AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

13 ઓગસ્ટના મહત્વના સમાચાર : અમદાવાદમાં વરસાદથી આંબલી, બોપલ, ઘુમામાં થયેલા જળભરાવની ગૃહમંત્રી અમિત શાહે લીધી નોંધ, સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા આપ્યો આદેશ, AMCએ કરાવ્યો હાઈડ્રોલોજીકલ સર્વે 

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2026 | 9:18 PM
Share

Gujarat Live Updates આજ 13 ઓગસ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

13 ઓગસ્ટના મહત્વના સમાચાર : અમદાવાદમાં વરસાદથી આંબલી, બોપલ, ઘુમામાં થયેલા જળભરાવની ગૃહમંત્રી અમિત શાહે લીધી નોંધ, સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા આપ્યો આદેશ, AMCએ કરાવ્યો હાઈડ્રોલોજીકલ સર્વે 

આજે 13 ઓગસ્ટને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 13 Aug 2026 09:01 PM (IST)

    મહેસાણાઃ વડનગરમાં ડમરુ યાત્રાનું આયોજન

    મહેસાણાના વડનગરમાં શ્રાવણોત્સવ અંતર્ગત ભવ્ય ડમરુ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ડમરુ યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. 108 કલાકારોએ યાત્રામાં ભાગ લીધો હતો. શર્મિષ્ઠા તળાવથી હાટકેશ્વર મહાદેવ મંદિર સુધી 800 મીટર લાંબી ડમરુ યાત્રા યોજાઈ હતી.

    હર્ષ સંઘવીએ પણ ડમરુ વગાડી શિવભક્તિ કરી હતી. સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાને ઉજાગર કરવાના હેતુથી ડમરુ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રા બાદ હર્ષ સંઘવીએ હાટકેશ્વર મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. શ્રાવણ માસના આરંભે તેમણે શિવ મંદિરમાં પૂજન કર્યું હતું. આ સાથે તેમણે નવવિનિર્મિત રિક્ષામાં સવારી કરી હતી અને શર્મિષ્ઠા તળાવની પણ મુલાકાત લીધી હતી.

    વડનગરના તોરણ હોટલ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં વડનગરમાં ચાલી રહેલા વિવિધ વિકાસકાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી. હર્ષ સંઘવીએ તમામ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને તાકીદ કરી હતી.

  • 13 Aug 2026 08:45 PM (IST)

    જૂનાગઢ : જોષીપુરા વિસ્તારમાં ટીપી સ્કીમ વિરૂદ્ધ રહીશોમાં આક્રોશ

    જૂનાગઢના જોષીપુરા વિસ્તારમાં ટીપી સ્કીમ-6 અને બેટરમેન્ટ ચાર્જિસના વિરોધમાં રહીશોએ ઉગ્ર રજૂઆત કરી છે. અંદાજે 2 હજાર જેટલા રહીશો નગર નિયોજકની કચેરીએ પહોંચ્યા હતા. રહીશોએ આક્ષેપ કર્યો કે તંત્ર દ્વારા બેટરમેન્ટ ચાર્જના નામે લોકો પર આર્થિક બોજ નાખવામાં આવી રહ્યો છે.

    રહીશોનું કહેવું છે કે જૂની બિનખેતી થયેલી જમીનો પર કાયદેસરની મંજૂરી મેળવી મકાનો બનાવવામાં આવ્યા છે. ઉપરાંત વિસ્તારમાં રસ્તા, પાણી અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ પણ પહેલેથી ઉપલબ્ધ છે. તેમ છતાં ટીપી સ્કીમ લાગુ થતાં મધ્યમ વર્ગના લોકોના મકાનો તૂટવાની ભીતિ છે.

    રહીશોએ આક્ષેપ કર્યો કે ટીપી સ્કીમના કારણે મધ્યમ વર્ગના લોકો આર્થિક રીતે પીડાઈ રહ્યા છે. વિપક્ષે પણ તંત્રના નિર્ણય સામે સવાલ ઉઠાવી ટીપી સ્કીમના નામે નાના અને મધ્યમ વર્ગના લોકોને લૂંટવાનો આક્ષેપ કર્યો છે. સ્કીમ રદ નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની રહીશોએ ચીમકી આપી છે.

  • 13 Aug 2026 08:30 PM (IST)

    બનાસકાંઠાઃ પાલનપુરમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાયા

    બનાસકાંઠાના પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. બેચરપુરા-આકેસણ રોડ પર વરસાદી પાણી ભરાયા છે. હાઈવે પર આવેલા ગરનાળામાં ઢીંચણસમા પાણી ભરાઈ જતા અનેક વાહનો ખોટકાયા હતા અને બંધ પડ્યા હતા.

    પાણી ભરાયેલા ગરનાળામાંથી વાહનચાલકોને ભારે મુશ્કેલી વચ્ચે પસાર થવાની ફરજ પડી હતી. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે સામાન્ય વરસાદમાં જ ગરનાળું પાણીથી ભરાઈ ગયું હતું. સમગ્ર સ્થિતિને પગલે નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.

  • 13 Aug 2026 08:15 PM (IST)

    અમદાવાદ:કાલુપુરમાં 75 લાખની આંગડિયા છેતરપિંડીનો ભેદ ઉકેલાયો

    અમદાવાદના કાલુપુરમાં રૂ.75 લાખની આંગડિયા છેતરપિંડીનો ભેદ ઉકેલાયો છે. ઝોન-3 LCB ટીમે મોડસિંગ રાજપુરોહિત અને ભરતગીરી ગોસ્વામીની ધરપકડ કરી છે. આરોપીઓએ પૃથ્વીરાજ કોઠારીના નામે ઓળખ આપી તેલંગાણાના વેપારીને વિશ્વાસમાં લીધો હતો અને અશોક જૈન મારફતે રૂપિયા પહોંચાડવાના બહાને કાલુપુરની આર. ગણેશ આંગડિયા પેઢીમાંથી રૂ.75 લાખ મેળવી ફરાર થઈ ગયા હતા.

    આરોપીઓએ રૂપિયા લેવા માટે બાબુભાઈ સહિત અલગ-અલગ ખોટી ઓળખનો ઉપયોગ કર્યો હતો. રૂપિયા લીધા બાદ બંનેએ મોબાઇલ ફોન બંધ કરી દીધા હતા. પોલીસને આરોપીઓના CCTV ફૂટેજ પણ મળ્યા હતા. પોલીસે રૂ.25 લાખ રોકડા સહિત કુલ રૂ.25.52 લાખનો મુદ્દામાલ અને 5 મોબાઇલ ફોન જપ્ત કર્યા છે.

    પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મોડસિંગ રાજપુરોહિત સામે અગાઉ 20થી વધુ ગુના નોંધાયેલા છે, જેમાં મહારાષ્ટ્રના 6 અને રાજસ્થાનના 2 ગુનાનો સમાવેશ થાય છે. આરોપી પૃથ્વીરાજ કોઠારીના નામનો દુરુપયોગ કરી લોકોને વિશ્વાસમાં લેતો હોવાનો ખુલાસો થયો છે. જૈન સંસ્થાના ‘જીતુ’ તરીકે ખોટી ઓળખ આપી વેપારીને વિશ્વાસમાં લેવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.

  • 13 Aug 2026 08:00 PM (IST)

    વડોદરાઃ પેટ્રોલ છાંટી વેપારીની વૈભવી કારને આગચંપી

    વડોદરાના આજવા રોડ પર અંગત અદાવતમાં વેપારીની વૈભવી કારને પેટ્રોલ છાંટી આગ ચાંપી દેવાની ઘટના સામે આવી છે. આશાલતાપાર્ક સોસાયટીમાં રહેતા વેપારી અંકુર પુરાણીની કારને સળગાવવાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.

    મળતી માહિતી મુજબ, વેપારી અને અન્ય વ્યક્તિ વચ્ચે રૂ.4.5 કરોડની રકમને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને આ મામલે અદાલતમાં કેસ પણ ચાલી રહ્યો છે. કેસ પરત ખેંચવા અને સમાધાન કરવા માટે વેપારી પર દબાણ લાવવાના ઈરાદે કાર સળગાવવામાં આવી હોવાનો ખુલાસો થયો છે.

    ઘરના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી વૈભવી કારમાં એક શખ્સે તોડફોડ કરી હતી અને ત્યારબાદ પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. FSLની ટીમે પણ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

    વેપારી અંકુર પુરાણીએ બાપોદ પોલીસ મથકમાં દિવ્યાંશું ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ પૂછપરછમાં આરોપીએ નાણાંની લેવડ-દેવડના વિવાદને લઈને કાર સળગાવી હોવાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે.

  • 13 Aug 2026 07:45 PM (IST)

    સુરતઃ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન

    સુરતમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું . ડુમસ રોડના વાય જંક્શનથી લાલભાઈ સ્ટેડિયમ સુધી તિરંગા યાત્રા યોજાઈ રહી છે. વાય જંક્શનને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના પ્રતીક તરીકે શણગારવામાં આવ્યું છે. યાત્રામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય પ્રધાન સી.આર. પાટીલ સહિતના આગેવાનો જોડાયા છે. તિરંગા યાત્રાને લઈને વાય જંક્શનથી લાલભાઈ સ્ટેડિયમ તરફ જતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.

  • 13 Aug 2026 07:30 PM (IST)

    ધાર્મિક સંસ્થાઓના નામે નકલી વેબસાઇટ બનાવી ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ

    ધાર્મિક સંસ્થાઓ અને જાણીતા પ્રવાસન સ્થળોના નામે નકલી વેબસાઇટ બનાવી લોકો સાથે ઠગાઈ કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે દિલ્હી અને રાજસ્થાનમાંથી કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

    સ્ટેટ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ 126થી વધુ નકલી વેબસાઇટ અને વેબ પોર્ટલ બનાવ્યા હતા. આ વેબસાઇટના માધ્યમથી દેશભરમાં 20 હજારથી વધુ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે.

    આરોપીઓ દેશભરના જાણીતા પ્રવાસન સ્થળોની ધર્મશાળા, આશ્રમ, ટ્રસ્ટ અને હોટલોના નામે નકલી વેબસાઇટ બનાવી લોકોને વિશ્વાસમાં લેતા હતા અને ત્યારબાદ ઓનલાઇન નાણાં ઉઘરાવતા હતા. ગુજરાતમાં પણ સારંગપુર, પાલીતાણા, જૂનાગઢ, દ્વારકા અને સોમનાથની નકલી વેબસાઇટ બનાવી લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી.

  • 13 Aug 2026 07:15 PM (IST)

    બનાસકાંઠાઃ વીજ કરંટ લાગતા પિતા-પુત્રીના મોત

    બનાસકાંઠાના ડીસા તાલુકાના રસાણા ગામમાં વીજ કરંટ લાગતા પિતા-પુત્રીના મોત થયા છે. ઘરમાં કપડાં સૂકવતી વખતે પુત્રીને કરંટ લાગ્યો હતો. પુત્રીને બચાવવા દોડી આવેલા પિતાને પણ કરંટ લાગ્યો હતો.

    મળતી માહિતી મુજબ, ઘરમાં કપડાં સૂકવવા માટે લોખંડનો તાર બાંધવામાં આવ્યો હતો. આ તારનો એક છેડો ઘરના પંખાના એન્ગલ સાથે બાંધેલો હતો. જેના કારણે લોખંડના તાર સુધી વીજ કરંટ પહોંચ્યો હતો. કપડાં સૂકવતી વખતે પુત્રી આ તારના સંપર્કમાં આવતા તેને કરંટ લાગ્યો હતો. ત્યારબાદ તેને બચાવવા આવેલા પિતાને પણ કરંટ લાગ્યો હતો. ઘટનામાં બંનેના મોત થયા છે.

  • 13 Aug 2026 07:09 PM (IST)

    અમદાવાદઃ અમિત શાહે આંબલી, બોપલ, ઘુમામાં જળભરાવની લીધી નોંધ

    અમદાવાદના આંબલી, બોપલ અને ઘુમા વિસ્તારમાં જળભરાવની સમસ્યાની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નોંધ લીધી છે. જળભરાવની સમસ્યાના કાયમી ઉકેલ માટે અમિત શાહે મુખ્યપ્રધાન, મેયર અને મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો હતો. તેમની સૂચના બાદ AMC દ્વારા હાઇડ્રોલોજિકલ સર્વે કરાવવામાં આવ્યો છે.

    સમગ્ર આંબલી-બોપલ-ઘુમા-શેલા વિસ્તાર માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. 18 ઇંચ જેટલા ભારે વરસાદ બાદ આ વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ સર્જાઈ હતી. વર્ષ 2021માં આ વિસ્તારો AMCમાં સમાવાયા હતા, પરંતુ સ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્કના અભાવે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે.

