રાણીને કયો શ્રાપ મળ્યો હતો?
પૌરાણિક કથાઓ અનુસાર, રાધા રાણીને શ્રીકૃષ્ણના પ્રિય મિત્ર અને ગોલોકના નિવાસી શ્રીદામા દ્વારા 100 વર્ષ સુધી શ્રીકૃષ્ણથી વિયોગનો શ્રાપ મળ્યો હતો.
કથા અનુસાર, એક વખત ગોલોકમાં શ્રીકૃષ્ણ પોતાની બીજી પ્રેયસી વિરજા સાથે એકાંત વનમાં વિહાર કરી રહ્યા હતા. તેમણે પોતાના પ્રિય સેવક શ્રીદામાને દ્વાર પર પહેરો રાખવા અને કોઈને અંદર પ્રવેશ ન આપવા કહ્યું હતું.
જ્યારે રાધા રાણી ત્યાં પહોંચ્યાં ત્યારે શ્રીદામાએ તેમને અંદર જતાં રોક્યાં. આ વાતથી રાધા રાણી ખૂબ ક્રોધિત થઈ ગયાં. રાધા રાણીના આગમન બાદ વિવાદ થયો અને તેમણે ક્રોધમાં વિરજા તથા શ્રીકૃષ્ણને ઘણું સંભળાવ્યું.
રાધા રાણીએ શ્રીદામાને પૃથ્વી પર રાક્ષસ કુળમાં જન્મ લેવાનો શ્રાપ આપ્યો
શ્રીકૃષ્ણના પ્રિય મિત્ર શ્રીદામાને રાધા રાણીનું આ વર્તન અને શ્રીકૃષ્ણ પ્રત્યેનો તેમનો રોષ યોગ્ય લાગ્યો નહીં. તેમણે રાધા રાણીને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનાથી રાધા રાણી વધુ ક્રોધિત થઈ ગયાં.
ક્રોધમાં રાધા રાણીએ શ્રીદામાને પૃથ્વી પર રાક્ષસ કુળમાં જન્મ લેવાનો શ્રાપ આપી દીધો. આથી દુઃખી થયેલા શ્રીદામાએ પણ રાધા રાણીને શ્રાપ આપ્યો કે તેમણે મૃત્યુલોક એટલે કે પૃથ્વી પર જન્મ લેવો પડશે અને 100 વર્ષ સુધી શ્રીકૃષ્ણનો વિયોગ સહન કરવો પડશે.
આ શ્રાપના પ્રભાવને કારણે ભગવાન શ્રીકૃષ્ણ અને રાધા રાણીએ પૃથ્વી પર લીલા કરી અને વિયોગનો અનુભવ કર્યો હોવાનું પૌરાણિક કથાઓમાં વર્ણવવામાં આવે છે.
નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી.