    હવે નવા સ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્કનું આયોજન કરવામાં આવ્યું છે. વોટર લોગિંગ સ્પોટ દૂર કરવા ઉપરાંત વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે નવી સ્ટોર્મ વોટર લાઈનો નાખવામાં આવશે. ડ્રેનેજ લાઈનોના ઇન્ટર-કનેક્શન અને આઉટફોલનું પણ આયોજન કરાયું છે. ગોતા-ગોધાવી કેનાલ અને સાબરમતી નદી સાથે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાને પ્રાથમિકતા આપવામાં આવી છે. ભારે વરસાદ દરમિયાન જળભરાવથી નાગરિકોને રાહત મળે તે દિશામાં કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે.

  • 13 Aug 2026 07:08 PM (IST)

    વડોદરાઃ મનપાની સામાન્ય સભા બની હંગામેદાર

    વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા હંગામેદાર બની હતી. સામાન્ય સભામાં ચર્ચા ચાલી રહી હતી ત્યારે કામો અંગે મેયરે વોટિંગ કરાવતા વિપક્ષે હોબાળો કર્યો હતો. વોર્ડ નંબર 14ના કોંગ્રેસના કોર્પોરેટર દૂષિત પાણી લઈને સભામાં પહોંચ્યા હતા અને ગ્લાસમાં દૂષિત પાણી ભરીને વિરોધ નોંધાવ્યો હતો. સામાન્ય સભામાં ચર્ચા કરવાની તક ન મળતી હોવાનો પણ વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.

  • 13 Aug 2026 07:00 PM (IST)

    વડોદરાઃ હાઈરાઈઝ બિલ્ડીંગની સામે આવી બોગસ ફાયર NOC

    વડોદરામાં વધુ એક વખત બોગસ ફાયર NOC બનાવવાનો મામલો સામે આવ્યો છે. અક્ષર ગ્રીન્સ નામની હાઈરાઈઝ બિલ્ડિંગની ફાયર NOCમાં છેડછાડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જૂની NOCની કોપી કરી તેમાં એડિટ કરીને તારીખોમાં ફેરફાર કરાયો હોવાનો ખુલાસો થયો છે.

    બોગસ NOC સસ્પેન્ડેડ ફાયર ઓફિસરની સહી સાથે બનાવવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. ફાયર વિભાગ સામાન્ય રીતે ત્રણ વર્ષ માટે NOC આપે છે, પરંતુ નકલી NOCમાં ટેન્યોર સાથે છેડછાડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. વડોદરા શહેરમાં અગાઉ પણ બોગસ ફાયર NOCના કિસ્સા સામે આવી ચૂક્યા છે.

  • 13 Aug 2026 06:50 PM (IST)

    દાહોદ : જમીન સંપાદન મામલે અસરગ્રસ્ત ખેડૂતોની કલેક્ટર સાથે મહત્વની બેઠક

    દાહોદમાં જમીન સંપાદનના મુદ્દે અસરગ્રસ્ત ખેડૂતોની કલેક્ટર સાથે મહત્વની બેઠક યોજાઈ હતી. ગોવિંદ ગુરુ લીમડી તાલુકામાં વિવિધ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. દિલ્હી-મુંબઈ કોરિડોરના અસરગ્રસ્ત ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી હતી.

    નવી GIDC, એરપોર્ટ, રેલવે લાઇન અને હાઈવે પ્રોજેક્ટ માટે જમીન ન આપવા ખેડૂતો મક્કમ છે. વિકાસલક્ષી પ્રોજેક્ટો માત્ર સરકારી જમીન પર જ કરવામાં આવે તેવી ખેડૂતોની મુખ્ય માગ છે. કલેક્ટરે ખેડૂતોની રજૂઆતો સાંભળી યોગ્ય નિરાકરણની ખાતરી આપી છે. એક મહિના બાદ ખેડૂતોના પ્રશ્નો અને માગણીઓ અંગે પુનઃરિવ્યુ બેઠક યોજાશે. બેઠક સુખદ રહેતા ખેડૂતોનું પ્રસ્તાવિત આંદોલન હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે. જોકે, માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ખેડૂતો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

  • 13 Aug 2026 06:50 PM (IST)

    સુરતઃ મુંબઈથી MD ડ્રગ્સ ઘુસાડતા આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ

    સુરત ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી MD ડ્રગ્સ ઘુસાડતા આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. મિંઢોળા બ્રિજ પાસે પોલીસે તૌકીર ઉર્ફે બિલ્લા નામના પેડલરને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી રૂ.1.61 લાખની કિંમતનું 53 ગ્રામ MD ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. પૂછપરછમાં આરોપી મુંબઈના ધારાવી વિસ્તારમાંથી સમીર ઉર્ફે છોટુ પાસેથી ડ્રગ્સ લાવ્યો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે ઉન ગામના યાસીન શેખ અને મુંબઈના ડ્રગ સપ્લાયર સમીર ઉર્ફે છોટુને વોન્ટેડ જાહેર કર્યા છે. આરોપી તૌકીર મૂળ ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાનો વતની છે. હાલ ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી સુરત સુધીના ડ્રગ્સ સપ્લાય નેટવર્કની કડીઓ શોધવા તપાસ તેજ કરી છે.

  • 13 Aug 2026 06:48 PM (IST)

    બોટાદ: શહેર સહિત તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ

    બોટાદ શહેર સહિત તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં વરસાદ પડ્યો છે. બોટાદ જિલ્લાના પાળીયાદ, તરઘરા અને સેંથલીમાં પણ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સાળંગપુર, ખાભડા, કુંડલ, લાઠીદડ અને નાગલપરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે.

  • 13 Aug 2026 06:40 PM (IST)

    અમદાવાદઃ ઓઢવની નટરાજ સ્કૂલમાં 50 ટકા વિદ્યાર્થીઓ ગેરહાજર

    અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી નટરાજ સ્કૂલમાં વિદ્યાર્થીઓની ગેરહાજરીને લઈને ચોંકાવનારી વિગતો સામે આવી છે. જિલ્લા શિક્ષણ કચેરી (DEO)ની ટીમે કરેલી આકસ્મિક તપાસ દરમિયાન શાળામાં એકસાથે આશરે 50 ટકા વિદ્યાર્થીઓ ગેરહાજર જોવા મળ્યા હતા.

    મળતી માહિતી મુજબ, શાળામાં વિદ્યાર્થીઓની ખોટી હાજરી પૂરવા માટે શિક્ષકો પર સંચાલકો દ્વારા દબાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ થયો છે. આ અંગે કેટલાક શિક્ષકોએ DEO કચેરીમાં ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે DEOની ટીમ દ્વારા શાળામાં અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી.

    તપાસ દરમિયાન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગેરહાજર હોવાનું સામે આવતા શિક્ષણ વિભાગે નટરાજ સ્કૂલને નોટિસ ફટકારી છે. એકસાથે 50 ટકા વિદ્યાર્થીઓ કેમ ગેરહાજર રહ્યા તે અંગે શાળા સંચાલકો પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે.

  • 13 Aug 2026 06:30 PM (IST)

    અંબાજી-દાંતા પંથકમાં હાલ પ્રકૃતિ સોળે કળાએ ખીલી

    અંબાજી-દાંતા પંથકમાં હાલ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. અંબાજી-દાંતા માર્ગ પર ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાતા અરાવલીની ડુંગરમાળાઓ વાદળો સાથે સંતાકુકડી રમતી હોય તેવા અદભૂત દૃશ્યો જોવા મળ્યા હતા. પહાડી વિસ્તારોમાં વાદળો અને ધુમ્મસના કારણે જાણે હિમાલયની પર્વતમાળા જેવા નજારા સર્જાયા હતા. રસ્તા પર ધુમ્મસની ગાઢ ચાદર છવાતા વાહનચાલકોએ દિવસે પણ વાહનની લાઇટો ચાલુ રાખવાની ફરજ પડી હતી. ત્રિસુલિયા ઘાટ સહિત સમગ્ર અંબાજી-દાંતા પંથકના ડુંગરો ધુમ્મસ અને વાદળોથી ઢંકાઈ ગયા હતા. હળવા વરસાદી છાંટા વચ્ચે ડુંગરોએ જાણે લીલી ચાદર ઓઢી હોય મનમોહક દૃશ્યો સર્જાયા. આ ઉપરાંત માઉન્ટ આબુ જેવી ઠંડકની અનુભૂતિ થઈ હતી.

  • 13 Aug 2026 06:25 PM (IST)

    અમદાવાદમાં હવે શબ વાહિની માટે નહીં ચૂકવવો પડે ચાર્જ

    અમદાવાદમાં  હવે શબ વાહિની માટે કોઈ ચાર્જ ચૂકવવો નહીં પડે. AMC ની સ્ટેન્ડીંગ કમિટીમાં આ નિર્ણય લેવાયો છે. અત્યાર સુધી 50 રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો હતો,  પરંતુ હવે કોઈ ચાર્જ ચુકવવામાં નહીં આવે. AMC હદ વિસ્તારમાં અંતિમ વિધિ માટે શબ વાહિની માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં.

  • 13 Aug 2026 06:20 PM (IST)

    ભૂગર્ભ ગટરમાં વરસાદી પાણીનો નિકાલ ન કરવા સૂચના

    ભરૂચ શહેરમાં ભૂગર્ભ ગટરમાં વરસાદી પાણીનો નિકાલ ન કરવા અંગે નગરપાલિકાની અપીલ બાદ મામલો ગરમાયો. જુલાઈ મહિનાના છેલ્લા સપ્તાહમાં ભરૂચની અનેક સોસાયટીઓ તળાવમાં ફેરવાઈ જવાની ઘટના બાદ ભરૂચ નગરપાલિકાના આશ્ચર્યજનક નિર્ણય સામે વિપક્ષે સવાલ ઉઠાવ્યા. વિપક્ષનો આક્ષેપ છે કે જો ચોમાસામાં લોકો ભૂગર્ભ ગટરમાં પાણીનો નિકાલ નહીં કરે તો સાસાયટીમાંથી પાણી કંઈ રીતે બહાર નીકળશે અને સોસાયટીઓ તળાવમાં ફેરવાશે.

    તો બીજી તરફ નગરપાલિકાના ચીફ ઓફિસરનો દાવો છે કે વરસાદી પાણીમાં કચરો અને માટી હોય છે. જો તેનો નિકાલ ભૂગર્ભ ગટરમાં કરવામાં આવે તો નાન ચેમ્બરમાં કચરો અને માટી ભેગી થવાનું જોખમ છે. જેનાથી સિસ્ટમ ચોક-અપ થવાની સાથે બેકફ્લોની સમસ્યા સર્જાઈ શકે . તેમણે નાગરિકોને વરસાદી પાણી ભરાય ત્યારે નગરપાલિકાનો સંપર્ક કરવા અપીલ કરી.

  • 13 Aug 2026 06:10 PM (IST)

    સુરત : ઈચ્છાપોરમાં હાઈપ્રોફાઈલ જુગારના અડ્ડા પર પોલીસના દરોડા

    સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં હાઈપ્રોફાઈલ જુગારના અડ્ડા પર પોલીસે દરોડો પાડ્યો હોવાની ઘટના સામે આવી છે. પોલીસની કાર્યવાહીથી જુગાર રમતા લોકોમાં દોડધામ મચી હતી. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી જુગાર રમતા શખ્સોને ઝડપી પાડવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને જુગારના અડ્ડાનું સંચાલન કોણ કરતું હતું તેમજ અહીં કેટલા સમયથી જુગારની પ્રવૃત્તિ ચાલી રહી હતી તે સહિતના મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે.

  • 13 Aug 2026 06:00 PM (IST)

    કચ્છઃ ગાંધીધામના ભારતનગરમાં બબાલ મામલે આરોપી ઝડપાયો

    કચ્છના ગાંધીધામના ભારતનગરમાં તિરંગા વિતરણ દરમિયાન વેપારીઓ સાથે થયેલી બબાલ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં એક આરોપીની ધરપકડ કરી છે. આક્ષેપ છે કે કારમાં આવેલા શખ્સે વેપારીના સ્ટાફ સાથે મારામારી કરી હતી. સ્ટાફને બચાવવા વેપારીઓ વચ્ચે પડતાં મામલો વધુ ગરમાયો હતો. વેપારી એસોસિએશનના પ્રમુખ સહિત અન્ય વેપારીઓએ પણ વચ્ચે પડી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન વેપારીઓને કારથી કચડી નાખવાનો પ્રયાસ કરાયો હોવાના આક્ષેપો થયા છે. ઘટનાને પગલે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ એક્શનમાં આવી હતી. પૂર્વ કચ્છ પોલીસે આરોપીને ઝડપી પાડી ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું.

  • 13 Aug 2026 05:50 PM (IST)

    સુરતઃ 15 ઓગસ્ટે શાળાઓમાં અગાસી પર ધ્વજવંદન પર સંપૂર્ણ રોક

    સુરતમાં 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વને લઈને શિક્ષણ સમિતિએ મોટો નિર્ણય લીધો છે. શાળાઓમાં ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હવે શાળાની અગાસી કે ધાબા પર ધ્વજવંદન કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

    આ નિર્ણય સુમન સ્કૂલમાં બનેલી દુઃખદ ઘટનાને પગલે લેવામાં આવ્યો છે. સુમન સ્કૂલની અગાસી પર સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન કરંટ લાગતાં એક વિદ્યાર્થીનું મોત થયું હતું. આ ઘટનાને પગલે શિક્ષણ તંત્ર દ્વારા શાળાઓમાં યોજાતા ધ્વજવંદન કાર્યક્રમોની સુરક્ષા વ્યવસ્થાને લઈને ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.

  • 13 Aug 2026 05:45 PM (IST)

    કચ્છ: ખનિજ ચોરીના નામે ભ્રષ્ટાચારના આક્ષેપ

    કચ્છ જિલ્લામાં તળાવો ઊંડા કરવાના નામે ખનીજ ચોરી અને ભ્રષ્ટાચારના આક્ષેપો ફરી ચર્ચામાં આવ્યા છે. ભુજ તાલુકાના નાના વરનોરા ગામે બે તળાવમાં ગ્રામજનો અને પંચાયતને જાણ કર્યા વિના કામ પૂર્ણ કરી દેવાયું હોવાનો આરોપ છે. તલાટી-સરપંચની જાણ બહાર માત્ર સફાઈ બતાવી કામ પૂર્ણ ગણાવાયું, જ્યારે હકીકતમાં તળાવની માટી ખોદી વેચી દેવાઈ હોવાનો આક્ષેપ છે. ગ્રામજનો તાત્કાલિક તપાસની માંગ કરી રહ્યા છે.

    ગ્રામજનોએ નાયબ કાર્યપાલક ઈજનેરને લેખિત રજુઆત કરી છે. ગ્રામજનોએ નબળી ગુણવત્તા અને ખનીજ ચોરી અંગે ફરિયાદ કરી છે. આ અંગે અધિકારીએ જણાવ્યું કે સિંચાઈ વિભાગ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવશે અને ગેરરીતી જણાશે તો જવાબદારો સામે કાર્યવાહી થશે. અધિકારીએ સ્પષ્ટતા કરી કે આ કામ સિંચાઈ વિભાગ હસ્તકનું હોવાથી ગ્રામપંચાયત કક્ષાએ કોઈ મંજૂરી લેવાની રહેતી નથી.

  • 13 Aug 2026 05:32 PM (IST)

    ભરૂચના જંબુસરમાં તસ્કરોનો તરખાટ

    ભરૂચના જંબુસરમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો. બાઈક લઈને આવેલ તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થયાં છે. અહીંના જનરલ સ્ટોરમાંથી સિગરેટના મોટા જથ્થાની ચોરીનો બનાવ સામે આવ્યો હતો. જે બનાવનાં સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યાં છે..પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.

  • 13 Aug 2026 05:31 PM (IST)

    સુરતઃ ઉધનામાં વૃક્ષ પર લટકતી હાલતમાં મૃતદેહ મળ્યા

    સુરતના ઉધના વિસ્તારમાં યુવક અને યુવતીએ વૃક્ષ પર ગળાફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી છે. બંનેના મૃતદેહ વૃક્ષ પર લટકતી હાલતમાં મળી આવ્યા હતા.

    ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે યુવક અને યુવતી બંને મૂળ દાહોદ જિલ્લાના વતની હતા અને એક જ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

    મળતી માહિતી મુજબ, બંને દાહોદથી સુરત આવ્યા હતા અને ઉધના વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં રહીને મજૂરી કામ કરતા હતા. બંનેએ કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે હજુ ચોક્કસ માહિતી સામે આવી નથી.

    પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. બંને વચ્ચે કોઈ સંબંધ હતો કે અન્ય કોઈ કારણસર આ પગલું ભર્યું તે સહિતના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ આપઘાતનું ચોક્કસ કારણ સામે આવી શકે છે.

  • 13 Aug 2026 05:30 PM (IST)

    સાબરકાંઠાઃ ઈડરની હસનપુરા પ્રાથમિક શાળામાં ફૂડ પોઈઝનિંગ મામલે કડક કાર્યવાહી

    ઈડરની હસનપુરા પ્રાથમિક શાળામાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ પ્રાથમિક શિક્ષણ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. મધ્યાહન ભોજનની ગુણવત્તા નિરીક્ષણની જવાબદારી સંભાળતી શિક્ષિકાને ફરજ પરથી મોકૂફ કરવામાં આવ્યા છે.

    આ ઉપરાંત શાળાના આચાર્યને DPEO દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલિકા, રસોઈયા અને મદદનીશને પણ ફરજમુક્ત કરવામાં આવ્યા છે. ફૂડ પોઈઝનિંગની ઘટનાને પગલે જવાબદારો સામે વિભાગીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

  • 13 Aug 2026 05:29 PM (IST)

    અમદાવાદઃ કેતકી વ્યાસની ધરપકડ બાદ ACBની તપાસ તેજ

    કેતકી વ્યાસની ધરપકડ બાદ ACBની તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ACBની ટીમે બોડકદેવ ખાતે આવેલા શિવાલિક લીગસીના ફ્લેટમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. લગભગ 2 કલાક સુધી ફ્લેટમાં તપાસ કરવામાં આવી હતી. કેતકી વ્યાસને સાથે રાખીને ACBની ટીમે ફ્લેટમાં તપાસ હાથ ધરી હતી.

    અગાઉની તપાસ દરમિયાન ACB દ્વારા આ ફ્લેટને સીલ કરવામાં આવ્યો હતો. હવે ફ્લેટમાં પંચનામા સહિતની સર્ચ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે ACBની તપાસમાં વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.

  • 13 Aug 2026 05:29 PM (IST)

    રાજકોટઃ ધોરાજીમાં હડકાયા શ્વાનનો આતંક, 10થી વધુ લોકોને બચકાં ભર્યા

    ધોરાજીમાં હડકાયા શ્વાને આતંક મચાવ્યો છે. સ્ટેશન રોડથી જૂનાગઢ રોડ સુધી હડકાયા શ્વાને 10થી વધુ લોકોને બચકાં ભરતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. શ્વાનના હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

  • 13 Aug 2026 05:28 PM (IST)

    સુરત: હાઈટેન્શન વીજ વાયરને કારણે 5 કિમી સુધી વાહનો એક જ લેનમાં ચલાવવાની ફરજ

    દિલ્હીથી મુંબઈને જોડતા એક્સપ્રેસ હાઈવે-4 પર સુરત જિલ્લાના કોસંબા નજીક એસ્સાર કંપનીનો મોટો હાઈટેન્શન વીજ ટાવર હજી પણ યથાવત છે. આ ટાવર હાઈવેની વચ્ચે હોવાથી અંદાજે 5 કિલોમીટર સુધી વાહનવ્યવહાર એક જ લેનમાં ચલાવવો પડે છે. અગાઉ સર્વિસ રોડ બનાવીને આ ભાગ શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ ભારે વરસાદથી સર્વિસ રોડનું શોલ્ડરિંગ ધોવાઈ જતાં હાલ તે બંધ છે. હાઈવે ઓથોરિટી દ્વારા વારંવાર પત્ર લખવા છતાં એસ્સાર કંપનીએ જરૂરી કામગીરી ના કરતાં ટાવર ખસેડવાની કાર્યવાહી અટકી ગઈ છે.આ મુદ્દે હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટર પર લાચાર જોવા મળ્યાં. તેમણે કહ્યું કે વીજ ટાવર ખસેડી દેવામાં આવે તો બાકી રહેલા રોડનું કામ પૂર્ણ કરી શકાય છે.જો કે તેમણે આ સમસ્યાનાં ઉકેલ માટે 2 માસની આશ્વાસન આપ્યુ છે.

  • 13 Aug 2026 02:39 PM (IST)

    મહીસાગરમાં મકાનની દીવાલ ધરાશાયી થતા બે બાળકોના મોત

    મહીસાગરમાં મકાનની દીવાલ ધરાશાયી થતા બે બાળકોના મોત થયા છે. એક જ પરિવારના બે બાળકોના નીપજ્યા મોત. 2 વર્ષીય બાળક અને 3 વર્ષીય બાળકીનું કરુણ મોત. બાળકો આંગણામાં રમી રહ્યા હતા તેવામાં દીવાલ પડતા સર્જાઈ ઘટના.

  • 13 Aug 2026 02:36 PM (IST)

    રાજકોટના ધોરાજીમાં હડકાયા શ્વાનનો આતંક, 10થી વધુ લોકોને ભર્યા બચકાં

    રાજકોટના ધોરાજીમાં હડકાયા શ્વાનનો આતંક સામે આવ્યો છે. હડકાયા શ્વાને 10થી વધુ લોકોને બચકાં ભર્યા છે. સ્ટેશન રોડથી જૂનાગઢ રોડ સુધી શ્વાનનો આતંક. રાહદારીઓ અને વાહનચાલકોને શ્વાને બચકાં ભર્યા. મોટાભાગના લોકોને પગના ભાગે ઈજા. ઈજાગ્રસ્તોને સારવાર માટે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખસેડાયા. હડકાયા શ્વાનના આતંકથી સ્થાનિકોમાં ભયનો માહોલ.

  • 13 Aug 2026 02:27 PM (IST)

    અમરેલીના બાબરા શહેરમાં પરપ્રાંતીય શ્રમિકની હત્યા

    અમરેલીના બાબરા શહેરમાં પરપ્રાંતીય શ્રમિકની હત્યાનો બનાવ બન્યો છે. ભાવનગર હાઈવે પરના કારખાનામાં આધેડ શ્રમિકની હત્યા કરવામાં આવી છે. માથાના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા કરાઈ છે. રાત્રે સૂતા સમયે ક્રૂરતાપૂર્વક ઇજાઓ કરી હત્યા. કારખાનામાં કામ કરતા શ્રમિક દ્વારા હત્યાની આશંકા સેવાઈ રહી છે. હત્યાનું કારણ જાણવા બાબરા પોલીસની તપાસ શરૂ છે. આરોપીની શોધખોળ સહિત વધુ તપાસ હાથ ધરાઈ.

  • 13 Aug 2026 02:26 PM (IST)

    સાબરમતી રિવરફ્રન્ટ ઉપરથી નદીમાં કૂદીને સગીરાએ કરી આત્મહત્યા

    સાબરમતી રિવરફ્રન્ટથી નદીમાં કૂદીને સગીરાએ આત્મહત્યા કરી. પેટલાદની 17 વર્ષીય સનોફરબાનુંએ કર્યો આપઘાત. સાબરમતી નદીમાં ઝંપલાવી કરી આત્મહત્યા. પતિએ ઘરમાંથી કાઢી મૂકતાં કંટાળીને યુવતીએ નદીમાં ઝંપલાવ્યું. પ્રેમલગ્ન કરનાર પતિ ફરદીન શેખના ત્રાસથી કંટાળી અંતિમ પગલું ભર્યું. પતિ ફરદીન શેખ સામે દુષ્પ્રેરણ અંગે BNS કલમ 108  મુજબ ગુનો નોંધાયો. ફરદીન શેખ વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

  • 13 Aug 2026 02:20 PM (IST)

    ચોટીલા તાલુકામાં પ્રદૂષિત પાણીથી પશુઓના મોત થયા હોવાનો આક્ષેપ

    સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાં પ્રદૂષિત પાણીથી પશુઓના મોત થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હણીયા અને ગઢેચી ગામ નજીકની ઘટના. ખાનગી કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાનો આક્ષેપ. ડમ્પિંગ સાઈડમાં જમા થતા પાણી પીવાથી પશુઓના મોતનો આક્ષેપ. પશુપાલકોના આક્ષેપ મુજબ લોકોને ચામડીના રોગોની પણ અસર. કેમિકલયુક્ત પાણી ભાદર ડેમ મારફતે ભાલ વિસ્તારમાં જવાની આશંકા. આગામી દિવસોમાં વધુ રોગચાળો ફેલાવાની ભીતિ વ્યક્ત કરાઈ છે. સમગ્ર મામલે તંત્ર દ્વારા તપાસ અને કાર્યવાહી કરવાની માંગ.

  • 13 Aug 2026 01:35 PM (IST)

    ભ્રષ્ટ કેતકી વ્યાસ પાસેથી પગાર કરતા 67 ગણી વધુ મિલકત મળી, જમીન, મકાન, ફ્લેટ, વાહનો સહિતની સંપતિ વસાવી, પતિદેવ છે પોરબંદરના DySP

    આણંદના તત્કાલીન ડેપ્યુટી કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ કરવામાં આવી છે. એસીબી દ્વારા અપ્રમાણસર મિલકતની તપાસ કરવમાં આવી હતી. જેમાં ચોકાવનારી વિગતો સામે આવી છે. એસીબી દ્વારા વર્ષ 2023 થી અપ્રમાણસર મિલકતની તપાસ શરૂ કરવામાં આવી હતી. કેતકી વ્યાસની મિલકત તેના પગાર કરતા 67.84 ગણી વધારે મળી આવી. કેતકી વ્યાસ દ્વારા પગાર કરતા 3 કરોડથી વધુની મિલકત વસાવી. વધારાનું સંપતિ અંગે કેતકી વ્યાસ ખુલાસો કરી શક્યા નથી. એસીબી દ્વારા કેતકી વ્યાસ પર ફરિયાદ નોંધી ધરપકડ કરી છે. સેશન અને હાઈકોર્ટ દ્વારા  કેતકી વ્યાસના આગોતરા નામંજૂર કર્યા છે. એસીબી દ્વારા અમદવાદ ક્રાઈમ બ્રાન્ચની મદદથી કેતકી વ્યાસનું લોકેશન ટ્રેસ કરાવ્યું. કેતકી વ્યાસ શેલામાં તેમની બહેનના ઘરે રહેતા હતા, ત્યાંથી એસીબી એ ધરપકડ કરી. અલગ અલગ 24 જેટલા એકાઉન્ટમાં રકમ જમા કરેલી છે. આજે એસીબી બોડકદેવના ફ્લેટનું પંચનામું અને સર્ચ કરશે. કેતકી વ્યાસના પતિ પોરબંદર ખાતે dysp તરીકે ફરજ બજાવે છે.

  • 13 Aug 2026 01:16 PM (IST)

    સુરતમાં BRTS સિટીલિન્કના ડ્રાઈવરે બસ ડિવાઈડર પર ચઢાવી દીધી

    સુરતમાં BRTS સિટીલિન્કના ડ્રાઈવરને બેફામ ડ્રાઇવિંગ કરીને સર્જ્યો અકસ્માત. મોરાભાગળ સુભાષ ગાર્ડન પાસે બસ ડિવાઈડર પર ચઢાવી દીધી. બેફામ ડ્રાઇવિંગ કારણે મુસાફરો અને અન્ય વાહનચાલકોની સુરક્ષા સામે સવાલો ઉઠ્યા. શહેરમાં BRTS બસના અકસ્માતો વધ્યા છે.

  • 13 Aug 2026 12:13 PM (IST)

    કલોલ માણસા હાઈવે પર આવેલા ONGC પ્લાન્ટમાં લાગેલી આગ હવે કાબૂમાં આવી

    કલોલ માણસા હાઈવે પર આવેલા ONGC પ્લાન્ટમાં લાગી આગ. વહેલી સવારે ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ કાબૂમાં આવી. આગ પર કાબુ મેળવવા ફાયર વિભાગની ટીમે ભારે પ્રયાસ કર્યો હતો. હિટ ટ્રીટ મેટ પ્લાન્ટમાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આગને કારણે માણસા કલોલ હાઈવેનો એક તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.

  • 13 Aug 2026 11:53 AM (IST)

    આનંદ નિકેતન સ્કૂલને 10,000નો દંડ, ડિઝાઇનર અને એજ્યુકેશન કન્સલ્ટન્ટ ઉપરાંત બે સુપરવાઇઝર સસ્પેન્ડ

    અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલમાં, સર્જાયેલ વિવાદ બાદ શાળાએ શિક્ષણ વિભાગને રિપોર્ટ સોંપ્યો છે. જેમાં ઉલ્લેખ કરાયો છે કે, શાળાના ડિઝાઇનર અને એજ્યુકેશન કન્સલ્ટન્ટ એવા મુંજા સમ્સને સસ્પેન્ડ કર્યા છે. મુંજા સમ્સ શાળાના પૂર્વ ડિરેકટરી દિકરી છે. આ ઉપરાંત શાળાના બે સુપરવાઇઝરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે. નવા પ્રિન્સિપાલને નિમવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. આનંદ નિકેતનના કેન્ટીન ઇન્ચાર્જને પણ સસ્પેન્ડ કરાયા છે. પુસ્તક અંગે શાળાએ સ્પષ્ટતા કરી કે ધાર્મિક લાગણી દુભાય એવો ઇરાદો ના હતો તેવો ઉલ્લેખ કરાયો છે. શાળાએ રોજ પ્રાર્થના કરાવવા DEO ને બાંહેધરી આપી છે.

  • 13 Aug 2026 11:15 AM (IST)

    લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત

    લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી છે. વિપક્ષી સાંસદો દ્વારા કરવામાં આવેલા, સતત હોબાળાને કારણે આ વખતે ચોમાસુ સત્રની મોટાભાગે સંસદીય કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી.

  • 13 Aug 2026 10:45 AM (IST)

    સુરતના ઉધના વિસ્તારમાં પ્રેમી પંખીડાએ ઝાડ પર લટકીને કર્યો આપધાત

    સુરત શહેરનાં ઉધના વિસ્તારમાં બે પ્રેમી પંખીડાએ આપધાત કર્યો છે. બે દિવસ પહેલા જ  ભાગીને સુરત આવેલા હતા. ઝાડ ઉપર બંનેએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી. આપધાત કરવા પાછળનું કારણ શું તે દિશામાં તપાસ શરૂ કરી. મજૂરી કામ કરી ગુજરાન ચાલવતા હતા.

  • 13 Aug 2026 10:14 AM (IST)

    ભરૂચના અંકલેશ્વર-વાલિયા માર્ગ પર હિટ એન્ડ રન, 1નુ મોત

    ભરૂચના અંકલેશ્વર-વાલિયા માર્ગ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. કોસમડી ગામ નજીક સેમ્પોલ સ્કૂલ પાસે અકસ્માત થયો હતો. પૂરઝડપે જતી કારે રાહદારીને અડફેટે લેતા મોત થયું છે. અકસ્માત સર્જીને કારચાલક કાર સાથે થયો ફરાર. પોલીસે મૃતદેહને PM અર્થે ખસેડી હાથ ધરી તપાસ.

  • 13 Aug 2026 09:51 AM (IST)

    સુરત એન્ટી રેગિંગ કમિટીએ કર્યો ચોંકાવનારો ખુલાસો, માત્ર હર્ષ સાથે જ નહીં, અન્ય 7 થી 9 રેસિડેન્ટ ડોક્ટર સાથે થયું હતું રેગિંગ

    સુરત સિવિલ ડોકટર હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો ખુલાસો થવા પામ્યો છે. એન્ટી રેગિંગ કમિટીના રિપોર્ટમાં ચોંકવનારો ખુલાસો સામે આવ્યો છે. હર્ષ પંડ્યા સહિત 7 થી 9 રેસિડેન્ટ ડોક્ટર સાથે રેગિંગ થયાનો ખુલાસો થયો છે. હર્ષ પંડ્યા સાથે રેગિંગ થયું હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે. હર્ષ પંડ્યાના આપઘાતના કારણનો સ્પષ્ટ ઉલ્લેખ નહી. આત્મહત્યાને અપમૃત્યુમાં ગણાવવાનો પ્રયાસ. એન્ટી રેગિંગ કમિટીએ નર્મદ યુનિવર્સિટિને સોંપ્યો રિપોર્ટ. બીજી બાજુ ખટોદરા પોલીસે જવાબદારોને હાજર રહેવા નોટિસ પાઠવી છે.

  • 13 Aug 2026 09:28 AM (IST)

    પંચમહાલના ગોધરા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

    પંચમહાલના ગોધરા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી જ વરસી રહ્યો છે વરસાદ. ધોધમાર વરસાદને લઈને શહેરના તમામ માર્ગો થયા પાણી પાણી. નીચાણવાળા વિસ્તારોમાં આવેલ સોસાયટી વિસ્તારના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા. ગોધરાની આસપાસના વાવડી ખુર્દ, વાવડી બુઝર્ગ, ગદુકપુર, પોપટપુરા, છબનપુર, દરૂનિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ. વહેલી સવારથી જ વરસતા વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થયું છે.

  • 13 Aug 2026 09:16 AM (IST)

    મહેસાણાના સાંથલ પોલીસ સ્ટેશનમાં, PSO પર આરોપીએ કર્યો હુમલો

    મહેસાણાના સાંથલ પોલીસ સ્ટેશનમાં ફરજ પરના કર્મચારી પર હુમલો થયો. પીએસઓ ભરતભાઈ ચૌધરી ઉપ હુમલાનો પ્રયાસ થયો હતો. પાલેજના ધવલભાઈ પરમારે પોલીસ સ્ટેશનમાં ભારે બબાલ કરી. આરોપી ધવલે લોખંડની ખુરશી વડે પોલીસ પર હુમલો કર્યો. ધવલે પોલીસ કર્મચારી સાથે ગાળાગાળી અને ઝપાઝપી કરી. શક્તિસિંહનું ગળું દબાવી જાનથી મારવાનો પ્રયાસ કર્યો. આરોપી ધવલ પરમાર સામે સાંથલ પોલીસ મથકે ગુનો નોંધાયો.

  • 13 Aug 2026 09:14 AM (IST)

    શ્રાવણ માસના શુભારંભે સોમનાથમાં મેઘરાજાની અમી વર્ષા, ભક્તોની ભારે ભીડ

    શ્રાવણ માસના શુભારંભ સાથે સોમનાથમાં મેઘરાજાની અમી વર્ષા થઈ હતી. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ માર્ગ પર પેગોડા ટેન્ટ લગાવી યાત્રીઓને વરસાદ સામે રક્ષણ આપવાની વ્યવસ્થા યાત્રીઓએ બિરદાવી છે. પૂજા વિધિ કાઉન્ટરો, જૂતા ઘર, પ્રવેશ માટેની કેબિન અને ભીડ નિયંત્રિત કરવા સહિતના તમામ પૂર્વ આયોજન સાથે માનવ મેદનીને ઉત્તમ આતિથ્ય આપવાની ટ્રસ્ટની નેમ

  • 13 Aug 2026 07:59 AM (IST)

    ગુજરાતમાં 24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ, ખેડબ્રહ્મામાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ

    ગુજરાતમાં બુધવાર સવારના 6 વાગ્યાથી આજે ગુરુવાર સવારના 6 વાગ્યા સુધીના 24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં 83 મી.મી. નોંધાયો છે. આ સાથે ગુજરાત રાજ્યનો વર્તમાન ચોમાસામાં 72 ટકા વરસાદ નોંધાયો છે. ગુજરાતના ઝોન દીઠ વરસાદની સરેરશ જોઈએ તો, દક્ષિણ ગુજરાતમાં 98 ટકા, સૌરાષ્ટ્રમાં 54.93 ટકા, મધ્ય પૂર્વ ગુજરાતમાં 71 ટકા, ઉત્તર ગુજરાતમાં 54.81 ટકા અને કચ્છમાં માત્ર 29 ટકા જ વરસાદ વરસ્યો છે.

  • 13 Aug 2026 07:39 AM (IST)

    પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે જ રાજ્યભરના શિવાલયોમાં ઉમટ્યા શિવભક્તો

    પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે જ નિમિત્તે ઐતિહાસિક શિવધામો ભવ્ય શણગારથી ઝળહળી ઊઠ્યા છે. જામનગરના ભીડભંજન મહાદેવ અને કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે ફૂલો અને રંગબેરંગી રોશનીથી મનોરમ દ્રશ્યો સર્જાયા છે. પવિત્ર શ્રાવણ માસમાં દર્શનાર્થે મોટી સંખ્યામાં શિવભક્તો મંદિરોએ ઉમટ્યા છે. પ્રાચીન અને ઐતિહાસિક શિવધામોના કારણે જામનગર શહેરની ‘છોટી કાશી’ તરીકે અનોખી ઓળખ થાય છે.

  • 13 Aug 2026 07:31 AM (IST)

    સંસદનું ચોમાસુ સત્ર આજે પૂર્ણ થશે

    સંસદનું ચોમાસુ સત્ર આજે, 13 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે. સરકારે વિદ્યાર્થીઓના NEET મુદ્દે વિરોધ પ્રદર્શન અંગે વિગતવાર ચર્ચા કરવાની રજૂઆત કરી છે. આજે હાથ ધરાનાર સંસદીય કાર્યવાહીમાં જ ખબર પડશે કે વિપક્ષ હોબાળો મચાવશે કે ચર્ચામાં જોડાશે.

  • 13 Aug 2026 07:18 AM (IST)

    લદ્દાખના લેહમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.5 ની તીવ્રતા નોંધાઈ

    આજે, ગુરુવારે સવારે 6:05 વાગ્યે લદ્દાખની રાજધાની લેહમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપના આંચકાની તીવ્રતા 5.5 ની નોંધાઈ હતી. પ્રાથમિક અહેવાલ અનુસાર જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ હજુ સુધી સામે આવ્યા નથી.

Published On - Aug 13,2026 7:18 AM

Follow Us
g clip-path="url(#clip0_868_265)">